રાજેન્દ્ર પટેલની કવિતા/રેંટિયો

૩૮. રેંટિયો

[મંદાક્રાન્તા]

આજે ગુંજે સહજ ચરખો ભૂતલે આભ વચ્ચે
નીચે ઊંડે ભીતર રણકે રેંટિયો મૌન ભીનો,
હાથે આંખે અવિરતપણે સૂતરે સૂતરે, ને
જાગે જાણે રજ રજ અને અંધકારે ઉજાસે.

જાણે ગાજે અરવ રવથી મંડિત એકતારો
પંખી ગીતો ગણગણ કરી આભને ઉતારે
ફૂલો ખીલી સઘન કરતાં સૃષ્ટિને એ સુગંધે
નાચે વૃક્ષો ફરફર થતાં કૈં પતંગોની સંગે.

કાષ્ઠે કાષ્ઠે સહજ વસતું એક પૈડું પમાડે
જાગે એવો સમય સરતો ને જગાડે અચંબો
લાગે આખું જગ અલગ જાણે વિસામો અનેરો
આ તો છે વર્તુળ સકળ, ના કોઈ ખૂણો ન ખાંચો.

એવું આજે રટણ કરતું મૌન પૈડું કહેતું
બાપુ રૂપે સરળ બનીને સાવ પાસે રહેતું.