રાણો પ્રતાપ/આઠમો પ્રવેશ1

આઠમો પ્રવેશ

અંક બીજો


         સ્થળ : શક્તસિંહનો તંબૂ. સમય : સાંજ.

[શક્તસિંહ એકલો બેઠો છે.]

શક્તસિંહ : ભયાનક યુદ્ધ મંડાયું છે! તોપોની ઘોર ગર્જના! ગાંડાતૂર સૈનિકોની કારમી કિકિયારી! ઘોડાના હણહણાટ! હાથીની ચીસો! ડંકાના ગડગડાટ! અને તરફડતા, મરતા સિપાઈઓનાં કરુણાજનક કલ્પાંતો! આહા! યુદ્ધ વધ્યું, જામ્યું. એક બાજુ અસંખ્ય મોગલ સૈનિકો, અને બીજી બાજુ ફક્ત બાવીસ હજાર રજપૂતો! એક બાજુ તોપો; અને બીજી બાજુ ફક્ત ભાલા ને તરવારો! પ્રતાપસિંહ કેવો શૂરવીર! રંગ છે, પ્રતાપ! આજ હું મારી સગી નજરે તારી બહાદુરી નિહાળી રહ્યો છું. વાહ રે મારો ભાઈ! સાચો ભાઈ! આજ હેતનાં આંસુથી મારી આંખો છલકાય છે. આજ તો મનમાં એવું થાય છે કે ભક્તિભર્યો ને ગર્વભર્યો હું તારા ચરણોમાં આળોટી પડું! પ્રતાપ! પ્રતાપ! આજ એકેએક મોગલ સેનાપતિને મોંએ તારા શૌર્યની કથા સાંભળી મારી છાતી ગજ ગજ ઊછળી પડે છે. એમ થાય છે કે અહો! એ પરાક્રમ કરનારો પ્રતાપ એક ક્ષત્રિય છે, મારો ભાઈ છે! આજ આ સુંદર મેવાડને મોગલોને હાથે લોહીમાં તરબોળ બનેલી જોઉં છું, અને મારા કપાળ પર ધિક્કાર તૂટી પડે છે. જૂની પિછાનવાળી આ જન્મભૂમિ ઉપર મોગલ-સેનાને ઉપાડી લાવનારો હું જ છું.

[મહોબતખાં આવે છે.]

શક્ત : કાં મહોબત! રણસંગ્રામના શા સમાચાર છે?
મહોબત : બહુ સારો સવાલ કર્યો, શક્તસિંહ! આ જંગને વખતે જ્યારે એકેએક સૈનિક મેદાનમાં ખડો થયો છે, ત્યારે, બસ, તું એકલો જ મજાથી પોતાના તંબૂમાં પડ્યો છે! આનું નામ જ ક્ષત્રિયપણું કે?
શક્ત : મહોબત! મારી ફરજ માટે હું તારી પાસે ખુલાસા કરવા નથી બંધાયો. હું સ્વેચ્છાથી યુદ્ધમાં આવ્યો છું કોઈનો ચાકર બનીને નહિ.
મહોબત : ચાકર નહિ? ત્યારે શું આટલા દિવસ સુધી મોગલ દરબારમાં એક ખુશામતિયો બનીને બેઠો હતો કે?
શક્ત : મહોબતખાં! જરા સંભાળીને બોલાય તો સારું.
મહોબત : શા માટે?
શક્ત : જુઓ, મારી માનસિક અવસ્થા અત્યારે બરાબર શાંત નથી. નહિ તો યુદ્ધને વખતે શક્તસિંહ તંબૂમાં બેઠો ન રહે.
મહોબત : એ શેખીની હવે જરૂર નથી, તારું શૌર્ય તો સમજાઈ ગયું.
શક્ત : હું શૂરવીર છું કે નહિ, એનું પારખું જોવું છે?

[તરવાર ખેંચે છે.]

મહોબત : તૈયાર જ છું.

[તરવાર ખેંચે છે. નેપથ્યમાં અવાજ સંભળાય છે : ‘પ્રતાપસિંહની પાછળ પડો. પકડો! પકડો! એનું માથું વાઢી લાવો!’]

શક્ત : આ શું? આ સલીમનો અવાજ તો નહિ? શું પ્રતાપસિંહ ભાગ્યા? એનો વધ કરવા મોગલો શું એની પાછળ છૂટ્યા? મહોબત. હું હમણાં આવું છું હો! મારો ઘોડો! રે કોઈ મારો ઘોડો લાવો!

[દોડતો દોડતો જાય છે.]

મહોબત : અજબ વાત છે આ શક્તસિંહની! નક્કી એ પ્રતાપસિંહનું લોહી લેવા જ ઊપડ્યો! વિધાતાની ગતિ કેવી છે! પ્રતાપસિંહને ઝટકો મારીને જમીનદોસ્ત કરનાર એનો પોતાનો જ સગો ભત્રીજો! અને એનો પ્રાણ લેવા છૂટનારો પણ એનો જ સગો ભાઈ! કેવી વિચિત્ર ગતિ! [જાય છે.]