રાણો પ્રતાપ/નવમો પ્રવેશ1

નવમો પ્રવેશ

અંક બીજો


         સ્થળ : હલદીઘાટ; એક ઝરણાને કિનારે. સમય : સાંજ.

[મરેલા ઘોડા ઉપર માથું ટેકવીને પ્રતાપ ભોંયે પડ્યો છે.]

પ્રતાપ : ખલ્લાસ! આ ત્રણ દિવસની અંદર તમામ ખલાસ! મારા પંદર હજાર યોદ્ધાઓ આજ રણમાં સૂતા, મારો વહાલો ચેતક ખપી ગયો. અને હું આજે આ ઝરણાના કિનારે લોહીલોહાણ, અશક્ત બનીને પડ્યો છું. મને આંહીં કોણ લઈ આવ્યું? મારો જૂનો સાથી, મારો વિશ્વાસુ આ ચેતક મને લઈ આવ્યો? મને આફતમાં જોઈને એ નાસી છૂટ્યો. મેં લગામ ખેંચ્યા કરી, ના પાડી, હું રોકવા મથ્યો, પણ મારું કાંઈયે માન્યા વિના એ ચાલ્યો આવ્યો — પોતાના પ્રાણ બચાવવા નહિ, પણ મને ઉગારવા માટે. પોતે તો પોતાના પ્રાણ કાઢી આપ્યા. અરે! પછવાડે એ કોનો પરિચિત અવાજ આવે છે કે ‘ઓ આસમાની ઘોડાના ઘોડેસવાર, ઊભો રહે!’ એને લાગે છે કે હું હજુયે ભાગ્યો જાઉં છું. ચેતક! સ્વામીભક્ત ચેતક! શા માટે તું નાસી આવ્યો, બાપ? રણસંગ્રામમાં આપણે બેય જણ ભેળા ન મરત? બેટા ચેતક! આજ તો શત્રુઓ હસે છે, કે પ્રતાપસિંહ તો યુદ્ધમાંથી નાઠો! ચેતક! મરતાં પહેલાં, જીવતરમાં એક જ વાર તું શા માટે મારી આજ્ઞામાં ન રહ્યો? અત્યારે હું લાજી મરું છું, ભાઈ! મારું માથું ફરે છે.

[શસ્ત્રધારી ખોરાસાની અને મુલતાની સિપાઈ દાખલ થાય છે.]

ખોરાસાની : આ રહ્યા પ્રતાપ.
મુલતાની : મરી ગયો છે.
પ્રતાપ : [ઊઠીને] ના, હજુ નથી મર્યો. હજુ તો યુદ્ધ પૂરું નથી થયું. ખેંચો તરવાર.
મુલતાની : અલબત્ત.
ખોરાસાની : યુદ્ધ કરો.

[પ્રતાપસિંહ એ બન્નેની સાથે યુદ્ધ કરવા લાગે છે. નેપથ્યમાં અવાજ સંભળાય છે કે ‘ઓ આસમાની ઘોડાના ઘોડેસવાર, ઊભો રહે.’]

પ્રતાપ : રે! શું હજુ વધુ માણસો ચાલ્યા આવે છે? ત્યારે તો હવે આશા નથી.
મુલતાની : બસ, હવે શરણે થા, તરવાર છોડી દે.
પ્રતાપ : તાકાત હોય તો ઝૂંટવી લ્યો.

[ફરી યુદ્ધ થાય છે. પ્રતાપ મૂર્છા પામીને પડે છે. શક્તસિંહ દાખલ થાય છે.]

શક્ત : બસ, સબૂર કરો.
ખોરાસાની : ના, વળી બીજો કાફર આવ્યો.
મુલતાની : મારો એને.
શક્ત : મરો ત્યારે.

[શક્તસિંહ બન્ને જણા ઉપર તૂટી પડીને બન્નેને જમીનદોસ્ત કરે છે.]

શક્ત : હવે બીક નથી. હવે પ્રતાપસિંહ સહીસલામત છે. ભાઈ! મોટાભાઈ! [સ્પર્શે છે.] આહા બેશુદ્ધ પડ્યા છે!

[શક્ત ઝરણામાંથી પાણી લાવીને પ્રતાપના માથા પર છાંટે છે.]

શક્ત : ભાઈ! મોટાભાઈ!
પ્રતાપ : કોણ? શક્તો?
શક્ત : હજુ તો મેવાડનો સૂર્ય નથી આથમ્યો, હો ભાઈ!
પ્રતાપ : શક્તા! ત્યારે શું હું તારે જ હાથે કેદી બન્યો? તું મને બેડીઓ પહેરાવીને શું મોગલોના દરબારમાં લઈ જઈશ? એના કરતાં તો ખુશીથી મારું માથું વાઢીને લઈ જજે. તારા ધણી અકબરને ભેટ ધરજે. મારી આજીજી તો એટલી જ કે મને જીવતો બાંધીને લઈ જઈશ મા. મારી મરજી હતી કે રણસંગ્રામમાં લડતો લડતો પ્રાણ છોડું. પરંતુ બરાબર વખતે જ આ ચેતક હાથમાં ન રહ્યો. લગામ ખેંચતાંયે ન રોકાયો. નાસી છૂટ્યો. શક્તા! હું એને કેમેય કરીને પાછો વાળી ન શક્યો હો! યુદ્ધમાં મરવાની કીર્તિ તો મને ન મળી, પણ હવે મને કેદી બનાવીને વધુ બદનામ કરીશ મા! મને ખુશીથી હણી નાખ. શક્તા! ભાઈ! ના, ભૂલ્યો. ‘ભાઈ’ કહીને મારે તારી દયા નથી જગાડવી. આજ તું વિજયી છે, હું હારેલો છું. ભાગ્યચક્રમાં તું ઉપર આવ્યો છે, હું નીચે આવ્યો છું. તું ઊભો છે, ને હું તારા ચરણતળે પડ્યો છું. હવે મારે બીજું નથી જોઈતું. જો કોઈ દિવસ તારા ઉપર મેં કશોયે ઉપકાર કર્યો હોય, તો બદલામાં મારી છેલ્લી વારની આટલી જ આજીજી કબૂલ કરજે. મને બાંધીને લઈ જઈશ ના, પણ મને મારી નાખજે. લે, આ પહોળી છાતી ઉપર તરવારનો ઘા કર!
શક્ત : [તરવાર ફેંકી દઈને] એ પહોળી છાતી પર તો હવે મને જ આસન આપો, મોટાભાઈ!
પ્રતાપ : ત્યારે શું આ બે મોગલોના હાથમાંથી તેં જ મને બચાવ્યો, શક્તા?
શક્ત : વીરોના આદર્શ, સ્વદેશના રક્ષક અને રજપૂત જાતિના ગૌરવ પ્રતાપને હું ઘાતકોને હાથે મરવા દઉં? તમે કેટલા મહાન છો, એ આટલા દિવસ મારાથી ન સમજાયું. એક દિવસ માનતો હતો કે હું તમારાથી શ્રેષ્ઠ છું. એટલા માટે તો પારખું કરવા તે દિવસે દ્વંદ્વ યુદ્ધ આદરેલું. યાદ આવે છે ભાઈ? પરંતુ આજે આ યુદ્ધે બતાવી દીધું કે તમે મહાન છો અને હું પામર છું; તમે વીર છો અને હું ભીરુ છું. વેર લેવા જતાં મેં આજ જન્મભૂમિનું સત્યાનાશ વાળ્યું. છતાં તમારી રક્ષા કરી શક્યો છું, એટલે હજુયે મેવાડની આશા જીવતી રહી છે. રજપૂત કુળના દીપક! વીર કેસરી! પુરુષોત્તમ! મને ક્ષમા કરો.

[બંને ભાઈઓ ભેટે છે.]

[અંક પડે છે]