રાજેન્દ્ર પટેલની કવિતા/વાંદરાઓ
૪૨. તીડ
૪૩. વાંદરાઓ
એકાએક,
અવારનવાર,
વાંદરાઓની ટોળીઓ,
ધસમસતી આવે છે આંગણામાં,
અને બેરોક તોડીને ખાઈ જાય છે,
કુમળી કુમળી કળીઓ, ફૂટું ફૂટું થતા ફૂલછોડ.
અજાણ્યા સમાચારની જેમ,
ધમાધમ હૂપાહૂપ કરતાં,
છવાઈ જાય છે,
દિલોદિમાગમાં.
એમના કૂદકા અને છલાંગોની ધમાલમાં,
ઘણું બધું તૂટી જાય છે,
ગમતું,
ન ગમતું.
એ આવે છે પૂર્વજોના અધિકારથી,
અને ચાલ્યા જાય છે,
નિર્વાસિતોની જેમ.