રિલ્કે/9


ઓફિર્યસ

ઓફિર્યસ વીણા વગાડતો વગાડતો બધું સજીવન કરતો ગયો. રિલ્કેએ પણ એને ગાતો સાંભળ્યો. સંગીત સાંભળીએ ત્યારે શું થતું હશે? રિલ્કે કહે છે કે સૂરોથી લચી પડતું એક વૃક્ષ કાનમાં ઊગે છે. નિ:શબ્દતાએ સર્જલા પશુઓ ખુલ્લા ભાગમાંથી બહાર, આકર્ષાઈને, ચાલ્યાં આવે છે. એમની બોડ છોડીને એઓ ચાલ્યાં આવે છે. આજ સુધી એઓ મૂગાં હતાં, કશું બોલતાં નહોતાં, નરી નિ:શબ્દતાથી છલકાતાં હતાં એનું કારણ એમનું મીંઢાપણું નહોતું. એમને ભય લાગતો હતો તેથી મૂંગાં હતાં એવું પણ નહોતું. એઓ કાન સરવા કરીને આખા અરણ્યને સાંભળી રહ્યાં હતાં. માટે એઓ એ શ્રુતિસુખથી એવાં તો સમૃદ્ધ હતાં કે કશું બોલવાનું રહેતું જ નહોતું. એથી ઘૂરકવું, ત્રાડ નાખવી કે કણસવું એમને નકામું લાગતું હતું.