રા’ ગંગાજળિયો/૭. ચૂંદડીની સુગંધ


૭. ચૂંદડીની સુગંધ

ઊના-દેલવાડાનો દરવાજો જ્યારે ચારણીના લોહીથી નાહતો હતો, ત્યારે વાજા ઠાકોર વીંજલજીના ગુશલખાનામાં ભાટ-રાણી તેલ-અત્તરના મર્દને અંઘોળ કરતી બેઠી હતી. એ તેલ, એ અત્તર, એ મર્દન અને ગુશલખાનાનો એ શોખ સોરઠને કાંઠે નવો આવ્યો હતો. મોખડા ગોહિલના પેરંભ બેટ પર ત્રાટકેલી મુસ્લિમ પાદશાહત સૌરાષ્ટ્રના સાગર-તીર પર ઠેઠ પ્રભાસ પાટણ સુધી ફરી વળી હતી. સોરઠની કંઠાળી રાજઠકરાતોને ઇસ્લામની તરવારે પોતાની ધાર હેઠળ કાઢી કરીને વિલાસના એ બધા નવા લહાવા ચખાડ્યા હતા. સરૈયાઓ ખુશબોની પેટીઓ લઈ ગામોગામ ઘૂમતા. મશરૂ અને મલમલો મીઠાં થઈ પડ્યાં હતાં. રાજપૂતો જિંદગી માણતા શીખ્યા. “હું—હું તમને મારા સગા હાથે મર્દન કરી નવરાવું.” વીંજલ ઠાકોર ગુશલના ઓરડાનાં કમાડ ભીડવા દેતો નહોતો. “આજ નહીં, આજે તો જુઓ, મને આવડે છે કે નહીં? ન નાઈ જાણું તો કાલ નવરાવજો!” ભાટ-રાણી કમાડ ભીડવાની રકઝક કરતી હતી. એ ધમાકચકડીમાં હારેલો વીંજલ ઠાકોર ગુશલખાનાની બહાર વાટ જોઈ બેઠો હતો. અંદર ચોળાતું શરીર અંગોઅંગનાં મર્દન-ધ્વનિ સંભળાવતું હતું. એ રૂપાળી કાયાના મસળાટને કાન માંડતો રાજા બીજી બધી વાતે બેભાન હતો. ને પવનની લહેરખી એની બંધ બારીને હળવો ધક્કો મારી, ચારણીની ચૂંદડીને ક્યારે મેડીની વળગણી પર લટકાવી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. દરવાજે મચેલા મામલાની એને ગતાગમ નહોતી. ભાટના કાળા કકળાટ બંધ પડ્યા હતા. “ચૂંદડી—મારી ચૂંદડી દ્યોને, દરબાર!” અંદરથી ભાટ-રાણીએ ચૂંદડી માગી ત્યારે છેલ્લાં પાણી એની કાયા ઉપરથી ઢળી જતાં કાનોકાન જાણે વાતો કરતાં હતાં. ઓરડો કોઈ અવનવી અને અલબેલી માદક સોડમે મહેકતો હતો. “બહાર આવો, જાતે પહેરાવું.” બહાર આવે, તો તો ચૂંદડીને ઓળખી પાડે. ચૂંદડી અજાણી હતી. પણ એણે અંદર રહ્યે રહ્યે જ આજીજી કરી : “આ ફેરે તો ત્યાંથી જ આંહીં ફગાવી દ્યો.” “વાહ ચૂંદડી! ખુશ્બોદાર ચૂંદડી! ક્યારે વો’રી આ ચૂંદડી? કયે અત્તરિયે આવા અરક આણી આપ્યા?” એવું કેફ-ચકચૂર વેણ બોલતે બોલતે વીંજલે વળગણીએથી ચૂંદડી ખેંચીને મોં ઉપર ફૂલોનો હાર દબાવતો હોય એમ દબાવીને ચૂંદડીને સૂંઘી, ને અંદર ઘા કર્યો. “આ ઓઢણી કોની? આ તો મારી નહીં.” અંદરથી કોચવાતો અવાજ આવ્યો. “તમારી નહીં? કોની ત્યારે?” “મનેય ખબર નથી, કોની? હું બળું છું—મને બળતરા—જાણે અગન—કાળી લાય—” “હેં! હેં? શું બોલો છો? ઉઘાડો, ઉઘાડો!” “બાપુ! બાપુ! ઉઘાડો.” બહારને બારણે કોઈક બોલાવી રહ્યું છે. “કોણ છે? શું છે?” ગોકીરો વધ્યો : “બાપુ! ઝટ ઉઘાડો! ઝટ બહાર આવો!” “હું બળું છું—મને લાય—” નાવણના ઓરડામાંથી ચીસ પડે છે. “મનેય આગ લાગી છે. મારા પેટમાં દાહ થાય છે.” ખુદ વાજો વીંજલ બબડી ઊઠ્યો. “બાપુ! ચારણ્યે લોહી છાંટ્યું. ચારણ્યનું ત્રાગું. ચારણ્યની ચૂંદડી મઢીમાં આવી છે. અડશો મા બાપુ!” બહાર ગોકીરો ને બોકાસા વધવા લાગ્યા. “ચસકા કોણ પાડે છે? કઈ ચારણ્ય? ક્યાંથી આવી ચારણ્ય? ચારણ્યની ચૂંદડી? આંહીં કેવી? હું તો અડ્યો છું. મેં સૂંઘી છે. મને દાહ થાય છે. આગ ઊપડી છે. આગ—આગ—આગ… રૂંવાડે રૂંવાડે અગનના અંઘોળ—” “અગનના અંઘોળ—” ઠાકોરના શબ્દનો જાણે ગુશલખાનામાંથી પડઘો પડ્યો. “અગનના અંઘોળ—અગનના અંઘોળ—અગનના અંઘોળ.”

એક મહિનો—બે મહિના—છ મહિના : વાજા ઠાકોરના ગુલાબી દેહને રોમે રોમેથી રક્તપરુના રેગાડા ચાલ્યા જાય છે. તેલે અને અર્કે ભભકતી એ મેડીમાં બદબો માતી નથી. ચાકરી કરનારાંઓ ચાકરી મેલી ભાગી છૂટ્યા છે. અત્તરિયાઓએ સુગંધી અર્કોના કુડલેકુડલા ખુટવાડ્યા છે, પણ બદબો દબાતી નથી. નાની નાની માખીઓ જ નહીં, પણ મોટા મોટા નરકભક્ષી માખા પણ કોણ જાણે કઈ દુનિયાને કાંઠેથી દોડ્યા આવીને દરબારગઢમાં બણબણી રહ્યા છે. વાજા ઠાકોરનું પિંડ રૂના પોલમાં લપેટાઈને પડ્યું રહે છે. રજાઈઓ ને તળાઈઓ બાકી રહી નથી. પડ્યો પડ્યો એ એક જ પોકાર પાડે છે : “અગનના અંઘોળ! અગનના અંઘોળ!” “એ ભાટ ક્યાં ગયાં? એનાં છોકરાંને તેડાવોને! મારે જોવાં છે.” આવું આવું એ લવતો થયો. પાસવાનોનાં મોંમાં જવાબ નહોતો. ભાટવાડો ઉજ્જડ હતો. ભાટનાં છોકરાં ઈશ્વરને આંગણે રમવા ગયાં હતાં. “મારે ભાટોનાં છોકરાં ભેળું રમવું છે. સાત તાળી દા રમવો છે. મને હેમાળા ભેળો કરો. હવે મારે લેપ-દવા નથી કરાવવાં. હેમાળા ભેગો કરો.” મ્યાનામાં રૂના પોલની બિછાત કરી, વીંજલ ઠાકોરનો રકતનીતરતો દેહ સગાંવહાલાં ઉતરાદી દિશાએ ઉપાડી હિમાલયે ચાલ્યાં. સન્મુખ દેખાતો હતો ગરવો ગિરનાર.