રા’ ગંગાજળિયો/૧૫. ઝેરનો કટોરો


૧૫. ઝેરનો કટોરો

ગુજરાતના પાટનગર પાટણમાં તે સમયે કંઈ કંઈ બનાવો બની ચૂક્યા હતા, બનતા હતા, બનવાના પણ હતા. હરીફ મુસ્લિમ રાજવંશીઓની આસપાસની જાદવાસ્થળીએ દિલ્હીની શહેનશાહતને નધણિયાતી કરી મૂકી હતી. ગુજરાતના સૂબા ઝફરખાને ચાતુરી વાપરી દિલ્હીના ધણી બનવા બખેડાઓ કરનારાઓમાંથી એકેયની મદદે ન જવાનું નક્કી કર્યું હતું. ગુજરાત દિલ્હીનું બચ્ચું મટી ગયું, સૂબો સુલતાન બન્યો, નામ ધારણ કર્યું મુઝફ્ફરખાન. સોમનાથને ચોથી વાર ભાંગનાર ને રોળનાર પંજો એ મુઝફ્ફરખાનનો. એની તલવાર બેઉ બાજુ ચાલી રહી હતી. એક સપાટો એણે ગુજરાતની આસપાસનાં રાજપૂત રાજ્યો પર ચલાવ્યો હતો, ને બીજો સપાટો ચલાવ્યો હતો સુલતાનિયતના પ્રતિસ્પર્ધી સર્વ મુસ્લિમ સૂબાઓ પર. એક વાર એ પણ જઈફ બન્યો. જઈફ પલંગ પર સૂતો છે. અંધારી રાત છે. ઓરડાના દ્વારમાંથી એક હાથનો પડછાયો એના પલંગ પાસેની દીવાલ પર પડે છે. પડછાયામાં આલેખાયેલા એ પંજામાં એક કટોરો છે. બુઢ્ઢો જઈફ સુલતાન પડખું ફેરવે છે. સામે ખડો છે પોતાનો જ સગો પૌત્ર. પોતાના ગુજરી ગયેલ દીકરા મહમ્મદનો પુત્ર અહમદખાન. દીવાલ પરની છાયા જૂઠી નહોતી. પૌત્રના હાથમાં એક કટોરો હતો. “આ કટોરો પી જાવ, દાદા.” જાણે દવા પાતો હોય તેવા મિજાજથી પૌત્રે કહ્યું. “શું લાવેલ છો, ભાઈ?” “ઝહર.” “શા માટે? મને—તારા દાદાને—ઝહર? તારા જ હાથે?” “આલિમોની મંજૂરી મેળવીને પછી જ લાવેલ છું, દાદા! પાક મુસ્લિમ ધર્મના જાણકારોની સલાહ વગર હું આવું કામ નથી કરતો.” “આલિમોએ શું કહ્યું?” “કહ્યું છે કે એક શખ્સ બીજા શખ્સના બાપને બેગુનાહ મારી નાખે તો તેનું વેર લેવું એ ધર્મમાં મંજૂર છે. આ રહ્યો આ કાગળ, જુઓ દાદા; મોંની વાત નથી કરતો, લખાવીને લાવ્યો છું.” એમ કહીને પૌત્રે દાદાને લખેલો કાગળ બતાવ્યો. જઈફ ઝફરખાને હસીને કહ્યું : “તારા બાપને—મારા બેટાને—મેં નથી માર્યો. મને એણે કેદી કરીને રાખ્યો હતો છતાંય મેં એને ચાહ્યો હતો. એને ઝેર દેનારાઓને મારી શિખવણી નહોતી.” “દાદાજી, એને મરાવીને આપે ફરી સુલતાનિયત ભોગવી છે.” “એ સુલતાનિયત એક પણ દિવસ આંસુથી ભીંજાયા વિના રહી નથી. એ સુલતાનિયતનો પ્રત્યેક દિન તને તાલીમ આપવામાં ને મોટો કરવામાં ગયો છે.” “હવે હું મોટો થઈ ચૂક્યો છું, દાદા.” “બસ, તો હું પણ રવાના થવા તૈયાર છું. તેં ઝહર ન આણ્યું હોત તોપણ હું તો દરવેશ જ બનત.” “એ જોખમ હું કેમ ખેડી શકું, મારા દાદા?” “કંઈ ફિકર નહીં. લાવ કટોરો.” ઝેરનો પ્યાલો પોતાના હાથમાં લઈને એણે પૌત્રને કહ્યું : “બેસ બેટા, થોડી ભલામણો કરી લઉં તેટલી વેળા મંજૂર છે?” “બોલો, બાબાજાન.” “પહેલી વાત તો એ છે કે, જે લોકોએ તને આ કામ કરવા ચડાવ્યો છે તેમની દોસ્તી ન રાખતો. તેમનેય બીજી દુનિયાના દરવાજા દેખાડજે. દગલબાજનું લોહી હલાલ છે.” એ બોલવામાં સુલતાનનો સૂર કશો જ ફરક બતાવતો નહોતો. મોતનો કટોરો પોતાના કલેજાની ને હોઠની નજીક છે તેનો બુઢ્ઢાને કશોય રંજ નહોતો. “ને બીજું, બેટા, દારૂથી દૂર રહેજે. એ છંદથી પાદશાહે ચેતતા રહેવું. એ શરાબના પ્યાલામાં દુ:ખનો તોફાની દરિયો છુપાયો છે. “ત્રીજી સલાહ, રાજમાં બખેડો કરાવનાર શેખ મલિકને ને શેર મલિકને જિંદગીના તખ્તા પરથી સાફ કરજે. “ચોથું, દીનો-દરવેશોની ફિકર રાખજે. રાજા પોતાની રૈયતને લીધે જ તાજદાર થાય છે. રૈયત મૂળ છે, ને સુલતાન વૃક્ષ છે. પ્રજાને રંજાડી તારું મૂળ ન ઉચ્છેદતો. “ને છેલ્લું, એકલા પોતાના જ સુખને ચાહતો બેસી રહીશ ના. “બધું તારું જ હતું, તારું જ બધું તને સુપુર્દ થાય છે. ઉતાવળની જરૂર નહોતી. બાકી તો આ દુનિયાની અંદર આવે છે તે મરે જ છે. કાયમ તો રહે છે માત્ર એક ખુદા. “લે બેટા, આખરી સલામ.” શરબત પીતા હોય તેટલી જ લિજ્જતથી સુલતાન ઝેર ગટગટાવી ગયા હતા. ઝેર પીતે પીતે પણ એણે સુલતાનિયતના પાયા પૂર્યા હતા. ઝેર દેનાર પૌત્રની એણે જિંદગી સુધારી હતી. શરાબથી સો ગાઉ દૂર રહેનારા નવા સુલતાન અહમદશાહે રાજપૂત રાજાઓના સંગઠનને પીંછડે પીંછડે ઉચ્છેદી નાખ્યું હતું. પોતાના હરીફ કાકાની એકેએક ચાલને તેણે શિકસ્ત આપી હતી. લશ્કરના સિપાહીઓને અરધ રોકડ દરમાયો ને અરધ ખર્ચ માટે જમીનો આપવાનું ડહાપણ કર્યું હતું. પરિણામે એની પાછળ લડાઈમાં ચાલનાર યોદ્ધાઓને ખપી જવાનો ડર નહોતો. કેમ કે પાછળ રહેનાર કબીલાનો પેટગુજારો કરનારી જમીન મોજૂદ હતી. બાકીના રોકડ પગારને પણ ઢીલ વગર ચૂકવી આપવાની સુલતાનની આજ્ઞા હતી. એવા સંતુષ્ટ લશ્કરને જોરે પગલે પગલે જીત કરનાર અહમદશાહે વચગાળાના એક એક વર્ષની મુદત સુધી ચડાઈઓ બંધ રાખી હતી. સેનાને આવા આરામના ગાળા મળી રહેતા હતા. અમદાવાદ નામના આલેશાન શહેરનો પાયો નખાઈ ચૂક્યો હતો. બે જ વર્ષમાં પૂરા બંધાઈ રહેલ એ કોટ ઉપર આજે બીજાં પંદર વર્ષો વરસી ચૂક્યાં હતાં. પાટનગર પાટણથી સાબરમતી-તીર પર ફેરવાઈ ગયું હતું. સાબરમતીના તીર પર બેઠોબેઠો સુલતાન માળવા અને ચાંપાનેર, ઈડર અને નાંદોદની ખંડણીઓ ઉઘરાવતો હતો. મંદિરો તૂટતાં હતાં. મસ્જિદો ખડી થતી હતી. હિંદુઓની ઈશ્વરોપાસના લોપતો પોતે એક દિવસ પણ પ્રભાતની નમાજ ચૂકતો નહોતો. ઠેર ઠેર મિનારા ખડા કરતો ને કોટકિલ્લા સમરાવતો હતો. ઠેર ઠેર એનાં થાણાં સ્થપાયાં હતાં. ઇન્સાફ પણ એ કરડો તોળતો હતો. ખુદ પોતાના જ જમાઈએ એક વાર જુવાનીના તોરમાં ને સુલતાનની સગાઈના જોરમાં એક નિર્દોષ માણસનું ખૂન કર્યું. “ખડો કરો એને કાજીની અદાલતમાં.” સુલતાને ફરમાન દીધું. “મરનારના વારસને નુકસાનીમાં બસો ઊંટ આપવાં.” કાજીએ સુલતાનને સારું લગાડવા ન્યાય પતાવ્યો. “અગર મરનારનો વારસ માલથી રાજી થયો છે, પણ મને એ કબૂલ નથી.” એટલું કહીને સુલતાને પૂરો બદલો લેવા આજ્ઞા કરી : “મારી મહેરબાની ભોગવનાર ફરીથી આવી હિંમત ન કરે એટલા માટે એને ભરબજારમાં શૂળી પર ચડાવો.” શૂળી પર પ્રાણ ગયા પછી વળતા દિવસે જમાઈની લાશને નીચે ઉતારી દફન દીધું. એ ઇન્સાફની ધાક બેસી ગઈ. અમીરથી લઈ સિપાહી સુધી એક પણ માણસ તે પછી કોઈ નિર્દોષનો જાન લેવા હિંમત કરી શક્યો નહોતો. મહેલને ઝરૂખે બેઠો બેઠો એક દિવસ સુલતાન સાબરમતીના પૂરમાં નજર ફેરવે છે : એક કાળી વસ્તુ પાણીમાં ડબકાં ખાઈ રહી છે. હુકમ કરે છે : “બહાર કાઢો એ ચીજને.” એ એક માટીની કોઠી હતી. “કોઠી ખોલો.” અંદરથી એક મુડદું નીકળે છે. “શહેરના તમામ કુંભારોને તેડાવો : કોની ઘડેલી છે એ કોઠી?” “મારી બનાવેલી છે, જહાંપના.” એક કુંભારે એકરાર કર્યો. “કોને વેચેલી?” “ફલાણા ગામના અમુક શખ્સને.” તેડાવ્યો એને. પાપ પ્રકટ થયું. એ માલિકે એક વાણિયાને મારીને કોઠીમાં ઘાલી પાણીમાં વહેતી મૂકેલી. “જાનને બદલે જાન.” સુલતાને હુકમ દીધો. હુકમનો તત્કાળ અમલ થયો. ઈડરનો રાવ પૂંજો, સુલતાની લશ્કર ઘાસ ઉઘરાવવા નીકળ્યું તેના ઉપર તૂટી પડ્યો. લશ્કરને વિખેરી નાખી સુલતાનના હાથીઓ લઈ ચાલ્યો. વીખરાયેલા સૈન્યે ફરી જૂથ બાંધી રાવ પૂંજાનો પીછો લીધો. નાસતો રાવ એક ઊંચા પહાડ અને ઊંડી ખીણ વચ્ચેના સાંકડા રસ્તા પર પહોંચ્યો. આગળ હાથીઓ હતા. પાછળ લશ્કર હતું. રાવ સાંપટમાં આવ્યો. હાથીઓના મહાવતોએ હાથીઓને પાછા ફેરવ્યા. રાવના ચમકેલા ઘોડાનો પગ વછૂટ્યો. ઘોડો ને અસવાર એ પાતાળખીણમાં જઈ પડ્યા. વળતા દિવસે એક કઠિયારો દરબારમાં હાજર થાય છે. એની પાસે એક ઇન્સાનનું માથું છે : કોઈ ઓળખી શકે આ માથાને? “હા સુલતાન,” એક લશ્કરીએ આવીને કહ્યું : “આ માથું મારા રાવજી પૂંજા રાજાનું છે, મેં એની ચાકરી કરી છે.” “એ કાફરને તું માન દઈ બોલાવે છે, શયતાન? એ હિંદુને ‘મારા રાવજી’ કહેવાની ગુસ્તાખી કરે છે?” દરબારમાં હાજર રહેલા લોકો ગુસ્સાથી ઊકળી ઊઠે છે. “ચૂપ રહો, સરદારો! ખામોશ, મુસ્લિમો!” સુલતાન તેમને વારે છે. “એ આદમીએ પોતાનું લૂણ હલાલ કર્યું છે.” સુલતાનની એ નીતિએ નવા પાટનગર અમદાવાદ પ્રત્યે બહારવાસી શાહ-સોદાગરોને, પટ્ટણીઓને, વણિકોને, કારીગરો અને મુત્સદ્દીઓને જ્યારે ખેંચવા માંડ્યા હતા, ત્યારે સોરઠનાં કાઠી-રાજપૂત ધાડાં ફક્ત ધાડો જ કરતાં રહ્યાં. રા’ માંડળિક નિરર્થક આડા હાથ દેતો રહ્યો. સોરઠદેશ ઉપર ગુજરાતની વસ્તી ધિક્કારની નજરે જોતી થઈ. સોરઠ એટલે લૂંટારુઓનો મુલક. એ હિંદુ દેવસ્થાનાનું ધામ હતો, છતાં એ ગુજરાતના ધિક્કારનું પાત્ર થઈ રહ્યો. ગુજરાતની લૂંટફાટમાં સૌથી નામીચો હાથીલાનો દુદોજી ગોહિલ નીવડ્યો હતો. સુલતાને રા’ને જૂનાગઢ રુક્કો લખ્યો : “તમે મંડળેશ્વર છો સોરઠના. દુદાજીને નસીહત કરો. નહીંતર અમારે અમારી ફોજને સોરઠ ઉપર આણ વર્તાવવા તસ્દી આપવી પડશે.”