રાણો પ્રતાપ/સાતમો પ્રવેશ

સાતમો પ્રવેશ

અંક પહેલો


         સ્થળ : ઉદયસાગર સરોવરને કિનારે. સમય : મધ્યાહ્ન

                           [એક બાજુ રજપૂત સરદારો : માનો, ગોવિન્દસિંહ, રામસિંહ રોહીદાસ અને પ્રધાન ભામાશા; બીજી બાજુ મહારાજા માનસિંહ ઊભેલ છે.]

માનસિંહ : મારા સત્કારને ખાતર બહુ તકલીફ ઉઠાવી. રાણાજીનો હું હરહંમેશનો આભારી બન્યો.
ભામાશા : માનસિંહજી, અમારી અત્યારની આવી દશામાં આપને છાજતી બરદાસ્ત તો ક્યાંથી કરીએ? પણ અમે તો સમજીએ છીએ, કે અંબરના ધણી અમારી આટલી તૈયારીને પણ ઘણી કરી માનશે ને કશી ઊણપ રહી હોય તો માફ કરશે.
માનસિંહ : ભામાશા! રાણાજીની મહેમાની ચાખવામાં તો આજકાલ તમામ રજપૂતો મોટું માન સમજે છે.
ગોવિંદ : મહારાજા માનસિંહજી! આપ ખરું કહો છો.
માનો : બોલવામાં તો માનસિંહજી રાણાજીની ખૂબ ભાટાઈ કરે છે, બાકી, આચારમાં તો માનસિંહજી રાણાના કટ્ટા શત્રુ મોગલોના જ ચરણ ચાટનારા છે, હો!
રોહીદાસ : ચૂપ કર, માના! ખબર નથી પડતી કે માનસિંહજી તો અકબરના સાળાના પુત્ર છે! એની પાસેથી બીજી શી આશા રાખી શકાય?
ભામાશા : માનસિંહજી ચાહે તે હોય, પણ આજ તો આપણા અતિથિ ગણાય. અને, મહારાજા! માનો બોલ્યો એથી આપ મનમાં કાંઈ આણશો મા, હો!
માનસિંહ : ના, ના, હું કાંઈ મનમાં નથી આણતો. માનાભાઈ સાચી જ વાત કહે છે. પરંતુ એક વાત યાદ રાખજો કે અકબરના સાળાનો દીકરો ઠરવામાં હું પોતે જવાબદાર નથી. એ મારું કરેલું કામ નથી. તેમ છતાં, અલબત્ત, અકબરના પક્ષમાં રહીને હું લડું છું એ વાત કબૂલ. પણ ત્યારે અકબરની સામે શસ્ત્રો ધરવાં એ શું રાજદ્રોહ નથી?
ગોવિંદ : શી રીતે મહારાજ?
માનસિંહ : અકબર આખા ભરતખંડના ચક્રવર્તી રાજા છે.
માનો : કયા અધિકારને હિસાબે?
માનસિંહ : સામર્થ્યને હિસાબે. એક નહિ પણ અનેક યુદ્ધમાં નક્કી થઈ ગયું છે કે ભારતનો અધિપતિ કોણ.
રામસિંહ : યુદ્ધ હજી પૂરું નથી થયું, માનભા! સ્વતંત્રતાની લડાઈનો એક વરસે તો શું પણ સો વરસેયે અંત આવે નહિ. સ્વતંત્રતાનાં યુદ્ધનો અધિકાર તો બાપ ઉપરથી બેટા પર ઊતરે, અને એવી રીતે વંશોના વંશો સુધી ઊતરતો ચાલે. એનો અંત જ ન હોય.
માનસિંહ : એ બધું વ્યર્થ સમજવું! પ્રચંડ બળ અને પારાવાર શક્તિવાળા એ અકબરની સામે યુદ્ધ આદરી લોહી રેડવાથી ફળ શું?
રામસિંહ : ફળાફળ તો હરિને હાથ છે, માનભા! અમે તો અમને સૂઝે તે પ્રમાણે કામ કર્યે જઈએ. ફળાફળ માટે અમે જવાબદાર નથી.
માનસિંહ : ફળાફળનો વિચાર કર્યા વિના કામ કરવું એ શું બેવકૂફી નથી?
ગોવિંદ : બેવકૂફી? મહારાજ માનસિંહ! એને જો બેવકૂફી કહેવાતી હોય, તો સંસારની મહત્તા અને મહાન પ્રવૃત્તિઓનો અડધો હિસ્સો તો એ બેવકૂફીમાં જ છુપાઈ રહ્યો છે. એ રીતે બેવકૂફ બનીને તો સતી નારી પોતાના પ્રાણ કાઢી આપે, પણ શિયળ ન સોંપે. એ રીતે બેવકૂફ બનીને તો પ્રેમાળ માતા પોતાના સંતાનને ઉગારવા ખાતર સળગતી આગમાં ઝંપલાવે. એ રીતે બેવકૂફ બનીને તો સાચો હિન્દી માથું વાઢી આપે, પણ સ્વધર્મને ન છોડે. આટલું તો જાણી લેજો, માનસિંહજી! કે રાણા પ્રતાપની ગરીબીમાં એવું એક ગૌરવ રહ્યું છે, એના આત્મભોગની અંદર એવી એક ઉજ્જ્વળ કીર્તિ ભરી છે, કે જે પાદશાહની ચરણરજથી રજોટાયલા તમારા સોનેરી તાજમાં નથી. ધિક્કાર છે, માનભા! તમે ગમે તે હો પણ આખરે એક હિન્દુ છો. તમારા મોઢામાં આવાં વેણ! ધિક્કાર છે!

[એ વખતે અમરસિંહ આવે છે.]

અમર : [માનસિંહ પ્રત્યે] મહારાજા માનસિંહ! બાપુએ કહેવરાવ્યું છે કે આપે સ્નાન કરી લીધું છે, તો આપ ઊઠો; કૃપા કરી ભોજન લો.
માનસિંહ : પ્રતાપસિંહ ક્યાં?
અમર : એ જરા બીમાર છે, આજ એમને જમવું નથી. આપ જમી લ્યો, એટલે એ આપને મળવા આવશે.
માનસિંહ : હા! હા! હું સમજ્યો, અમરુ! જાઓ, બાપુને કહો કે એ બીમારીનું કારણ હું જાણું છું. મારી સાથે જમવા બેસવા એ તૈયાર નથી, એમ કે? જઈને કહેજો એને, કે આટલો વખત એની આબરૂ રાખવા ખાતર અમે અમારાં ગૌરવ ગુમાવ્યાં છે. અને હું બાદશાહનો સેવક હોવા છતાંયે આટલા દિવસ મેં પોતે એની સામે હથિયાર નથી લીધાં. હવે તો આજથી ખુદ માનસિંહ જ એનો દુશ્મન બન્યો છે. જો એના અહંકારના ચૂરેચૂરા ન કરું, તો મારું નામ માનસિંહ નહિ.

[એકાએક પ્રતાપ આવે છે.]

પ્રતાપ : વાહ મહારાજા માનસિંહજી! ઘણી મજાની વાત! ભલે એમ જ બનતું. જો પ્રતાપસિંહ ખુદ અકબરનો જ દુશ્મન બનીને ખડો છે, તો પછી માનસિંહની દુશ્મનાવટથી એ શું ડગવાનો હતો? પરંતુ આજ તો માનસિંહજી મારે આંગણે મહેમાન ઠર્યા. નહિ તો આ જગ્યાએ જ નક્કી કરી બતાવત કે મોટો કોણ? પાદશાહના સાળાના ચિરંજીવી માનસિંહજી કે ગરીબ ભિખારી રાણો પ્રતાપ? હવે તો ઇચ્છા થાય ત્યારે ફરમાવજો; સમરાંગણમાં આવીને પ્રતાપ હાજર રહેશે.
માનસિંહ : બહુ સારું! એમ જ બનશે! હવે તો જલદી સમરાંગણ પર ભેટશું.
રોહીદાસ : બની શકે તો આપના ફુઆ અકબરને પણ સાથે તેડતા આવજો!
પ્રતાપ : ચૂપ રહે, રોહીદાસ.

[માનસિંહજી રોષ કરીને જાય છે.]

પ્રતાપ : મારા બંધુઓ! આટલા દિવસ સુધી યુદ્ધની જે જે તૈયારી કરી હતી. તેનાં પારખાં હવે થવાનાં. આજ સ્વહસ્તે મેં દાવાનળ સળગાવ્યો છે; અને શૂરવીરોનાં લોહી છાંટીને દાવાનળ મારે ઠારવો છે. સાંભરે છે કે ભાઈઓ, પેલા ઘોર શપથ, કે યુદ્ધમાં જય મળે કે પરાજય, પણ મોગલોની પાસે માથાં નહિ નમાવવાનાં? યાદ છે એ પ્રતિજ્ઞા, વીરો, કે ચિતોડ ઘેર કરવા ખાતર જરૂર પડશે તો જીવ કાઢી આપીશ?
બધા : યાદ છે, રાણા.
પ્રતાપ : બહુ સારું. ત્યારે યુદ્ધ ચડવા શસ્ત્રો સજો.
બધા : જય! રાણા પ્રતાપનો વિજય!

[જવનિકા પતન]