રવીન્દ્રપર્વ/૯૬. કત અજાનારે જાનાઇલે તુમિ
૯૬. કત અજાનારે જાનાઇલે તુમિ
કેટલાંક અજાણ્યાંને તેં ઓળખાવ્યાં, કેટલાંય ઘરમાં તેં મને સ્થાન આપ્યું. તેં દૂરને નિકટનું કર્યું. હે મિત્ર, તેં પારકાને ભાઈ બનાવ્યા. જ્યારે જૂનું ઘર છોડીને જાઉં ત્યારે કોણ જાણે મારું શું થશે એવી ચિન્તા કરી કરીને મરી જાઉં છું. નૂતનમાં તું પુરાતન રહ્યો જ છે એ વાત હું ભૂલી જાઉં છું. જીવનમાં ને મરણમાં સમસ્ત ભુવનમાં જ્યારે જ્યાં મને લઈ જશે ત્યાં હે સદા કાળના પરિચિત, તું જ મને બધાંને ઓળખાવશે. તને જાણ્યા પછી નથી કોઈ પારકું નથી કોઈ મના કે નથી કોઈ ડર. બધાંને મેળવીને તું જાગ્રત બેઠેલો છે એવું દર્શન સદા સર્વદા જાણે પામું. (ગીત-પંચશતી)