લઘુ સિદ્ધાન્તવહી/ગુલામવૃત્તાન્તોનું સ્વરૂપ અને કથાસાહિત્ય

૬૩

ગુલામવૃત્તાન્તોનું સ્વરૂપ અને કથાસાહિત્ય

એલિસ વૉકર જેવા અશ્વેત લેખકોના કથાસાહિત્યમાં વારંવાર પ્રવેશતાં ગુલામવૃત્તાંતો (slave narratives) એ અનુઆધુનિક કાળમાં વિશેષ ધ્યાન ખેંચ્યું છે. જાતિ અને રંગભેદ સામાજિક કમઠાણો છે એ વાત પર આજે મુકાતા વધુ ને વધુ ભારને કારણે ગુલામવૃત્તાન્તો પરત્વેના અભિગમમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. ગુલામીપ્રથાની નાબૂદીને એક સો પાંત્રીસ વર્ષ વીતી ગયાં છે, પણ અમેરિકામાં એ હજી જીવતો વિષય રહ્યો છે. ગુલામીનો શિકાર થયેલાંઓના આફ્રિકી-અમેરિકી વંશજો વચ્ચે મતભેદ છે કે દુઃખદ ગણીને આ યાદને ધરબી દેવી કે પછી યહૂદીઓ ઘોર નરહત્યાકાંડની યાદ સાચવે છે એમ એને સાચવી રાખવી? નરહત્યાકાંડ (હૉલોકૉસ્ટ)ના મ્યુઝિયમની જેમ ગુલામીપ્રથા પર કોઈ મ્યુઝિયમ હજી સુધી ખડું થયું નથી, પણ અશ્વેત કથાસાહિત્યને સમજવા માટે અને એમાં આવતાં પાત્રોની ગ્રંથિઓને સમજવા માટે તેમજ ગુલામવૃત્તાન્તોના સ્વરૂપને સમજવા માટે ગુલામોના વેપાર પર, ગુલામોને વશ રાખવાના નુસખાઓ પર તેમજ ગુલામનાં બાળકો પર, ને છેલ્લા દાયકાથી કેટલુંક માઈકેલ ટેડમન, નૉરેલ જોન્સ, વિલ્મા કિંગ જેવા લેખકો દ્વારા ઇતિહાસસાહિત્ય પ્રગટી રહ્યું છે એના પર અવશ્ય નજર કરી જવા જેવી છે. ગુલામીપ્રથા સંદર્ભે બે પ્રતિમાનો આગળ ધરવામાં આવ્યા છે. એકમાં દર્શાવવામાં આવે છે કે માલિક-ગુલામના સંબંધમાં પિતૃવાદ પ્રવર્તતો હતો, જ્યારે બીજામાં દર્શાવવામાં આવે છે કે માલિક-ગુલામના સંબંધોમાં યુદ્ધનો, સંઘર્ષનો માહોલ હતો. આજે સ્પષ્ટ કરાઈ રહ્યું છે કે એ સમાજવ્યવસ્થામાં ગુલામોને વેચવા અને ખરીદવાની બાબત એવી કેન્દ્રસ્થાને હતી કે એમાં પિતૃવાદનો વિચાર કરી શકાય તેમ નથી. એમાં માલિકોની વૃત્તિઓ અને એમની અગ્રિમતાઓ સૂચવે છે કે ગુલામવ્યવસ્થા યાદચ્છિક સત્તા, અવિશ્વાસ અને ભય પર નિર્ભર હતી. ગુલામોમાં કુટુંબવિભાજનનો ભય પ્રેરીને એમને ખેતરોનાં કામમાં જોતરી રાખવા અને આમ એમને કાબૂમાં રાખવા માટે માલિક એમને મજબૂર કરતા. આ સમગ્ર વ્યવહાર માલિકીપણાના ક્રૂર અમલનો હતો, આ કાયદેસરની ક્રૂરતા હતી. ચાબુકના મારથી શિસ્તની જાળવણી થતી. ગુલામના સહેજ પણ ઉદ્ધત વર્તનની આકરી સજા થતી. એને કોઈ ક્રૂર માલિકને વેચી દેવામાં આવતો. તેમ છતાં માલિક અને ગુલામ બે પક્ષ હતા. દરેક પક્ષ પોતાની પાસે હતાં એ સર્વ સાધનોનો ઉપયોગ અન્ય પક્ષને મા’ત કરવા માટે કરતો હતો, પણ એમાં ગુલામોનાં બાળકો ભોગ બનતાં. એમનું, કાળી મજૂરી હેઠળ બાળપણ છીનવાતું, એમની સાથે દુર્વ્યવહાર થતો, એમનો દુરુપયોગ થતો, મા કે બાપથી છૂટાં પાડી દેવાનું સંકટ એમને માથે હંમેશાં તોળાયા કરતું. માંદગી અને ઊંચો મૃત્યુઆંક એમને ઘેરીને રહેતો. બાળકના દુરુપયોગનો કિસ્સો જોવા જેવો છે. હેન્રિટા કિંગ નામની આઠ કે નવ વર્ષની કન્યાને ચોરવા બાબતે સજા ફટકારતાં એનું માથું રૉકિંગ ખુરશી નીચે ધરવામાં આવેલું. કહે છે, મને લાગે છે કે લગભગ કલાક સુધી મારું માથું ખુરશીના પાયાથી છૂંદાયા કરેલું. ટૂંકમાં, આ આખી વ્યવસ્થા ગુલામને પશુમાં ગણતી હતી. આથી જ નવ્ય નાબૂદીવાદી અભિગમે (neo-abolitionist view) ગુલામીને ભયંકર યાતનાની કોટડી કહી છે. ગુલામીપ્રથાને આજે નવા મૂલ્યાંકનથી જોનારાઓએ એની કાળી બાજુ વધુ પ્રમાણિત બનાવી છે. કહેવાતું કે નાબૂદી ઇચ્છનારાઓએ પિતૃવાદની સામે વિદ્રોહવાદ ઊભો કરી કેટલાક ભાગી ગયેલા ગુલામોના કિસ્સાઓ ઊભા કર્યાં છે. પણ આજે ‘લાઈબ્રેરી ઑવ અમેરિકા’ દ્વારા છાપાંઓના અહેવાલો, કાયદાકીય નોંધો અને એ વખતના જમાનામાં ભાગી ગયેલા ગુલામો માટે એમના માલિકોએ આપેલી જાહેરાતોના દસ્તાવેજો દ્વારા બતાવાયું છે કે ભાગી જનારાઓની સંખ્યા લગભગ ૫૦,૦૦૦ જેટલી થાય છે. વેચવા કે ખરાબ માલિકોને વેચાઈ જવા તૈયાર ન હોવાને કારણે, કુટુંબવિભાજન અટકાવવા કે છૂટા પડેલા સ્વજનને મેળવવા, ચાબુકના ફટકાથી કે કડક સજાઓથી ઊગરવા ભાગી ગયેલા ગુલામોનાં વૃત્તાન્તો એ વખતની અમાનુષી વ્યવસ્થાને ખુલ્લી પાડે છે. આ ગુલામવૃત્તાન્તોમાં ગુલામો સાથે જુદા જુદા પ્રકારના થયેલા વ્યવહારો અને જુદા જુદા પ્રકારે ગુલામોએ કરેલો સામનો પ્રત્યક્ષ થાય છે. ક્વચિત્ આદરપૂર્વક પિતા સમાન કાળજી લેનાર માલિકની વાત પણ એમાં પ્રવેશે છે ખરી. અલબત્ત, એમ પણ કહેવાયું છે કે નવેસરથી થયેલું આ મૂલ્યાંકન ફરીને સંકુલ વાસ્તવિકતાની એક જ બાજુ રજૂ કરે છે. ભાગી જનારાં ગુલામોનો અસંતોષ સ્વાભાવિક છે, પણ એમનો આ અભિગમ વિશિષ્ટ કે અપવાદરૂપ નહોતો? ગુલામ-વૃત્તાન્તોમાંથી જે ભાગી ગયેલાં અને જે ભાગી નહોતાં ગયાં એમના સીધા પ્રમાણો જ એનો ઉત્તર આપી શકે. ગુલામ-વૃત્તાન્તોનું આ સ્વરૂપ અને એની પાર્શ્વભૂ અશ્વેત કથાસાહિત્યને જુદા પરિમાણ પર મૂકવા પ્રેરે છે.