રાજેન્દ્ર પટેલની કવિતા/ભૂ-કંપ ઉર્ફે એક શોધ

૧૭. ભૂ-કંપ ઉર્ફે એક શોધ

કોઈ કંપ નથી કંપ
કોઈ ખગ નથી ખગ
છે કેવળ કપાયેલી મસમોટી સમયની પાંખો
મારી જ અંદર
તમારી બહાર
સરતી છેક અનાદિ કાળથી એ.
પણ વધતું નથી, વહેંત એક આગળ જાણે કશું.
ઊભા છીએ જડવત્‌
પથ્થરની જેમ
રસ્તા વચોવચ
બધી જ કેડીઓને અવરોધતાં.
અને કેડીએ કેડીએ અથાક રઝળે
પાંખ વગરનું એક પંખી.

કોઈ વન નથી વન
કોઈ વાઘ નથી વાઘ
કોઈ ભૂમિ નથી ભૂ-કંપ વિનાની.

છે માત્ર વસુકાયેલી કેડી
મારી જ બહાર
તમારી ભીતર
જન્મ્યા પહેલાંના સમયથી
ભૂ-કંપ પહેલાંના સ્થળથી.

અંધ છીએ બે બે આંખથી
સ્પષ્ટ જોતાં નથી જે જોવાનું
ઊભા છે હોવાપણાના ભંગારના ઢગના ઢગ.
નથી એંધાણી એવી ભૂમિની
જ્યાં હોય પગ વગરનાં પગલાં
બને આવતીકાલના પડછાયા.

નથી, ના નથી જ કોઈ ડગ
નથી જ, નથી જ
કોઈ પથ.
છતાં છેલ્લા પગલામાં પડી છે તિરાડ
એની અંદર ભળી છે ભીનાશ
ને સર્જાયો છે ભૂ-કંપ
બહાર અને અંદર
ઊકળે છે સતત એક શોધ નામનો ચરુ.

બહાર ક્ષણનો પરપોટો
ફૂટું-ફૂટું થાય
અંદર અવિરત ખવાણનાં વમળ
સર્જે છે ભૂ-કંપ
હા, સર્જાય છે ભૂ-કંપ.
નથી કાળની આ કરામત
આ તો છે તરડાયેલા ચહેરાનો ચચરાટ.
ચચરાટે-ચચરાટે
ક્યાંક થાય અજવાળાનો સ્હેજ સળવળાટ.
પહેલાં સર્જે છે ભૂ-કંપ.
હા, હા, ભૂ-કંપ સર્જે છે
ફણગી ઊઠે એવી ભોનું નિર્માણ.
આ ભૂમિમાં
ઊનાં ઊનાં આંસુઓ વચ્ચે ઊગે છે
લીલાં લીલાં વન.