વનાંચલ/પ્રકરણ ૧૧


(૧૧)

હોળીના દિવસો નજીક આવી રહ્યા છે. બાપુ સીમળિયાનું કામ પરવારીને ઘેર આવી ગયા છે. ઘરમાં ધાણી-ચણા શેકાય છે, પૌંવા, મઠિયાં થયાં છે, હોળીને દિવસે રાંધવાની સેવ વણાય છે. સાંજે પ્રાર્થના પછી બાપુ બાળકોને રમાડે છે, એમની સાથે તોફાન-મસ્તી કરે છે, જાતજાતની વાતો કરી હસાવે છે. અમે મિત્રો સાથે ગેડી-દડા રમીએ છીએ, ઘરમાં આનંદ આનંદ વ્યાપી રહ્યો છે; આવનાર આપત્તિનો કોઈને સ્વપ્નમાંય ખ્યાલ નથી.

આજે હોળીનો દિવસ છે. રિવાજ પ્રમાણે સેવ રાંધી છે. આખો દિવસ અમે હોળીમાં પધરાવવા માટે ઘરના કરે થાપેલાં હોળૈયાંના હારડા કરવામાં પરોવાયેલાં રહ્યાં છીએ. દિવસ દરમિયાન સારી પેઠે ધાણી-ચણા ને ખાંડના હારડા ખાધા છે. ક્યારે રાત પડે, હોળી પ્રગટે ને સેવ જમવા બેસીએ એમ થાય છે. આખરે સાંજનું અંધારું ઊતરે છે. વડ હેઠળ હોળીનાં લાકડાં બરાબર ગોઠવાઈ ગયાં છે. હોળી પ્રગટાવવાનો સમય થયો છે. બાપુ થાણેદારસાહેબને હોળીપૂજન કરાવે છે; નગારું વાગે છે, દાંડિયા રમાય છે. બાપુ સાથે અમે જમવા બેસી ગયાં છીએ — એમની સાથેનું અમારું એ છેલ્લું ભોજન!

રાતે અચાનક બાપુને શરદી ને તાવ જણાય છે. સવારમાં તો તબિયત ચિંતાજનક થઈ જાય છે. બે-ત્રણ દિવસના ઉપચાર પછી પણ કશો ફેર પડતો નથી એટલે કાલોલ માણસ મોકલવામાં આવે છે – મારાં મોટીબહેન ને બનેવી જેઓ વૈદ્ય છે તેમને તેડવા, સિદ્ધપુર માસીને ત્યાં રહીને ભણતા મારા મોટાભાઈને તાર કરવા. બહેન-બનેવી, મામા ને મોટાભાઈ સમયસર આવી પહોંચ્યાં છે. મારા કાકાની બદલી થોડા વખતથી રાજગઢની શાળામાં થયેલી હોવાથી તેઓ ગામમાં જ છે. બાપુની બીમારી વધતી જાય છે, ન્યુમોનિયા કહેવાય છે. હોળી પછીની નોમનો દિવસ ઊગે છે – બાપુના પિસ્તાળીસ વર્ષના આયુષ્યનો છેલ્લો દિવસ. ઊગરવાની કોઈ આશા નથી. છાતીમાં કફ બોલે છે, શ્વાસ ઊપડ્યો છે. અમે કોઢમાં ઊભા રહીને ઓટલી ઉપરથી જોઈએ છીએ. બાપુને ભોંયે લીધા છે, મામા રામરક્ષાનો પાઠ કરી રહ્યા છે. બા પરસાળ અને ઓરડા વચ્ચે બારણા આગળ બેઠી બેઠી રડે છે. કાકી એને આશ્વાસન આપી રહ્યાં છે. પુણ્ય કરાવાય છે તે બાપુના કાનમાં મોટેથી કહેવામાં આવે છે. આખરે ‘આ ભગવાન રામ મને લેવા આવ્યા છે; આ ઊભાં રામ, લક્ષ્મણ ને સીતાજી, વિમાન આવી ગયું છે’, બોલતા બોલતા બાપુ વિદાય લે છે. ‘મોટા’(દાદા બાપુને ‘મોટો’ કહેતા)ના ચાલ્યા જવાથી દાદાના કલ્પાંતનો પાર નથી; બા માથાં કૂટે છે, બે-ત્રણ જણાંએ એને ઝાલી રાખી છે.

બાપુના મરણ વખતે મોટાભાઈની ઉંમર અઢાર-ઓગણીસ વર્ષની. આગલે વર્ષે મૅટ્રિકની પરીક્ષા આપેલી પણ નાપાસ થયેલા. આ વર્ષે પાસ થાય છે, પણ હવે આગળ ભણાય એવું રહ્યું નથી. ઘર ચલાવવાનો બધો ભાર એમના ઉપર આવી પડ્યો છે. જમીન-જાગીર ને યજમાનવૃત્તિ સંભાળવાની, બા અને એમનાથી નાનાં છ ભાંડુઓની સંભાળ રાખવાની. સીમળિયાના ઠાકોરને બાપુ માટે ઘણો આદર એટલે એમણે મોટાભાઈને જરાય આનાકાની વગર કારભારીપદ સોંપ્યું. હવે બાપુની જેમ મોટાભાઈ સીમળિયે જાય ને ઘેર હોય ત્યારે દાદા સાથે રહી યજમાનવૃત્તિ કરે. મોટાભાઈનો સ્વભાવ પણ બાપુ જેવો જ હસમુખો ને વાર્તા કહેવાની આવડત જબરી; અમે રહીએ તે પ્રદેશથી પણ વધારે પછાત તે સાવ આદિવાસી મુલકમાંથી જ્યારે તેઓ ઘેર આવે ત્યારે સાથે જાતજાતની વાતો લાવે. રાજગઢથી સીમળિયાનો દસ-બાર ગાઉનો પલ્લો. રસ્તો ડુંગરાળ વનપ્રદેશમાં ને લૂંટારુઓનો ભય. મોટાભાઈના અનુભવો બા સહિત ઘરનાં નાનાં-મોટાં બધાં ટોળે વળીને રસથી સાંભળે.

એક વાર મોટાભાઈ સીમળિયેથી ઘેર આવવા નીકળ્યા છે; એમના ઘોડાની પાછળ વરતણિયો માથે પેટી લઈને ચાલે છે. સાથે એક જમાદાર છે, ખભે બંદૂક રાખી મોટાભાઈ સાથે ગપ્પાં મારતા ચાલ્યા આવે છે. હજી સૂર્યોદય થયો નથી, ઓગળતી રાતનું આછું અંધારું છે. જમાદારની નજર અચાનક આગળ મહુડા નીચે કશુંક દેખે છે; ધીમેથી મોટાભાઈને કહે છે : ‘કારભારીસા’બ, મેરી બેટી રીંછડી હે, આગે જાનેમેં જાનકા ખતરા હે!’ જમાદારના ચહેરા ઉપર ભયની રેખાઓ જોઈને મોટાભાઈ કહે છે : ‘અરે જમાદારસા’બ, પાસે બંદૂક છે ને આમ ગભરાઈ જાઓ છો? ચાલોને, જે થાય તે ખરું’, આગળ વધ્યા ને જોયું તો મહુડા નીચે એક આદિવાસી ડોસી મહુડાં વીણે! મોટાભાઈનું હાસ્ય રોકાય નહિ ને જમાદારનું મોં તો જોવા જેવું! બોરના જંગલમાં રીંછ રહે ખરાં. એમને બોર બહુ ભાવે. એક વાર તાડ ઉપર લટકાવેલા ઢોચકા(માટલી)માંથી તાડી પીવા એક રીંછ તાડે ચડેલું ને એના નહોર તાડમાં ભરાઈ જતાં ત્યાં જ લટકી મરણ પામેલું એવી વાત સાંભળેલી. મુસીબતો અને જોખમ વધારે ત્યારે લોકો ખડતલ અને નીડર પણ વધારે. એક ગામની સીમમાં ખેતર આગળથી મોટાભાઈ પસાર થતા હતા. ખેતરમાં એક ખેડૂત માથે મોટો પથ્થર મૂકી શેઢે શેઢે ફરતો હતો. મોટાભાઈને કુતૂહલ થયું એટલે પૂછ્યું. પેલો કહે : ‘આ પરોણો પેધી ન જાય એટલે ઠરીને બેસવા નથી દેવો. સૂઈ જાઉં તો મારો હાળો ચડી બેસે ને પછી જાય જ નહિ.’ આ ‘પરોણો’ એટલે ટાઢિયો તાવ. એક ખેતરમાં આદિવાસી ખેડૂતનો દસ-બાર વર્ષનો છોકરો ઝાડને અઢેલીને પડયો છે; બાજુમાં એની બહેન કામ કરે છે. છોકરો નિરાંતે, જાણે કોઈ સામાન્ય વાત કહેતો હોય એમ કહે છે : ‘ચોખલી ભાળકે વેંછી(વીંછી)!’ ચોખલી જુએ છે તો ભાઈના કાળામેશ ઢીંચણ ઉપર એવો જ કાળોમેંશ મોરવીંછી! ‘ખંખેરી નાખ, કેહડે(કરડશે).’ બહેન કહે છે. ‘હું કેડે, નીં કેડે.’ – એટલી જ નિરાંતથી, સ્વસ્થતાથી છોકરો બોલે છે ને પછી આંગળીનો એક ટકોરો મારી વીંછીને ખેરવી નાખે છે.

*

બાપુના અવસાન વખતે હું દસેક વર્ષનો. રાજગઢની નિશાળમાં મેં ચાર ચોપડીઓ પૂરી કરી છે. છોકરો અંગ્રેજી ભણે એવી વડીલોની ઇચ્છા છે. મોટા ભાઈ કામ અંગે કાલોલ ગયેલા તે મામાની દુકાનેથી ત્યાં અંગ્રેજી શાળામાં ચાલતી પ્રાયમર લઈ આવ્યા છે. લાલ પૂંઠાની, ચિત્રોવાળી એ ચોપડી મેં હોંશથી ભણવા માંડી છે. મોટા ભાઈએ અંગ્રેજી બારાખડી શીખવી ને પછી પ્રાયમરના પાઠ લેવા માંડ્યા. આમ શાળામાં બેસતાં પહેલાં વિષયની ઠીક ઠીક તૈયારી થઈ ગઈ. મારાં સૌથી મોટાંબહેન બાપુના અવસાન પ્રસંગે આવ્યાં છે. થોડા દિવસ બાની પાસે રહેવાનાં છે. કાલોલ પાછાં જાય ત્યારે તેઓ મને પણ સાથે લેતાં જાય એવું નક્કી થયું છે.

જૂન માસમાં એક વહેલી સવારે, ભળભાંખળે ગાડું જોડાય છે. ગાડામાં મારા બનેવી, બહેન ને હું ગોઠવાયાં છીએ; બાની વિદાય લેતી વખતે બહેનની આંખમાંથી દડદડ આંસુ પડે છે; બા તો છૂટે મોઢે રડી રહી છે; રડતી રડતી કહે છે : ‘બચુડાને સાચવજે, બહેન’ અંધારામાં ‘આવજો આવજો’ બોલાય છે, ગાડું ઊપડે છે. પસાયતામાં થઈ ગાડું નેળે પડે છે ને કરડ નદી પરના ઢોળાવ પરથી નીચે નદીની રેતીમાં ઊતરે છે. રોજ મારાથી ખૂંદાતી એ પરિચિત રેતી ગાડાનાં પૈડાં નીચે પિલાય છે; રેતીનું એક એકધારું રુદન! સમયનો રથ મારા ભૂતકાળને કચરતો આગળ ને આગળ વધી રહ્યો છે. બળદના પગથી પાણીમાં થોડો છલબલાટ થાય છે ને ગાડું નદી પાર કરી જાય છે. આછા અંધાકારમાં મારી સ્વજન જેવી અનૂરીઓ પસાર થાય છે. આ ગણપતભાઈનો કાચલો ને પાનાં લેવા ચડતા હતા તે પેલો ખાખરો ચાલ્યા, આ શત્રુહરણી માતાનું થાનક ચાલ્યું; પડછંદ પીપળાનાં પાન ઉનાળાની સવારનો શીતળ પવન પીને જાણે ઘેનમાં બબડી રહ્યાં છે! આ ધૂસ્કો કોતર ચાલ્યું, આછા અજવાળામાં પડખે મોરડિયો ડુંગર દેખાય છે. શરીર ગાડામાં બેસી શહેરમાં જવા નીકળ્યું છે, ભવિષ્ય ભણી ગતિ કરી રહ્યું છે. હૃદય ભૂતકાળને પકડવા પાછું દોડી રહ્યું છે; ગાડાની પાછળ બાંધેલા ઢોરની જેમ ઘસડાતું નાછૂટકે આગળ વધી રહ્યું છે. હું વનાંચલ છોડીને વસ્તીમાં જઈ રહ્યો છું. જંગલ, ડુંગરા ને નદી મને પાછળ ખેંચી રહ્યાં છે. આ ધરતી સાથે મારે આટલો ગાઢ સંબંધ હતો તે તો આજે વિખૂટા પડતી વખતે જ જાણવા મળ્યું. મનમાં જાત જાતના વિચારો આવે છે : કાલોલ જેવા ‘શહેર’માં મારા જેવા ‘જંગલી’ને કેમ ફાવશે? મારા જેવો શરમાળ છોકરો અંગ્રેજી શાળાના શહેરી છોકરાઓમાં શી રીતે ભળી શકાશે? આ નવું ભણતર મને આવડશે ખરું? માટીનું ઘર છોડી બહેનના ત્રણ માળના મકાનમાં રહેવાનું, બાળકો વગરના ઘરમાં રહેવાનું, સવાર-સાંજ વાંચવા બેસવાનું — આ બધું કેમ ગોઠશે? હંમેશાં ભર્યા ભર્યા રહેતા ઘરમાંથી મારે એકલાને વિદાય થવાનું? પુષ્પાબહેન ને રમણ વગર કેવું એકલવાયું લાગશે? હું સૉરીશ તોય શરમાળ એટલે કોઈને મારું દુઃખ જણાવી શકીશ નહિ, હવે મારું ગામ મને છેક દિવાળીની રજાઓમાં જોવા મળશે; એટલા બધા દિવસો કેમ જશે? બસ, ગાડું ચાલ્યા જ કરે ને કાલોલ કદી આવે જ ના તો કેવું સારું!

*

અંગ્રેજી નિશાળ ઊઘડી ગયાને થોડા દિવસ થઈ ગયા છે. મને પહેલા ધોરણમાં પ્રવેશ મળે છે. અંગ્રેજીમાં આગળથી તૈયારી કરેલી એટલે કશું અઘરું લાગતું નથી. બીજા વિષયો પણ ફાવે છે ને થોડાક દિવસોમાં તો હું વર્ગનો એક હોશિયાર વિદ્યાર્થી ગણાઉં છું. પણ રાજગઢની નિશાળમાં શું ભણ્યો હતો તેની હવે ખબર પડે છે! ગણિત જરાય ન આવડે. છમાસિક પરીક્ષામાં સારો દેખાવ કરનાર પહેલા ધોરણના પાંચ વિદ્યાર્થીઓને બીજા સત્રથી બીજા વિષયોમાં ઘણા સારા ગુણ, પણ ગણિતમાં મોટું મીડું! તેથીસ્તો વિદ્યાર્થી કારકિર્દીનો એક રમૂજી કિસ્સો બની ગયો ને! છમાસિક પરીક્ષામાં સારો દેખાવ કરનાર પહેલા ધોરણના પાંચ વિદ્યાર્થીઓને બીજા સત્રથી બીજા ધોરણમાં લેવામાં આવ્યા, એમનું વરસ બચે એટલા માટે. એ પાંચમાં હું પણ ખરો. ગણિતમાં મીંડું મેળવેલું છતાં! અમે બીજા ધોરણમાં બેસવા માંડ્યું ને તરત શાળાનું ઇન્સ્પેકશન આવ્યું. ઇન્સ્પેક્ટર કોઈ ગિદવાણી નામના હતા, ઊંચા ને પડછંદ, એમની સાથે બે બીજા અધિકારીઓ પણ હતા. અમારા વર્ગમાં કૉપીલેખનનો પિરિયડ ચાલે ને ઇન્સ્પેક્ટરની મંડળી પ્રવેશી. અમારામાંના એક વિદ્યાર્થીએ ઊભા થઈને શિક્ષકને પૂછ્યું : ‘સર, પહેલા ધોરણની કૉપી કાઢીએ કે બીજા ધોરણની?’ અધિકારી સાંભળી ગયા. એમણે તરત શિક્ષકને પૂછ્યું : ‘આ પહેલા-બીજાનું શું છે?’ શિક્ષકે સવિનય કહ્યું : ‘સાહેબ, એ વિદ્યાર્થીને ને બીજા ચારને આ સત્રમાં બીજા ધોરણમાં લીધા છે; ભણવામાં સારા છે.’ ગિદવાણીને વાત કરી એટલે એમણે તો તરત છમાસિક પરીક્ષાનું પરિણામપત્રક માગ્યું, હેડમાસ્તર સાહેબના હાથમાંથી પત્રક લઈ ગિદવાણી ઝીણી નજરે જોવા લાગ્યા. ગણિતમાં મારું મીંડું જોઈને એમનો મિજાજ છટક્યો. હેડમાસ્તર બચાવ કરવા લાગ્યા : ‘સાહેબ, એના બીજા વિષયોમાં ઘણા સારા ગુણ છે, ગણિત એ કરી...’ અધવચ્ચે જ એમને અટકાવીને ગિદવાણીએ પોતાનો ચુકાદો સુણાવી દીધો : ‘નો નો નો!’ (No, no, no!) થઈ રહ્યું. અમને પાંચેને પાછા પહેલા ધોરણમાં ઉતારી મૂક્યા. પછી તો મારા બનેવીએ એમના એક મિત્ર નાગર સજ્જન શ્રી રુદ્રપ્રસાદ દેસાઈને ત્યાં મને ગણિત ભણવા મોકલવા માંડ્યો. શ્રી દેસાઈની ગણિતશાસ્ત્રમાં અસાધારણ નિપુણતા. પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષામાં મારા બાવન ગુણ આવેલા એવું યાદ છે. પછી તો ત્રીજા ધોરણમાં હું વર્ગમાં પ્રથમ આવ્યો. ગણિતમાં એંશી ગુણ મળ્યા, માફી ને ઇનામ પણ મળ્યા. છતાં ગણિતમાં મારો ગજ બરાબર ન વાગ્યો તે ન જ વાગ્યો. આજે મારાં બાળકો પણ ગણિતની ગૂંચ લઈને આવે છે તો મારાથી એ ભાગ્યે જ ઊકલે છે.

દિવાળીની રજાઓ પડે એટલે રાજગઢથી ઘોડું લઈને માણસ મને લેવા આવે છે; ઉનાળામાં ગાડામાં બેસીને જવાનું થાય. વચમાં કોઈ વાર કોઈ સગું માંદું હોય તો તેની ખબર જોવા કે કોઈનું મરણ થયું હોય તો શોક કરવા બા કાલોલ આવે ત્યારે મળાય. હવે જાણે જીવન જ પલટાઈ ગયું છે. પુષ્પાબહેનનું લગ્ન કરી દેવામાં આવ્યું. અમારી ત્રિપુટી તૂટી ગઈ. મળીએ તોય પહેલાં જેવી મજા આવતી નથી. એ જ ઘર છે, દાદા છે, બા છે, મોટાભાઈ છે, પણ શૈશવનો એ આનંદ નથી. વતન સાથેના મુગ્ધતાના તંતુઓ એક પછી એક તૂટવા લાગ્યા છે ને કઠોર વાસ્તવની તાવણીમાં તવાવાનું શરૂ થયું છે. જિંદગીનું આનંદપર્વ પૂરું થયું. હવે એને સ્મૃતિમાં જ સાચવવું રહ્યું.