લઘુ સિદ્ધાન્તવહી/કવિની રચના અને વાચકની રચના

૩૫

કવિની રચના અને વાચકની રચના

નવાં અર્થઘટન કે મૂલ્યાંકન અંગે ‘કવિએ તો આવું નહીં કહ્યું હોય’, ‘કવિને સ્વપ્ને પણ આવો ખ્યાલ નહીં હોય’ જેવું ઘણી વાર સાંભળવા મળે છે. ખાસ કરીને મધ્યકાલીન રચનાનાં અર્થઘટન કે મૂલ્યાંકનનો સંદર્ભ હોય ત્યારે તો જાણે એવો પ્રતિભાવ પણ ઊભો થાય છે. આનું કારણ કવિની રચના અને વાચકની વાચનાને લગભગ એક ગણીને ચાલવાનું વલણ પહેલેથી ઘર કરી ગયું છે. વળી, સમસંવેદન જેવા સાહિત્યપ્રત્યાયનના પ્રતિમાને પણ કેટલીક ગેરસમજ દૃઢ કરી છે. કવિની રચના અને વાચકની વાચનાના મુદ્દાને સમજવા માટે અંગ્રેજ ફિલસૂફ જૉન લૉક (John Locke) અને જર્મન ફિલસૂફ કાન્ટની કેટલીક વિગતો સાહિત્યવિચારણામાં ખપ લાગે તેવી છે. અંગ્રેજ અનુભવવાદી ફિલસૂફ જૉન લૉક (૧૬૩૨-૧૭૦૪)નો ‘માનવસમાજ અંગેનો નિબંધ’ જાણીતો છે અને એટલો જ જાણીતો લૉકનો ભૌતિક પદાર્થ કે વસ્તુના ગુણધર્મો અંગેનો અભિગમ છે. ભૌતિક વસ્તુને લૉક બે વર્ગોમાં વહેંચે છે : આપણા અનુભવ બહાર પોતાના એક સ્વતંત્ર એવા, વસ્તુના ગુણધર્મો; અને અનુભવ લેતાં પ્રેક્ષકના પ્રતિભાવ સાથે સંકળાયેલા વસ્તુના ગુણધર્મો. પહેલા વર્ગમાં વસ્તુના સ્વતંત્ર ગુણધર્મો તરીકે વસ્તુનું સ્થાન કે એની સ્થિતિ, એનું પરિમાણ, એની ગતિ, એનો જથ્થો વગેરેનો સમાવેશ થાય છે, તો બીજા વર્ગમાં વસ્તુનો રંગ, સ્વાદ અને એની ગંધ વગેરેનો સમાવેશ થાય છે. પહેલા વર્ગને લૉક પ્રાથમિક ગુણધર્મો (primary qualities) કહે છે, જ્યારે બીજા વર્ગને દ્વૈતીયિક ગુણધર્મો (secondary qualities) કહે છે. જર્મન ફિલસૂફ કાન્ટ (૧૭૨૪-૧૮૦૪)આ જ વાતને જુદી સંજ્ઞાઓમાં મૂકે છે. આપણે વસ્તુની સામે જોઈએ અને વસ્તુને અનુભવીએ, એ વસ્તુનો આપણો અનુભવ પ્રતિભાસ (phenomenon) છે, જ્યારે અનુભવથી સ્વતંત્ર વસ્તુ પોતે છે તે વસ્તુ સ્વયં (noumenon) છે. લૉક અને કાન્ટની વિચારણાથી એટલું સમજાય છે કે વસ્તુના સ્વયંના કેટલાક ગુણધર્મો છે, તો વસ્તુને અનુભવનારના પ્રતિભાવ સાથે કેટલાક ગુણધર્મો સંકળાયેલા છે. આનો અર્થ એ થયો કે વસ્તુનું એક પાસું સ્વતંત્ર છે અને વસ્તુનું બીજું પાસું એના અનુભવનું છે. સાહિત્યક્ષેત્રે આ સંદર્ભમાં વિચારીએ તો રચનાના કેટલાક પ્રાથમિક ગુણધર્મો છે, જેમાં લેખકના આશય (intension) અને યુગપરિચાયક પરિબળોથી માંડી એનાં સ્વરૂપ, પ્રકાર અને કદનો સમાવેશ છે, તો રચનાના દ્વૈતીયિક ગુણધર્મો પણ છે, જેમાં વાચકના સંવેદનથી માંડી એનાં પૂર્વગ્રહો, અભિગ્રહો, ભાવમુદ્રાઓ સહિતના અર્થઘટન કે મૂલ્યાંકનનો સમાવેશ છે. આથી જ લેખકના આશય અને વાચકના આશયનો તાળો મેળવી ન શકાય. આ જ કારણે સાહિત્યક્ષેત્રે લેખકપક્ષે રહેલા રચનાના અર્થને મૂળભૂત અર્થ (foundational meaning) કહ્યો છે. આ મૂળભૂત અર્થ દૃઢ અને સ્થિર ગુણધર્મ છે. પરંતુ સંસર્જનાત્મક (generative) અને સર્જનાત્મક (creative) વાચન દ્વારા વાચક જે અર્થ નિપજાવે છે તે ગ્રહણકેન્દ્રી (receptive) અર્થ છે. આ ક્યારેય સ્થિર ન હોઈ શકે. એકનો એક વાચક જુદે જુદે તબક્કે રચનાના જુદા જુદા અનુભવમાં મુકાય છે, એ હકીકત છે. આ વાતને સ્પષ્ટ કરવા ક્યારેક મૂળભૂત અર્થને ‘અર્થ’ (meaning) કહ્યો છે અને વાચકના અર્થને અર્થવત્તા (Significance) તરીકે ઓળખ આપી છે. રચનાના ગુણધર્મોનાં આ બે પાસાંઓનો વિચાર જો સ્પષ્ટ થાય તો સાહિત્યક્ષેત્રે નવાં અર્થઘટનો કે નવાં મૂલ્યાંકનો માટે કવિને થતા અન્યાયની કે કવિને થતા વધુ પડતા ન્યાયની બૂમ ઊઠવા ન પામે.