રિલ્કે/3


વેદી

તારા નિકટ આવ્યા પછી મારી કાયા કેવી કુસુમિત થઈને વધુ ને વધુ સૌરભ વિખેરતી રહે છે. જો, હવે મારી ચાલમાં પણ ઋજુતા ને નાજુકાઈ આવી ગયાં છે, ને તું તો માત્ર થંભી ગઈ છે – તો તું છે કોણ? જો, હું તારાથી કેટલે દૂર રહી ગયો છું તેનો મને અનુભવ થવા લાગ્યો છે. જે કાંઈ પહેલાં હતું તે હવે પાંદડે પાંદડે ખરતું જાય છે. કેવળ તારું સ્મિત તારાની જેમ તારી ઉપર ઝળુંબી રહ્યું છે ને થોડા સમયમાં મને પણ આવરી લેશે. બાળપણનાં એ વર્ષો, નામહીન ચળકતાં જળ જેવાં એની પાસેથી હું શી અપેક્ષા રાખી શકું? એની વેદી પર હું તને તારું નામ અર્પીશ. એ વેદી તારા ચળકતા વાળના અગ્નિથી પ્રદીપ્ત થઈ ઊઠી છે ને એને તારાં સ્તનની માળા હળવેથી ધરવામાં આવી છે. એતદ્, જાન્યુઆરી : ૧૯૭૮