રાજા-રાણી/ત્રીજો પ્રવેશ4

ત્રીજો પ્રવેશ

પાંચમો અંક


         સ્થળ : ત્રિચૂડ : રાજમહેલ. અમરુરાજ અને કુમારસેન.

અમરુરાજ : ચાલ્યો જા મારા રાજમાંથી; આવીશ મા, નહીં તો તુંયે ડૂબીશ, મનેય સાથે ડુબાડીશ. તું જાલંધરપતિનો અપરાધી, તને મારાથી આશરો નહીં અપાય. અહીં તારે માટે જગ્યા નથી.
કુમારસેન : અમરુરાજ, હું આશરો લેવા નથી આવ્યો. હું તો મારા તકદીરના મહાસાગરમાં મારી જીવનનૌકાને છોડી દેવા જ નીકળ્યો છું. પરંતુ તે પહેલાં એક વાર — ફક્ત એક જ વાર — ઇલા કુમારીને મળી લઉં, એટલી જ મારી ભિક્ષા છે.
અમરુરાજ : ઇલાને મળવા? મળીને શું કરવું છે? મળવાથી શું વળવાનું છે? મતલબી માનવ! આજ ગૃહહીન, આશાહીન, અપમાનિત અને મૃત્યુના મોંમાં પડેલો તું — ઇલાના હૃદયમાં પ્રેમની સ્મૃતિ જગાવવા શા માટે આવ્યો છે?
કુમારસેન : શા માટે આવ્યો છું? હાય, રાજન્, એ તમને શી રીતે સમજાવું?
અમરુરાજ : વિપદના પૂરમાં ઘસડાતો જતો તું તીરે ઊભેલી એક નાજુક પુષ્પલતાને પકડવા શા માટે વલખાં મારી રહ્યો છે, અભાગી? જા, તણાઈ જા.
કુમારસેન : આર્ય, મારી વિપદ ને મારું દુઃખ આજ મારાં એકલાનાં નથી, પણ અમારી બેલડીનાં છે. પ્રેમ કેવળ સંપદનો જ ભોગી નથી, મહારાજ! એક વાર મને વિદાય માગી લેવા દો — બસ, બે જ પળ મળવા દો.
અમરુરાજ : વિદાય તો તેં સદાકાળને માટે માગી લીધી છે. હવે ન હોય. ચાલ્યો જા. વિદાયની વાત એ બિચારીને ભૂલવા દે. એના હસતા મોં ઉપર જીવનભરનો અંધકાર નથી ઉતારવો.
કુમારસેન : જો મારાથી ભુલાતું હોત, તો એને પણ હું ભૂલવા દેત. પરંતુ હું કોલ દઈને ગયો હતો કે ‘પાછો મળીશ’. હું જાણું છે કે મારે ભરોસે આજ એ મારી વાટ જોતી બેઠી હશે. એવા સરલ અગાધ વિશ્વાસને હું આજ કેમ કરીને તૂટવા દઉં!
અમરુરાજ : ભલે તૂટી જતો એ વિશ્વાસ! નહીંતર એ પોતાના જીવનને નવે પંથે નહીં વાળી શકે. જીવનભરના સંતાપ કરતાં આ અલ્પ સમયની વેદના ભલે ભોગવી લે.
કુમારસેન : રાજન્, ભૂલો છો તમે. તમે પોતે જ એકવાર મારે હાથે સોંપી દીધેલાં એનાં સુખદુઃખ હવે તમે પાછાં મારા હાથમાંથી છીનવી નહીં લઈ શકો. તમે તમારી દીકરીને નથી ઓળખતા. ઓળખી શકશો પણ નહીં. તમે જેને સુખ અને દુઃખ કહો છો, તે એનાં સુખદુઃખ નથી. માટે એક વાર મને મળવા દો — બસ એક જ વાર!
અમરુરાજ : ના, ના, નિશ્ચિંત રહેજે. મેં એને ક્યારનુંયે કહી દીધું છે કે અમને ઊતરતા કુળના માનીને, અમારો તિરસ્કાર કરી તું કાશ્મીરમાં જ છાનોમાનો રહ્યો છે; અને પરદેશમાં યુદ્ધે જવાનું તો માત્ર વિવાહ તોડવાનું બહાનું જ હતું!
કુમારસેન : હાય! આવી ઠગાઈ! ધિક્કાર છે, રાજા! એ નિર્દોષ બાલિકા શું તારી દીકરી હોઈ શકે? એ નિષ્ઠુર જૂઠાણું ઉચ્ચારતી વખતે શું વિધાતા ઊંઘતો હતો? તારા મસ્તક પર વજ્ર ન તૂટી પડ્યું? અને એ ભયાનક અસત્ય સાંભળ્યા પછી હજુયે શું ઇલા જીવતી રહી છે? જવા દે મને! નહીં જવા દે શું? તો ખેંચ તરવાર, ને ઉડાવી દે આ માથું. પછી જઈને કહે એને, કે ‘કુમાર મરી ગયો.’ પણ એને છેતર ના!

[શંકર પ્રવેશ કરે છે.]

શંકર : ભાઈ, બાતમી મળી છે કે તમારી શોધમાં શત્રુનો જાસૂસ આવે છે. ચાલો નાસીએ.
કુમારસેન : હવે નાસીને ક્યાં જવું છે? છુપાઈને શું કરવું છે? હવે જીવતા નહીં રહેવાય!
શંકર : જંગલમાં સુમિત્રા બહેન તમારી વાટ જુએ છે, બાપુ!
કુમારસેન : હા, હા, ચાલો ત્યારે. ઇલા! ક્યાં છે તું, ઇલા! તારે દ્વારે આવીને જ પાછો ફરું છું હો! દુઃખને વખતે જગતની ચારેય દિશામાંથી આનંદનાં દ્વાર દેવાઈ જાય છે! પણ વહાલી, હું હતભાગી છું તેટલા ખાતર મને વિશ્વાસઘાતી ન કહેતી, હો! ચાલો, શંકર.