લાલકિલ્લાનો મુકદ્દમો/આઝાદ હિંદ સરકારના બે પ્રધાનોની જુબાની

આઝાદ હિંદ સરકારના બે પ્રધાનોની જુબાની
૧૧મી ડિસેંબર : મંગળવાર

બચાવ પક્ષના છઠ્ઠા સાક્ષી હતા આઝાદ હિંદની કામચલાઉ સરકારના એક પ્રધાન શ્રી અય્યર એમણે જુબાની આપી કે – “૧૯૪૧ની ૧૦મી ડિસેંબરે જાપાનીઓએ લડાઈની જાહેરાત કરી ત્યારે હું બેંગકોકમાં હતો. તેજ દિવસે બેંગકોક છોડીને બરમા–રસ્તે હિંદ પહોંચવાનો મેં પ્રયાસ કર્યો, પણ એમાં હું સફળ ન થયો કારણકે હું સરહદ ઉપર પહોંચ્યો તે અગાઉ બે દિવસે જ એ બંધ કરી દેવામાં આવેલી. પૂર્વે એશિયામાંના તમામ હિંદીઓની એક પરિષદ ૧૯૪૨ના જુનની અધવચમાં બેંગકોકમાં મળેલી. થાઈલેન્ડ, બરમા, મલાયા (સિંગાપુર સહિત), હિંદી-ચીન, જાવા, સુમાત્રા, ફિલિપાઈન્સ, શાંઘાઈ, હોંગકોંગ અને જાપાનમાંથી એમાં પ્રતિનિધિઓ હાજર રહેલા, પૂર્વ એશિયામાં એ વખતે હિંદીઓની આશરે પચીસથી ત્રીસ લાખની વસ્તી હતી. એ પરિષદમાં હું એક પ્રેક્ષક તરીકે હાજર રહેલો. બેંગકોકમાં સ્થાપાયેલા હિંદી સ્વાતંત્ર્ય સંઘના વડા મથકમાં હું ૧૯૪૨ના જુલાઈમાં જોડાયો. હિંદી સ્વાતંત્ર્ય સંધનું પ્રથમ ધ્યેય એ વખતે હું સમજયો હતો તે પ્રમાણે હિંદની સ્વતંત્રતા જીતવાનું હતું. સંઘના જાહેરાત-ખાતાનો કબજો મને સોંપવામાં આવેલો. ફેબ્રુઆરીના અંતમાં બેંગકોક છોડીને હું માર્ચની ૩ જીએ સિંગાપુર પહોંચ્યો, ત્યાં, હિંદી સ્વાતંત્ર્ય સંઘના પ્રમુખ રાશબિહારી બોઝને હું મળ્યો. એમણે મને કહ્યું કે વડું મથક બેંગકોકથી સિંગાપુર બને તેટલું જલદી ખસેડવાનો એમણે નિર્ણય કર્યો હતો, તે વખતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી અને ૧૯૪૩ના એપ્રિલમાં ખસેડવાનું કામ શરૂ થઈ ગયું. મારી કચેરીમાં કામ કરવું મેં ચાલુ રાખ્યું. ​ [ ૧૧૪ ] દક્ષિણ એશિયાના તમામ દેશોમાં હિંદી સ્વાતંત્ર્ય સંધના રીતસરના સભ્યો હતા, અને એ વખતે એના સભ્યોની સંખ્યા સાડાસાત લાખ જેટલી હતી. નેતાજી સુભાષ બોઝ ૧૯૪૩ની ૨ જી જુલાઈએ સિંગાપુરમાં આવ્યા. ૪થી જુલાઈએ, પૂર્વ એશિયામાંના પ્રતિનિધિઓની એક પરિષદ સિંગાપુરમાં ભરાઈ. એ પરિષદમાં, રાશબિહારી બોઝે હિંદી સ્વાતંત્ર્ય સંઘના પ્રમુખપદની સત્તાવાર સોંપણી નેતાજી સુભાષચંદ્ર બોઝને કરી દીધી. પ્રતિનિધિઓને અને પ્રેક્ષકોને રાશબિહારી બોઝે કહ્યું કે ટોકીઓથી એ એમને માટે એક સોગાદ - નેતાજી - લાવ્યા હતા, અને પ્રમુખપદ નેતાજીને સોંપી દેતા હતા. આ જાહેરાત વખતે હર્ષાવેશના પોકારોનો વરસાદ વરસ્યો હતો. પોતાના ભાષણમાં નેતાજી બોઝે જાહેર કર્યું કે થોડા જ વખતમાં આઝાદ ​હિંદની એક કામ ચલાઉ સરકારની સ્થાપના કરવાની એમની ધારણા હતી. એનો પણ અત્યંત ઉત્સાહપૂર્વક સત્કાર કરવામાં આવેલો. ૧૯૪૩ની ૨૧મી ઑકટોબરે, પૂર્વ એશિયામાંની હિંદી સ્વતંત્ર્ય સંઘની શાખાઓમાંથી આવેલા પ્રતિનિધિઓની બીજી એક પરિષદ સિંગાપુરમાં ભરાઈ હતી. સામાન્ય મંત્રીએ સંઘની પ્રગતિનો અહેવાલ સરકારની સ્થાપનાની જાહેરાત કરી હતી. પ્રતિનિધિઓએ અને હાજર રહેલા સૌ કોઈએ એ જાહેરાતને તાળીઓના ગડગડાટ અને પોકારો વચ્ચે આવકારી હતી. આ સરકારના સભ્યોનાં નામ જાહેર કર્યા પછી નેતાજીએ પોતે હિંદુસ્તાન પ્રત્યેની વફાદારીના સોગંદ લીધા. તે પછી પ્રધાનમંડળના બીજા સભ્યોએ હિંદુસ્તાન પ્રત્યેની અને નેતાજી પ્રત્યેની વફાદારીના સોગંદ લીધા. આખી કાર્યવાહી દરમિયાન ડગલે ને પગલે હર્ષાવેશની કીકિયારીઓ અને 'સુભાષ બેાજ કી જય', 'આઝાદ હમકૂત કી જય' તથા 'આઝાદ હિંદ કી જય'ના પોકારો થયા કરતા હતા.' આઝાદ હિંદની કામચલાઉ સરકારની જાહેરાત કરતી વેળાની એક છબી અને સાક્ષી સહિતના એ સરકારના પ્રધાનોની બીજી છબી સાક્ષીને દેખાડવામાં આવતાં એ એમણે આળખી બતાવી. પછી ઉમેર્યું કે - ‘કામચલાઉ સરકારની સ્થાપના પછી અમે બ્રિટન અને અમેરિકા સામે લડાઈ જાહેર કરી. એ સરકારમાં હું જાહેરાત અને પ્રચાર ખાતાનો પ્રધાન હતો. પોતાને વહીવટ-તત્ર તરીકે કામચલાઉ સરકાર હિંદી સ્વાતંત્ર્ય સંઘના વ્યવસ્થા-તંત્રને ઉપયોગ કરતી.' ‘કામચલાઉ સરકારની જાહેરાત અને તેના પ્રધાનોનાં નામવાળો એક દસ્તાવેજ સાક્ષીને બતાવતાં, પોતાને યાદ છે ત્યાં સુધી એ સાચાં છે એમ એમણે જણાવ્યું. તે પછી કામચલાઉ સરકારની પ્રવૃત્તિઓ વિશે સવાલો પૂછતાં સાક્ષીએ જણાવ્યું કે​ સંઘદ્વારા હિંદીઓને રાષ્ટ્રીય શિક્ષણ પૂરું પાડવાનું અને તબીબી તથા અન્ય રાહત પહોંચાડવાનું કાર્ય આઝાદ હિંદ સરકાર કરતી હતી. હિંદુસ્તાનીઓને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે રક્ષણની અને ખાસ તો ગુંડાગીરી સામેના રક્ષણની, જરૂર પડે ત્યારે એ પૂરું પાડવાની સૂચના સરકારે આo હિંo ફો૦ને આપી હતી. ૧૯૪૩ની ૩જી માર્ચ ૧૯૪૪ના ફેબ્રુઆરી સુધી હું સિંગાપુરમાં હતો. આઝાદ હિંદની કામચલાઉ સરકાર પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા ઉપર પોતાના સભ્યોની સહી લેવાનું કાર્ય હિંદી સ્વાતંત્ર્ય સંઘની મલાયામાંની શાખાએાએ ૧૯૪૩ના ડીસેંબરમાં શરૂ કર્યું. સંઘની મલાયાની શાખા તરફથી નિયમિતપણે એક માસિક પત્રિકા બહાર પાડવામાં આવતી હતી. ૧૬મી ડિસેંબર ૧૯૪૩ના એના અંકમાં સંઘની શાખાઓ માટે નીચે મુજબની સૂચનાઓ આપેલી હતી. “પૂર્વ એશિયામાંના હિંદીઓ આજે હવે એક પરદેશી સત્તાના તાબેદારો નથી રહ્યા. એ તો આઝાદ હિંદની કામચલાઉ સરકારના ગર્વિષ્ઠ નાગરિકો છે. મલાયામાંના બીજા હિંદીઓને આ વાત બરાબર સમજાવવા માટે અને પોતાના નવા સ્થાપનની જવાબદારીઓનું આપણા દેશભાઈઓને પૂરું ભાન કરાવવા માટે, આઝાદ હિંદની કામચલાઉ સરકાર પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા ઉપર સહી કરવાનું હિંદી સ્વાતંત્ર્ય સંઘના દરેક સભ્યને કહેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિષેની વિગતવાર સુચનાઓ અને પ્રતિજ્ઞાનો મુસદ્દો શાખાઓને મોકલાઈ ચૂક્યાં છે. પ્રતિજ્ઞા લેતી વખતે, દરેક સભ્યને વફાદારીની પ્રતિજ્ઞાનું એક કાર્ડ આપવામાં આવશે અને હિંદી સ્વાતંત્ર્ય સંઘના સભ્યપદનું તેનું કાર્ડ એ પ્રતિજ્ઞા લેવડાવનાર અમલદાર પાછું લઈ લેશે. ​આપણી સરકાર પ્રત્યે વફાદારી રાખવાનો અધિકાર માત્ર હિંદી સ્વતંત્ર્ય સંઘના સભ્યોને જ આપવામાં આવશે, કારણ કે સંઘનો સભ્ય ન હોય તેવા કોઈપણ હિંદીને સાચો હિંદી ગણી શકાય નહિ. ૨૧મી ઑકટોબરે શૈનાનમાંના પોતાના ભાષણમાં નેતાજીએ કહ્યું હતું તેમ 'એમને આપણે હિંદીઓ કે મિત્રો ગણી શકીએ નહિ. હિંદુસ્તાનમાં એમને માટે કોઈ સ્થાન નથી.” વફાદારીની પ્રતિજ્ઞા લેનારાઓની એક યાદી સાક્ષીને દેખાડવામાં આવી ૧૯૪૪ના જૂન સુધીની કુલ સંખ્યા આમાં ૨,૩૨,પ૬૨ની દેખાડેલી હતી. સo – કામચલાઉ સરકારની આવકના કયા કયા માર્ગો હતા? જo – પૂર્વ એશિયામાં બધેથી હિંદીઓ પાસેથી કામચલાઉ સરકાર ફાળા ઉઘરાવતી આ રીતે ભેગા થયેલા પૈસા બરમામાં આઝાદ હિંદ બેન્કમાં રાખવામાં આવતા ફાળામાં રોકડનાણું તેમજ ચીજવસ્તુઓ અપાતી. ખાદ્ય પદાર્થો, ધાતુનાં ઠામવાસણો અને આ૦હિંo ફો૦ના ઉપયોગમાં આવી શકે એવી બીજી કોઈપણ ચીજનો એમાં સમાવેશ થતો. ૧૯૪૩ના નવેંબરમાં આ ફાળામાં રોકડનો આંકડો પ૩,૪૩૯પ૬ ડોલરે પહોંચેલો અને ૮૬,૩૧o ડોલરની કિંમતનું ઝવેરાત એમાં અપાયેલું. ૧૯૪૪ના જુલાઈમાં કુલ આંકડો ૧,૫૩,૫૪,૧૦૪ ડોલર પહોંચેલો. આઝાદ હિંદ બેન્કની સ્થાપના રંગુનમાં ૧૯૪૪ના એપ્રિલ માં થઈ હતી. શ્રી દીનાનાથ તેના ડાયરેકટરોમાંના એક હતા અને હું તેના ડાયરેકટરોના બેાર્ડનો પ્રમુખ હતો. શ્રી સુભાષચંદ્ર બોઝે આo હિંo ફોo નો કબજો સંભાળી લીધો પછી એ સર્વોચ્ચ કમાન્ડર બન્યા. આo હિંo ફો૦માં સંપૂર્ણપણે સ્વેચ્છાપૂર્વકની ભરતી કરવામાં આવતી હતી એ હું જાણું છું. અમે જેમને તાલીમ આપી શકતા નહોતા એવા વધારાના સ્વયંસેવકો હમેશાં અમારી પાસે રહેતા હતા. નાગરિક વહીવટકર્તાઓને તાલીમ આપવા ​માટેની એક તાલીમશાળા સિંગાપુરમાં હતી. નેતાજી સિંગાપુર આવ્યા પછી થોડા મહિનામાં એ શાળાની સ્થાપના કરવામાં આવેલી. સo – નીપોન સરકાર અને આઝાદ હિંદની કામચલાઉ સરકાર વચ્ચેના સંબંધો કેવા હતા? જo - સમાનતાને ધોરણે વ્યવહાર રાખતાં બે સાથીરાજ્યો વચ્ચેના એ સંબંધો હતા… ૧૯૪૪ના એપ્રિલથી ૧૯૪૫ના એપ્રિલ સુધી હું શ્રી સુભાઝચંદ્ર બોઝના બંગલામાં રહ્યો હતો. સo - જાપાનીસ સરકાર અને આઝાદ હિંદની કામચલાઉ સરકાર વચ્ચેના એના કોઈ મતભેદની વિગતે તમે આપી શકશો કે જેમાં કામચલાઉ સરકારે પોતાનો મત સાચો ઠરાવ્યો હોય? જo - કામચલાઉ સરકારે જ્યારે પોતાનો મત સાચો ઠરાવ્યો હતો એવા મારી જાણના બે કે ત્રણ પ્રસંગો તો મને યાદ છે. ૧૯૪૪ માર્ચમાં શ્રી સુભાષચંદ્ર બોઝ અને કેટલાક જાપાનીસ અફસરોની જેમાં હાજરી હતી એવી એક પરિષદ મળેલી. એમાં હું પણ હાજર હતો. હિંદની ધરતી ઉપરની લડાઈનું સંચાલન કરવા માટે એક યુદ્ધ સમિતિની સ્થાપના અંગેની ચર્ચાએ ત્યાં થતી હતી. જાપાનીઓની એવી માગણી હતી કે એ સમિતિના પ્રમુખપદે કોઈ જાપાનીને મૂકવો, અને પોતાના એ દાવાના ટેકામાં એમણે દલીલો કરી. નેતાજીએ એ સૂચનાનો સામનો કર્યો અને તેમ કરવાનાં પોતાનાં કારણો દર્શાવ્યાં. જાપાનીએાની દલીલ એ હતી કે પ્રમુખપદે જાપાની હોય તે સગવડતાને ખાતર જરૂરી છે. નેતાજી તે સિદ્ધાંત ઉપર ઊભા રહ્યા. અને એમણે કહ્યું કે જેમાં હિંદનું અખંડત્વ, સાર્વભૌમત્વ, કે સ્વાતંત્ર્ય જરા પણ ઓછું થાય એવી કાઈ પણ વાત એ સ્વીકારી શકે નહિ. એમની સામી દલીલ એ હતી કે કાં તો કોઈ હિંદી એનો પ્રમુખ બને અથવા તો પછી સમિતિ પ્રમુખ વિનાની જ રહે, અને તેના હિંદી તેમજ જાપાની સભ્યોનો દરજ્જો સમાન રહે. ​નેતાજીએ પોતાની વાત સાચી ઠરાવી હતી અને એ સમિતિના પ્રમુખપદે કોઈ જાપાનીને મૂકવામાં આવ્યો નહોતો. કામચલાઉ સરકાર પોતાની વાતને સફળતાપૂર્વક વળગી રહી હોય એવો બીજો પણ એક દાખલો છે. જાપાનીઓ અને કામચલાઉ સરકારના પ્રતિનિધિઓની હાજરીવાળી એક પરિષદમાં જાપાનીઓએ કહ્યું કે પૂરવઠા-ખાતાના અને માનવબળ-ખાતાના પ્રધાનોની નિમણુંકની જાણ એમને અગાઉથી જ કરવામાં આવે તો સારું, કારણ કે જાપાનીસ યુદ્ધ-પ્રયત્નોને એ નિમણુંકની સીધી યા આડકતરી અસર થતી હતી. પણ નેતાજીએ જણાવ્યું કે એ તો કામચલાઉ સરકારની બિલકુલ આંતરિક બાબત છે. જો કે આવી નિમણુંક થઈ ચૂક્યા બાદ, એક શિષ્ટાચાર રૂપે તેની જાણ જાપાનીઓને કરવામાં એમને વાંધો નહોતો. છેવટ સુધી તેઓ એ મતને વળગી રહ્યા હતા. હજી એક બીજો દાખલો હું આપું છું. (હિંદના) મુક્ત કરાયેલા પ્રદેશોમાં કોઈપણ જાપાનીસ પેઢીને કામ કરવા ન દઈ શકાય અને એક આઝાદ હિંદ બેન્ક સિવાય બીજી કોઈપણ બેન્કથી ત્યાં કામકાજ ન થઈ શકે એવી એક યોજના નેતાજીએ ઘડી કાઢી હતી. સo - મલાયા કે બરમામાંના હિંદીઓના રક્ષણ માટે કામચલાઉ સરકારે શું શું કર્યું હતું? જo – હિંદી સ્વાતંત્ર્ય સંધના તંત્ર દ્વારા તબીબી મદદ અને સામાજિક સુખાકારીના બીજા કાર્યોની એમણે ગોઠવણ કરેલી. ઉપરાંત રાષ્ટ્રીય દૃષ્ટિએ એમની કેળવણી પણ ચાલુ રખાયેલી… આઝાદ હિંદ સરકારનાં ચાર રેડીઓ મથકો હતાં. જાહેરાત અને પ્રચારખાતાના પ્રધાન તરીકે એમના સંચાલન માટે હું જવાબદાર હતો. સo - આ મથકોના સંચાલન ઉપર બહારનું કોઈ નિયંત્રણ હતું? જo - ના… મલાયામાંથી સ્વયંસેવકોની એક મોટી સંખ્યા (ફોજમાં) ભરતી થઈ હતી. બરમામાંથી પ્રમાણમાં ઓછા અને ​દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી પ્રમાણસરના સ્વયંસેવકો પણ એમાં જોડાયેલા. હિંદી વેપારીઓ પાસેથી અનાજના રૂપમાં સખાવતો અમને મળતી હતી. ઊલટતપાસમાં;– જo - ૧૯૪૨માં હું છાપાનો ખબરપત્રી હતો. બેંગકોક પરિષદમાં હું હાજર હતો. હિંદની સ્વતંત્રતાના સંબંધમાં જાપાનીસ યુદ્ધનેમોનું સ્પષ્ટીકરણ માગવાની મતલબનો એક ઠરાવ એ પરિષદમાં પસાર થયો હતો. સo – એ પ્રમાણેની સત્તાવાર ચોખવટ જાપાનીએાએ કદી પણ કરી નહોતી એ હકીકત છે? જo – મને ખબર નથી… બેંગકોક પરિષદે નિમેલી કાર્યવાહક સમિતિની કાર્યવાહીની મને જાણ નથી. એક એના પ્રમુખ શ્રી રાશબિહારી બોઝ સિવાયના તેના બીજા સભ્યોના રાજીનામાની મને ખબર નથી. ૧૯૪૨ના ડિસેંબરમાં હું બેંગકોકમાં હતો, જ્યારે શ્રી રાશબિહારી બોઝ સિંગાપુર ગયેલા હતા… બરમા અને મલાયામાંથી ગેરહાજર હિંદીઓની માલિકીની મિલકતને લગતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો એ મને યાદ છે. બરમામાંના હિંદીઓએ 'એબસન્ટી ઈન્ડિયન પ્રોપર્ટીઝ એસોસિએશન' (માલિકની ગેરહાજરીવાળી હિંદી મિલકતોનો સંઘ) ની સ્થાપના કરી હતી. આ સંઘ હિંદી સ્વાતંત્ર્ય સંઘ નીચે રહીને કામ કરતો હતો. શ્રી સુભાષચંદ્ર બોઝને પૂર્વ એશિયામાં તેડાવતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો એ પણ મને યાદ છે… હિંદી સ્વાતંત્ર્ય સંઘમાં સાડાસાત લાખ સભ્યો હતા એ મારી માહિતી સંઘના સામયિકોમાં અપાતી વિગતોને આધારે અપાયેલી હતી. મારી કામગરી કામચલાઉ સરકારની તથા આo હિં o ફો૦ની પ્રવૃત્તિનો પ્રચાર ​કરાવવાની અને હિંદની સ્વતંત્રતા માટે હિંદુસ્તાનની પ્રજામાં પ્રચાર પહોંચતો કરવાની તથા સભાઓ ગોઠવવાની હતી. સ૦–કામચલાઉ સરકાર માટે ફાળો ઉઘરાવનારાઓએ બરમા અને મલાયામાં હિંદીઓની મૂડીના અમુક ટકા ઠરાવેલા હતા એ સાચું છે? જ૦–બરમા અને મલાયામાંના હિંદીઓની સ્વેચ્છાપૂર્વકની સંમતિથી અમુક ટકા ઠરાવવામાં આવ્યા હતા. ફાળા ઉઘરાવનારાઓએ હિંદી વેપારીઓને અને બીજાઓને ફાળામાં આપવાનું કહેલું અને એમની સંમતિથી તેમજ એમની સૂચનાથી જુદા જુદા સ્થળો માટે જુદા જુદા ટકા ઠરાવવામાં આવેલા. એક ' બોર્ડ ઓફ મેનેજમેન્ટ ' ( વ્યવસ્થા સમિતિ ) મલાયામાં ફાળા એકઠા કરતી અને બરમામાંના હિંદીઓની બનેલી એક નેતાજી ફાળા-સમિતિ પણ હતી. આગળ જતાં કરીમ ગની નામનો એક માણસ નેતાજી ફંડ સમિતિનો સભ્ય બન્યો. ૧૯૪૫ના જાન્યુઆરી અગાઉ ઉઘરાણું એમના કબજામાં નહોતું. સ૦– પૈસા પડાવવાનો કોઈ આરોપ એમની ઉપર હતો? જ૦- ના. સ૦- શ્રી સુભાષચંદ્ર બોઝના ફરમાનથી એમની ધરપકડ કરવામાં આવેલી ખરી? જ૦– નેતાજીના હુકમથી એમને અટકાયતમાં રાખવામાં આવેલા એનાં કારણોની મને ખબર નથી. નેતાજીના જન્મદિવસે સામગ્રી ઉઘરાવવાની પ્રવૃત્તિ વિશે એક તપાસણી થઈ હતી. પણ એમની સામેના ચોક્કસ આરોપોની મને જાણ નથી. જ૦- આo હિંo ફોo ને એકવાર કપડું અથવા રૂ. ૫o આપવાનો હુકમ દરેક માણસને કરવામાં આવેલો? જ૦- દરેક હિંદીએ ઓછામાં ઓછું એક વાર કાપડ આપવું ​જોઈએ એવી અપીલ કરવામાં આવેલી. પણ એમાં કોઈ જાતની બળજબરી તો હતી જ નહિ… ખુદ આo હિંo ફો૦ને ઉદ્દેશીને નેતાજીએ કરેલાં સંખ્યાબંધ ભાષણો દ્વારા મેં જાણેલું કે આo હિંo ફોo માં સ્વેચ્છાપૂર્વક જ ભરતી થતી હતી. સ૦- મોઢેથી બોલવાનું બાદ કરતાં સાચેસાચ તો બળજબરી વાપરવામાં આવતી હતી એ સાચું ને? જ૦-લોકોને આo હિંo ફો૦માં ભરતી કરવા માટે મુદ્દલે ય બળજબરી વપરાયાની મને જાણ નથી. ‘સ૦– લોકો ઉપર આo હિંo ફો૦માં જોડાવાનું દબાણ લાવવા માટે ભયંકર જુલમો કરવામાં આવ્યા હતા એની તમને જાણ છે? જ૦- ૧૯૪૨ના ડિસેમ્બર પછી હિંદીઓ ઉપર આo હિંo ફોo માં જોડાવા માટે કોઈ જુલમો થયાની મને પોતાને જાણ નથી. સ૦– જાપાનીએાએ આo હિંo ફોo ઉપર કોઈ બંધનો મૂક્યાં હોવાનું તમે જાણો છો? જ૦- ના. શ્રી. ભુલાભાઈએ સાક્ષીને અગાઉ એક સવાલ પૂછેલો : 'બંગાળના દુકાળની વાત તમે સાંભળેલી?' જ૦- હા. સ૦- એમાં સપડાયેલા માણસોની રાહત માટે તમારી સરકાર તરફથી કોઈ ઑફર કરેલી. જ૦- હા, બંગાળના દુકાળપીડિત માણસોની રાહત માટે નેતાજીએ એક લાખ ટન ચોખાની ઑફર કરેલી. સ૦– એનો શો જવાબ મળેલો? ‘જ૦–એનો સ્વીકાર કરાયો નહોતો. ઊલટતપાસમાં સરકારી વકીલે એ વાતનો તાગ લીધોઃ– સ૦– બંગાળના દુકાળની અને શ્રી સુભાષચંદ્ર બોઝે ચોખા ​મોકલવાની કરેલી ઑફરની વાત તમે જણાવી હતી. એ ઑફર કેવી રીતે કરવામાં આવેલી? જ૦– રેડીઓ ઉપરથી એ ઑફર હિંદુસ્તાનની જનતાને તેની જાણ માટે અને હિંદુસ્તાનમાંના સત્તાવાળાઓને એ અંગે પગલાં લેવા માટે કરવામાં આવેલી. સ૦– આ બ્રોડકાસ્ટ ક્યારે કરાયેલો? જ૦- હું માનું છું કે એ ૧૯૪૩ના જુલાઈ કે ઑગસ્ટમાં કરાયો હતો. સ૦– ક્યાંથી? જ૦– સિંગાપુરથી. સ૦– ચોખા ક્યાંથી મોકલવાના હતા? જ૦– જો બ્રિટિશ સરકાર જહાજોની સલામતીની ખાતરી આપે તો બરમાના કેાઈ પણ બંદરેથી એ મોકલવાના હતા. ‘સ૦– 'એ વખતે બરમાની પ્રજા ચોખા વિના ભૂખે મરતી હતી ખરી? જ૦-ના. પછીના સાક્ષી તરીકે આવ્યા લેo કર્નલ લોગનાથન આઝાદ હિંદની કામચલાઉ સરકારના એ એક પ્રધાન હતા અને આંદામાન તથા નીકોબાર ટાપુઓના ચીફ કમિશ્નર હતા. જુબાની આપતાં એમણે કહ્યું કે- ‘સિંગાપુર પડ્યું ત્યારે હું ઈન્ડિયન જનરલ હોસ્પિટલ (હિંદી ઈસ્પિતાલ ) ન. ૧૯નો કબજો સંભળાતો હતો. ૧૯૪૨ના સપ્ટેંબરના અરસામાં હું આo હિંo ફોo નો સભ્ય બન્યો. વચગાળા દરમિયાન નીસૂન છાવણીમાં આવેલી, મારી ઈસ્પિતાલનો કબજો સંભાળવો મેં ચાલુ રાખ્યો હતો. નીસૂન છાવણી ૨૦૦o સિપાહીઓ માટે બાંધવામાં આવેલી, પણ એમાં બારેક હજારને ખીચોખીચ ભરવામાં ​આવેલા. શરૂઆતમાં નીસૂન છાવણીમાં ચાર ઈસ્પિતાલો હતી અને છાવણીમાંના તમામ કેદીઓની સારવાર એ કરતી. પાછળથી અમુક ઈસ્પિતાલોને બિદાદરી અને સેલેટારની છાવણીઓમાં મોકલવામાં આવેલ. બરમા, ફિલિપાઈન્સ, હોંગકોંગ, સુમાત્રા, જાવા, સેલેબસ, બોર્નીઓ, શાંઘાઈ, કેન્ટન, હિંદી-ચીન-આખાય દૂર પૂર્વમાંથી આવેલા ૧૧o પ્રતિનિધિઓની હાજરીવાળી બેંગકોક પરિષદમાં હું હાજર હતો. પરિષદમાં ૬o કે ૭o ઠરાવો પસાર થયેલા મુખ્ય ઠરાવમાં તમામ હિંદીઓને અને ખાસ તો નાગરિકોને સંગઠિત બનવાનો અને પોતાના જાનમાલની સલામતી જાળવવા માટે તથા પોતાની સામાન્ય આબાદી માટે એક સંસ્થા રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. હિન્દી સ્વાતંત્ર્ય સંઘ નામની એક સંસ્થા નીચે એ પ્રમાણે સંગઠિત બનવાનું હતું અને તેની જુદી જુદી શાખાઓને સંઘની પ્રાદેશિક અથવા સ્થાનિક શાખાઓ કહેવાતી હતી. એક ઠરાવમાં એક લશ્કર ઊભું કરવાની માગણી કરાઈ હતી. ઠરાવમાં એમ જાહેર કરવામાં આવ્યું હતું કે સ્વાતંત્ર્ય સંઘ તરફથી જે કાંઈ થાય તે હિંદી રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિઓને અનુરૂપ હોવું જોઈએ. એવી સમજણ હતી કે કોંગ્રેસ જ્યારે એમને હિંદમાં આવવાનું કહે ત્યારે એમ કરવા માટે એમણે પગલાં લેવાં જોઈએ. આo હિંo ફો૦ના 'જી. ઓ. સી.' કેપ્ટન મોહનસીંઘ અને હિંદી સ્વાતંત્ર્ય સંઘ તથા કાર્યવાહક સમિતિના પ્રમુખ શ્રી રાશબિહારી બોઝ વચ્ચેના સંબંધો બહુ સુખદ નહોતા, મારી પોતાની જાતમાહિતી એવી છે કે જાપાનીઓ સાથે લાંબા કાળથી પોતે રહ્યા હતા તેથી શ્રી રાશબિહારી બોઝ જાપાનીઓને હાથે દોરવણી પામવા અને એમના નિયંત્રણમાં રહેવાના મતે ઢળેલા હતા. જ્યારે મોહનસીંઘને એમ લાગતું હતું કે જાપાનીઓ સાથે શ્રી રાશબિહારી બોઝ ચલાવી શકે તેથી વધુ કડક વર્તાવ રાખવો જોઈએ. ​ આo હિંo ફોo એ હિંદી સ્વાતંત્ર્ય સંધની એક શાખા હતી. મોહનસીંઘને શ્રી રાશબિહારી બોઝ સાથે બહુ સુમેળ નહિ તેથી જાપાનીઓ સાથે વ્યવહાર રાખવામાં એમણે પોતાની ઉપર ઘણી જવાબદારી લીધી હતી. કટોકટી દરમિયાન કેટલાક ઉચ્ચ અફસરોને પોતાને બંગલે મળતા રહેવાનું મોહનસીંઘે કહ્યું હતું એમાંનો હું એક હતો. મોહનસીંઘે અમને જણાવ્યું હતું કે બેંગકોક પરિષદમાં કરેલા ઠરાવોને જાપાનીઓએ હજી સુધી બહાલી આપી નથી. આo હિંo ફોo સાથે એક મિત્રસેના તરીકેનો વર્તાવ રાખવાની મોહનસીંઘની માગણીનો સ્વીકાર થયો નહોતો. થોડી વિમાન-વિરોધી ટુકડીઓનો જાપાનીઓએ સંરક્ષણ માટે ઉપયેાગ કર્યો તે સામે મોહનસીંઘે આકરો વિરોધ કર્યો હતો, કારણકે એનો કબજો એમને સોંપાઈ જવો જોઈએ એમ તેઓ માનતા હતા. શ્રી સુભાષચંદ્ર બોઝ આવી પહોંચ્યા નહિ ત્યાં સુધી જાપાનીઓએ એ વિમાન-વિરોધી તોપોનો કબજો સોંપ્યો નહોતો. જાપાનીઓએ આo હિંo ફો૦ના કેટલાક સૈનિકોને બરમા લઈ જવા માટે એક જહાજની ગોઠણ કરેલી. પણ પોતાની જાણ વિના આ રીતે સૈનિકો મોકલાય તે સામે સમિતિના સભ્યોએ વાંધો ઉઠાવ્યો. મોહનસીંઘે પોતાના અફસરોને કહ્યું કે, 'આવા સંજોગોમાં કામ કરવું અશકય છે અને હું આo હિંo ફોo ને વિખેરી નાખવાનો છું.' શ્રી રાજબિહારી બોઝના ફરમાન મુજબ મોહનસીંઘની ધરપકડ કરીને તેમને લઈ જવામાં આવ્યા અને પછી મોહનસીંગની સૂચના પ્રમાણે આo હિંo ફોo ને વિખેરી નાખવામાં આવી. એ વખતે કાર્યવાહક સમિતિના સભ્યો શ્રી રાઘવન, શ્રી મેનન, સેનાપતિ મોહનસીંધ અને કર્નલ જિલાની હતા. શ્રી રાશબિહારી બોઝ એના પ્રમુખ હતા. ૧૯૪૨ના ડિસેંબરમાં હું આo હિંo ફો૦ના વડા મથક બિદાદરીમાં હતો. ત્યાં હું તબીબીખાતું સંભાળતો હતો. શ્રી સુભાષચંદ્ર બોઝ ​૧૯૪૩ની ૨જી જુલાઈએ સિંગાપુર આવ્યા ત્યારે હું એમને મળેલો. આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના વખતે હું ત્યાં હાજર હતો. હું પ્રધાનમંડળનો એક હતો. અને આo હિંo ફો૦નું તબીબીખાતું મારા કબજામાં હતું. દૂર પૂર્વની એશિયાઈ પરિષદમાં ૧૯૪૪ની ૧૭મી ફેબ્રુઆરીએ અંદામાન અને નીકોબાર ટાપુઓ કામચલાઉ સરકારને સોંપવામાં આવ્યા હતા. મને ત્યાં ગયા બે-ત્રણ અઠવાડિયા થયા બાદ પોર્ટ બ્લેરમાંના હિંદી સ્વાતંત્ર્ય સંઘના વડા મથકે એક વિધિ કરવામાં આવેલી અને એમાં અંદામાન અને નીકોબાર ટાપુઓ મને સત્તાવાર રીતે સોંપવામાં આવ્યા હતા. એ વિધિ વખતે ત્યાંનો કબજો સંભાળનાર જાપાનીસ 'રેર-એડમિરલ' અને ત્યાંના લશ્કરી કમાન્ડર હાજર હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે મને એ ટાપુઓનો ચીફ કમિશનર નીમ્યો હતો. સિંગાપુર છોડતાં અગાઉ મને સૂચના આપવામાં આવેલી કે મારી સાથે મારે પાંચ માણસો લઈ જવા અને મેજર આ૯વી લેo સુભનસીંઘ, લેo મહમ્મદ ઈકબાલ અને શ્રી શ્રીનિવાસન નામના એક શીઘ્રલહિયા-ટાઈપિસ્ટને લઈને હું આંદામાન જવા ઊપડ્યો. પોર્ટ બ્લેરમાંની વિધિ પછી ત્યાં ચાલી રહેલા નાગરિક-તંત્રનો કબજો મેં લીધો. મેજર આ૯વીને આંદામાનમાંનું કેળવણીખાતું લેo સુભનસીંઘને મહેસૂલી અને નાણાંકીય ખાતું, અને લેo ઈકબાલને પોલીસખાતું સોંપ્યાં. ૧૯૪૪ ના સપ્ટેંબરમાં હું સિંગાપુર પાછો ફર્યો ત્યાં સુધી એ ટાપુઓનો વહીવટ મેં કર્યો હતો, મારા વહીવટનો એક અહેવાલ ૧૯૪૪ના નવેંબરમાં મેં શ્રી સુભાષચંદ્ર બોઝ સમક્ષ રજૂ કર્યો હતો. નેતાજીની એવી ઈચ્છા હતી કે રંગુન જાતે જઈને એ અહેવાલ એમને આપવો અને પછી એમની સાથે ટોકીઓ જવું, જેથી કાંઈ ​મુશ્કેલીઓ હોય તે એ હું જાપાનીસ વિદેશખાતાની કચેરીમાં રજૂ કરી શકું એ વખતે હું ઘણો બીમાર હતો અને પથારીવશ જ હતો તેથી હું જઈ શક્યો નહિ, અને શ્રી સુભાઝચંદ્ર બોઝ ટોકીઓથી સિંગાપુર પાછા ફર્યા ત્યારે મેં એમને મારો અહેવાલ આપ્યો. એ પ્રસંગે પોતે રજૂ કરેલો અહેવાલ સાક્ષીએ અદાલતમાં રજૂ કર્યો. “મારી ગેરહાજરી દરમિયાન કામચલાઉ ચીફ કમિશનર તરીકે મેજર આ૯વીની નિમણુંક કરવામાં આવી હતી. મારા વહીવટ દરમિયાન એ ટાપુએાનાં નવાં નામ શહીદ (આંદામાન ) ટાપુઓ અને સ્વરાજ (નીકોબાર ) ટાપુઓ પાડવામાં આવ્યાં હતાં. આઝાદ હિંદની કામચલાઉ સરકારનો સ્વીકાર તમામ ધરી સત્તાઓએ – જર્મની, ઈટલી, જાપાન, કોશીઆ, મંચુરીઆ, ફિલિપાઈન્સ, નાનકીગ સરકાર, સિયામ અને બરમાએ કર્યો હતો. આઝાદ હિંદ ફોજ એ સંપૂર્ણપણે સ્વયંસેવકોની બનેલી હતી. હું જાણું છું ત્યાં સુધી ભરતી કરવા માટે કોઈ બળજબરી વાપરવામાં આવી નહોતી. કામચલાઉ સરકારના એક સભ્ય તરીકે હું જાણું છું કે કામચલાઉ સરકારે બ્રિટન અને અમેરિકા સામે લડાઈ જાહેર કરી હતી. ૧૯૪૪ના ઑક્ટોબરથી હું સિંગાપુરમાંના મારા રહેઠાણે એક દરદી તરીકે રહેતો હતો. નાગરિક પ્રજા માટે આo હિંo ફોo બહુ મોટો આધાર સમાન હતી, જ્યારે હું રંગુનમાં શરણે થઈ ગયો ત્યારે પંદરેક દિવસ સુધી આo હિંo ફો૦એ આખા રંગુન વિસ્તારનો કાબૂ સંભાળી લીધેલો અને નેતાજી જે સૂચનાઓ પાછળ મૂકતા ગયેલા તે મુજબ તેણે કાયદો અને વ્યવસ્થા જાળવ્યાં હતાં. જાપાનીઓના આક્રમણ વખતે લગભગ ૧૦,૦૦o હિંદીઓનાં ખૂન કરવામાં આવ્યાં હતાં. આવી આફત ફરી આવતી અટકાવવા માટે ચીન કે હિંદી, તમામ નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી આo હિંo ફોo ઉપર નાખવામાં આવેલી. ​… … મલાયા અને બરમામાંથી આo હિંo ફો૦માં નાગરિકોની ભરતી થયેલી.' ઊલટતપાસમાં:– જo - આંદામાન અને નીકોબાર ટાપુઓ કામચલાઉ સરકારને સોંપી દીધાનું નિવેદન ટોકીઓમાંથી થયેલા એક બ્રોડકાસ્ટને આધારે મેં કર્યું છે. બ્રોડકાસ્ટના ચોક્કસ શબ્દો મને યાદ નથી. સo - હું તમને કહું છું કે જાપાનીઓએ આંદામાન અને નીકોબાર ટાપુઓ કામચલાઉ સરકારને કદી સોંપ્યા જ નહોતા? જo – ન સોંપ્યા હોત તો હું ત્યાં ગયો જ ન હોત. સo - હું તમને કહું છું કે જાપાનીઓએ તો લડાઈ પૂરી થયા પછી એની સોંપણી કરવાનું માત્ર વચન જ આપ્યું હતું. જo - ના. સo - હું તમને કહું છું કે યુદ્ધકાળ દરમિયાન તો એ માત્ર એવાં જ ખાતાંની સોંપણી કરવા માગતા હતા કે જેનાથી એ ટાપુઓના સંરક્ષણ-કાર્યમાં નડતર ન થાય. જo - એ સાચું છે. સo – હું તમને કહું છું કે એકમાત્ર કેળવણી ખાતું જ તમને સોંપી દેવામાં આવ્યું હતું ને? જo – એક માત્ર કેળવણી ખાતું જ મેં સંભાળી લીધું હતું. સ૦– બીજા ખાતાં સંભાળી લેવાનો તમે ઈન્કાર કરેલો? જo – જો પોલીસખાતું મારા હાથમાં ન સોંપાય તો બીજા ખાતાં સંભાળી લેવા હું તૈયાર નહોતો. સo – હકીકતમાં તો પોલીસખાતું સોંપવામાં આવ્યું નહોતું ને? જo – એ મેળવવાના પ્રયત્નો હું કરી રહ્યો હતો. સo – હું તમને કહું છું કે હકીકતમાં તો પોલીસ ખાતાની સેાંપણી થઈ જ નહોતી ને? ​ જo – હું ત્યાંથી રવાના થયો ત્યાં સુધી એની સોંપણી થઈ નહોતી. સo - હું તમને કહું છું કે બીજાં ખાતાંની સોંપણી પણ કરવામાં આવી નહોતી? જo - બીજાં ખાતાંનો કબજો સંભાળવાનો મેં ઈન્કાર કરેલો. એ બેમાં ઘણો તફાવત છે. સo – હમણાં જ ખબર પડશે કે એમાં શો તફાવત પડે છે. કેળવણી ખાતા અંગે પણ નિશાળે જવાની ઉંમરના તમામ બાળકોને નીપોંગો-શાળા નામે ઓળખાતી નિશાળમાં જ મોકલવાનો આગ્રહ જાપાનીએાએ રાખ્યો હતો. જo – મોટી ઉમ્મરના તમામ બાળકોને જાપાનીઓ પોતાની નીપોંગો-શાળામાં લઈ જતા હતા એ સાચું નથી. જાપાનીઓ એક નીપોંગો-શાળા ચલાવતા હતા અને એમાં થોડા વિદ્યાર્થીઓ હતા. અમારા કેળવણી ખાતા સાથે એમને કાંઈ સંબંધ નહોતો. સo – તમે આંદામાનમાં હતા તે દરમિયાન શ્રી સુભાષચંદ્ર બોઝને તમે માત્ર જાપાનીઓ દ્વારા જ સંદેશા મોકલી શકતા હતા.? જo – રાજ્યના વડાને હું માસિક અહેવાલ પેશ કરતો હતો. સo – કર્નલ લેાગનાથન, આ શું મારા સવાલનો જવાબ છે? હું એ ફરીવાર પૂછું? જo – મને તમારો સવાલ સમજાતો નથી. તે પછી સરકારી વકીલે પોતાનો સવાલ ફરીવાર પૂછ્યો. જo – સંદેશાવ્યવહારનો બીજો કોઈ રસ્તો નહોતો તેથી મારે મારા અહેવાલો જાપાનીઓ મારફત મોકલવા પડતા હતા. સo - તમારા અહેવાલોને જાપાનીએ તપાસતા હતા ખરા? જo – હું સીલબંધ અહેવાલો આપતો અને રાજ્યના વડાને એ મોકલી આપવાનું જાપાનીઓને કહેતો. ​ સo - તમારા કેટલાક અહેવાલોની ભાષા સાથે જાપાનીઓ સંમત નહોતા થતા તેથી એમાં ફેરફાર કરવા પડ્યા હતા એ ખોટું છે? જo – એકવાર જાપાનીઓએ મારો અહેવાલ મને પાછો મોકલેલો અને એવી વિનંતિ કરેલી કે એક-બે સ્થળે એમાં ફેરફાર કરવા કારણ કે એમાં એક બે મુદ્દા જો દુશમનના હાથનાં પડે તો જેખમકારક નીવડે તેવા હતા. સo – તમને તમારો રેડીઓ રાખવા દેવામાં આવતો નહોતો? જo - મેં એક રેડીઓની માગણી કરેલી અને જાપાનીઓએ મને કહેલું કે મને એ મેળવી આપશે. રેડીઓની બહુ તંગી હતી અને જાપાનીઓએ કહેલું કે તેઓ એ જલદી મેળવી શક્યા નહોતા. સo - સંરક્ષણનાં કોઈ પણ કાર્યો તમને જોવા દેવામાં આવતાં નહેાતાં? જo – તમારા સવાલમાંથી એવું સૂચન થાય છે કે મેં સંરક્ષણનાં કાર્યો જોવાનો પ્રયાસ કર્યો હોય અને મને તેની મનાઈ કરવામાં આવી હોય. આ સાચું નથી કારણ કે સંરક્ષણનાં કાર્યો જોવાની મને દરકાર નહોતી… શ્રી સુભાષચંદ્ર બોઝે મને આંદામાન અને નીકોબાર મોકલ્યો ત્યારે એક સત્તા-પત્ર મને આપવામાં આવેલો. તે પછી સરકારી વકીલે, જાપાનીસ સત્તાવાળાઓ તરફથી સુભાષ બોઝ ઉપર લખવામાં આવેલા એક કાગળના આ ફકરા તરફ સાક્ષીનું ધ્યાન દોર્યું : 'એવી સમજણ રાખવાની છે કે તમામ ખાતાંની સોંપણી પૂરી થઈ જાય તે દરમિયાન આંદામાન અને નીકોબાર ટાપુઓના ચીફ કમિશનર કે એવા કોઈ બિરદવાળા કામચલાઉ સરકારના કોઈ અમલદારને ત્યાં મોકલી આપવા કે જે, ત્યાંના નૌકાદળના કમાન્ડરની નીચે રહીને લશ્કરી-તંત્ર સાથે પૂરા સહકારથી કામ કરે.' સo – બસ તમને આટલી જ સત્તા આપવામાં આવેલી ને? જo - આ કાગળને લાગેવળગે છે ત્યાં સુધી મને મળેલી સૂચનાઓ એ પ્રમાણેની જ હતી. પણ આ સૂચનાઓનો અમલ મને ​શ્રી સુભાષ બોઝે આપેલા કાગળ પ્રમાણે કરવાનો હતો, કારણ કે એ કાગળમાં મને વધુ વિશાળ સત્તાઓ આપવામાં આવેલી. એ કાગળ ઉપરાંત પણ, અાંદામાન જતાં પહેલાં મને શ્રી સુભાષચંદ્ર બોઝે મૌખિક સૂચનાઓ આપી હતી, એમાં એમણે એમ કહેલું કે સ્થાનિક મુશ્કેલીઓને ખ્યાલમાં રાખ્યા બાદ આખા ટાપુઓનો કબજો બને તેટલો વહેલો સંભાળી લેવો. અાંદામાનના ચીફ કમિશ્નર તરીકે પોતે મોકલેલા માસિક અહેવાલોમાંથી અમુક સાક્ષીએ રજૂ કર્યા. એમાંના એકમાં કહેવાતા જાસૂસોની જાપાનીઓએ ધરપકડ કરીને એમની ઉપર ખટલો ચલાવ્યાનું અને એમાંના ઘણાને ઠાર માર્યાનું તેમજ ફાંસીએ ચડાવ્યાનું જણાવવામાં આવ્યું હતું. બીજા એક અહેવાલમાં અટકાયત દરમિયાન લાગુ પડેલી બીમારીને કારણે કેટલાકનાં મરણ થયાની વાત હતી. સાક્ષીએ કહ્યું કે એ વાકય દ્વારા પોતે એવો અર્થ પાઠવ્યો હતો કે પોલીસના કબજામાં એમની ઉપર થયેલા સિતમોને કારણે એ મરણ પામ્યા હતા. ત્રીજા એક અહેવાલમાં 'જાપાનીસ રસમો' નો ઉલ્લેખ હતો એની મારફત પોતે 'સિતમો' સમજાવવા માગતા હતા એમ સાક્ષીએ જણાવ્યું. સાક્ષીએ કહ્યું કે આ વાત એમણે ચોક્ખા શબ્દોમાં નહોતી લખી કારણ કે જાપાનીઓ એમના અહેવાલોની તપાસણી કરતા હતા અને રાજ્યના વડા ( સુભાષ બોઝ )ને પરિસ્થિતિની જાણ થાય એવી પોતાની ઈચ્છા હતી જ૦– તમે ત્યાં હતા તે દરમિયાન જાપાનીઓએ જાસૂસીના કિસ્સાઓમાં ભયંકર સિતમ ગુજાર્યા હતા? જ૦- ના; સ૦– તમને એની જાણ હતી પણ એનો કાંઈ ઈલાજ તમારાથી થઈ શકે તેમ નહોતો? જ૦– ના… એક પછી એક બધાં ખાતાંનો કબજો સંભાળી લેવાની શક્યતા વિશે વખતોવખત મારે જાપાનીસ નાગરિક વહીવટકર્તા સાથે ચર્ચાઓ થતી. એક પોલીસ ખાતા સિવાય બધાં જ ખાતાં સંભાળી લેવાનું મને કહેવામાં આવેલું. પણ મારી માગણી એવી ​હતી કે પોલીસખાતું ન મળે ત્યાં સુધી બીજા ખાતાં સંભાળવા હું તૈયાર નહોતો. સ૦– એ ટાપુઓનો નાગરિક વહીવટ ત્યાંના નાગરિક વહીવટખાતાના વડા જોચીના હાથમાં હતો, અને તેનો લશ્કરી તથા નૌકાવહીવટ જાપાનીસ 'રેર–એડમિરલ'ના હાથમાં હતો તે પછી નિશાળો અને સ્વાવલંબનનો કાર્યક્રમ ચલાવવા સિવાય તમે ત્યાં બીજું શું કરતા હતા? જવાબમાં સાક્ષીએ કેળવણી અને સ્વવલંબનના કાર્યક્રમ નીચે થયેલા કાર્યની સમજણ આપી. સ૦- એની એ વાત છ વાર કહેવાથી તમારા કામની અગત્ય કાંઈ વધતી નથી. જ૦- એનો એ જ સવાલ તમે મને છ વાર પૂછ્યો છે… કેળવણી અને સ્વાવલંબનના કાર્યક્રમ ઉપરાંત જાસૂસી અંગે હું બને તેટલી વિગતો મેળવતો અને જાપાની સત્તાવાળાઓ મુખ્ય સમક્ષ એ અંગે મારું દૃષ્ટિબિંદુ રજૂ કરતો તેમજ નાગરિક બાબતોના ન્યાયાધીશ મહમ્મદ ઈકબાલ પાસેથી અહેવાલો મેળવતો.

૧૨મી ડિસેંબર : બુધવાર

સ૦- અાંદામાન અને નીકોબાર ટાપુઓમાંથી કામચલાઉ સરકાર પાછી ખેંચી લેવાની સલાહ તમે આપેલી? સ૦– મેં અદાલતને દસ વખત કહ્યું છે કે પોલીસખાતું મારા હાથ નીચે લેવા હું મથી રહ્યો હતો, અદાલતના પ્રમુખ- બરાબર સાંભળો અને જવાબ આપો. જ૦– ગઈ કોલે મેં કહેલું કે ઈકબાલ નાગરિક ખટલાઓ ચલાવતા હતા. એમાં નાણાંની ધીરધાર અંગેના, દેવા વિશેના, ગીરો મૂકવાના, અને મકાનો તથા કુટુંબો વિશેની તકરારો અંગેના ખટલા​ઓનો સમાવેશ થતો… શ્રી સુભાષચંદ્ર બોઝ તરફથી મને એક તાર મળ્યો એટલે આંદામાનના મારા વસવાટ દરમિયાન થયેલી પ્રગતિનો અહેવાલ જાતે આપવા હું અાંદામાનથી રવાના થયો. મારી ગેરહાજરી દરમિયાન આલ્વી આંદામાનના કામચલાઉ કમિશનર નિમાયેલા. સ૦– સિંગાપુર પહોંચ્યા પછી, અાંદામાન અને નીકોબાર ટાપુઓમાંથી સરકાર પાછી ખેંચી લેવાની માગણી કરતો એક તાર તમે સુભાષચંદ્ર બોઝને કરેલો? જ૦– મેં પોતે સુભાષ બોઝને એવો તાર મોકલ્યો નહોતો. પોર્ટ બ્લેરમાં પોતે કરેલા કાર્યનો જે અહેવાલ સાક્ષીએ સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝને પેશ કર્યો હતો તે એમને અદાલતમાં દેખાડવામાં આવ્યો. એમાં એક સ્થળે કહેવાયું હતું કે, 'પ્રજાની યાતનાઓ ઓછી કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ તેથી એમને આપણામાં વિશ્વાસ નથી રહ્યો. પ્રજાને એમ લાગે છે કે કામચલાઉ સરકાર પાછી ખેંચી લેવાથી એમની હાલત સુધરશે.' સાક્ષીએ જણાવ્યું કે એ ટાપુ ઉપરના પોતાના અનુભવને પરિણામે પોતે એ અભિપ્રાય ઉપર આવ્યા હતા. સ૦- કામચલાઉ સરકારને અાંદામાન-નિકોબારમાંથી પાછી ખેંચી લેવી જોઈએ એવો અભિપ્રાય તમે કદી ધરાવતા નહોતા એમ તમે કહો છો? જ૦- વાત એમ છે કે પોલીસખાતું આખું મારા હાથ નીચે લેવા માટે હું મથી રહ્યા હતો. એ ખાતું સોંપી દેવા જો સત્તાવાળાઓ તૈયાર ન હોય તો પછી કામચલાઉ સરકાર પાછી ખેંચી લેવાનો સવાલ વિચારવો જ પડે તેમ હતું… … ૧૯૪૨ના સપ્ટેંબરમાં હું આo હિંo ફો૦માં જોડાયો. આo હિંo ફો૦ની રચનામાં મેં કોઈ ખાસ ભાગ લીધો નહોતો. ૧૯૪૨ માં કૅo મોહનસીંધની ધરપકડ કરાઈ હતી. એમની ધરપકડ પછી એક- બે કલાકે, બિદાદરીમાંની એક સભામાં રાશબિહારી બોઝનો એક સંદેશો વાંચી સંભળાવવામાં આવેલો. મોહનસીંઘની ધરપકડની એમાં જાહેરાત હતી. મોહનસીંઘની ધરપકડ પછી એક વહીવટી સમિતિ ​સ્થપાયેલી. હું એમાં હતો. સમિતિનું કામ છાવણીમાં વ્યવસ્થા અને શિસ્ત જાળવવાનું, બધાં શસ્ત્રો તેમજ દારૂગોળો ભેગાં કરીને તેને સલામત સ્થળે મૂકી દેવાનું, છાવણીમાંના સૈનિકોની ખેારાકીનું ધ્યાન રાખવાનું અને ત્યાં હોય તે સિપાહીઓનો વહીવટ ચલાવવાનું હતું. સ૦– મોહનસીંઘની ધરપકડ પછી અને આo હિંo ફોo ને વિખેરી નાખવામાં આવી તે પછી આo હિંo ફો૦ના સિપાહીઓને ફરી પાછા યુદ્ધકેદીએા બનાવવામા આવેલા? જ૦– સિપાહીઓની એવી માગણી હતી કે એમને પાછા યુદ્ધકેદીએાને દરજજે મૂકવામાં આવે પણ એમને યુદ્ધકેદીઓ તરીકે લેવાની જાપાનીઓએ ના પાડી કારણ કે આo હિંo ફો૦માં જોડાવા માટે એ બધાને સ્વતંત્ર હિંદીઓ બનાવવામાં આવેલા, અને હવે એ યુદ્ધકેદીઓ તરીકેના પોતાના દરજજા પર પાછા ફરી શકે નહિ… જાપાનીઓએ મોહનસિંઘને કેદમાં રાખ્યા કે નહિ તે તથા મોહનસીંઘની ધરપકડ પછી એ કેટલા વખત સુધી સિંગાપુરમાં હતા તે હું જાણતો નથી… … સ૦- આઝાદ હિંદ ફોજમાં ભરતી કરવા માટેના રસ્તાઓમાં લાંચરૂશવતનો સમાવેશ થતો હતો? જ૦- મને એની જાણ નથી. સ૦– તોફાની માણસોને અટકાયત-છાવણીમાં લઈ જવાતા? જ૦– મને એની જાણ નથી. ‘શ૦– માર મારવો, માણસોને ગટરની અંદર ઉતારવા અને માને નહિ ત્યાં સુધી ત્યાં ઊભા રાખવા, અને બીજા સિતમો જેવી ખાસ તરકીબો અજમાવવામાં આવતી હતી? જ૦– મને એની જાણ નથી… ભયંકર જુલમનો એક કિસ્સો મારા જાણવામાં આવેલો. ઘૂંટણમાંના જખમમાં સડો થવાથી એક માણસ મરણ પામલો. ઈસ્પિતાલમાંથી મને એવો અહેવાલ મળેલો. ​મેં આ કિસ્સામાં તપાસ કરવા બાબત લખાણ કરેલું એનો કાંઈ જવાબ મળ્યો નહોતો. એની તપાસ માટે એક ખાસ કેાર્ટ બેસાડ્યાનું મે સાંભળેલું. માર ખાવાને પરિણામે સખત જખમો પામેલા દરદીઓને ઈસ્પિતાલમાં દાખલ કરાતા હોવાની મને જાણ નથી. મારી જાણમાં તો આ એક જ કિસ્સો આવેલો અને એને વિશે મેં પગલાં લીધેલાં. મારું કામ તો ઈસ્પિતાલની દેખરેખ રાખવાનું હતું. સરકારની સ્થાપના થઈ ત્યારથી તે અાંદામાન જવા રવાના થયો ત્યાં સુધી હું તબીબી ખાતાનો વડો હતો. સ૦– કામચલાઉ સરકારની કામગરી શી હતી? જ૦– આ સવાલ અચોક્કસ છે. ભુલાભાઈ : હું વાંધો ઉઠાવું છું, એ તો હિંદી સરકાર શું કરે છે? એના જેવો સવાલ છે. અદાલતના પ્રમુખ : તમે જેમાં હાજર હતા એવી પ્રધાન મંડળેાની બેઠકમાં કયા વિષયોની ચર્ચા થતી? જ૦– જુદી જુદી વિગતોની ચર્ચા થતી, જેવી કે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતો, કૂચ-ગીતો, લડાઈની જાહેરાત, આo હિંo ફો૦માં વાપરવાની ભાષા, હિંદી સ્વાતંત્ર્ય સંઘની શાખાઓ અને તેમનાં કાર્યોને લગતી જુદી જુદી વિગતો, ફોજમાં કરવાનો વધારો અને ભરતી-કાર્ય તાલીમ અને એવા બીજા વિષયો. એ વિષયો એક બીજા સાથે સંકળાયેલા હતા.…………. ૧૯૪૫ ૨૪મી એપ્રિલથી પખવાડિયાએક સુધી આખા રંગુન શહેરમાં અમે ચોકીપહેરો ભરેલો. સુભાષચંદ્ર બોઝ ૨૪મી એપ્રિલે રંગુનથી જતા રહ્યા તે અગાઉ હું એમને મળેલો. શ્રી બોઝની વિદાય પછી બરમા વિભાગના જીo ઓ. સી. તરીકે કામ કરવા માટે મારી નિમણુંક કરવામાં આવેલી જાપાનીસ પેઢીઓએ ૨૧ મી એપ્રિલે અને જાપાનીસ સરકારે ૨૩મી એપ્રિલે રંગુન ખાલી ​કરવા માંડ્યું હતું… બરમાં રેવોલ્યુશનરી આર્મી (ક્રાંતિકારી બરમી સેના)એ રંગુનનો કબજો લીધાની મને જાણ નથી. શ્રી બોઝની વિદાય અને બ્રિટિશ સૈન્યના આગમન વચ્ચેના કાળ દરમિયાન એક પખવાડિયા સુધી રંગુન આo હિંo ફો૦ના કબજામાં હતું.