રાતભર વરસાદ/૪


કોઈક વાત બંગાળીમાં કહી શકાતી નથી. એક પરદેશી ભાષામાંથી અનુવાદ કરતી વખતે જ્યારે કોઈ કહે કે, ‘I love you’ કે ‘Do you love me?’ ત્યારે મારે અટકીને વિચાર કરવો પડે છે. આખરે મારે એ જ અંગ્રેજી શબ્દો વાપરવા પડે છે. કહી શકાય કે ‘હું તને પ્રેમ કરું છું.’ કે ‘તું મને પ્રેમ કરે છે?’ – પણ મારા કાનને તે કૃત્રિમ લાગે છે. આવા શબ્દપ્રયોગો કવિતામાં આવે છે જે વિચારની ભાષા છે બોલચાલની નહીં. આપણે કેટલું બધું માત્ર હાવભાવથી વ્યક્ત કરીએ છીએ. Good Morningને બદલે આપણે માત્ર સ્મિત કરીએ છીએ. આપણે પ્રેમને ક્યારેક આંખોથી કે હાથના સ્પર્શથી વ્યક્ત કરીએ છીએ અને ક્યારેક કોઈ સામાન્ય શબ્દોથી, જે ઊંડી લાગણીઓ ગુપ્ત રાખતા હોય છે. જે દેશમાં અસંખ્ય લોકો આજે પણ ગોઠવેલાં લગ્ન સ્વીકારીને તેમાં એક જીવનભરનો સંબંધ જોતાં હોય છે ત્યાં ‘Do you love me?’ જેવો બેહુદો સવાલ પૂછવાનો પ્રસંગ બહુ ઓછા કમનસીબ લોકોને આવતો હોય છે. હું તેમાંનો એક કમનસીબ છું! થોડા સમય પહેલાં મારે માલતીને આ જ સવાલ વારંવાર પૂછવો પડ્યો હતો. છતાં મને યોગ્ય શબ્દો મળતાં ન હતાં – બંગાળીમાં ઘણું મુશ્કેલ છે. ‘માલતી, હવે તું મને પ્રેમ નથી કરતી?’ નાદાન, અસભ્ય અને કૃત્રિમ હોવા છતાં પણ હું અચકાતો અચકાતો આ શબ્દો – કે એના જેવું જ કાંઈક – બોલ્યો હતો. પહેલાં તો માલતી કહી દેતી કે આ તે કેવો હાસ્યાસ્પદ સવાલ હતો પણ હું વાત આગળ વધરતો તો તે જરા તીખા અવાજમાં કહેતી, ‘હા ભાઈ હા. હું તને ચાહું છું. બસ? જા હવે તું જે કરતો હોય તે કર અને આમ જાસૂસની માફક સવાલો પૂછવાનું બંધ કર.’ પ્રેમ! એનો આધાર લોકો શબ્દોમાં શું કહે છે એના ઉપર થોડો છે? એ તો આંખોમાં દેખાઈ આવે, હાથના હલનચલનમાં વર્તાઈ જાય, કે પડદો ખસેડીને રૂમમાં પ્રવેશવાની રીતમાં પણ જણાઈ જાય કે ચા રેડતાં નમવાની છટામાં પણ પ્રગટ થઈ જાય! એ તો દિવસ જેવો સહજ અને તડકા જેવો સ્પષ્ટ હોય છે. દલીલોથી પર – પ્રેમ તો જ્યાં હોય ત્યાંથી તરત જ જણાઈ આવે. મેં ઘણી મહેનત કરીને માલતીને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. હું આડકતરી રીતે આ વાત કરતો: ‘તું જો ખરેખર મને ‌ચાહતી હોય તો મને તેનો અનુભવ કેમ નથી થતો?’ ‘તું કેમ નથી અનુભવતો તેની મને શું ખબર પડે!’ અને વાત ત્યાં અટકી જતી. એક મૂંગી દીવાલ – જેની સાથે માથું પછાડતાં માત્ર તે અવાજનો પડઘો જ સંભળાય! ત્યારે જયંત એકાદ મહિનાથી અમારે ત્યાં આવતો થયો હતો અને તે કુટુંબનો એક અવિભાજ્ય ભાગ બની ગયો હતો. એક રાતે મને સ્વપ્ન આવ્યું. જયંત, માલતી અને હું બસની રાહ જોતાં હતાં. ખૂબ ગીરદીને કારણે અમે બે બસોને જવા દીધી હતી. ત્રીજી બસ આવતાં જ માલતી ઝડપથી ચડી ગઈ અને પછી જયંત, પણ હું ચડું તે પહેલાં તો બસ ઉપડી ગઈ. હાથ ઊંચો કરતાં જયંત મારી સામે જોઈને લુચ્ચું હસ્યો. અચાનક મને સમજાયું કે તેમને આ જ જોઈતું હતું. મને ત્યાં ઊભો રાખીને માલતી જયંત સાથે જતી રહી. હું બસની પાછળ દોડ્યો પણ એ મહકાય બે માળની બસ તરત જ અદૃશ્ય થઈ ગઈ. સ્વપ્નામાં મારું દિલ તૂટી ગયું, જાણે મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું ન હોય! મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય એવી લાગણી મેં અનુભવી. આવું મેં ક્યારેય અનુભવ્યું નથી. અંધકારમાં આવી વેદના સાથે હું જાગી ગયો. આંખો ખોલ્યા વિના મેં માલતી તરફ મારો હાથ લંબાવ્યો. (ત્યારે અમારા પલંગ બાજુ બાજુમાં જ હતા.) મારો હાથ તેને અડક્યો પણ તોય મને ખાતરી થતી ન હતી. મેં તેને ધીરેથી ઢંઢોળી અને કહ્યું, ‘માલતી, સાંભળ.’ તેણે ઊંઘમાં જ જવાબ આપ્યો, ‘શું છે?’ મેં બેઠા થઈને તેને કહ્યું, ‘મને હમણાં જ સ્વપ્નું આવ્યું કે જયંતભાઈ તારી સાથે ભાગી ગયા.’ ‘શું વાત કરે છે તું?’ માલતી બીજું કાંઈ જ બોલી નહીં. અંધારામાં મેં આંખો ઝીણી કરીને તેની સામે જોવાનો પ્રયત્ન કર્યો. પણ તેણે પડખું ફેરવતાં કહ્યું, ‘હવે સૂઈ જા.’ તે વધારે કાંઈ પણ બોલી નહીં. થોડી વાર પછી હું પણ સૂઈ ગયો. મને ખબર નથી કે માલતીને આ યાદ છે કે નહીં પણ હું એ સ્વપ્નને ભૂલ્યો નથી અને ક્યારેય ભૂલી શકીશ નહીં. એનો વિચાર આવતાં આજે પણ મને ખૂબ દુઃખ થાય છે. હજી પણ મને એમ લાગે છે કે મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું છે. એની સરખામણીમાં મારી આજની વેદના કાંઈ જ નથી. હવે તો કાંઈ ફરક નથી પડતો. માલતી જયંતને પ્રેમ કરે છે. તેને ખબર પડે તે પહેલાં જ હું સમજી ગયો હતો. તે જે રીતે એની સામે જોતી હતી તે જોતાં જ સમજાઈ જાય તેવું હતું. તેની આંખોમાં જ દેખાતું હતું. સહેજ ભીનાશવાળી આંખો, બે કાળી કીકી થોડી સંકોચાઈને જાણે દૂર જોઈ રહી હોય અને ક્યારેક જાણે ઊંઘમાં હોય તેમ અડધી બંધ થઈ જતી. હું એ નજરથી પરિચિત હતો, તેને જાણતો હતો. અમારાં લગ્ન પહેલાં અને પછીના થોડા મહિના સુધી તે મારી સામે આવી જ રીતે જોતી હતી. તે હસતી કે બોલવાનું શરૂ કરતી ત્યારે તેના દાંત ચમકતા. મને એકદમ સ્પષ્ટ દેખાતું હતું – છાપાંની હેડલાઈન જેટલું સ્પષ્ટ. મારા રૂમની દીવાલ પર ચોંટાડેલા પોસ્ટર જેટલું જ સ્પષ્ટ! પણ માલતી જાતે તે જોઈ શકતી ન હતી. તેની પોતાની આંખોથી તે અપરિચિત હતી. તેથી જ તે પહેલાં દિવસોમાં હું તેને તટસ્થ કે અનાસક્ત ભાવે જોઈ રહેતો જાણે એમાં મારો કોઈ ભાગ જ ન હોય! પછી ધીરે ધીરે એની આંખોમાંથી નિર્દોષતાને મેં અદૃશ્ય થતી જોઈ. ક્યારેક ક્યારેક તેની ભમર પર સૂક્ષ્મ કરચલી દેખાવા માંડી. જયંત સાથે વાત કરતાં તેનું મોં એક ખાસ રીતે વળતું. અને પછી એકાએક તે મારા ખોરાક, કપડાં અને બીજાં બધાં પર ખૂબ ધ્યાન આપવા માંડી. ત્યાં સુધી તે એમ માનતી હતી કે તે ફક્ત જયંતની ભક્તિનો સ્વીકાર કરી રહી છે અને તેણે બદલામાં કાંઈ આપવું પડશે તેનો તેને ખ્યાલ જ નહીં હોય. પણ હવે તે પોતાની જાતને વધુ છેતરી શકે તેમ ન હતું. ત્યાર પછી આ ઝૌતાલા રોડના સુંદર સજાવેલા ફ્લૅટની દીવાલો વચ્ચે આરંભ થયો એક સતત ચાલતા યુદ્ધનો. એક ઠંડું – બર્ફીલું યુદ્ધ. કોઈ પણ જાહેરાત વિનાનું. આંખોથી ડગલે ને પગલે ચાલતું યુદ્ધ! સામાન્ય બોલચાલમાં સંતાયેલી શબ્દોની બાણાવલિ! બંગાળી કે પછી કોઈ પણ ભાષામાં ન કહી શકાય એવી ઘણી વાતો છે. એવી વાતો કે જે બીજું કાંઈ કહેવાથી કહેવાય કે પછી ન કહેવાથી જ બધા સમજી જાય. એક વખત એક ધોબીએ તકલીફ ઊભી કઈ હતી. તે માલતીની બે રેશમી સાડી લઈ ગયો હતો અને લગભગ બે મહિના સુધી પાછી આપી ગયો ન હતો. માલતીએ બે વાર માણસને મોકલ્યો હતો. એક વાર સમાચાર મળ્યા કે તેને તાવ આવતો હતો અને બીજી વાર તેનો પત્તો જ ન હતો! ‘શું બધું જ કામ માણસોની મારફત જ કરાવવાનું હોય? શેઠસાહેબથી તો જરા પણ હલાય નહીંને? બે સાડી જાય તો પણ તેમને શું વાંધો?’ માલતીની આવી બે ચાર સ્વગતોક્તિ સાંભળીને મેં કહ્યું, ‘ફરી એક વાર કેશ્ટોને મોકલી જો અને શું જવાબ આવે છે તે સાંભળ.’ આ વખતે કેશ્ટોએ પાછા આવીને કહ્યું કે જગાઈ – ધોબી – બીજે દિવસે આવશે. આજકાલ કરતાં દસબાર દિવસ થઈ ગયા અને જગાઈનો કોઈ જ પત્તો ન હતો. એક સાંજે માલતીએ ધોબીઓની ધૃષ્ટતા પર ભાષણ આપવાનું શરૂ કર્યું. જયંત અને બીજાં ઘણાં હાજર હતાં. ધોબીઓ કપડાં ખોઈ નાંખે, ફાડી નાંખે, પાછાં ન આપે, વાપરે, બીજાંને ભાડે આપે, ઈસ્ત્રી કરતાં બાળી નાંખે અને છતાં જ્યારે તેમનો હિસાબ કરવાનો વખત થાય ત્યારે એક પૈસો પણ ઓછો કરવાની ના પાડે! જ્યારે આ ગાણું ચાલતું હતું ત્યારે બીજાઓ પણ ટાપસી પૂરાવતા હતા. ઘણાંએ ધોબીઓની આવી દાદાગીરી સહન કરી હશે એમ લાગતું હતું. જયંતે પૂછ્યું, ‘તમારી સાડીઓ લઈ ગયો છે તે હરામખોરનું નામ શું છે?’ ‘જગાઈ.’ ‘આ જગાઈ ધોબી રહે છે ક્યાં?’ ‘ઢાકુરિયામાં.’ જયંત વધારે કાંઈ જ બોલ્યો નહીં. આ ધોબીઓની વાત લાંબી ચાલી હોઈ હું તેનાથી કંટાળ્યો હતો. વાત બદલવાના આશયથી મેં કહ્યું, ‘આપણા પ્રસિદ્ધ કવિ ચંડીદાસની સખી રામી ખરેખર એક ધોબણ હતી?’ બીજે દિવસે રવિવાર હતો. બપોરે બે વાગ્યા હતા. અમે થોડી વાર પહેલાં જ જમવાનું પતાવ્યું હતું. કલકત્તામાં અચાનક ગરમીનું મોજું આવ્યું હતું. બારીઓ બંધ હતી અને પંખો ચલતો હતો. માલતીએ એક સાદડી પાથરી અને થોડાં સામયિકો લઈને તેના પર તે આડી પડી હતી. ત્યારે મેં બેઠકના રૂમમાં પગલાંનો અવાજ સાંભળ્યો. પહેલાં માલતી અને પછી હું ઊભા થયા. જયંત દાખલ થયો. એની સાથે એક શ્યામળો માણસ હતો જેને હું બરાબર ઓળખી ન શક્યો. પછી મને લાગ્યું કે એ અમારો ધોબી, પેલો જગાઈ, હોઈ શકે. જયંત બોલ્યો, ‘શ્રીમતી મુખર્જી, આ તમારી બે સાડીઓ. જરા જોઈ લેજો, બરાબર છેને?’ પછી જગાઈને ખભા ઉપર એક થપાટ મારીને કહે, ‘જો, સામે કોણ ઊભું છે?’ જગાઈ માલતીની સામે જોઈને કાંઈ ન સમજાય તેવું બબડ્યો. તેણે ખરેખર શું કહ્યું તે સમજવાની જરૂર જ ન હતી. મેં જોયું કે માલતી જયંત સામે કેવી રીતે તાકી રહી હતી. તેની આંખો લાલ લાલ થઈ ગઈ હતી અને તે પરસેવાથી નીતરતો હતો. સાડીઓ પાછી મેળવવા તેણે ખાસી મહેનત કરી હોય તેમ લાગતું હતું. માત્ર સાડીઓ જ નહીં, તે તો અપરાધી ધોબીને જ માલતીની સામે લઈ આવ્યો હતો. ‘જો, કોણ છે અહીં?’ જાણે કોઈ ચોરને ન્યાય માટે રાણીની સામે હાજર ન કર્યો હોય! માલતીની પાસે જગાઈના જીવન-મરણનો નિર્ણય કરવાની સત્તા ન હોય! જગાઈ માલતીના પગ પકડીને રડતો રડતો માફી માંગવાનો ન હોય! અને માલતી! તે પોતાના રાણીના પાત્રમાં કેવી સરસ ગોઠવાઈ ગઈ હતી. તે સમજી ગઈ હતી કે તેનો ગુલામ, જયંત, તેને માટે બધું જ કરી છૂટવા તૈયાર હતો. જો તે કહેત તો જયંત આ ધોબીનું ક્ષણમાત્રમાં અસ્તિત્વ જ ખતમ કરી દેત. આ બધું જ મેં તરત જોયું અને સમજી ગયો. તે દિવસની માલતી મારા માનસપટ પર કાયમ માટે અંકાઈ ગઈ છે. લાલ કિનારની સાડી, પીઠ પર પથરાયેલા વાળ, તેની ઊભા રહેવાની છટામાં ગર્વ અને કરૂણાનું મિશ્રણ હતું. પાનથી તેના હોઠ ઘેરા લાલ થઈ ગયા હતા. તેની આંખો જયંતના ચહેરા પરથી ખસતી ન હતી. તેના ગાલ પર ઘેરી લાલી છવાઈ હતી. તેના ધબકારા વધ્યા અને તેના આખા ચહેરા પર લાલ રંગ ધસી આવ્યો – તેજોમય વિજયનો! બીજા એક દિવસે હું ઑફિસથી પાછો આવીને જોઉં છું તો બેબીને તાવ આવ્યો હતો. પલંગના માથા પાસે બેસીને જયંત તેનું માથું દબાવતો હતો. હું રૂમમાં દાખલ થયો ને તરત જ માલતી બોલી, ‘તે સ્કૂલેથી જ તાવ લઈને આવી છે અને તેનું ગળું પણ ખરાબ છે. તું જઈને ડૉક્ટર કુમુદને બોલાવી લાવીશ?’ ‘તું બાજુમાંથી તેમને ફોન કેમ નથી કરતી?’ ‘મેં કર્યો. ત્યારે ડૉક્ટર આવ્યા ન હતા. વારેવારે બીજાનો ફોન ન વપરાય.’ ‘ડૉક્ટર કુમુદ સાત પહેલાં ક્લિનિક પર નથી આવતા. હું જલદી નાહી લઉં.’ હું નાહીને બહાર નીકળ્યો ત્યારે જયંત ત્યાં ન હતો. ‘જયંતભાઈ ક્યાં ગયા?’ જવાબમાં માલતીએ કહ્યું, ‘એ કાંઈ આખો દિવસ બેસી રહેતા નથી, એ તો કામ કરવામાં માને છે. એ ડૉક્ટરને બોલાવવા ગયા છે.’ તેણે આ વાત શાંત અવાજે કરી હતી, જરાય ગુસ્સો નહીં. એ જ ક્ષણે મને અંદર કાંઈ થયું – સખત ગુસ્સો આવ્યો, જાણે હું ગુસ્સાની આગમાં બળી રહ્યો હતો. એક ઝેરી જંતુ મારા મગજમાં ગણગણી રહ્યું હતું: ‘તું આખો દિવસ બેસી જ રહે છે, બેસી જ રહે છે આખો દિવસ!’ ચૂપચાપ નીસરણી ઉતરીને હું નીચે આવ્યો અને આવેશમાં ટ્રામમાં બેસી ગયો. ગરીઆહાટ ઉતરીને ચાની દુકાનમાં જઈને મેં ચા પીધી. પછી ફૂટપાથ પર ઊભા રહીને જતાં આવતાં લોકોને જોઈ રહ્યો. તળાવ તરફ ચાલવા માંડ્યો પણ પાછા આવીને સિગરેટ અને માચીસ ખરીદીને પાછો તળાવ પર ગયો અને એક બાંકડા પર બેઠો. થોડીવાર પછી પાછો ગરિઆહાટ આવીને ટ્રામ લઈને ઘેર પાછો ફર્યો. દાદર ચડતાં મને લાગ્યું કે હું ખૂબ થાકી ગયો છું, લોથપોથ થઈ ગયો છું. બેઠકના રૂમના દરવાજા પાસે હું શ્વાસ લેવા રોકાયો. અંદરથી ઘૂસપુસ કરતાં અવાજો સંભળાયા. શબ્દો સંભળાતા ન હતા – ફક્ત ધીમા ઉચ્ચારો – કોઈ ઝેરી જીવડાંનો ગણગણાટ, ધીરો, અસ્પષ્ટ અને નકામો. મને જોતાં જ બંને ચૂપ થઈ ગયા. જયંતે હળવાશથી કહ્યું, ‘અરે ભાઈ, અચાનક તમે ક્યાં ચાલ્યા ગયા? કાંઈ નહીં, હું ડૉક્ટરને તેમના ઘરેથી જ પકડી લાવ્યો. બેબી હવે સારી છે. દવા પીને હમણાં જ સૂઈ ગઈ છે.’ અંદરથી દબાયેલો અવાજ આવ્યો, ‘મા.’ ‘આવી.’ ઊભા થતાં માલતી બોલી અને બેબી પાસે ગઈ. એકાદ મિનિટ પછી જયંત ઊભો થયો અને સૂવાના રૂમના બારણા પાસે ઊભો રહીને બોલ્યો, ‘શ્રીમતી મુખર્જી, હવે હું નીકળું છું. તેને અગિયાર વાગે દવા આપવાનું ભૂલશો નહીં.’ મને થોડી વાર માટે જયંતને રોકી રાખવાની ઇચ્છા થઈ. માલતી અને હું આખી રાત ફ્લેટમાં એકલા વીતાવીશું એ વિચાર માત્ર મને ગભરાવતો હતો. સારું હતું કે બેબી માંદી હતી. એ બહાને તો વાતો કરવાનું ટાળી શકાશે! તેના થોડા દિવસ પછી માલતીએ અમારા પલંગ છૂટા મૂકાવ્યા અને તે રૂમની ગોઠવણ બદલી નાંખી. મેં કોઈ જ વાંધો ન લીધો. આ બધું થયું ત્યારે હું માલતી સાથે કોઈ સમજુતી પર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ ખરેખર કપરો સમય હતો – અમારા બંને માટે કપરો. બંને એકબીજાને સમજી શકતા ન હતા. અમે વાત શરૂ કરતાં ને શબ્દો જ ન નીકળતા કે પછી ખોટા સિક્કાની જેમ પાછા ફરતા. મૂંગી, ઠંડી દીવાલો – તેની સાથે માથું પછાડતાં માથું પછડાવાના અવાજનો પડઘો સંભળાતો. માલતીનો જવાબ તૈયાર જ હતો: ‘તને જો એવું લાગતું હોય તો તું જયંતને બોચી પકડીને બહાર કાઢી શકે છે. એવું કેમ નથી કરતો?’ ‘કારણ કે એનાથી કાંઈ વળવાનું નથી. એમ કરવાથી મને તું મળી જવાની નથી. આપણા જેવા માણસો માટે હૃદય જ સર્વસ્વ છે. મુખ્ય વાત છે કામના. તે ખરેખર કોઈ રીતે પરિપૂર્ણ થાય કે નહીં તે ગૌણ પ્રશ્ન છે. હું જયંતને કાઢી મૂકું અને તું જો તેના અભાવથી ઉદાસ અને અધમૂઈ થઈ જવાની હોય તો મને શું ફાયદો થયો?’ પણ આ બધું કાંઈ શબ્દોમાં ન કહેવાય, તેનો વિચાર મનમાં કરાય કે પછી કાગળમાં વ્યક્ત થાય. આવું કાંઈ મોઢે કહેવાય – પોતાની પત્નીને તો નહીં જ. અને આ બધું વ્યક્ત કરવાનો કોઈ અર્થ નથી કારણ કે એ એક એવું સત્ય છે જે માલતીને સ્વીકારવું જ પડે. તેથી તે વધારે ગુસ્સે થશે. કદાચ તે મને સાંભળ્યા વિના જ ઘાંટા પાડવા માંડશે. હમણાંથી તે ક્યારેક ક્યારેક એવું જ કરે છેને – ‘તને ખબર છે તારી તકલીફ શું છે? તું ખૂબ જ અદેખો અને સ્વાર્થી છે. બધાં આખો દિવસ તારામાં જ રસ લે એવું તું ઇચ્છે છે. બેબી પર પણ કોઈ વધારે ધ્યાન આપે તે તને પસંદ નથી પડતું.’ અને માલતી આ એક બીજી વાત છે – અદેખાઈ. જાણે તે મારી કે બધા જ પુરૂષોનો ઈજારો હોય! તારા કે સ્ત્રીઓમાં શું તેનો સદંતર અભાવ હોય છે – દાઢીની જેમ? આપણા લગ્ન પછી એક વર્ષે આપણે દાર્જીલિંગ ગયા હતા તે તને યાદ છે? ત્યાં પેલી પંજાબી છોકરી – દોરિયા – યાદ આવે છે? તે હતી ચૌદની પણ દેખાતી હતી અઢાર જેવી. તે સુંદર હતી અને સરસ અંગ્રેજી બોલતી હતી. આપણે નીકળ્યા તે દિવસે તે આપણી સાથે સ્ટેશને આવી હતી. ચાલતાં ચાલતાં મને તેની સાથે વાતો કરવામાં મઝા આવી હતી. છોકરમતમાં હું ભૂલી ગયો કે તને એનાથી ચીઢ ચડતી હતી. તેથી તો આખી રાત ટ્રેનમાં તું મારી સાથે એક અક્ષર પણ બોલી ન હતી. તારો ચહેરો જ મૂંગો થઈ ગયો હતો અને કોલસાના ચૂલા જેવો કાળો પડી ગયો હતો. તે ટ્રેનના ડબ્બામાં આખી રાત એકલા બેઠા બેઠા હું તને આજીજી કરતો રહ્યો અને તોય તારો ગુસ્સો ઠંડો પાડી ન શક્યો – યાદ આવે છે? આપણી એ ટ્રેનની સુંદર રાત અને દાર્જીલિંગની મધુર સ્મૃતિઓ જેને લીધે ખાટી થઈ ગઈ એ દોરિયા કોણ હતી? એને માટે તારે શું કહેવું છે? જો પતિ આમ વર્તે તો તેને અદેખાઈ કહેવાય અને જો પત્ની કરે તો તેને દીર્ઘદૃષ્ટિ કહેવાય? તું તો એમ કહેવાનીને કે ‘મને તો તેમાં કોઈ જ વાંધો ન હતો. આ તો તારે માટે કોઈ ખોટું ન ધારી બેસે માટે.’ અને જ્યારે તારા પિતાને અલ્હાબાદમાં લકવાનો હુમલો થયેલો અને તાર મળતાં તું તરત જ નીકળી ગઈ હતી ત્યારે હું ઘરમાં એકલો હતો. સાંજે બારણે ટકોરા પડ્યા અને એક યુવાન સ્ત્રીએ દાખલ થઈને પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘કદાચ તમે મને નહીં ઓળખો – હું નીલિમા.’ મને યાદ આવ્યું કે તારી સગી થતી હતી અને હું તેને તારા પિતાના ઘરે એકાદબે વાર મળ્યો હતો. તેં મને કહ્યું હતું કે તેને તેના પતિ સાથે પહેલેથી જ બનતું ન હતું. તેં બીજું શું કહ્યું હતું તે મને યાદ ન હતું. અચકાતા અચકાતા મેં કહ્યું, ‘માલતી તો અહીં નથી – તે તો અલ્હાબાદ – હું શું – તમે’. ‘જુઓ, મારે તમારી થોડી મદદ – ખાસ મદદની જરૂર છે. હું કામ માટે કલકત્તા આવી હતી અને કાલે મારા પિતાને ઘેર – ગૌહત્તી જવાની છું. મારે કલકત્તામાં રહેવાની કોઈ જગા નથી. જો મને તમે આજની રાત અહીં રહેવા દો તો સારું.’ આ શબ્દો સાંભળતાં જ મને યાદ આવ્યું કે તેં કહ્યું હતું કે નીલિમા સારી છોકરી નથી. તેના લગ્ન પહેલાં તેણે સારા એવા પુરૂષોને તારાજ કરી નાંખ્યા હતા. તેને એક વખત કૉલેજના છાત્રાલયમાંથી પણ કાઢી મૂકી હતી. તેની આવી ઘેલછાને કારણે જ તેના લગ્નજીવનમાં પણ મુશ્કેલીઓ ઊભી થતી હતી. તદુપરાંત ત્યાં સુધીમાં હું પણ એક ઘડાયેલો પતિ બની ચૂક્યો હતો અને સમજી ગયો હતો કે જો હું ઘરમાં એકલો હોઉં ત્યારે કોઈ યુવાન સ્ત્રીને એક રાત માટે રહેવા દઈશ તો તે તને નહીં ગમે. થોડા શબ્દોમાં માફી માંગીને મેં તે રાતે નીલિમાને વિદાય કરી. મેં તને આ વાત લખી પણ હતી. જવાબમાં એક પછી એક ત્રણ કાગળો તારા તરફથી આવ્યા હતા. તેં મને ચેતવ્યો હતો કે નીલિમા સાથે કોઈ જ સંબંધ ન રાખવો અને જો તે ફરી પાછી આવે તો તેને ઘરમાં તો ન જ રાખવી. (આ વાતની નીચે તેં લીટી દોરી હતી.) ‘આ બધું હું મારા માટે નથી કહેતી પણ પડોશીઓ ખોટું સમજે. મારા માતાપિતાને ખબર પડે તો પણ તે સારું ન લાગે. તું જાણે છે કે તારે માટે કોઈના પર પણ ખોટી છાપ પડે તે મારાથી સહન ન થાય.’ તેં તો હંમેશા મારું ભલું જ ઇચ્છ્યું છે, માલતી. તું તો જરાય અદેખી કે શંકાશીલ નથી. હું પુરૂષ છું અને તું સ્ત્રી – એટલે મારે આ સ્વીકારવું જ રહ્યું. પણ જો પરિસ્થિતિ ઊલટી હોત – હું અલ્હાબાદમાં હોત અને જો મારા કોઈ મિત્રને આપણે ત્યાં રાત પસાર કરવાનો પ્રસંગ આવે તો હું ચોક્કસ આશા રાખત કે તું તેને વિદાય ન કરે અને આને કારણે તને નામોશી મળે એવો વિચાર પણ મને ન આવ્યો હોત. પછી ક્યારેક વિચારતાં મને એમ લાગતું કે મેં તે રાતે બરાબર કર્યું ન હતું. કદાચ નીલિમા ખરેખર મુશ્કેલીમાં હશે. મેં તો તેની સાથે વાતચીત પણ કરી ન હતી કે તેને ચા પણ પીવડાવી ન હતી – માલતી, મારી પાછળ જ તારો પડછાયો હતો! તેની હાજરીમાં જ હું તો ટૂંટિયું વાળીને બેસી ગયો હતો. આવી વર્તણૂકમાં મારો સાચો સ્વભાવ પ્રગટ થતો ન હતો. તારા પતિ હોવાને કારણે જ મારે જે કરવું પડ્યું તે મેં કર્યું. માલતી, તારે સ્વીકારવું જ રહ્યું કે મને તારામાં સંપૂર્ણ વિશ્વાસ હતો – કોઈ પણ શરત વિનાનો અને અગાધ. પણ તું અજાણપણે મારાથી સાવધાન રહેતી હતી. હું કોઈની રસોઈના કે સાડીના ઉત્સાહપૂર્વક વખાણ કરતો તો તું તરત જ બોલી ઊઠતી: ‘મહેરબાની કરીને હવે વધારે પડતું ન બોલ. લોકોને લાગશે તેં કાંઈ જોયું જ નથી કે પહેલાં કાંઈ ખાધું જ નથી.’ ‘લોકોને લાગશે!’ બેવકૂફની માફક તું ભરડી નાંખતી આ શબ્દો: ‘લોકોને લાગશે!’ જાણે કોઈ બુદ્ધિશાળી માણસને ક્યારેય પડી હોય કે લોકોને શું લાગશે અને શું નહીં! ઉપરાંત બીજા મારે માટે ખોટું વિચારે એનો જ જો તને ભય હતો તો તું પોતે જ અપર્ણા ઘોષને કેમ સહન કરી લે છે – સહન શું, તું તો તેને ઉત્તેજન આપે છે એમ કહેવાય! કદાચ તું એમ વિચારતી હોઈશ કે જો હું તેની સાથે આગળ વધું તો તને મારા તરફથી સંપૂર્ણ મુક્તિ મળી જાય. મારી સામે તને એક શસ્ત્ર મળે છે અને તું તેનો ઉપયોગ તારા આચરણના નૈતિક સમર્થન માટે કરવા માંગે છે. પણ માલતી, તારી આશા ઠગારી નીવડશે. હું એવું કાંઈ જ થવા નહીં દઉં કારણ કે એવું થાય એમ તું ઇચ્છે છે. મારા ધૂંધવાયેલા ગુસ્સા અને અપમાનની ઘેરી છાયા હું તારા જીવન પર પડવા દઈશ. કદાચ મારી ભૂલ પણ થતી હોય. કદાચ સ્ત્રીઓ માટે પ્રેમ વિના અદેખાઈ શક્ય પણ હોય. કોઈ દિવસ તું આવે અને જુએ કે હું અને અપર્ણા એકબીજાનો હાથ પકડીને વાતો કરી છીએ તો તું તો મારો ઊધડો જ લઈ લેને? તારી બેદરકારીથી રસ્તામાં પડી ગયેલો તારો સિક્કો કોઈ ઉપાડી લે તે તારાથી સહન થાય? કદાચ ભગવાને તને – તમને સ્ત્રીઓને – એવી જ ઘડી હશે. પણ મેં તને અને જયંતને આ જ સ્થિતિમાં જોયા હતા. તે વખતે તને લોકોને શું લાગશે કે પડોશીઓ શું કહેશે તેનો વિચાર આવતો ન હતો. તારા માતાપિતાને ખબર પડશે તો શું થશે તે પણ તેં ધ્યાનમાં લીધું ન હતું. હમણાંથી તને આ બધી ફિકર થતી લાગતી નથી. તેં તો સ્વસ્થ અને શાંત સ્વરે મને કહી દીધું હતું કે મારો ખ્યાલ ખોટો હતો અને મારે તે સ્વીકારવું જ રહ્યું કે તું સાચું જ બોલતી હતી કારણ કે તું એક સ્ત્રી છે. અને જો હું ન સ્વીકારું તો મને પેલા હાસ્યાસ્પદ અને અધમ ‘અદેખા પતિ’નું ઉપનામ મળવાનું! લગ્ન! કેવું જટિલ, મુશ્કેલ, જરૂરી અને અત્યંત ટકાઉ – લગભગ સ્થાયી જ – સંસ્થા, (કે રૂઢિ?) અને છતાં કેટલી નાજુક! બે માણસો આખી જિંદગી એકબીજાની સાથે વીતાવવાના – પાંચ, પંદર વર્ષ નહીં, આખી જિંદગી. આનાથી બદતર જુલમ કે અમાનુષી આદર્શ હોઈ શકે? કોઈ પોતાના બાળકો સાથે આખી જિંદગી નથી વીતાવતું. મિત્રો પણ બદલાતા રહે છે. છતાં પણ એવી અપેક્ષા – સામજિક આદેશ જ કહોને – રાખવામાં આવે છે કે એક વખત પતિ પત્ની બન્યા પછી તેમણે હંમેશા તેમ જ રહેવું. આ કૃત્રિમ સ્થિતિને સહન કરવા માટે બિનશરતી સ્વીકાર કરવો રહ્યો કે તે એક દિવ્ય આદેશ છે અને તેને આપણા અંગત સુખ-દુઃખના સામ્રાજ્યમાંથી દેશવટો આપવો રહ્યો. બીજો એક રસ્તો એવો પણ નીકળે કે બંને પક્ષ એમ જ સમજે કે લગ્ન માત્ર એક નિયમબદ્ધ ઈમારત છે, – એક અલંકૃત ગમાણ – અને બંને દૂર સુદૂર સુધી ખોરાકની શોધમાં ચરવા જવા મુક્ત છે. પણ જો કોઈ લગ્ન કરીને સુખી થવા માંગે (જેમ હું માંગતો હતો) કે કોઈ એક જ પતિ કે પત્ની સાથે આજીવન પ્રેમભર્યો સંબંધ રાખવાની આશા રાખે (જેમ મેં રાખી હતી) કે કોઈ ભયાનક દિવાસ્વપ્ન જોતું હોય (જેમ મેં જોયું હતું) જેમાં લગ્નમાં પેલું જીવલેણ હૃદય હોય છે તો કોઈ ને કોઈ સમયે ક્યાં તો બાહ્ય ઘટનાને કારણે કે પોતાનામાં થતા બદલાવને કારણે કે માત્ર સમયની દુશ્મનાવટના કારણે તે જરૂર નિરાશ અને હતાશ થવાનો અને જડમૂળથી ઊખડી જવાનો – જેમ હું આજે- આ પલંગમાં, આ એકાંતમાં, આ અંધકારમાં – છું. આપણે ઘણી વાર સ્ત્રી અને પુરૂષના સંબંધોની વાત કરતા હતા. તું હંમેશા કહેતી: સ્ત્રીઓ હંમેશા જુલમથી પીડાતી આવી છે. આજે પણ ત્યક્તાઓને સમાજમાં કોઈ જ સ્થાન નથી. તેમની કોઈ પણ ભૂલ માફ કરવામાં નથી આવતી પણ પુરૂષ ગમે તેટલો વ્યભિચારી હોય તો તેનો દોષ જોવામાં આવતો નથી. આપણે ત્યાં સ્ત્રીઓની દશા કેટલી શોચનીય છે તે કોણ નથી જાણતું? આજે પણ તેમને માથે કેટલાં થાણાં થપાય છે! તને ક્યારેય વિચાર આવ્યો છે કે જેમણે આ પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો તે બધાં જ પુરૂષો જ હતાં? મારા અને તારા જેવા અનેક દંપતીઓ જે જાતનું જીવન ગાળે છે તે પુરૂષોના જ પ્રયત્ન અને પહેલને આભારી છે. અને એક બીજી વાત તેં ક્યારેય સ્વીકારી નથી અને હું તને સમજાવી શક્યો નથી: આ સમાજમાં પુરૂષોનું શાસન ચાલતું હોઈ તેમની પાસેથી વિવેક અને ઉદારતાની અપેક્ષા રાખવામાં આવે છે. પુરૂષોએ તેમની પત્નીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો – એ ફરજિયાત છે. વિશ્વાસભંગની ગંધ પણ આવે તો તે તેણે ખાનગી રાખવાની હોય છે. તેમની અશક્તિ કે નબળાઈના વળતર તરીકે સ્ત્રીઓને અત્યંત સન્માન આપવામાં આવે છે. પુરૂષોએ સતત દેખાવ કરવો પડતો હોય છે કે તેમની પત્ની ટીકા કે ઠપકાને પાત્ર નથી. નાટકો અને નવલકથાઓમાં પતિની બેવફાઈને કારણે પત્નીઓ લેખક અને વાચકની દયાને પાત્ર કે પછી કરૂણાંતિકાની નાયિકા બને છે પણ જ્યારે પરિસ્થિતિ ઊલટી હોય છે અને પતિને પત્ની પર શંકા કરવાનું મજબૂત કારણ હોય અને તે અદેખાઈ કરે છે ત્યારે તેને હાસ્યાસ્પદ રીતે એક જડ અને અદેખા પતિ તરીકે ચીતરવામાં આવે છે. પુરૂષને આવી રીતે ચીતરવો તેનાથી મોટું તેનું બીજું કોઈ અપમાન નથી. તેથી જ અમારે ચૂપ રહેવું પડે છે – તેથી જ મારે ચૂપ રહેવું પડે છે – મારું સ્વમાન અને મારી પત્નીનું મન સાચવવા! માલતી, તું કહી શકીશ કે આપણને પહેલી વાર ક્યારે લાગ્યું કે આપણું લગ્ન તૂટી રહ્યું છે? યાદ નથી આવતું? સાંભળ, હું તને યાદ કરાવું. જ્યારે જયંત પીને આપણે ત્યાં આવ્યો હતો અને કાંઈ અસંબંદ્ધ શબ્દો તારી આગળ બબડતો હતો અને હું તેને નીચે લઈ જઈને ટૅક્સીમાં મૂકી આવ્યો હતો ત્યારે પાછા આવીને મેં તને કહ્યું હતું કે મેં તેને કહી દીધું છે કે તેણે ફરી આપણે ત્યાં આવવું નહીં. મેં તે જ કહ્યું હતું પણ મારા કહેવામાં જોઈએ તેટલી શક્તિ ન હતી. થોડું ધીરેથી મેં કહ્યું હતું, ‘કદાચ હવે તારે ફરીથી અમારે ત્યાં ન આવવું જોઈએ.’ મેં આવા કોઈ શબ્દો વાપર્યા હતા જેથી તે બહુ કઠોર ન લાગે. મને યાદ છે, મેં ‘કદાચ’ શબ્દ વાપર્યો હતો. એ દૃશ્ય જ મારે માટે ઘૃણાસ્પદ હતું. જયંતને આપણા બારણે પીધેલો જોતાં જ મારું શરીર ગુસ્સાથી થથરી ઊઠ્યું હતું. છતાં હું મારો ક્રોધ વ્યક્ત કરી શક્યો ન હતો – એ મારો સ્વભાવ છે, મારી નિર્બળતા છે. છતાં મેં તો મારા ખરા દિલથી ઈચ્છ્‌યું હતું કે જયંત ફરીથી આપણે ત્યાં ન આવે. થોડા દિવસ તો મને આશા પણ હતી કે આપણે આપણી વીતેલી જિંદગી પાછી મેળવી શકીશું. પણ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ હું જોઈ શકતો હતો કે તું મૃત:પ્રાય થતી જતી હતી. તારો ચહેરો ઝાંખો પડી ગયો હતો. તારા ગળામાંથી માંડ માંડ અવાજ નીકળતો હતો. તું જાણે એક કઠપૂતળી બની ગઈ હતી. પછી મને શંકા થવા માંડી કે મેં કાંઈ ખોટું તો નથી કર્યું ને? એક અધમૂઈ પત્નીથી મને કોઈ ફાયદો થવાનો ન હતો. હું વાત ટાળવાનો પ્રયત્ન કરતો કારણ કે બોલવાના પ્રયત્નની સાથે જ મારા અવાજમાં કડવાશ આવી જતી. હું તેને દબાવી શકતો ન હતો અને મારે ઝઘડો જોઈતો ન હતો. મને તો એમ લાગતું હતું કે જો તું તારો પોતાનો અને તારી ગ્લનિનો સામનો કરીશ તો તે તારા ઉપર દવા જેવી અસર કરશે. (એક મૂર્ખની જેમ હું દવાનો વિચાર કરતો હતો, જાણે તું માંદી હોય તેમ!) પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તારા ચહેરાના હાવભાવ પરથી મને લાગવા માંડ્યું કે આ કાંઈ કહેવાતો પરોઢ પહેલાંનો અંધકાર ન હતો. આ તો હતી એક ઠંડી, ભૂખરી છાયા જે શિયાળા કે વરસાદના દિવસોમાં દેખાતી જ્યારે ક્યારેક ક્યારેક ગળાઈને આવતાં સૂર્યનાં કિરણો પણ ફિક્કા, માંદલા અને ઉષ્માવિહીન લાગતા. તને ખ્યાલ નથી કે તે દિવસોમાં તું કેવી લાગતી હતી – પાતળી, ફિક્કી અને ચેતનાવિહીન. તું ગમગીન લાગતી ન હતી – ગમગીનીનું પણ એક સૌંદર્ય હોય છે. એ વખતે તને જોનાર કોઈ પણ તને સુંદર ન કહેત. તને જોતાં મને એક વિચિત્ર લાગણી થઈ આવતી. તને કેટલી વેદના થતી હશે તે હું જોઈ શકતો હતો. જયંત પણ આમ જ પીડાતો હશે. પછી મને થયું: આમ ત્રણ જણ હેરાન થાય એના કરતાં એક જ જણ હેરાન થાય તો શું ખોટું? તારા ચહેરા પર છવાયેલી વેદના મારા હૃદયને એક ખંજરની જેમ વીંધી નાંખતી હતી. હું સહાનુભૂતિ અનુભવતો ન હતો. બીજાના અભાવથી તારી આ હાલત થઈ હતી – એ તો મૃત્યુ જેવું થયું. આ પરિસ્થિતિનો કોઈ ઉકેલ ન હતો પણ આ ઘરમાં, જ્યાં હું ઑફિસેથી પાછો આવતો હતો, જ્યાં હું રાતે સૂતો હતો, તારા મોં પર સ્મિત અને તારા શરીરમાં ચેતના પાછી લાવવાનું શક્ય હતું. મને જ જયંતને પાછો બોલાવવાનું મન થતું હતું. હું મારી જાતને કહેતો કે આ પરિસ્થિતિ અસહ્ય છે. પછીથી તે સુધરે કે નહીં, મારે તો આ કાળી કોટડીમાંથી બહાર નીકળવું હતું. શિયાળો અચાનક જ પૂરો થઈ ગયો અને વસંતનો પવન આવવા માંડ્યો. જે દિવસે માલતી અને હું સાથે ચંડાલિકા જોવા ગયા તે દિવસે ઉદાસીનતા વીખરાઈ ગઈ અને આકાશમાં મીઠાશ ફેલાઈ ગઈ. અસ્પૃશ્ય છોકરીનાં ગીતો સાંભાળતાં મારી આંખમાંથી પવિત્ર આંસુ મારા ગાલ પર વહી રહ્યા. હડધૂત છોકરીની પવિત્ર વેદનાથી મારું હૃદય નિર્મળ થઈ ગયું અને મારી આંતરિક નિર્દોષતા ફરીથી પ્રસ્થાપિત થઈ. ઉત્સાહ અને યૌવન ફરી એક વાર ઉભરાયા. બંનેના મૂળમાં છે પ્રેમ. મને સમજાયું કે જો હૃદયમાં પ્રેમ હોય તો વૃદ્ધાવસ્થામાં યૌવન ખોવાઈ નથી જતું. રવીન્દ્રનાથનો જ દાખલો લોને. આજે તેમના લખેલા શબ્દો ટીપે ટીપે મારા ઉપર ઢોળાતા, મોજાં પર મોજાંમાં લહેરાતા મારે માથે, બંદીશમાં ઓગળીને નૃત્યકારોની આંખોમાં અને અદામાં પ્રતિબિંબિત થતા હતા. આલ્હાદક, મોહક, મારી સુસ્તીને વીંધતા, જાણે મારા પ્રેમની શક્તિમાં સંજીવની રેડતા – હું તો જાણે આ કાવ્યમય રચનાઓને માણતા માણતા ફરી એક વાર દુનિયાના પ્રેમમાં પડી ગયો. થોડા કલાક પછી – હું તે જ ક્ષણે ઊંઘમાંથી જાગ્યો. અંધકારમાં મને લાગ્યું કે મારી સજીવન થયેલી પ્રેમની ભાવનાથી માલતીને ઝંખતો હતો. મારી ઇચ્છા હતી તન અને મનથી તેની સાથે એક થવાની. અને તે જ ક્ષણે માલતી, તું ઠંડી અને જડ થઈ ગઈ અને પહોંચી ગઈ દૂર – એટલી દૂર કે જે હાથ આકાશને પકડવા સમર્થ હતા તે પણ તને ન પહોંચી શક્યા! તું સ્ત્રીત્વના આદર્શમાંથી, બની ગઈ માત્ર એક હાડમાંસનો ઢગલો! મને સાંપડેલી નિરાશા, હતાશા અને મેં અનુભવેલી શરમ અને અપમાન – એ તે કોઈને કહી શકાય? મારા શરીરના એન્જિનને હાંકનાર કોઈ જ ન હતું. થોડે આગળ જઈને તે પણ અટકીને પડ્યું એક ખાડામાં. કોઈ નવા શબ્દનો અર્થ શબ્દકોશમાંથી શોધી કાઢીએ તેમ તે ક્ષણે મને સમજાયું કે તું તો જયંતના વિચારોમાં મગ્ન હતી. તારે માટે જયંત સિવાય બીજું કાંઈ કોઈ જ અર્થ ધરાવતું ન હતું. છતાં હું થોડી વાર ત્યાં પડી રહ્યો – ઊભા થવાની શક્તિ ભેગી કરતો અને તારા વાળથી સુગંધિત ઓશીકાને માણતો. મને તારા પ્રત્યે જરાય ઘૃણા થતી ન હતી. જો એવું હોત તો મેં કદાચ કહ્યું હોત, ‘ફરી કદી નહીં.’ હમણાં જ જે થયું હતું તેના પછી પણ મને થતું હતું કે ભવિષ્યમાં કદાચ હું ફરી પાછો તારી પાસે આવીશ. અને તે શરમનો આઘાત સૌથી વધારે ઘાતક હતો! બીજે દિવસે હું ઑફિસેથી પાછો આવ્યો ત્યારે જયંતને ઘરે જોઈને મને આશ્ચર્ય થયું ન હતું. ખરેખર તો હું એને જોઈને ખુશ થયો હતો. માનોને કે મેં સ્વીકારી લીધું હતું કે નાટકમાં એના પાત્રનો અંત હજી આવ્યો ન હતો. તે રાતે જમ્યા પછી રોજની જેમ હું લખવા બેઠો. (હમણાંથી હું રોજ લખું છું. કાંઈક મૌલિક લખવાનો પણ પ્રયત્ન કરું છું – તે છપાય કે નહીં તેની ફિકર કર્યા વગર. આમ કરવાથી થાકીને સૂઈ તો જવાય!) લખવા માટે કાગળ કાઢતાં, પહેલા જ સફેદ કાગળ પર લખેલા ત્રણ શબ્દો, આઠ અક્ષર, મારી આંખે ચડ્યા. અને તે અનેક આંખોથી મારી સામે તાકી રહ્યા. મારી સામેની દીવાલ પર તે નાચી રહ્યા. નાના ચામાચિડીયાની જેમ તે છત પર ગોળ ગોળ ઊડવા માંડ્યા. ‘જયંત, પાછો આવ.’ મારો શ્વાસ ભારે થઈ ગયો. ધીરે ધીરે સ્વસ્થ થઈને મેં તે કાગળ વાળીને એક પરબીડિયામાં નાંખીને ખાનામાં મૂક્યો. ભમરીના ઝુંડની જેમ વિચારોનું ટોળું મારા મગજને ડંખી રહ્યું. સાચેસાચ માલતીએ જયંતને સંદેશો મોકલીને બોલાવ્યો હશે? ના, ના, તો આ કાગળ આમ બેદરકારીથી અહીં ન રહેવા દીધો હોત. અહીં તો તે મારી નજરે ચડે જ! નિરાશ, બિચારી, આતુર માલતી! તેની જાત પર કાબૂ ગુમાવીને તેણે આ શબ્દો લખ્યા હશે. તેની વહેવારુ બુદ્ધિ અને તેનું સ્ત્રી-સહજ દાક્ષિણ્ય તેને દગો આપીને અદૃશ્ય થઈ ગયું હશે. એ ત્રણ શ્બ્દ, આઠ અક્ષર – મને કેટલું કહી જતા હતા! કેટલા સ્પષ્ટ હતા! કોઈ શંકાને સ્થાન જ ન રહે! ‘જયંત, પાછો આવ.’ આ તો કોઈ કવિતાની જીવલેણ પંક્તિ હતી જેમાં મારે ઊંડા ઊતરવાનું હતું – ગૅલિલિયોના ટેલીસ્કોપમાંથી એક ક્રૂર ચંદ્રના ચહેરાને આજીવન ઉકેલવાનો હતો. એ જે પણ હોય તે – માલતીની સામે વાપરી શકાય તેવું એક હથિયાર મારા હાથમાં આવ્યું હતું. હવે હું તેને ડરાવી શકીશ, ધમકી આપી શકીશ. ઓછામાં ઓછું તેના પર મુકદ્દમો તો ચલાવી શકીશ! મારા મૃત:પ્રાય ગર્વની આ તો સંજીવની! જો હું ત્યારે ને ત્યારે માલતીને બોલાવીને આ કાગળ બતાવું તો ખળભળાટ મચી જાય અને તેના ચહેરા પરનો ભાવ જોવાની મઝા? આ લાલચને જતી કરવા મારે મારી બધી જ શક્તિઓનો ઉપયોગ કરવો પડ્યો. એ કાગળને સાચવીને મારા છાતી પરના ખિસામાં મૂક્યો – જાણે તે કોઈ તાવીજ કે માદળિયું હોય તેમ – અને હું ઑફિસ જવા નીકળી ગયો. પાછા આવીને તેને ખાનામાં પાછો મૂકી દીધો. ઑફિસમાં કે મોડી રાતે ઘરે, જ્યારે પણ મને થોડો સમય હોય ત્યારે એ કાગળને કાઢીને હું તેની સામે તાકી રહેતો. આમ ને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા. તે દરમિયાન જયંત અને માલતી એકબીજાની વધુ ને વધુ નજીક આવતાં જતાં હતાં. હું એ જોઈને પણ ન જોયું કરતો. કારણ કે હું જાણી ગયો હતો કે જો હું ધારું તો તેમને એક પળમાં પરાસ્ત કરી શકું તેમ હતો. પણ હું નક્કી કરી શકતો ન હતો કે મારે શું કરવું. ક્યારેક વિચારતો કે એક દિવસ અચાનક માલતીના હાથમાં કાગળ પકડાવીને કહેવું, ‘આ લે. તારો પ્રેમપત્ર તને પાછો આપું છું.’ (જેને સસ્તી નવલકથા લખનાર ‘ક્રૂર હાસ્ય’ કહે તેવા સ્મિત સાથે.) કે એક લાંબા કાગળ સાથે તેના પિતાને મોકલી આપું (પણ આ કાગળ લખવાનું કામ એટલું કષ્ટદાયક લાગ્યું કે એ વિચાર તો મેં મનમાંથી તત્ક્ષણ કાઢી નાંખ્યો.) વળી એમ પણ થતું કે સૌથી સારો રસ્તો તો એ છે કે કોઈ યોગ્ય તકની રાહ જોવી જોઈએ – જ્યારે ઝઘડો થાય (હમણાંથી અવારનવાર થતા હતા) અને અમારા બંનેનો ગુસ્સો સાતમા આસમાને હોય ત્યારે અચાનક કાગળ કાઢીને તેના મોં પર ફેંકવો – સરના એક્કાની જેમ, ચાલુ લાઈટોવાળા શહેર પર અચાનક થતા બોંબમારાની જેમ. તરત જ તેનો ચહેરો ઝાંખો પડી જશે, તેના અવાજમાંથી જોમ ઓસરી જશે. તેની ખોટી દલીલોની દીવાલનો ભાંગીને ભૂકો થઈ જશે અને મને પણ તેને પરાસ્ત કર્યાનો સંતોષ થશે. પણ પછી વિચાર આવ્યો: ધારો કે તે જમીન પર લાંબી થઈને મારા પગ પકડીને મારી માફી માંગે તો? જો તે કહે, ‘મારે બીજું કશું જ જોઈતું નથી. તમારી ઇચ્છા હોય તેમ કરો. પણ મને આ ઘરમાં બેબીની સાથે રહેવા દા.ે’ તો મને શો ફાયદો? મારે જે જોઈએ છે તે મને પાછું મળશે? ઉપરાંત, જો તેની આંખમાં આંસુ જોઈને, તેની કાકલૂદી સાંભળીને જો હું પણ દયાને આધીન થઈને એમ કલ્પના કરું કે અમે ફરી એક વાર ભૂતકાળમાં પાછા જઈ શકીશું તો? ના, ના, જેને મેં એક દિવ્ય શસ્ત્ર માન્યું હતું તે તો માત્ર ભાંગ્યુંતૂટ્યું માટીનું ઠીકરું હતું જેનાથી માત્ર મારી ચિંતાના પ્રવાહમાં ભંગ પડે પણ બીજું કાંઈ તેનાથી થઈ શકે નહીં. એક દિવસ હું તેને સાથે લઈ લઈને ફરતાં થાકી ગયો. હવે તે કાગળ ક્યાં છે? એ મહત્વનો સાક્ષી, કીમતી દસ્તાવેજ, અદમ્ય સાબિતી? મેં છેલ્લે ક્યાં મૂક્યો તે મને યાદ પણ નથી. કદાચ બીજા કોઈ ખાનામાં બધાં નકામા કાગળો અને તુચ્છ વસ્તુઓની સાથે. ત્યાં ધૂળ અને વંદાઓની વચ્ચે એ સ્થૂળ કાગળનો નાશ થઈ રહ્યો હશે. કે ભૂલમાં હું ઑફિસે ભૂલી અવ્યો છું કે તે ખિસામાંથી ક્યાંક પડી ગયો છે? તેને હવે શોધવાની જરૂર છે – હવે, જ્યારે હું અને માલતી એકબીજાની આંખની કણી, હૃદયમાં ખંજર બની ગયા છીએ, જ્યારે તેના લખાણ કરતાં હજારગણું મોટું સ્વરૂપ તેના દરેક વહેવાર, દરેક હલનચલનમાં દેખાય છે! અને હું – નિર્બળ હું – વેર લેવાના બીજા કોઈ પણ રસ્તાના અભાવે તેને માત્ર શબ્દોના બાણથી શક્ય તેટલી વીંધ્યા કરું છું. માલતી, તું જાણે છે, અત્યારે હું શું વિચારી રહ્યો છું? મારા શબ્દોથી તને થયેલી પીડા કે તારા શબ્દોથી મને થયેલી પીડાનો નહીં – તે બધું તો સમય જતાં ભૂલાઈ જાત કે આપણે પ્રયત્ન કરીને ભૂલી શકતે – જો આપણા બંનેના શરીર વચ્ચે થોડી પણ મૈત્રી રહી હોત તો. હું આમ કેમ કહું છું – કારણ શરીર જ સાચું છે, મૂળભૂત અને સર્વસ્વ છે. તેના પર જ પતિ-પત્ની નિર્ભર; લગ્ન પણ નિર્ભર – એની જ શક્તિને લીધે એક અસંભવની આશા રાખી શકાય કે બે જણ સદાને માટે એકબીજાની સાથે રહી શકે. તે જ નથી આપણી વચ્ચે તેથી આપણે એકબીજાને ઓળખી શકતા નથી, એકબીજાની ભાષા પણ સમજી શકતા નથી. મુશ્કેલી એટલી જ છે કે હું હજી પણ તને – કેવી રીતે કહું? – એમ માનને કે હું તને ચાહું છું અને જો તને એ શબ્દનો વાંધો હોય તો હું એમ પણ કહેવા તૈયાર છું કે હું તારી કામના કરું છું. હા, મને તું જોઈએ છે – કામનાના સંપૂર્ણ શારીરિક અર્થમાં. પણ હવે તારું શરીર મને પ્રતિભાવ નથી આપતું. તેને માટે કોઈ કાંઈ કરી શકે તેમ નથી – હું નહીં, તું નહીં, ચંડાલિકા નાટક નહીં, રાત્રિનો ઘેરો અંધકાર પણ નહીં. અંધારામાં પણ હું તારી ઘૃણા, તારો તિરસ્કાર, તારો અણગમો અનુભવી શકતો હતો. તું તો તારા દાંત પીસીને બધું સહન કરતી હતી. મને જ્યારે ખબર પડી ત્યારે હું પણ બરફ જેવો ઠંડો થઈ ગયો – બરફ, નિર્બળ, દીન, અસમર્થ. આ તે કેવું ફારસ, કેવું અપમાન! છતાં મેં પ્રયત્ન કર્યો – વારંવાર પ્રયત્ન કર્યો – કદાચ નસીબના જોરે ક્યારેક બંધ દરવાજો ખુલી જાય તો! પણ સમય જતાં તારી અને મારી વચ્ચે એક દીવાલ ઊભી થઈ ગઈ – મૂંગી અને ઠંડી દીવાલ! એકબીજાની પાસે જ મૂકેલા બે પલંગ જેલની બે કોટડી જેવા બની ગયા. અને તેમાં રાખવામાં આવેલા સાંકળથી બાંધેલા બે કેદી! ત્યારે મેં જાણ્યું – ના, ના, હું જાણતો તો હતો ઘણાં વખતથી, પણ ત્યારથી મેં સ્વીકાર્યું કે આપણા લગ્નના પાયામાં તડ પડી હતી. હવે આ ઘર લાંબું ટકશે નહીં. પણ હું કહી શું રહ્યો છું, વિચારી શું રહ્યો છું? જ્યારે મન વચ્ચે જ આટલી દૂરી હોય ત્યારે શરીર સાથે મૈત્રી કેવી રીતે સંભવી શકે? શરીર – કેટલી વેદના આ શરીરને કારણે અને છતાં એના વિના ચાલે જ નહીં. આ તે ભગવાનનો કેવો વિસ્મયકારક અને ક્રૂર કાયદો છે કે આપણું મન કે આત્મા – તેને તમે જે પણ કહો તે – ઝંખે આકાશ, અસીમ, અનંત વગેરેને પણ એ જ મન પ્રેમ કરે ત્યારે તેનું વાહન કહો કે તેની ભાષા કહો કે તેની અભિવ્યક્તિ કહો – તે થાય આ જ શરીર દ્વારા – આ નાનકડું, અશ્લીલ, વૃદ્ધ થતું, ઘૃણાસ્પદ શરીર! તો પછી કવિઓ વાત કરે છે તે પ્રેમ ક્યાં છે? આપણે તો આપણા શરીરના બંદી થઈ ગયા છીએ. મનમાં ને મનમાં વિચાર કરવાથી કે નજર મેળવવાથી કે ચુંબન કરવાથી આપણને સંતોષ નથી થતો – આપણે તો નીચે ઉતરવાનું છે ઘેરા અંધકારમાં, પશુની ગુફામાં, વિષમ વ્યાયામમાં. મન એકલું પ્રેમ કરી શકતું નથી. મન પોતાની જાતને સંતૃપ્ત કરી શકતું નથી અને નથી શરીર પણ એકલું પોતાની જાતને સુખી કરી શકતું! આપણે આંખોથી જોવું હોય છે, કાનથી સાંભળવું હોય છે, પણ આંખનો પ્રકાશ, ગળાનો અવાજ, હોઠનું હાસ્ય, આ બધાંની લગામ હોય છે મન પાસે. આપણે સૌંદર્ય જોઈએ છીએ મનથી, કામના કરીએ છીએ મનથી અને પછી એ સંદેશો પહોંચાડે છે શરીર. આપણને જ્યારે એક સ્ત્રી જોઈતી હોય છે, તેનો ઉપભોગ કરવો હોય છે ત્યારે ખરેખર તો આપણને તેનું સંપૂર્ણ અસ્તિત્વ જોઈતું હોય છે. તે એક વ્યક્તિમાં આપણે ઈચ્છતા હોઈએ છીએ આપણાં બધાં જ સ્વપ્ન, પુસ્તકોમાંની યાદો, બસમાં જોયેલી કોઈક આંખો, કોણાર્કની સુંદર અંગભંગી, કોઈ ઍક્ટ્રેસનો અવાજ. અજાણતાં આપણી કામનાની આગમાં આ બધાં જ લક્ષણો એક જ સ્ત્રીમાં ભળી જાય છે – ક્ષણ બે ક્ષણ માટે – તે ક્ષણો કેટલી ચપળ, કેટલી નાજુક હોય છે! અને પછી આપણને ખ્યાલ આવે છે કે જેની ઇચ્છા આપણું મન રાખે છે તે કોઈ પણ સંજોગોમાં શરીરથી પામી શકાય તેમ નથી. આ તે કેવું સંકટ! કેવી અદ્‌ભુત સમસ્યા! પણ હું એક વાત માટે તારો આભારી છું: માલતીનું શરીર ક્યારેય અસત્ય નથી બોલ્યું; તેનું મન, તેની વાણી, કદાચ તેની આંખો પણ જૂઠું બોલી હશે પણ તેનું શરીર હંમેશા પ્રામાણિક જ રહ્યું છે – ગર્ભથી સ્મશાન સુધી અને જન્મથી મૃત્યુ સુધી પ્રેમ રહે છે શરીરમાં જ. માલતી, તારા શરીરે મને હંમેશા સાચું જ કહ્યું છે. એણે જયંતને પણ સાચો જ જવાબ આપ્યો છે. હું તને દોષ નથી દેતો. તેં સાચું જ આચરણ કર્યું છે. બાજુના ગેરેજના પતરાના છાપરા પર હજી વધારે વરસાદ પડે છે. કેટકેટલી રાતે મેં વરસાદના અવાજને સાંભળ્યો છે. ત્યારે આ બે પલંગ છૂટા મૂક્યા ન હતા. ચોમાસામાં આ વસ્તીમાં મચ્છરોનો ત્રાસ હતો. બેબી ત્રણ મહિનાની હતી અને માલતી તેને માટે મચ્છરદાની બાંધતી. મચ્છરદાનીથી ઢંકાયેલા પલંગ મને કોઈ કિલ્લા કે ગુફા જેવા – નાના, સજ્જડ, ઘનિષ્ઠ, સહજ – લાગતા. હું સુંઘતો, માલતી, તારું શરીર, તારાં સ્તન, તારા વાળ, તારા સ્તનના દુધને પણ. તને ઘણું દૂધ નીકળતું. બેબીના મોંમાંથી ચાદર પર ઢોળાતું અને મને એ ઘેર બનતા દહીંની સોડમનો નશો ચડતો. ઊંડા શ્વાસ લેતો હું એને ચૂસતો. તારી નિપલમાંથી નીકળતા એ હૂંફાળા ઝરાને હું મારા હોઠ અડકાડતો – બધું જ કેવું નાનું, ઘનિષ્ઠ અને સહજ હતું. માલતી, તું બધું જ હતી – મારી ગુફા, મારો કિલ્લો, મારો આશરો. એ બધી જ મારી ગેરસમજ હતી? બધું જ માત્ર નકામી કવિતા કે વાંચેલા પુસ્તકોની યાદો? શું હું જ બધું મનોમન માની લેતો હતો? માલતી, હું જે બોલતો હતો તે તું સાંભળી શકતી હતી – ઊઠીને બેઠી કેમ થઈ? પલંગમાંથી ઊભા થઈને ત્યાં બારીની પાસે જઈને કેમ ઊભી રહી? હું તારી અસ્પષ્ટ, આછી છાયા જોઈ શકું છું. તારું શરીર હવે માંસલ નથી રહ્યું, સ્થૂળ નથી, હલકું, સ્વપ્ન જેવું થઈ ગયું છે. તું બહાર જોતી ઊભી છું. તારી આંખો બંધ હોય એમ લાગે છે. પવન અને વરસાદથી તારો ચહેરો ભીનો થાય છે. તારી પીઠ જોતાં મને એમ લાગે છે કે કાંઈ અપેક્ષા છે. અત્યારે પરોઢ થવા આવ્યું હોવું જોઈએ પણ વાદળોને લીધે હજી પ્રકાશ નથી દેખાતો. આવ, આ શાંત, સુંદર, પવિત્ર ક્ષણોમાં આપણે ફરી – બધું ભૂલી જઈએ, બધી જ ભૂલો, આવ, ફરી વાર – ‘માલતી!’ મેં ઊભા થઈને હળવેથી તેના ખભા પર હાથ મૂક્યો. મારી આંગળીઓની નીચે તેના રક્તની ઉષ્મા – મારા શ્વાસમાં તેની સુગંધ, પેલી જૂની સુગંધ. મારા શ્વાસ સાથે તાલ મેળવતાં મેં ફરી તેને બોલાવી, ‘માલતી!’ એકાએક તે થરથર ધ્રૂજવા માંડી. ઊંધા ફરીને તેણે તેનો ચહેરો મારી છાતીમાં સંતાડી દીધો. તેનું માથું ઊંચું કરીને મેં તેના આંસુથી ખારા થઈ ગયેલા ગાલ પર ચુંબન કર્યું. તેની આંખો, તેની ગરદન, તેના સ્તનની વચ્ચેની ખાઈ – બધાંને ચુંબન કર્યું. વરસાદના છાંટાની સાથે આંસુ વહેતા રહ્યા. પવન અને વરસાદમાં ભીના થતા – હળવું, કોમળ, તાજગીભર્યું – જાણે અમારો બાર વર્ષનો સંગાથ પરોઢના પવનમાં વેરી રહ્યો હતો યાદોની મધુર સુગંધ. એકની છાતી પર બીજાના ધબકાર – શ્વાસનું એકબીજામાં અટવાવું – અમે પતિ અને પત્ની હતાં. આશ્ચર્યકારક! બાળકો મોટાં થઈને જતાં રહે, મિત્રો મિત્રો નથી રહેતાં. અંતે તો રહે છે માત્ર પતિ અને પત્ની. આવ, સાથે રહીએ, સાથે જીવતા રહીએ. ફરી એક વાર જીવંત થઈ જઈએ. જો, જીવન આપણી પ્રતીક્ષા કરી રહ્યું છે – રાતભર. આવ, તેને પકડીને આપણા બાહુઓ વચ્ચે ઘેરી લઈએ. આવ, તારા હોઠ એક કળીની જેમ ઉઘડ્યા છે અને શોધે છે મને. અંધકારમાં તારું આ આંસુભીનું સ્મિત – ના, માફીનો એક શબ્દ પણ નહીં, માલતી, આવ. હું તેના ઉઘાડા હોઠ પર નમ્યો, પણ મારા હોઠને ખારાશનો સ્વાદ ન આવ્યો. માલતી તો ઊડતા પવન જેવી હતી અને મારું ઉઘાડું મોં ઓશીકા પર હતું અને મારી મૂઠ્‌ઠીમાં ચાદરનો એક ખૂણો પકડેલો હતો. મારી નિદ્રા, મારાં સ્વપ્ન, મારી જાગૃતિ પર છવાઈ ગયો હતો કરૂણામય અંધકાર અને દયામય, ધોધમાર પડતો વરસાદ. વરસાદ, હજી વધારે જોરથી આવ. અંધકાર, હજી વધારે ઘેરો થા. આ સવારે ઊઠતાં ગભરાતા લોકોને ઢાંકી દે. હજી એક જ રૂમમાં સૂતેલાની શરમ ઢાંકી દે. પરોઢ, તારે રસ્તે પડ. આજે આકાશમાં કોઈ પ્રકાશ ન થાઓ.