વર્ષા મહેન્દ્રભાઈ અડાલજા

અડાલજા વર્ષા મહેન્દ્રભાઈ/આચાર્ય વર્ષા ગુણવંતરાય (૧૦-૪-૧૯૪૦): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. વતન જામનગર. ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. ૧૯૬૧થી ૧૯૬૪ સુધી આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા. ૧૯૭૫થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા'નાં તંત્રી. ૧૯૬૬થી લેખન-વ્યવસાય. ‘શ્રાવણ તારાં સરવડાં' (૧૯૬૮), વિયેટનામના ભીષણ નરમેધને આલેખતી ‘આતશ’ (૧૯૭૬), ‘ગાંઠ છૂટ્યાની વેળા' (૧૯૮૦), જેલજીવનના વ્યાપક ભ્રષ્ટાચારને આલેખતી ‘બંદીવાન' (૧૯૮૬) સુવાચ્ય નવલકથાઓ છે. તે ઉપરાંત સુવાચ્ય લઘુનવલોમાં ‘મારે પણ એક ઘર હોય' (૧૯૭૧), ‘રેતપંખી' (૧૯૭૪) અને ‘ખરી પડેલો ટહુકો' (૧૯૮૩) સ્પર્શક્ષમ છે. ‘તિમિરના પડછાયા’ (૧૯૬૯)માં છિન્નભિન્ન બનતું માનવવ્યક્તિત્વ તેથી ‘એક પળની પરખ' (૧૯૬૯)માં રજૂ થયેલી અંતર્યાતના સ્પર્શે છે. ‘પગલાં' (૧૯૮૩) એક સરસ રહસ્યકથા બની છે. ‘પાંચ ને એક પાંચ' (૧૯૬૯) રહસ્યકથાનું વિષયવસ્તુ આકર્ષક છે. તેમ જ ‘અવાજનો આકાર' (૧૯૭૫), ‘છેવટનું છેવટ’ (૧૯૭૬) તથા ‘પાછા ફરતાં' (૧૯૮૧) સુવાચ્ય રહસ્યકૃતિઓ છે. ‘નીલિમા મૃત્યુ પામી છે' (૧૯૭૭)માં નાના નાના અંકોડા વડે કથાગૂંથણી થઈ છે. રહસ્યકથાઓના લેખનમાં એમણે પેરીમેસનને પ્રભાવ ઝીલ્યો છે. ‘સાંજને ઉંબર' (૧૯૮૩) અને ‘એ’ (૧૯૭૯) એમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે.