રાજેન્દ્ર પટેલની કવિતા/પૂર

૧૬. પૂર

આ તો એવું ગાંડુંતૂર પૂર
કશી જ ખબર પડે એ પહેલાં
પળમાં તાણી જાય છે
એ જોજનોનાં જોજન
આપણને આપણાથી દૂર.
આખી જિંદગીમાં એક વાર નહીં
અનેક વારેય નહીં
પણ, ક્ષણેક્ષણે ઢસડી જાય છે
કાળોતરું પૂર.
નદીનું પૂર આવે ને જાય
આ તો એવું પૂર જે ખસતું નથી
તસુયે આગળ.

ખેંચી જાય
માલમિલકત ને માણસો માત્ર નહીં
પણ ઢસડી જાય છે
સઘળું મૂળસોતુંક
જે પૂર્વજોએ ધરબ્યું’તું તળિયે
પાસે, અંદર, હાથવગું બધુંય,
ખેંચી જાય છે અજાણ્યા કિનારે.

અંદર છે પાર વગરના કાંઠા,
કાંઠેકાંઠે ઊમટ્યાં અકળ કાળાં પૂર.
અંદર પડેલો છે દુકાળ
ને બહાર છે ધસમસતું પૂર,

ભીતરના ખવાણની ખીણો વચ્ચે
ઊભરાયાં છે આદિમ અંધારાંનાં રૂપ.

ધણી વગરના ધણની જેમ આવેલાં આ પૂરથી ડૂબી ગયેલાંને
ઉગારવા આવ્યાં છે ગઈકાલનાં અજવાળાં.

પૂરમાં તણાતો તણખલાનો તરાપો
ડૂબી ગયો છે કાળના પૂરના બુંદબુંદમાં
એને બચાવવા આવ્યું એક ધોળું ધોળું પૂર

જે બચાવે છે એ જ બચે છે આ પૂરમાં
અને આદરે એક નવા કાંઠાની શોધ.



અનેક યુગો પહેલાં
મનુષ્ય માત્રનો કપાઈ ગયો’તો
હાથનો અંગૂઠો
અને હવે અડતો નથી પગનો અંગૂઠો જળને.

એટલે જ
જળમાં જ હોવા છતાં, જળ
રણનો અનુભવ કરતું હશે?

એક વાર જમનામાં આવેલું એ પૂર
હજુયે જાણે ઓસર્યું નથી કે શું?
હજુ કાલીનાગની નાગચૂડ છૂટી નથી કે શું?

જળમધ્યે હજુયે છે શું આણ કાલીનાગની?
આટઆટલા યુગ પછી ઓસર્યું નથી પૂર.


કારાવાસમાં જે જન્મે
અને પારાવાર યાતનામાં જે ઊછરે
એનો જ અંગૂઠો કામમાં આવતો હશે?
કે પછી પળના કેદીઓને
પડી ગઈ ટેવ આ પૂરની?
કે પછી શું યાતનાએ ઓળંગ્યો નથી ઉંબરો?
થતી નથી કોઈ આકાશવાણી,
તૂટતી નથી કોઈ બેડી
અંધારાના પૂરમાં જડતી નથી કોઈ કેડી.
બસ જામ્યું છે એક પૂર
નસનસમાં એ
શેરી શેરીમાં ને
શહેર શહેરમાં એ.
નક્ષત્રો નાથી શકતાં નથી એને.

આ પૂરને
હાંસિયામાં રહેલા તારાઓ ખાળી શકતા નથી.
ભઈલાઓ,
આ પૂર તો છે બંધ આંખોનું
આ પૂર તો છે ઠાલા શબ્દોનું
આ પૂર તો છે આપણા હોવાપણાના ડોળનું
પાણીનું પૂર પળમાં શમે
પણ રણના આ પૂરનું શું?
ટોપલો ભરીને ગંદકી લઈ જતા લોકોના હાડમાં
વહેતા પૂરનું શું?