રિલ્કે/2
વદાય
ખોવાયેલાથી પણ વધુ ખોવાયેલી, મૃતથી પણ વિશેષ મૃત, મને અજાણ્યા એવા બીજા નામમાં એકરૂપ થઈ ગયેલી, હવે તને કદી પહેલાંની જેમ જાણી શકીશ ખરો? કઈ હતી એ ક્ષણ જ્યારે એક પણ શબ્દ હોઠે આવતો અટકી ગયો, ને તને દૂર સરી જતીને સાદ દેતાં મારામાં રહેલા કશાક ઉન્માદે મને રોક્યો? કદી દૃષ્ટિગોચર નહીં થવા નિર્માયેલા કોઈ તારાની જેમ તું રહીરહીને સદાય દૂર રહીને તારા એ દુર્ગમ માર્ગ તરફ મને ખેંચ્યા કરે છે. દૂરના વિદેશમાં રહીને, જેની તને કશી પડી નથી તે ક્ષિતિજને ઉલ્લંઘીને મીટ માંડીને બેસી રહેલી તું કોણ છે? આપણા બેમાં એક વસ્તુ સમાન છે : હું મારા એકાન્તમાં પરિભ્રમણ કરું છું, ને તું એ એકાન્તમાં સદાય છે. આપણા બે વિશે હું માત્ર આટલું જાણું છું, ને છતાં કદાચ કોઈ એવો દેવદૂત હશે જે આપણને અભિન્ન ગણે છે – જો આપણે વિયોગનું દુ:ખ સહન કરતાં હોઈશું તો એની એને જરૂર ખબર પડશે.