રાજા-રાણી/ત્રીજો પ્રવેશ

ત્રીજો પ્રવેશ

પહેલો અંક


         સ્થળ : અંત :પુર-પ્રમોદવન. વિક્રમદેવ અને સુમિત્રા.

વિક્રમદેવ : લજ્જાથી નમેલી નવોઢા સમી આ રસીલી નીરવ સંધ્યા, ઓ પ્રિયતમે, મંદ મંદ પગલે કુંજમાં ચાલી આવે છે; અને જુઓ, સામે પેલી ગંભીર રાત્રિ, એ કનક-કાંતિને પી જવા પોતાનો અનંત અંધકાર પાથરીને ઊભી છે. હુંયે એની માફક મારું હૃદય પ્રસારીને ઊભો છું — તમારા એ હાસ્યનું, એ રૂપનું અને એ જ્યોતિનું પાન કરી જવા માટે, પ્રિયે! આવો, સોનાની પગલીઓ પાડતાં પાડતાં આવો. દીવા-લોકને તીરેથી આ અગાધ અંત :કરણના અંધારા સાગરમાં ઊતરી આવો. કહો, ક્યાં હતાં, વહાલી?
સુમિત્રા : સદા તમારી જ પાસે રહું છું, પ્રભુ, બીજે ક્યાંય નહીં. વિશ્વાસ ધરજો કે નિરંતર હું તમારી જ છું. કદાચ ગૃહકામમાં ગુંથાયેલી હોઉં, તો સમજજો, સ્વામી, કે એ ગૃહ ને એ કામ તમારાં જ છે.
વિક્રમદેવ : જવા દો એ ઘરને, અને એ ઘરનાં કામને. રાણીજી, તમે આ સંસારનાં નિવાસી નથી, હૃદયનાં પ્રાણી છો. તમારાં ઘરબાર તો મારા અંતરમાં છે, બીજે તમારું ઘર ન હોય. સંસારનાં કામકાજ ભલે સંસારમાં પડ્યાં સડતાં.
સુમિત્રા : બસ, ફક્ત તમારા અંતરમાં જ વસનારી હું? બહારની નહીં, નાથ? ના, ના! હું તો તમારી અંદર અને બહાર, બેયની અધિકારિણી. અંદરની હું તમારી પ્રેયસી, અને બહારની તમારી મહિષી.
વિક્રમદેવ : હાય વહાલી, એ સુભાગી દિવસ આજે કાં સ્વપ્નસમો મનમાં લાગે? એ દિવસ, જ્યારે આપણું પહેલી વારનું મિલન થયું. એ મિલન! કેવી એ પ્રથમ પ્રેમની રોશની! જોતજોતામાં તો જાણે આખા દેહ અને દિલ ઉપર કેવું જોબન વિકસી પડેલું! રાત્રિએ હૈયાં કેવાં દ્રવતાં હતાં! કેવી એ આંખોની પાંપણો પર ઝૂલતી લજ્જા! જાણે ફૂલોની પાંખડી પર ઝાકળનું બિન્દુ હીંચી રહેલું! અને કેવું એ અધર પરનું હાસ્ય! સંધ્યાની પવન-લહરીઓથી કંપતી, દીવાની જ્યોત જેવી એ હાસ્યજ્યોત પણ ઘડીકમાં ઝબકતી હતી, ને ઘડીકમાં બુઝાતી હતી; ઓ! નયને નયન મળતાં, ત્યાં તો નજર પાછી વળી જતી; અંતરમાં કૈં કૈં વાતો ઊભરાતી હતી; એ કૌતૂક જોતો ગગનમાં ચંદ્ર હસતો હતો; અને બારી પાસે લપાઈને તારાઓ ડોકિયાં કરતા હતા; ત્યાર પછી ત્યાર પછી તો પ્રભાતે છલ છલ થતી એ આંખો, વિયોગની બીકે એ ગાઢ આલિંગન, અને ઘડીભરની જુદાઈથી પણ વ્યાકુલ બની જતું એ હૃદય! તે દિવસે ગૃહ કાજ ક્યાં હતાં? ક્યાં હતી, ઓ પ્રિયે, સંસારની એ ફિકરચિંતાઓ?
સુમિત્રા : તે દિવસે તો આપણે બે નાનાં નાનાં છોકરાં હતાં; અને આજે તો, પ્રભુ, આપણે રાજા-રાણી છીએ.
વિક્રમદેવ : રાજા-રાણી? ક્યાં છે રાજા? ક્યાં છે રાણી? ના, હું રાજા નથી! આજ તો સૂનું સિંહાસન રડે છે! અને, ઓ રાણીજી! આ રાજકાર્યના ગંજેગંજ પડ્યા છે, તે તો તમારાં ચરણો નીચે ચગદાઈને ચૂરેચૂરા બની જાય છે.
સુમિત્રા : અરે! અરે! આ શું બોલો છો, સ્વામી? સાંભળીને હું લાજી મરું છું. આનું નામ શું પ્રીતિ? મધ્ય-આકાશે ચડેલા સૂર્યને કોઈ વાદળી ઢાંકી રાખે તે માફક શું આ પ્રીતિએ તમારા ઉજ્જ્વલ પ્રતાપને ઢાંકી દીધેલો છે? સાંભળો, વહાલા, તમે તો મારું સર્વસ્વ છો — મહારાજા છો, અને સ્વામી છો. હું તો માત્ર તમને અનુસરનારી એક છાયા છું — વિશેષ કંઈ નહીં. મને ન શરમાવો; રાજલક્ષ્મીના કરતાંયે અદકી વહાલી મને ન કરો, નાથ!
વિક્રમદેવ : મારો પ્રેમ તું શું નથી માગતી?
સુમિત્રા : માગું છું; પણ જરીક, બધો નહીં. તમારા હૃદયના એક ખૂણામાં મને આસન આપો, પણ આખુંય હૃદય મને ન આપી બેસો, પ્રભુ!
વિક્રમદેવ : ઓ! આજ સુધીયે ન સમજાયું આ નારીનું હૃદય.
સુમિત્રા : પ્રભુ, તમે પુરુષો બધા; તમારે તો મોટાં તરુવરોની માફક દૃઢ બનીને, ઊંચે સ્વબળથી ઊભા રહેવું ઘટે. એમ ન હોય તો અમે અબળા વનવેલીઓ શી રીતે તમારી ડાળે વીંટાઈને આશરો પામશું? તમે પુરુષો જો તમારાં આખાં ને આખાં હૃદય અમને આપી બેસશો, તો પછી અમારી પ્રીતિ ઝીલનારું કોણ રહેશે? અમારા સંસારનો ભાર વહેનારું કોણ રહેશે? થોડી પ્રીત રાખો; થોડી વળી બેપરવાઈ બતાવો; જરી વળી છૂટા ફરો; એ જ તમને શોભે, સ્વામી. તમે પુરુષો તો પ્રચંડ વડલા જેવા રહો. હજારો પંખી માળા બાંધે, પ્રવાસીઓ વિસામા કરે, ને તપેલી ધરણીને શીળી છાંયડી મળે; મેઘ રાજાના તો તમે બાંધવ, વાવાઝોડાના સમોવડિયા, અને લતાઓના તમે આશરા કહેવાઓ, વહાલા!
વિક્રમદેવ : એ વાતોને પડતી મેલો. જુઓ પ્રિયે, આ સંધ્યાને સમય, કેટકેટલાં પંખી-યુગલ કિલકિલાટ બંધ કરીને માળામાં ચુપચાપ પ્રેમ-સુખથી પોઢી રહ્યાં છે! તો પછી શા માટે આપણે બન્ને જ વાતો ઉપર વાતો વરસાવતાં બેસીએ? આવો, વાતોના દરવાજા બંધ કરીને એ દરવાજે આપણા અધરોને પહેરીગીર બનાવી પરસ્પર લગાવી દઈએ.

[ચુંબન કરવા જાય છે, કંચુકી પ્રવેશ કરે છે.]

કંચુકી : મહારાજ! મંત્રીજી પધાર્યા છે. તે અબઘડી જ મળવા માગે છે. કહે છે કે તાકીદનું રાજ-કામ છે, રોકાવાય તેમ નથી.
વિક્રમદેવ : તું, મંત્રી અને રાજ-કામ : જાઓ બધાં જહાનમમાં. મંત્રીની સાથે ભલે આ રાજપાટ પણ રસાતળ જતું!

[કંચુકી જાય છે.]

સુમિત્રા : જાઓ, વહાલા, જાઓને!
વિક્રમદેવ : બસ, વારે વારે જવાની જ વાત! રે નિષ્ઠુર, હૃદયહીન, બસ, જાઓ જાઓ, અને કામ કામ? તું જાણે છે કે હું જઈ શકતો નથી! આ ચાલ્યો; ક્યાં રહેવાની પરવા છે? બે હાથ જોડીને કોણ તારી કૃપાના અણમોલા બિન્દુઓ માગે છે? આ ચાલ્યો. [રાણીની આંખમાં આંસુ આવે છે] ના, ના; ઓ અંતરને બાઝેલી મારી વેલી! મને માફ કર; આંખો લૂછી નાખ, મારા સમ એ દીન મોં બદલી નાખી, એક વાર હસ; અગર ભલે, એક વાર કોપની ભ્રૂકુટી ચડાવ; લે, મને સજા કર; તિરસ્કાર કર.

[પાસે જવા જાય છે.]

સુમિત્રા : ના, પ્રભુ! પાસે ન આવતા, અત્યારે સમય નથી હો! લો, આ મેં આંસુ લૂછી નાખ્યું; બસ? હવે જાઓ રાજને કામે.
વિક્રમદેવ : હાય રે નારી, તારું અંતર આવું કઠોર? ખરું જ કહું છું, પ્રિયા, કાંઈ જ કામ નહીં હોય. બસ, નકામા મને હેરાન કર્યા કરે છે. શું કામ હોય? વસુંધરામાં ભરપૂર અન્ન પાક્યું છે, પ્રજા સુખમાં મહાલે છે, ને રાજવહીવટ પણ વિનાવિઘ્ને ચાલ્યા કરે છે. આ તો આપણા જ્ઞાની અને વૃદ્ધ મંત્રી લગાર વધુ પડતા સાવધાન ખરાને, એટલે નાનકડી મુશ્કેલી માટે પણ બહુ પજવ્યા કરે છે.
સુમિત્રા : ના, ના, એમ ન હોય. ઓ, સાંભળો! આક્રંદના સૂર આવે છે — દુઃખી પ્રજા જાણે બોલાવે છે! ઓ મારાં બચ્ચાંઓ, તમે નમાયાં નથી હો! હું બેઠી છું, હજી હું જીવતી બેઠી છું, આ રાજ્યની હું રાણી છું, તમારી જનેતા છું. આ આવી.

[જાય છે.]