લઘુ સિદ્ધાન્તવહી/દલિત સાહિત્ય : શોધનકારી વ્યુત્ક્રમ
દલિત સાહિત્ય : શોધનકારી વ્યુત્ક્રમ
ભારતીય ભાષાઓમાં મરાઠી ભાષામાં પહેલી વાર ‘દલિત’ સંજ્ઞાનો ઉપયોગ થયો. દલિત સાહિત્ય ત્યાં મુખ્ય વલણ બન્યું, અને સાથે આ સંજ્ઞા ઉચિત રીતે પ્રતિષ્ઠિત થઈ. દલિત સાહિત્ય અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં, તેમ ગુજરાતી સાહિત્યમાં પણ આજે જ્યારે એક વાસ્તવિકતા બની ગયું છે, ત્યારે વીસમી સદીના નવમા દાયકાથી દલિત સાહિત્યે વેગ પકડ્યો અને પ્રારંભના પ્રાકૃત આક્રોશ, આવેગ પછી આજે કેમ સંયત અને પ્રભાવક અભિવ્યક્તિઓ તરફ એ વળ્યું છે એનો આલેખ અને એની પાછળની તાત્ત્વિક ભૂમિકા બંને તપાસવા જેવાં છે. વીસમી સદીના છેલ્લા બે દાયકાઓ દરમ્યાન માનવજીવનના શ્રેયને આવરવામાં નિષ્ફળ ગયેલાં મહાવૃત્તાન્તોનાં કેન્દ્રો તૂટ્યાં અને લઘુવૃત્તાન્તોએ કબજો લીધો, એટલે કે સત્તાકેન્દ્રો સાથે સંકળાયેલા પરિઘ પરના ઉપેક્ષિત ‘અન્યો’ (Others) એ કબજો લીધો. આ સાથે ક્રાંતિકારક ગતિઓ થઈ. સામ્રાજ્યવાદી પશ્ચિમથી મુક્ત થવા પૂર્વએ પહેલી વાર પોતાની ઓળખ માટે પશ્ચિમ સામે અનુસંસ્થાનવાદી વલણ લીધું, પિતૃસત્તાક માળખાંઓની સામે નારીઓના પ્રચંડ રોષે નારીઓની નવી વ્યાખ્યાઓ શરૂ કરી, અશ્વેતની અસ્મિતાએ સ્થાપિત ધોરણોને પડકારી પોતાનાં ધોરણોનો આગ્રહ શ્વેતની સામે શરૂ કયો, વિજાતીય યૌન અભિગમને જ કુદરતી ગણાવનારાઓના ખ્યાલોની સામે સજાતીયોએ અવાજ ઉઠાવ્યો, સકલાંગના રચાતા જગત સામે વિકલાંગોએ પોતાના જગતનું અલગ મૂલ્યાંકન માગ્યું. આમ, નિયંત્રકો જેવાં મોટાં મોટાં સ્થાપિત પરિબળો સામેનાં ‘અન્યો’એ ખુદ સ્થાપિત પરિબળોને ‘અન્યો’ બનાવી દેવા તરફ ઊર્જા દાખવી. નિયંત્રકો અને ‘અન્યો’ વચ્ચેના સંબંધોનો વ્યુત્ક્રમ થયો. નિયંત્રક પરિબળો અને ‘અન્યો’ વચ્ચેના સંબંધોનો વ્યુત્ક્રમ થયો. નિયંત્રક પરિબળો અને ‘અન્યો’ વચ્ચેની વિષમ રહેલી સમતુલાને સરખી કરવામાં એનો પુરુષાર્થ છે. એક રીતે જોઈએ તો આ સંબંધોનો વ્યુત્ક્રમ કશાક ક્રાંતિકારક પરિવર્તનને - કે પરિશોધનને ઝંખે છે. આથી આ આખી ઘટના શોધનકારી વ્યુત્ક્રમ (rectifying inversion) તરીકે ઓળખાવી શકાય. અહીં સામસામે બે પ્રકારની ગ્રંથિઓ છે. એક બાજુ પરાપૂર્વની નિહિત ગુરુતાગ્રંથિ અને બીજી બાજુ પરાપૂર્વની લઘુતાગ્રંથિ છે. આથી જ વ્યુત્ક્રમના ગાળામાં ચોક્કસ મનોવલણોમાંથી કશુંક જન્મે છે અને એનો સંઘર્ષ પણ ચોક્કસ મનોવલણો સામે હોય છે, જે અંતે મનોવલણોમાં આવનારાં પરિવર્તનોને લક્ષ્ય કરે છે. આ શોધનકારી વ્યુત્ક્રમની નીચે શોષણ પર આધારિત વ્યવસ્થાઓનો વિરોધ છે. દલિત સાહિત્ય પણ આ શોધનકારી વ્યુત્ક્રમને અનુસરતું જોવાય છે. ધર્મ અને જ્ઞાતિઓને આશ્રયે પોષાતી આવેલી અદલિતોની અમાનવીય અસ્પૃશ્યતાની સામે દલિત સાહિત્યની જેહાદ છે. દલિત સાહિત્યના શોધનકારી વ્યુત્ક્રમને કારણે જીવનના અજાણ્યા અને આજ સુધી અંધારામાં રહેલા વણનોંધાયેલા અનુભવો સાહિત્યના રૂપાન્તર માટેની વિશિષ્ટ સામગ્રી બને છે. માંહે પડેલાઓનો (Inlookers) નવો દૃષ્ટિકોણ એમાં ભળે છે અને જુદા વ્યવહારવર્તન તેમજ જુદા સ્થાનિક રંગો એમાં ઉમેરાય છે. અજ્ઞાન, દરિદ્રતા, અસહાયતા, ભય, હિંસા, અત્યાચાર, શોષણ, અવમાનનાઓ સાથેની સામાજિક અમાનુષી પરિસ્થિતિઓ નવી જાગૃતિ, નવી સંવેદનાઓ પ્રેરે છે. બહુ સ્પષ્ટ છે કે આ શોધનકારી વ્યુત્ક્રમના સાહિત્યમાં કલ્પના-વ્યાપાર સાથે આલોચનાત્મક વાસ્તવવાદ (critical realism) સંકળાયેલો છે. વળી, નિરૂપાતાં ઉત્પીડિતોનાં વૈયક્તિક વૃત્તાન્તો નીચે ચોક્કસ સામૂહિક ચેતનાનાં ઇંગિતો પણ પડેલાં છે. આથી ગુજરાતી આધુનિક સાહિત્યની સ્વાયત્તતા અને સમાજનિરપેક્ષતાની સીમાને સ્વાભાવિક રીતે તૂટેલી જોઈ શકાય છે. નિરાળી જીવનશૈલી, વિચારશૈલી અને ભાષાશૈલીનો અહીં ‘સ્વાન્તઃ સુખાય’ નહીં પણ ‘સ્વાન્તઃ દુઃખાય’ વિસ્ફોટ છે. દલિત સાહિત્યનું સત્ય શોષણ છે, એનું શિવ દલિતોનું અવમાનિત જીવન છે, એનું સુન્દર દલિતોની અસ્પૃશ્યતાની કુરૂપતા છે. આ તબક્કે હવે દલિત સાહિત્યને બે જૂથમાં જોઈ શકાશે. ગુજરાતીમાં અદલિતો દ્વારા દલિતો વિશે લખાયેલું સાહિત્ય સહાનુભૂતિનું બહિરંગ (Skindeep) સાહિત્ય છે, જ્યારે દલિતો દ્વારા લખાતું આજનું દલિત સાહિત્ય એ સ્વાનુભૂતિ (Under the skin)નું સાહિત્ય છે.
●