રાજા-રાણી/નિવેદન

નિવેદન


કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું, એમણે ત્રીસ વર્ષની વયે રચેલું બંગાળી નાટક ‘રાજા ઓ રાની’ મારા હાથમાં મારી અઠ્યાવીસની ઉંમરે આવ્યું, અને હું એના પર મુગ્ધ બન્યો. અનુવાદ કર્યો, ને એ 1924ના એપ્રિલમાં ‘સૌરાષ્ટ્ર સાહિત્ય શ્રેણી’ તરફથી પ્રગટ કરાવ્યો. મૂળ કૃતિ બંગાળાના પ્રખ્યાત પ્રતાપી પયાર છંદમાં જ સાંગોપાંગ રચાઈ છે. મેં એને ગદ્ય-વાહન આપ્યું છે. આજે એકવીસ વર્ષે એની નવી આવૃત્તિ કરવા ટાણે સ્વાભાવિક પ્રશ્ન થયો : આટલો ગાળો કેમ ગયો? કૃતિ નબળી હતી? પ્રેસમાં આપતા પહેલાં પૂરેપૂરું વાંચી ગયો, અને જવાબ મળ્યો : ના, કૃતિનો દોષ મુદ્દલ નથી; ફરીવાર બહાર મૂકવા લાયક છે; એટલું જ નહિ પણ આ તો શ્રાવ્ય નાટક લેખે જેટલું સુવાચ્ય છે તેટલું દૃશ્ય નાટક તરીકે તખ્તા પર ચડવા લાયક પણ છે. યાદ આવે છે કે સ્વ. કવિવરે તો આ કથાવસ્તુને પુનઃ એક નવી, વધુ મોટી નાટ્યકૃતિમાં ઉતાર્યું છે, પણ એનું નામ સ્મૃતિમાં નથી રહ્યું. માનું છું કે મૂળ ‘રાજા ઓ રાની’ને કવિવરે રદ કરેલ હશે. તેમ છતાં મારો મૂળ માટેનો મુગ્ધભાવ હું મિટાવી શકતો નથી. આ કૃતિને કર્તાએ જો અપક્વ ગણીને રદ કરી હોય, તો ઐતિહાસિક હિસાબે એ સંઘરવાને પાત્ર છે. ત્રીસ વર્ષની વયે કવિવરની સર્જકતા કેટલા મોટા વિકાસને પામી હતી તેની એ પ્રતીતિ પૂરે છે. મૂળ કોઈક ઐતિહાસિક વસ્તુ કર્તાને હાથ પડ્યું હશે, પણ તે યે કેટલું હશે તેની આપણને ખબર નથી. આપણી સામે તો કવિવરનું જ સરજેલું આ કથાનક છે, કે — જાલંધર દેશનો રાજા વિક્રમદેવ પોતાની કાશ્મીરી રાણી સુમિત્રાની ઉપર વધુ પડતો આસક્ત બની રાજકારોબારને વિસારી બેઠો છે. એની લાપરવાહીનો ગેરલાભ લઈને રાણી સુમિત્રાના પિયરવાળા કાશ્મીરીઓ જ સકળ રાજસત્તા હસ્તગત કરી પ્રજાને પીડી રહેલ છે. રાણી સુમિત્રા પોતાનાં પિયરિયાંનો આ દમન-દોર સહન કરી શકતી નથી. પોતાના પર લટ્ટુ બનીને અંત :પુરને વિશે જ પડ્યા રહેવા માગતા, કઠોર રાજકર્તૃત્વથી વિરક્ત બનેલા સ્વામીને રાણી રાજકર્તવ્ય તરફ ધકેલવા મથે છે. વિક્રમદેવને સુમિત્રાના આવા વલણથી ઊલટાની એવી શંકા આવે છે, કે સુમિત્રાના હૃદયમાં પ્રેમ નથી. ઉપેક્ષાની આશંકાઓથી વ્યથાઘાત પામતો એ સ્વામી જ્યારે અંત :પુરનો મોહ છોડી શકતો નથી, પ્રજાની સંભાળ લેવા સજગ બનતો નથી, ત્યારે રાણી સુમિત્રાને એનો અંતરાત્મા એક જ ઉપાય સુઝાડે છે : પોતે જ સ્વામીના માર્ગમાંથી અદૃશ્ય થવું કે જેથી સ્વામી મોહમુક્ત બને. છૂપા વેશે નીકળી જઈને સુમિત્રા કાશ્મીર પહોંચે છે. પોતાના વીર ભાઈ કુમારસેનને મળે છે, અને પતિને આવરી બેઠેલાં પિયરિયાંઓ પર ભાઈને સૈન્ય લઈ ચઢાઈ કરાવે છે. કાશ્મીર-કુમારની આ ચઢાઈ વિશે જાલંધરરાજ વિક્રમદેવના અંતરમાં ઊલટી, ઝેરી સમજણ ઊભી કરવામાં પ્રપંચીજનો ફાવે છે, અને હવે રાણીની ગેરહાજરીથી મોહમુક્ત બનેલો વિક્રમદેવ, — જે મૂળે તો બહાદુર છે જ — જેટલો પ્રેમમાં ઉન્મત્ત હતો, તેટલો જ યુદ્ધોન્મત્ત બનીને પોતાને માથે ચડી આવતા ભાસેલા કાશ્મીર-કુમારની સામે રણે ચડે છે, અને એને પકડી પાડવા માટે કાશ્મીરનાં જનપદોનો જલાવતો પાગલ-શો ઘૂમે છે. એને સાચી સમજણ કરાવવાનો કોઈ ઇલાજ રહેતો નથી. એ તલસે છે કેવળ એક કુમારસેનના જ પ્રાણને માટે. કુમારસેનનાં દળકટક નષ્ટ થાય છે, ભાઈ ને બહેન, કુમાર-સુમિત્રા નાસી છૂટે છે, બેહાલ બને છે. એનું મુખ્ય કારણ એનાં કાકો-કાકી બને છે. કાશ્મીરની ગાદી પર બેઠેલો સગો કાકો, કાકીની રાજલોભપ્રેરિત સલાહોને વશ બની જઈ ભત્રીજાને કુમક મોકલવાનું બંધ કરી દઈ, ઊલટાનો ચડી આવેલા વિક્રમદેવનો શરણાગત બને છે, કાશ્મીર એને સોંપી દે છે, અને કુમારને વિદ્રોહી ઠરાવી, એની ધરપકડ માટે વિક્રમદેવનો માર્ગ મોકળો કરી આપે છે. થોડા જ દિવસોમાં તો કુમારસેનનાં, ત્રિચૂડ રાજકન્યા ઈલાની સાથે લગ્ન થવાનાં હતાં, અને એને કાશ્મીરનું રાજપાટ સોંપાવાનું હતું. એને બદલે તો ઈલાનો પિતા ત્રિચૂડરાજ પોતાના જમાઈને પોતાને ત્યાં સંઘરવાની ના કહી, એને જાકારો આપે છે, ઈલા સાથે એનો ભેટો પણ થવા દેતો નથી, અને પોતાને ઘેર આવેલા જાલંધરપતિ વિક્રમદેવને પુત્રી ઈલા પરણાવવા તત્પર બને છે. પછી સાચી વસ્તુસ્થિતિ પ્રત્યે વિક્રમદેવની આંખો ઉઘડાવનાર એ ઈલા જ બને છે. પ્રણય કરવા આવેલો વિક્રમદેવ ઈલાનો કુમારસેન પ્રત્યેનો સુદૃઢ સુકોમળ સ્નેહ એના અતિ કરુણાર્દ્ર સ્વરૂપમાં નિહાળીને દ્રવી ઊઠે છે, પોતે જેને હારી બેઠેલ છે તે જ દાંપત્યનો વિચ્છેદ આ નવી નારીના જીવનમાં ન વર્તાવવાનો, બલકે ઈલાને એનો પિયુ પાછો મેળવી આપવાનો નવો ભાવ એનામાં સ્ફૂરે છે, અને એ કુમારસેનની વધુ ઉત્કટતાભરી શોધે ચડે છે. પણ એ શોધનો નવો સદાશય ન જાણનારાં કાશ્મીરી પ્રજાજનો તો પોતાના લાડીલા કુમારને વધુ ને વધુ છુપાવતાં જ રહે છે. શોધમાં મોકલાયેલા જાલંધર-સૈનિકો પણ બહારવટિયો પકડવાના જ જૂના તૉરમાં જનપદ પર જુલમાટો વર્તાવ્યે જાય છે. અને જંગલમાં બેહાલ ભટકતાં ભાઈ-બહેન કુમાર-સુમિત્રા સાચી વાત ન જાણવા પામેલ હોઈને, આ પ્રજાજનો પર ગુજરતા ત્રાસને વધુ વાર સહી શકતાં પણ નથી. શું કરવું તેનો બન્ને જણાં વિચાર કરે છે. એક માર્ગ એ છે કે ભાઈએ વિક્રમદેવની પાસે જાતે જઈ જીવતા સોંપાવું, એટલે પ્રજાની સતામણી અટકે. નહિ નહિ, એ કરતાં તો મરવું ભલું! એવી નામોશી વહોરવા — એટલે કે જીવતો શરણે થવા — કુમારસેન ના કહે છે. અને પોતાનું મસ્તક જ લઈ જઈને વિક્રમદેવને સોંપવા જવાનું બહેન પાસે કબૂલ કરાવે છે. કુમારસેન શરણે થવા આવે છે એવા સમાચાર વિક્રમદેવને પહોંચાડવામાં આવતાં એ બાપડો કુમાર-ઈલાનાં લગ્ન ઊજવવાના કોડે ઊછળતો સત્કાર માટે તૈયાર બેસે છે. બંધ પડદાવાળી પાલખીમાં બેસીને કુમાર આવે છે એ સમાચાર મળતાં પોતે એમ માને છે કે કુમાર શરમનો માર્યો એમ આવતો હશે. પછી રાજદરબારમાં આવી પહોંચેલી એ શિબિકાની અંદરથી થાળમાં ભાઈનું છેદેલું માથું લઈને સુમિત્રા પતિસન્મુખ ખડી થાય છે; ચિત્કાર કરતી કરતી એ પણ ત્યાં ભાંગી ભુક્કા થાય છે, અને આ નાટકની એવી સમાપ્તિમાં એક જ વસ્તુ વિલસી રહે છે. ‘ડ્રામૅટિક આયરની’ : વિધિની વક્રતા : માનવસંસારની અંદર વિષમ વિનાશ-લીલા મચાવી દઈ અનેક સદાશયોને એકાએક ધૂળ મેળવતી પ્રારબ્ધની વિડમ્બના. આ પ્રારબ્ધ-હાંસીનું સૌથી વધુ કરુણ પાત્ર અને નાટકનો નાયક વિક્રમદેવ છે. એ વિદ્વાન છે, રસિક છે, વીર છે, પણ જીવનનાં કર્તવ્ય અને પ્રેમ એ બે તત્ત્વોની વચ્ચે સમધારણ સાચવી શકતો નથી. રાજલક્ષ્મીના કરતાં પણ પત્નીને એ વધુ વહાલી માને છે, કઠોર સંસારની — સ્વધર્મની ઉપેક્ષા કરીને એ કેવળ પ્રણય-સુખમાં જ ડૂબી રહેવા માગે છે. એના પરિણામે એને છતી સન્નિષ્ઠાએ પણ આખરે સર્વસ્વ હારવું પડે છે. જીવનના સમગ્ર ધ્વંસ વચ્ચે એનું એકાકી જીવતા રહેવું, એ આ નાટકના કરુણ રસની પરાકાષ્ટા છે. નાયકના સર્વનાશની કારણભૂત રાણી સુમિત્રા, એ આ નાટકની મોટામાં મોટી વિધિ-વક્રતા છે. પતિના સકલ સંસાર-ધર્મની અંદર પોતાનું સ્થાન પોતે એક નાના ખૂણામાં જ માગે છે, એ બહુ બહુ સમજાવે છે કે ‘તમે પુરુષો જો તમારાં આખાં ને આખાં હૃદય અમને સ્ત્રીઓને આપી બેસશો તો પછી અમારી પ્રીતિ ઝીલનારું કોણ રહેશે? અમારા સંસારનો ભાર વહેનારું કોણ રહેશે? થોડી પ્રીત રાખો, થોડી બેપરવાઈ બતાવો; જરી વળી છૂટા ફરો; એ જ તમને શોભે, સ્વામી! તમે પુરુષો તો પ્રચંડ વડલા જેવા રહો. o o o તમારા હૃદયના એક ખૂણામાં મને આસન આપો, આખુંયે હૃદય ન આપી બેસો, પ્રભુ!’ આવું કહી કહીને પતિને કર્તવ્ય તરફ પ્રેરનારી સુમિત્રા પોતાના પર કઠોરતાનો અને પ્રેમશૂન્યતાનો મિથ્યા આક્ષેપ વહોરી લે છે. બીજી તરફથી પીડાતી પ્રજામાં એવા સંદેહ જન્માવે છે કે રાજાને કર્તવ્ય ચુકાવનારી, મોહમાં ફસાવનારી તેમજ પોતાના પિયરનાં સગાઓનું વર્ચસ્વ જમાવનારી એ પોતે જ છે! આથી વધુ વિધિ-વક્રતા અન્ય કઈ હોય? સ્વામીની દૃષ્ટિમાંથી પોતે ખસી જઈને એની પ્રચંડ વીરતાને પ્રકટ થવા દે છે, તો પાછી એ વીરતા પણ સ્વામીની અંદર પાગલ કોઈ ઉન્માદનું જ સ્વરૂપ ધારણ કરી બેસે છે, અને ભાઈની મદદથી જાલિમ સગાંઓને પકડીને લાવનારી રાણીનું મોં પણ જોવાની ના પાડીને રાજા વિક્રમદેવ પોતાની કરુણતાને નોતરે છે. યુદ્ધનો ઉન્માદ પણ પ્રણયના ઉન્માદની જ કક્ષાએ ચડી બેસે છે. હિંસા — નરી હિંસા — જ એના શોખની વાત બને છે. વિવેક પ્રથમ પ્રેમોદ્રેકમાં ડૂબી ગયો હતો તેમ ફરીને વીરત્વના વિલાસમાં ડૂબી જાય છે. ઊર્મિઓ છે, પણ એક દાવાનલ રૂપે. કલાવિધાન વગરનો ઊર્મિઆવેગ માંગલ્યને સરજાવી શકતો નથી. નિષ્ઠા ચાહે તેવી મંગલ હોય, પણ કલાવિધાન અને વિવેક વગર નકામી. વિક્રમદેવના આવા દુર્દમ્ય ઊર્મિધ્વનિ વચ્ચે, કોઈની પણ દુરિચ્છા ન હોવા છતાં, એક પારિજાત વૃક્ષનો ધ્વંસ નીપજ્યો. એ છે ભાઈ કુમારસેન. એ કાશ્મીર-યુવરાજ આ નાટકનું વીરોદાત્ત પાત્ર છે. ઈલા સાથેનો એનો પ્રણય, એ વિક્રમદેવના સુમિત્રા સાથેના પ્રણયની સાથે એક મંગલ વિરોધનું દર્શન કરાવે છે. વિક્રમદેવના પ્રણયની ઉદ્ભ્રાંત ભાષા સાથે કુમાર-ઈલાના પ્રણયની પ્રશાંત વિવેકી વાણીને સરખાવવા જેવી છે. એક જેટલો પ્રમત્ત તેટલો જ બીજો સુકુમાર. એક ધ્વંસાત્મક, ને બીજો હરિયાળી પાથરતો. એકમાં સારાસાર બુદ્ધિ ડૂબી જાય છે, બીજો તો પ્રણયની પરિપાકવેળાએ જ કર્તવ્યને સાદે ઊપડી જાય છે. એ પ્રેમ એના વિવેકીપણા વડે જ વિક્રમદેવ જેવા ઉન્મત્તની ઉપર શીતળ પ્રભાવ પાડે છે. ઈલાના કુમારસેન પ્રત્યેના સ્નેહનું દર્શન વિક્રમદેવની હિંસામયતા પર ઇંદ્રધનુની શાંતિકર શોભા બિછાવી આપે છે. પરંતુ એનો કર્મપુંજ અતિ મોટો છે. એવડા મોટા ઢગલાને ધોવા માટે મનોવેદનાનું પ્રમાણ પણ મોટું જોઈએ. સ્વહસ્તે કાપીને બહેન સાથે કુમારે મોકલેલું પોતાનું મસ્તક એક બાજુ જેમ પ્રારબ્ધની વિડમ્બનાનો વિજય બતાવે છે, તેમ બીજી બાજુ આત્મસમર્પણના એક ઉત્કૃષ્ટ આદર્શનો પણ વિજય વર્તાવે છે. નાટકના પટમાં પુરોહિત દેવદત્તની વક્ર વાણીવાળા પ્રવેશો, પીડિત પ્રજાજનોની મેદનીમાં ચાલતી ચર્ચાઓ, સૈનિકોના વાર્તાલાપો ઇત્યાદિ દ્વારા કવિવર નાટ્યવસ્તુના સ્રોતની પ્રચંડ કરુણતાને હળવી કર્યે જાય છે, અને વચ્ચે વચ્ચે આપણને વિસામો લેવરાવીને આગળ વધતાં તૂફાનો માટે તૈયાર કરતા રહે છે. કરુણાન્ત નાટકની કસબ-કળાની એ એક અનિવાર્ય કરામત છે; ઉપરાંત આ હળવા પ્રવેશો નાટકમાં અમુક અસર મૂકવાના કોઈ કૃત્રિમ વિજાતીય અંશો નથી, પણ મૂળ નાટ્યવસ્તુમાંથી જ નિષ્પન્ન થતાં અંગો છે. એથી નાટક ભજવવામાં તખ્તા પર વિરૂપતા નહિ આવે, સળંગસૂત્રતા સચવાઈ રહેશે, અને તંગ બન્યે જતી પરિસ્થિતિમાં મોકળાશના વચગાળા નીપજતા જશે. આ નાટકમાં કોઈ ખલ પાત્ર એવું નથી મુકાયું, કે જે પરિસ્થિતિ ઉપર મુખ્ય અસર પાડી શકે. એક ત્રિવેદી અને બીજી કાશ્મીર-રાણી રેણુકા, એ બે તો તદ્દન નાનકડાં ખલ છે. વાર્તામાં મોટા કોઈ પરિવર્તનનું નિર્માણ તેમના હાથમાં નથી અપાયું. કર્તાની આમાં ઉચ્ચ કાવ્યદૃષ્ટિ તેમજ જીવનદૃષ્ટિ રહેલી છે. એકાદ કોઈ દુર્જન આવીને પોતાની કુટિલતાભરી કરામત વડે સજ્જનના સંસારમાં ઉલ્કાપાત મચાવી મૂકે, એવી નાટ્યદૃષ્ટિ ખોટીલી છે. જીવનમાં બનતાં પ્રચંડ પરિવર્તનો ને પતનો કોઈક એકાદ વ્યક્તિની પાપલીલાને આભારી નથી હોતાં. નાનો કે મોટો હરકોઈ જીવન-ધ્વંસ એ વ્યક્તિના અથવા તો સમષ્ટિનાં અંતર્ગત અંશોનાં જ સંઘર્ષણોમાંથી પરિણમતી પરિસ્થિતિ હોય છે. ધૂર્ત પાત્રોને નાટકોમાં અથવા તો હરકોઈ સર્જનાત્મક કૃતિમાં વિજય અપાવવાથી આપણે પ્રેક્ષકો તેમજ વાચકોના મનમાં એક અનિષ્ટ માનસ ઊભું કરીએ છીએ. વિષમ પરિસ્થિતિઓના કારણે નીપજતાં સુખદુઃખની વાત જુદી છે, ને એકાદ વ્યક્તિના દાવપેચથી ઉદ્ભવતી સ્થિતિ જુદી છે. સાચી નાટ્યદૃષ્ટિ તો વ્યક્તિના અથવા સમાજના અંતર્ગત વિવેક કે વિવેકહીનતાને જ પરિણામો માટે જવાબદાર ગણાવવાની હોવી ઘટે છે. ઝવેરચંદ મેઘાણી