લીલુડી ધરતી - ૧/બેડું નંદવાણું


બેડું નંદવાણું

‘હુઠ્ઠ સાલા હીજડા !’

‘બૂડી મર્ય બૂડી, માળા નપાણિયા !’

‘હવે તો કીડીનું દર ગોત્ય દર, બાયલા !’

રઘા મહારાજની ‘અંબા–ભવાનીને બાંકડે માંડણિયો સોજી ગયેલા ગાલ ઉપર લીલી હળદરનો લેપ લગાવીને બેઠો હતો અને છેલછોગાળો શાદુળ એની રેવડી દાણાદાણ કરી રહ્યો હતો.

‘માંડણિયા ! તું ચૈતર મહિને જન્મ્યો લાગ છ.’ શાદુળે વળી મજાક કરી. ‘ઈ વન્યા તારામાં આટલી મીઠાની તાણ્ય નો રૈ જાય !’

શાદૂળને શ્રીમુખેથી ઉચ્ચારાતી એકેએક મજાકમાં પોતાનું સમર્થન ઉમેરવા માટે રઘો હરેક વેળા હૉટેલના ખૂણામાં ખળેળ ખળેળ પાનના થૂંકના કોગળા રેડતો જતો હતો અને પછી અદોદરી ને ઉઘાડી ફાંદના ચાર ચાર વાટાને ખળભળાવી મુકે એવું જોરદાર ખડખડાટ હાસ્ય વેરતો જતો હતો.

‘હાય રે હાય ! ગોબરિયા જેવા ડામચિયાના હાથનો ઠોંહો ખાઈ લીધો !’ પોતાના પમ્પ શૂઝ પર હોકી સ્ટીકને છેડો દબાવતાં શાદૂળે વળી એ જ વાત ઉખેળી. અને પછી રઘા તરફ ફરીને સૂચવ્યું : ‘ગોર ! માંડણિયાને એક કોપમાં પાણી ભરીને આપો, એટલે એમાં બૂડી મરે બિચારો !’

‘કોપ શું કામ ?’ પાનને કોગળો ખાલી કર્યા પછી રઘાએ મેલાઘાણ પંચિયા વડે હોઠ લૂછતાં લૂછતાં કહ્યું, ‘આ નાંદ ​છલોછલ ભરી છે. પૂરાં આઠ બેડાંની. જણ આખેઆખો સમાઈ જશે માલીપા.’

શાદૂળી માંડણને સૂચવ્યું :

‘એલા હલામણ ! હમણાં મોઢેથી આ સોજો ન ઊતરે ત્યાં લગણ આ નાંદમાં સંતાઈ જા, એટલે ગામ આખું તને પૂછતું આળહે કે આ મૂઢમાર ક્યાંથી ખાઈ આવ્યા ? નીકર તો તું તારા ભેગી મારી આબરૂના ય કાંકરા કરીશ.’

‘બાપુ ! બિચારા જવાનને આવી આકરી સજા શું કામેને કરો છો ઠાલા ” રઘાએ ફરી પ્રયત્નપૂર્વક જીભ છૂટી કરીને કહ્યું. એના કરતાં તો તમારા ગરાસિયાના રિવાજ પરમાણે માંડણિયાને મોઢે બોકાની બંધાવોની, એટલે સોજી ગયેલા ગાલ જ સંચોડા ઢંકાઈ જય? ને વળી માથેથી ‘કાદુ મકરાણી’ જેવો મારકણો લાગે !’

આટલું કહીને ગોર ખડખડાટ હસ્યા. અત્યારે જીભ છૂટી જ હોવાથી એમણે ભેગાભેગું ઉમેરી દીધું :

‘ને પછી ગોબરિયા હાર્યે ફરી દાણ બથંબથાં થાય ને એક હાથે ઠૂંઠો થઈ આવે તો ‘વાલા નામોરી’ જેવો ભડભાદર લાગે !’

ફરી હૉટેલ આખીમાં હાસ્યના પડછંદા પડી રહ્યા. પણ આ વખતે ગોરને આટલી હસાહસથી સંતોષ નહોતો, તેથી ઉમેર્યું :

‘ને એમાં ન કરે નારાયણ. ને એક પગે લંગડો, એક આંખે કાણો, ને ડિલ ઉપર સો બસો જખમ ઝીલીને આવે તો તે ‘રાણા સંગ’ જેવો શૂરવીર લાગે !’

અને પછી તો રઘાએ આ સામટી મજાકોના એકસામટા હાસ્યની જે હણહણાટી કરી એથી તો એની ફાંદના ચારેચાર વાટા ઉપરાંત આ વેળા તે એની મજૂસની બેઠક આખી હચમચી ઉઠી તે કિચૂડ કિચુડ બોલી રહી...

હોટેલમાં કેટલાક ઘરાકો તે રઘાની મજાકોને બદલે બેઠકના કિચૂડ કિચૂડ અવાજ ઉપર જ હસી રહ્યા. ​આ વખતે તો ખુદ માંડણિયાને પણ હસવું આવી ગયું, પણ એનું સોજી ગયેલું નીચલું જડબું જરાક ત્રાંસું થઈને એ જ સ્થિતિમાં થંભી ગયું, તેથી શાદૂળે સંભળાવ્યું :

‘એલા, આના કરતાં તો ઘીરે જઈને ગોદડું ઓઢીને સુઈ જા તો શરમાવું ન પડે. આવું તોબરું ચડાવીને રસ્તા વચાળે બેઠો છ, તો વહરો લાગ છ વહરો !'

‘અરે દરબાર ! તમે હજી માંડણિયાને ઓળખતા નથી. લાલો લાભ વિના લોટે એવો નથી.’ રઘો ગોર આજે ઠેકડી કરવાની જ રગમાં હતા તેથી બોલ્યો, ‘જુવાન અટાણે સંતુનાં દર્શન કરવાને લોભે આંયાંકણે બેઠો છે.’

‘એમ વાત છે !’ શાદૂળે આનંદમાં આવી જઈને પમ્પ શૂઝ ઉપર હોકી-સ્ટીક પછાડી.

'માંડણિયાને તમે શું સમજો છો ?' રઘાએ ચલાવ્યું. ‘ગોબરિયાના હાથનો ઠોહો ખાઈ આવ્યો છે ઈ તો વાએ કમાડ ભિડાઈ ગયા જેવું થઈ ગયું. બાકી તો જુવાન જેટલો બાર્ય દેખાય છે એટલો જ હજી માલીપા ભોંયમાં છે.’

‘એલા, તારી સગલી સંતુની વાટ જોછ ?’ શાદૂળે પૂછ્યું.

જવાબમાં માંડણે માંડમાંડ જડબુ ત્રાંસુ કર્યું પણ કશું બોલી ન શક્યો. એટલે વળી ૨ઘો એની કુમકે આવ્યો :

‘એને બિચારાને પૂછી પૂછીને, સોજી ગયેલાં જડબાંને શું કામ કહટ આપો છો, દરબાર ? મને પૂછો ને ? સંતુનું પાણી ભરવાનું ટાણું ત્રીસે ય દનનું, હું જાણું ને આ અબઘડીએ કણબીપાના નાકામાંથી માથે હેલ્ય મેલીને નીકળી કે નીકળશે !’

‘ગોર ! તો તો એની રિકાટ મેલો, રિકાટ !’ શાદૂળે હુકમ કર્યો.

ગુંદાસરના મૂળગરાસિયા તખુભા બાપુનો આ કુંવર આમ તો ઠેઠ રાજકોટ સુધી જઈને રાજકુમાર કૉલેજનાં બારણાં ખખડાવી આવેલ. પણ ત્યાં ભણતર સિવાયની બધી જ વિદ્યાઓમાં એ પાવરધો ​થઈ આવેલો તેથી ‘રેકોર્ડ’ જેવો અઘરો અંગ્રેજી શબ્દોચ્ચાર એને બરાબર ફાવતો નહોતો. કૉલેજમાં એની એકમાત્ર પ્રવૃત્તિ તેવતેવડા રાજકુમારો જોડે હોકી રમવાની હતી. શાદૂળ જ્યારે અભ્યાસ પૂરો કર્યા વિના જ ગુંદાસરમાં પાછો આવ્યો ત્યારે પોતાની પ્રિય રમતના સંભારણારૂપે આ હૉકી સ્ટીક સાથે લેતો આવેલો. આરંભમાં તો અહીં ગામલોકો માટે આ દાંતા વિનાની ખંપાળી કે ખરપડીના ઘાટનું લાકડું એક કુતૂહલનો વિષય બની રહેલ. કુંવરને કૉલેજમાંથી શા કારણે પાછા આવવું પડેલું એ અંગે પણ ઘણી ઘણી રસપ્રદ વાયકાઓ ગામમાં પ્રચલિત બનેલી. એક વાયકા એવી હતી કે કૉલેજના છાત્રાલયના નિયમોનો ભંગ કરીને શાદૂળ પોતાની રૂમમાં સરેજાહેર એક ખવાસ યુવતી જોડે રહેતા. બીજો એક અહેવાલ એ હતો કે ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય સાક્ષર જેઓ કૉલેજમાં પ્રોફેસર હતા અને છાત્રાલયના ગૃહપતિ તરીકે પણ કામ કરતા, એમણે એક વાર ઓચિંતી જ શાદૂળના રૂમની ઝડતી લીધી ત્યારે ખાટલા તળેથી વ્હિસ્કીના ખાલી શીશા મળી આવેલા અને એ ગુના સબબ શાદૂળને ૨સ્ટીકેટ કરવામાં આવેલો. આ આરોપની સામે શાદૂળનો સ્વયોજિત બચાવ એમ હતો કે એ તો દારૂના શીશા ખાલી નીકળ્યા તેથી જ મને સજા થયેલી. એ બાટલા ભરેલા હોત તો હું બચી ગયો હોત. હકીકત ગમે તે હોય પણ શાદૂળ માટે તો એ સજા ઇષ્ટાપત્તિ સમી જ નીવડેલી. કેમ કે, એના એશઆરામી જીવને ગુંદાસરની સીમ સિવાય બીજે ક્યાંય સોરવે એમ નહોતું.

રઘા ગોરે ભૂંગળવાજા ઉપર મૂકેલી થાળી ઘોઘરે અવાજે વાગી રડી :

હાયરે પીટ્યા કહે છે મને
સંતુ રંગીલી
આ ગામમાં તે
કેમ રહેવાય રે,

મારું નામ પાડ્યું છે,
સંતુ રંગીલી...

સાંભળીને શાદૂળ ગેલમાં આવી ગયો. કાંજી પાયેલ કડકડતા સાફાનું છોગું ઠીકઠીક કરી રહ્યો, કપાળ પર સાફામાંથી ડોકાતી વાળની લટને નવા નવા વળાંક આપી રહ્યો. આંબલીના કાતરા જેવી લાંબી લાંબી અણિયાળી મૂછોને વળ ચડાવીને વધારે અણિયાળી બનાવી ૨હ્યો.

‘હી..ઈ...ઈ ! હી...ઈ...ઈ !’ કરતો માંડણિયો ઊભો થઈ ગયો અને કણબીપા તરફ હાથ કરીને શાદૂળને સનકારે સમજાવી રહ્યો.

સામેથી ઊગતા સૂરજના તાપમાં માથે ચમકતી તાંબાની હેલ્ય મૂકીને પાતળી સોટા જેવી એક યુવતી આવતી હતી. માથે જાણે કે હળવું ફૂલ કોઈ રમકડું મૂક્યું હોય એટલી સરળતાથી એ મોતી ભરેલ ઈંઢોણી બબ્બે બેડાંનો ભાર સમતોલ રાખતી હતી અને અજબ સાહજિકતાથી સિંહણસમી પાતળી લાંકને છટાપૂર્વક લચકાવતી આવતી હતી.

‘આવી ! આવી !’ કહીને શાદૂળ આનંદી ઊઠ્યો.

હોટેલમાં બેઠેલા સહુ ઘરાક સમજી ગયા કે કોણ આવી રહ્યું છે. ‘કોણ આવી ?’ એવી પૃચ્છા કરવાની અહી' આવશ્યકતા જ નહોતી, જાણે કે કેવલજ્ઞાન વડે જ તેઓ સમજી ગયા કે સંતુ આવી રહી છે.

દૂરથી સંતુને જોતાં જ અતિ ઉત્સાહિત થઈને માંડણિયો ‘હી...ઈ હી...ઈ’ કરી ઊઠેલો તેથી એની મોંફાટ એવી તો ત્રાંસી થઈ ગયેલી કે એ પાછી સરખી થતાં હજી વાર લાગે એમ હતી. હળદરના થથેરાવાળા એ મુખારવિંદનો કઢંગો દેખાવ જોઈને શાદૂળે કહ્યું :

‘એલા માંડણિયા ! તારું આ દાયરો ચડેલું ડાચું કમાડ વાંહે સંતાડ્ય નીકર તને ભાળીને સંતુડી મારાથી દહ ગઉ આઘી ભાગશે.’

અને પછી રઘા તરફ ફરીને પૂછ્યું :

‘બોલો, ગોરદેવતા ! સંતુને ખાલી બેડે પટકી પાડું કે ભર્યે બેડે ?’ ​‘સાસ્તરમાં તો ખાલી બેડા કરતાં ભર્યા બેડામાં વધારે શકન ગણ્યા છે.’

‘ભલે, તો બેડું ભરીને પાછી વળવા દ્યો.’ શાદૂળે કહ્યું. ત્યાં લગણમાં માંડણિયાના મોઢાની ત્રાંસ પણ સીધી થઈ જશે.’

પાણીશેરડે જઈ રહેલી, વીજળીના ઝબકારા જેવી સંતુ ‘અંબાભવાની’ના આંગણામાંથી પસાર થઈ ત્યારે નફટ શાદૂળિયો એકેક ખોંખારા સાથે એકેક શબ્દાવલિ ઉચ્ચારી રહ્યો :

‘હાય રે હાય !’ ‘અરે ધીમે, જરાક ધીમે !’ ‘ઠેસ વાગશે, ઠેસ ?’

જાણે કે કશું સાંભળતી જ ન હોય એવી સ્વસ્થતાથી સંતુ સીધું જોઈને આગળ વધતી રહી તેથી શાદૂળને અપમાન જેવું લાગ્યું. એણે મોટેથી ખોંખારા ખાવા માંડ્યા અને વધારે અવાજે બોલવા લાગ્યો :

‘ઓય રે તારો લટકો !
‘વોય રે તારો મટકો !’

હૉટેલના આંગણથી ચારેક ડગલાં દૂર નીકળી ગયેલી સંતુએ પાછું જોયા વિના, એ જ સ્વસ્થતાથી શાદૂળને પરખાવ્યું :

‘મુઆ ! ઘરમાં જઈને તારી માઈયુ બેનું ને કહે ની !’

વીજળીના શિરોટા જેવી સંતુ શાદૂળને સાચે જ વીજળીનો આંચકો આપતી ગઈ તેથી જ પોતાની માબહેનને અપમાનિત કરી ગયેલી સંતુને ગાળગલોચ કરવાનું પણ, એ લગભગ ગામઝાંપે પહોંચવા આવી ત્યાર પછી જ શાદૂળને સૂઝ્યું.

‘રાંડજણીની મને તુંકારો કરી ગઈ !’

હૉટેલના સ્તબ્ધ વાતાવરણમાં શાદૂળે ફરિયાદ કરી એ સાંભળીને સહુ વધારે સ્તબ્ધ બની ગયા.

શાદૂળને પોતાની માબહેન વિષે બે ઘસાતા શબ્દો સાંભળવા ​પડ્યા એના કરતાં એ વિશેષ રંજ તો પોતાને કોઈ તુંકારે સંબોધે, એ બાબતનો હતો. ગરાસિયાનું ફરજંદ ઘોડિયામાં હોય ત્યારથી જ એને માટે માનાર્થે બહુવચન વપરાય. સાઠ વરસનો ડોસો પણ એને ‘બાપુ ! બાપુ !’ કહીને ખમકારા કરે. ‘શાદૂળભા, શાદૂળભા’ જેવાં, મોં ભરી દેતાં સંબોધનો વડે જિંદગીભર ઝલાંઝલાં થયેલો આ ફટાયો જુવાન રૈયતની એક અલ્લડ છોકરીને મોઢેથી ફેંકાયેલો તુંકારો જીરવી ન શક્યો

‘ઈ ગોલકીની સંતડી મને ગાળ્ય દઈ જા ?’ શાદૂળ સમસમી રહ્યો.

‘હોઈ ઈ તો; એમ જ હાલે. ગઈ ગુજરી ભૂલી જાવ, દરબાર !’ રઘાએ દાઢમાંથી શિખામણ આપવા માંડી. ‘એમ ગાળ્યું ખાધે ક્યાં ગૂમડાં થવાનાં હતાં ?'

‘ઈ ગધાડીની સમજે છે શું એના મનમાં ? ટાંટિયા વાઢી નાખીશ !' કહીને શાદૂળ એની પાછળ જવા તૈયાર થયો.

રઘા ગોરે ઝટપટ પાન ઓકી કાઢીને શાદૂળને વાર્યો :

‘હં...હં...દરબાર, એમ અથરા થાવ માં. અબઘડીએ હેલ્ય ભરીને પાછી વળશે, ને ઠામમાં ઘી પડી રહેશે.’

પણ હવે માંડણિયો ઉશ્કેરાયો. એની જીભ તો ચાલી શકતી નહોતી, પણ અભિનય વડે એણે દરબારને સમજાવ્યું કે સીધી પાણી–શેરડે જ પહોંચીએ ને સંતુને ખોખરી કરી નાખીએ.’

‘એ બે દોકડાની કણબણ્ય ઊઠીને મારી સામે આવાં વેણ કાઢી જાય ?’ કહીને શાદૂળ ફરી પાદરે જવા તૈયાર થયો.

રઘો જાણતો હતો કે શાદૂળ બોલવે જ શૂરો–પૂરો હતો; એનું રાજપૂતી લોહી એના પૂર્વજોનું ખમીર ખોઈ બેઠું હતું. સંતુનાં વેણ એને ખરેખર વસમાં લાગ્યાં હોત તો તો એ જ ઘડીએ એક ઘા ને બે કટકા જેવો એનો અંજામ આવી ગયો હોત. શાદૂળની ત્રીજી પેઢીએ કોઈને આવા અપમાનનો અનુભવ થયો હોત ​તો ક્યારના તલવારના ઝાટકા ઊડી ચૂક્યા હતા. પણ આ તો તલવારનો યુગ આથમી ગયા પછીની રાજવટ, ને એમાંય, રાજકુમાર કૉલેજનાં રોગાન ચડેલી રાજવટ—વિલાસના રંગરાગમાં રગદોળાઈ ગયેલી રાજવટ ! એનો વૈરાગ્નિ ઠારવા માટે રઘાએ બેચાર વાક્યો જ ઉચ્ચારવાં પડ્યાં.

‘પાણીશેરડે જાવામાં આપણી શોભા નહિ, દરબાર ! ઠાલો ગામગોકીરો થાય તો એમાં ઘોડીનાં ય ઘટે, ને અસવારનાં ય ઘટે. તમારા વાંકમાં આવી છે તો હવે ઈ ગામ છોડીને ક્યાં જાવાની છે ? બેડું સિંચાઈ રહેશે એટલે અબઘડીએ માથે મેલીને આંઈથી નીકળશે.’

ગોરની આ સલાહ શાદૂળને જચી. એનો અહમ્‌ ઘવાયો હતો. બીજું કાંઈ નહિ તો પોતાને મોભો જાળવવા પણ સંતુનો જરા અટકચાળો કરવાના ઈરાદાથી એણે હૉટલમાંથી એક બાંકડો બહાર કાઢ્યો ને ઊંબરા પાસે મૂકીને એના ઉપર પોતે હાથમાં હૉકીસ્ટીક ૨માડતો બેઠો.

થોડી વાર શાદૂળની જીભ બંધ રહી એ રઘાને ન ગમ્યું. હૉટલનું પડ ગાજતું રાખવા એણે સિફતપૂર્વક શાદૂળને ઉશ્કેરવા માંડ્યો :

‘દરબાર ! હવે માલીપા આવતા રિયો’

‘ઈ સંતડીનો બરડો ભાંગ્યા વિના માલીપા આવે છે બીજા !’

‘હવે દિયા કરો બચાડી ઉપર. ગમે ઈવાં તોય ઈ ભુડથાં કેવાય. એને કાંઈ કળવકળનું ભાન હોય ? ઈને તો જી હોઠે આવ્યું ઈ ભરડી કાઢે.’

‘ઈ ભરડી કાઢવામાં ઈને હવે ભેાંય ભારે પડશે.’ શાદૂળ બાંકડે બેઠો બેઠો ભરડતો હતો. ‘અડધી રાત્યે ઉચાળા ભરાવીશ.’

‘સાચી વાત છે.’ સાપનાં ને વીંછીનાં બેય ભેગાં ભણનાર રઘા ગોરે હવે શાદૂળનો પક્ષ લીધો. ‘દરિયામાં રે’વું ને મઘર હારે વેર બાંધવાં તી પોસાય ?’ ​‘અરે, એની સાત પેઢી સુધીની ઓખાત ખાટી કરી નાખીશ !’ શાદૂળ ગર્જતો હતો !

‘બાપુ ! જરાક હળવે હાથે ઘા કરજો હોં !’ રઘો ધીમે ધીમે શાદૂળને પાનો ચડાવતો હતો. “અંબા-ભવાની”ના આંગણામાં અસ્ત્રીહત્યાનું પાતક નો ચડે એટલું ધ્યાન રાખજો, માબાપ !’

રઘાએ ડબલ પાનપટી ચોપડીને પોતાના પદકાળા જેવા ગલોફામાં ધરબી દીધી અને હવે શી રંગત જામે છે એની રાહ જોતાં, થોડી થોડી વારે તે ટમકો મૂક્યા કરતો હતો.

‘આ કણબીભાઈ કીધાં એટલે હાંઉં, રજવાડાની સામે કેમ બોલાય ને કેમ ન બોલાય એનું કાંઈ ભાન જ નહિ ! અડદ ને મગ ભેગાં ભરડી કાઢે.’

શાદૂળ સામેથી પડકારા કરતો હતો :

‘ગામમાંથી ખોરડાં ને સીમમાંથી એનાં ખેતરવાડી ન વેચાવું તો હું ગરાસિયાનો દીકરો નહિ.’

‘હં...હં...હાંઉ કરો, બાપુ ! આવી આકરી હઠ નો લેવાય. ગમે તેમ તો ય તમે તો ગામના માથાઢાંકણ ગણાવ. તમારે તો મનની મોટપ રાખવી જોયેં. રાંકડી રૈયત વાંકગનામાં આવી જાય તો તમારે ખમી ખાવું જોયેં... રઘો દરબારને વધારે ને વધારે વળ ચડાવતો હતો, ‘આ રોંચાં માણહ કેવાય. એકાદ ધોલધપાટથી સીધાં થઈ જાય. કીડી ઉપર કાંઈ કટક ઉતારાય ? એકાદી કડીઆળી પડે એટલે હાંઉ. જિંદગી આખી ઉંકારો નો કરે.'

શાદૂળ હજી પોતાના જ તોરમાં બોલતો જતો હતો :

‘મારા હાળાંવ ભુડથાં એટલે સાવ ભુડથાં જ, ભાઠાંવાળી કર્યા વિના સીધાં હાલે જ નહિ ને !’

‘હી...ઈ ! હી...ઈ.’ માંડણિયો ફરી ઊભો થઈને નાચી ઊઠ્યો.

‘આવી ! આવી !’ શાદૂળ પોકારી ઊઠ્યો.

હવે રઘાને મોઢામાં જમા થયેલું પાનનું પ્રવાહી ખાલી કર્યા ​વિના છૂટકો જ નહોતો. માંડણની પછવાડે મોટો બધો કોગળો રેડી નાખીને બોલ્યો :

‘આવી તો હવે વધાવો. કળશો કરો. ને થવા દિયો પનોતીનાં પોંખણાં. છૂટકો છે કાંઈ ?’

પાણી શેરડે જતી વેળા સંતુના તાંબાવરણા ચહેરા ઉપર જે એક સ્વાભાવિક પ્રસન્નતા હતી એ પાછાં વળતાં છેક ઓસરી ગઈ હતી. ઉલ્લાસને સ્થાને ભય આવી ભરાયો હતો. પોતે ગામધણીને છંછેડ્યો હતો અને હવે એ વેર લેવાનો જ, એવી ખાતરી હોવાથી આ યુવતીની સુકોમળ મુખમુદ્રા ઉપર વ્યગ્રતા છવાઈ ગઈ હતી.

ગુંદાસરની બજાર ગણાતો આ રાજમાર્ગ એટલો તો સાંકડો હતો કે ગાડીવાન સાવચેત ન હોય તો આજુબાજુની પછીતોએ ગાડાંના ધરા ધફડાય. સામેથી બીજું ગાડું આવે તો એક ગાડાએ પાછું વળવું પડે એવા સાંકડા રસ્તા ઉપર શાદૂળે બાંકડા નાખીને વધારે સંકડાશ કરી હતી.

બાંકડે બેઠેલા દરબારને દૂરથી જોતાં જ સંતુ ધ્રૂજી ઊઠી હતી. આજે જરૂર કશીક નવાજૂની થશે એમ લાગતાં એનાં પગલાં ધીમાં પડી ગયાં.

સંતુના પહેરણનો ફડફડ થતો અવાજ ‘અંબા ભવાની’ની નજીક આવ્યો એટલે સહુની નજર એ તરફ મંડાઈ રહી.

શરમાતી, સંકોચાતી સંકોચાતી, પાણીઆરી શાદૂળની સામેથી પસાર થઈ કે તુરત ખડિંગ કરતોકને કાંબીનો રણકો સંભળાયો.

એકાદબે ક્ષણમાં જ બધુ બની ગયું. શાદૂળે સિફતપૂર્વક હૉકીસ્ટીક વડે સંતુના પગમાં આંટી લીધી. એકધારી ચાલમાં આ અંતરાય આવતાં સંતુએ સહેજ સમતોલપણું ગુમાવ્યું; માથા પરનું ભર્યું બેડું સહેજ નમ્યું પણ એની એણે પરવા ન કરી. ભયગ્રસ્ત બનીને શાદૂળના સકંજામાંથી છૂટવા માટે પેલો રણકેલી કાંબીવાળો પગ એણે જોશભેર ઉપાડ્યો. ​ પગની આંટી લેવા ગયેલ હૉકીસ્ટીકનો વળાંક સંતુની કાંબીમાં એવો તો ભરાઈ ગયો કે એણે જોરથી પગ ઉપાડ્યો હોત તો ગડથોલિયું ખાઈ ગઈ હોત, પણ માથેથી નમી ગયેલું બેડું બચાવવાની ખેવના કર્યા વિના એણે તે પગના જોરૂકા નળા વડે જ હૉકીસ્ટીકને ઝાટકે લીધી અને એ એક જ આંચકામાં શાદૂળના હાથમાંથી સ્ટીક સરી ગઈ.

'ફાટી મૂવા !' બોલતાં સંતુએ સહેજ લથડિયું ખાધું, પણ સામી પછીતની ઓથે એક હથેળી ટેકવાઈ જતાં એ પડતાં પડતાં બચી ગઈ. કાંબીવાળા પગે ઝાટકો લેતા કેડ્યો-દોઢ્યો વીંટેલું પહેરણું ઊંચું ચડી ગયું ત્યારે એનો સુડોળ સાથળ જોઈને માંડણિયો હી ...ઈ હી...ઈ કરી રહ્યો ત્યાં તો શાદૂળના પગની ઉપર ધડ કરતોક ને એની જ હૉકીસ્ટીકનો પ્રહાર પડી ચૂક્યો હતો.

‘રોયા શરમ વગરનાંવ ! કૂતરાંવ !’ કરતીકને સંતુએ બીજો ઘા માંડણિયા ઉપર કરવા ફરી સ્ટીક ઉગામી, પણ ત્યાં તો એ ડરપોક હૉટેલની અંદર ઘૂસી જઈને પાણીની નાંદ પછવાડે સંતાઈ ગયો હતો.

ઉગામેલો ઘા ઉગામેલો જ રહ્યો. સંતુને સમજાતાં વાર ન લાગી કે શાદૂળ પર પ્રહાર કરીને પોતે ભયંકર દુઃસાહસ કરી બેઠી હતી. એ દુ:સાહસનો અંજામ શું હોઈ શકે એનું ભાન થતાં એ બમણી ભયભીત બનીને હાથમાં હૉકીસ્ટીક લઈને જ નાઠી.

શાદૂળ વળતો ઘા કરવા અને સંતુને પીંખી નાખવા માટે ક્યારનો સમસમી રહ્યો હતો, પણ પગના નળા ઉપર પડેલા જોરૂકા હાથના પ્રહારને લીધે એવી તો કળ ચડી ગઈ હતી કે એ આગળ વધી શકે એમ જ નહોતો. તે સ્વસ્થ થાય એ પહેલાં તો સંતુને નાસતી જોઈને એણે બૂમ પાડી :

'ધોડજે, એલા માંડણિયા !'

મારનારની મોખરે ને નાસનારની પૂંઠે ચાલવામાં હોશિયાર ​માંડણિયો નાંદ પાછળથી બહાર નીકળ્યો.

‘ઝાલ્ય એલા, સંતુડીને ઝાલ્ય ઝટ !’ શાદૂળે કહ્યું, ‘મારી હૉકી ઝૂંટવી લે, પછી.’

માંડણિયો સંતુની પાછળ પડ્યો. ભયત્રસ્ત સંતુએ ઝડપ વધારી. પાછળ શાદૂળે પડકાર કર્યો :

‘એલાવ પકડજો ઈ સંતુડીને !’

અવાજ સાંભળીને ખોબા જેવડી આખી બજાર ગાજી ઊઠી. હિંગમરચાં જોખતો ગિધો બહાર નીકળ્યો, નથુ સોનીએ ફુંકણી બાજુ પર મૂકીને ડોકિયું કર્યું, ભાણો ખોજો દાળિયા શેકતો શેકતો ઉંબરે આવ્યો.

‘એલાવ ઝાલજો, કોઈ ઝાલજો’ હોટેલના આંગણામાંથી શાદૂળ બરાડી રહ્યો.

એની બૂમ સાંભળીને હાટડીએ હાટડીએ વેપારીઓ આ તાલ જોઈ રહ્યા.

સહુ માંડણિયાને પૂછી રહ્યા :

‘એલા શું છે ? આ શેની ભવાઈ માંડી છે, ભૂંગળ વિનાની ?’

‘આ ધોળે દિ’એ કેની કોર્ય ઉઘલ્યાં છો ?’

પણ માંડણિયો તો શાદુળભાના મૂક સેવક તરીકે હી...ઈ ! હી...ઈ ! સિવાય બીજો કશો શબ્દોચ્ચાર કરી શકે એમ જ ક્યાં હતો ? વાજોવાજ ભાગતી સંતુના હાથમાંની ગામ આખામાં પરિચિત શાદુળભાની હૉકીસ્ટીક જોઈને વેપારીઓ અનુમાન કરી શક્યા કે હોટેલમાં કાંઈક મારામારીનો મામલો થઈ ગયો છે.

શાદુળ તો હજી થોડી વાર સુધી પગ છૂટો કરી શકે એમ નહોતો; પણ આ વગર પૈસાના ખેલની રંગત જોવા રઘો ગોર પોતાના ઉચ્ચ આસન પરથી ઊતરીને કેડ્ય ઉપરનું પંચિયું તંગ તાણતો તાણતો બજારમાં નીકળ્યો.

‘ભાર્યે કરી સંતુડીએ તો !’ પૃચ્છકોને રઘો જવાબ આપતો ​હતો. ‘શાદુળભા ઉપર એની જ લાકડીનો ઘા કરી ગઈ ! માથેથી, લાકડી ઘરભેગી ઘમકાવતી ગઈ ઈ નફામાં, ચોરાસી ઉપર દખણા જેવું !’

રઘાને તો, બગલાની જેમ ડહોળ્યે લાભ હતો. શાદુળની ફજેતીનો એણે ભરી બજારે ધજાગરો બાંધી દીધો.

રૂપિયે ગજને હિસાબે હાલનાર માયકાંગલો માંડણિયો સંતુને આંબી શકે એ પહેલાં તો એ કણબીપાના નાકામાં વળી ગઈ અને ઝટઝટ પોતાની ડેલીમાં જઈને ખડકીનો આગળિયો વાસી દીધો.


***

'અંબા-ભવાની'ના આંગણામાં સંતુના નંદવાયેલા બેડાએ કચકાણ કરી મૂકેલું એનો કાદવ ઓળંગીને રઘો પાછો પોતાના આસન ઉપર બિરાજ્યો અને માંડણિયાની કાંધી પકડીને મુક્તપણે જે હસાહસની રણઝણાટી બોલાવી રહ્યો તેથી તો એના આખા શરીર ઉપરાંત ચડો ને કાંધી સુદ્ધાં ધ્રુજી રહ્યાં.

આંગણામાં પડેલાં નંદવાયેલ ગાગર ને ઘડો અણોસરાં બની રહ્યાં.