રાજેન્દ્ર પટેલની કવિતા/ઘર

૩૭. ઘર

[વસંતતિલકા]

તૂટ્યે જતું ઘર, જરા સ્મરણે ચડે છે.
પોતે હતું મૂળ ઊંડું, તરુ જેમ લીલું,
માળો બની ખુદ પ્રસન્ન સદા રહેતું
ઝાંખી હતી અકળ ચાલ મનુષ્ય સંગે.

ઈંટેઈંટો નીરખતી લીલયા નિરાંતે,
ત્યાં ધ્વંશ-નર્તન હવે સઘળાંય સ્વપ્નો.
રોળે, રહે અરવ એકલતા અભાગી!
ધર્યો હતો જનમ નૂતન એક વેળા,
આજે વિસર્જન થયું સઘળું છતાંયે,
જોઈ રહ્યું મૂક બની, મરતાં અકાળે.

વાગોળતું કણકણે, ઇતિહાસ તેનો
પૃથ્વી ભમે પણ રહ્યું સ્થિર સ્થાન તેનું,
ભૂંસાય ના સમયમાં પગલાં પડેલાં,
અદૃશ્ય દૃશ્ય, જીવતું નિત કાળકાંઠે.