રાજેન્દ્ર પટેલની કવિતા/દર્પણ (૧, ૩)

૧૫. દર્પણ

એક દિવસ દર્પણે
એનામાં પ્રતિબિંબાતું વૉર્ડરોબ ખોલ્યું.
એ ખુલ્લા કબાટને
હું અવાચક જોઈ રહ્યો.

પહેલાં એણે દાગીના કાઢ્યા,
એક આલબમમાંથી મારો ચહેરો કાઢ્યો
અને એનો શણગાર સજાવ્યો.

પછી ચોરખાનામાંથી પૈસા કાઢી
હેન્ગર પર લટકતા પેન્ટના ખિસ્સામાં ભર્યા.

અને મારી જન્મપત્રિકાનાં પાનેપાનાં ફાડી, કચરો કરી
પેલા પૈસા ભેગાં ઠાંસી દીધાં.
પછી એણે અગત્યની ફાઈલો કાઢી
અનેક મહત્ત્વના દસ્તાવેજોના ટુકડા કરી
ફરફરતા પંખા સામે ફંગોળ્યા.

ત્યાં એણે બાપુજીનું ડેથ સર્ટિફિકેટ કાઢ્યું
અને મારા શર્ટના છાતીના ભાગ પર ચિપકાવી દીધું.
અને છેલ્લે
છેક અંદરના ખાનામાંથી પીળો પડી ગયેલો એક કાગળ કાઢ્યો
અચાનક એ ચૂપ થઈ વાંચવા માંડ્યું
સાવ શાંત થઈ ગયું.

મને આશ્ચર્ય થયું, શું હશે એવું તો એમાં?
મેં ઊંચા થઈ દર્પણમાં એ લખાણ વાંચ્યું.

એ, બાળપણમાં લખેલી અને ભુલાઈ ગયેલી
એક કવિતા હતી.



એક વાર મેં પૂછ્યું :
તારે ક્યાં ક્યાં જવાનું છે?

વાદળ ચૂપ રહ્યું અને વહેતું રહ્યું પવનની સાથ સાથ.

વીજળી ત્રાટકતાં ત્રાટકતાં ગર્જી
બોલ તારે કેટલું વરસવું છે?

ત્યારે એ કાળમીંઢ પહાડને બતાવી બોલ્યું
મારે તો એના પેટાળમાં વરસવું છે.

વાદળ તરસતું રહ્યું —એમ અમથું
વહે ગયું અવઢવમાં.

ત્યાં એક પંખીએ ઊડતાં ઊડતાં ગાયું ગીત
વાદળ વરસી પડ્યું
એ જ ક્ષણે,
પાંખો ફફડાવીને.