રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અનુવાદકર્મ

૨.
અનુવાદકર્મ :

રામનારાયણે પ્રસંગોપાત્ત કેળવણીના નિમિત્તે જેમ ચિંતન-વિવેચન-સર્જનનાં કાર્યો કર્યાં તેમ અનુવાદ ને સંપાદનનાં કાર્યો પણ કર્યાં છે. તેમની અનુવાદશક્તિનો ખ્યાલ આપતાં કેટલાંક પદ્ય ‘શેષનાં કાવ્યો’ અને ‘વિશેષ કાવ્યો’માં છે જ. ‘શતપથ બ્રાહ્મણ’માં રોહિતની આખ્યાયિકામાં અપ્રમાદ વિશેના જે કેટલાક શ્લોકો છે તેમનો અનુવાદ ‘ચાલ્યા જ કર’ કાવ્યમાં મળે છે. ‘નિરુક્ત’માં આવતા સૂક્તનો અનુવાદ ‘વિદ્યા’માં છે. તેમણે અથર્વવેદના ૧૨મા કાંડના ૧લા અનુવાક્‌ના ૧લા સૂક્ત ‘પૃથિવીસૂક્ત’નો અનુવાદ તેમ જ શુક્લ યર્જુવેદીય રુદ્રાષ્ટાધ્યાયીના પહેલા અધ્યાયની ૫ થી ૧૦ યજુઓનો ‘તન્મે મનઃ શિવસં કલ્પમસ્તુ’ — એ શીર્ષકથી જે અનુવાદ કર્યો છે તે રસાવહ છે. રામનારાયણે વૈદિક કવિતાનો અનુવાદ કરતાં યથાશક્ય લય, પદાવલિ વગેરે દ્વારા એક વૈદિક હવા સર્જવાનીયે સભાનતા દાખવી જણાય છે. રામનારાયણે અને નગીનદાસે ‘ચુંબન અને બીજી વાતો’ નામનો વિદેશી વાર્તાઓનો અનુવાદગ્રંથ આપેલો, જેની બીજી આવૃત્તિ ‘વામા’ નામે પ્રગટ થયેલી. આ ‘વામા’માં રામનારાયણે બે વાર્તાઓનો અનુવાદ આપેલ છે, જે એમની સ્વાભાવિક શૈલીએ ને છતાં રસાત્મક રીતે અનુવાદ કરવાની કળાને પ્રગટ કરે છે. રામનારાયણે રસિકલાલ પરીખની સાથે મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ના ૧ થી ૬ ઉલ્લાસનો પ્રથમ ભાગમાં જે અનુવાદ કર્યો તેમાં તેમનો આશય કેવળ સાહિત્યિક કે કાવ્યગત હોવા કરતાં સવિશેષ છે. તેમણે આ ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવ્યું છે : “આપણે પ્રાચીનોના વિચારોનું યથાયોગ્ય સેવન કરવું જોઈએ. તે સેવનથી કાવ્યમીમાંસામાં આપણી પ્રજા તરીકેની વિશિષ્ટ વૃત્તિ કઈ જાતની છે તેનું પણ આપણને ભાન થવાનો સંભવ છે. આવું ભાન આપણને હોય તો આપણે આપણી ઊણપો અન્ય પ્રજાઓની વિચાર-સંપત્તિથી કેવી રીતે પૂરવી તેનો યોગ્ય માર્ગ પણ આપણને સૂઝે, અને અન્યોના વિચારોનો ઉપયોગ કર્યા છતાં આપણી સર્જકશક્તિ લુપ્ત ન થાય.” (કાવ્યપ્રકાશ - ૧, ૧૯૨૪, પ્રસ્તાવના, પૃ. ૮)
‘કાવ્યપ્રકાશ’ના ભાષાંતરમાં મૂળને વફાદાર રહેવાનો અનુવાદકોનો પ્રયત્ન છે. વળી એ ગ્રંથમાંનાં ઉદાહરણોનો પદ્ય ને ગદ્ય બેયમાં અનુવાદ કરેલ છે. આ અનુવાદકોની આ ગ્રંથની વિસ્તૃત ભૂમિકા આપવાનીયે ઉમેદ હતી, પણ તે પૂરી થઈ નહીં. આ અનુવાદની સાથે એમણે જે મિતાક્ષરી ટિપ્પણ આપેલ છે તે એમના ‘કાવ્યશાસ્ત્ર’ વિશેના માર્મિક અધ્યયનની દ્યોતક છે. આ અનુવાદની ઝીણવટભરી ચકાસણી કરવાનો શ્રી. હ. બ. ભિડેએ ‘કૌમુદી’ના ચિત્ર, સં. ૧૯૮૧ના અંકમાં (પૃ. ૧૭૨-૧૮૪ પર) પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ અધૂરો રહ્યાનો અફસોસ કોઈને પણ લાગે તો એમાં આશ્ચર્ય નથી. રામનારાયણે બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસી ધર્માનંદ કોસમ્બીની સાથે રહીને ‘ધમ્મપદ’(૧૯૨૪)ના અનુવાદનું કાર્ય કર્યું છે તેમાં જરૂરી ટિપ્પણ આદિયે આપેલ છે આ ગ્રંથોના કાર્ય માટે ભારતીય સંસ્કૃતિ ને સંસ્કારની ગાંધીપ્રેરિત વાતાવરણમાં સ્વેચ્છાએ એમણે જે વિદ્યા-દીક્ષા મેળવેલી તે કારણભૂત છે.