રિલ્કે/નિવેદન


નિવેદન

બી.એમ.એ.માં ભણતી વખતે બોવેસ એન્ડ બોવેસની પ્રકાશનશ્રેણીમાંથી પસાર થયો અને એના પ્રેમમાં પડી ગયો. ૬૪થી ૮૦ પાનાં, સાવ ઝીણાં બીબાં, આરંભે કવિના સર્જનાત્મક વ્યક્તિત્વનો પરિચય અને પછી સર્જકસૃષ્ટિમાં વિહાર. એ રીતે બોદલેર, વાલેરી, લોર્કા, રિલ્કે, ઉનેમુનોનો સાક્ષાત્કાર થયો. જોકે વાલેરી સાથે પછી બહુ ઘરોબો બંધાયો નહીં. આવી નાનકડી પુસ્તિકાઓ ગુજરાતીમાં હોવી જોઈએ એવો વિચાર દૃઢ થયો. સુરેશ જોષી કેટલાક સર્જકો વિશે છેક ૧૯૫૫થી લખતા રહ્યા હતા. જર્મન કવિ રેઇનર મારિયા રિલ્કે તો તેમના ખૂબ જ માનીતા કવિ. અહીં રિલ્કેની કેટલીક કૃતિઓ અને સાથે સાથે સુરેશ જોષીએ રિલ્કે વિશે જે કંઈ લખ્યું હતું તેને ગ્રન્થસ્થ કરીને મૂક્યું છે. આ જર્મન કવિ વિશે વર્ષોથી સુરેશ જોષી વ્યાખ્યાનો આપતા રહ્યા હતા. ભારતની ઘણી બધી ભાષામાં રિલ્કેની કૃતિઓના અનુવાદો થયા છે. મૂળ જર્મનમાંથી ગુજરાતીમાં આ કૃતિઓના અનુવાદનો પ્રારંભ થવા માંડ્યો છે. આપણે આશા રાખીએ કે રિલ્કેની વિખ્યાત કૃતિઓના અનુવાદ થાય. રિલ્કે વિશે રાજકોટમાં સુરેશ જોષીએ આપેલું વ્યાખ્યાન આપણને રિલ્કેના જગતમાં વિહાર તો કરાવે જ છે. શિરીષ પંચાલ
૧૪-૦૧-૨૦૧૨



ફરી બધું એક વાર મહાન અને બલવત્તર બનશે; ભૂમિ ફરી સરલ બનશે, જલમાં ફરી ઊર્મિઓ જાગશે; વૃક્ષો ઊંચા વધશે અને માનવી માનવીને છૂટી પાડતી દીવાલો નીચી બનશે. ખીણોમાં ફરીથી સુદૃઢ અને સશક્ત પ્રજા ભૂમિને ઉર્વરા બનાવશે. — રિલ્કે