વસ્તુસંખ્યાકોશ/અભિપ્રાય
અભિપ્રાય
સંખ્યાનો નિર્દેશ કરનારી શબ્દ સંજ્ઞાઓનો ઉપયોગ અંકો દર્શાવવા અને એ રીતે સાહિત્યિક કૃતિનો રચનાકાલ સૂચિત કરવા થતો આપણે જોઈએ છીએ. આથી સંખ્યા–નિર્દેશક શબ્દસંજ્ઞાઓનો સંગ્રહ સુલભ હોય તો ઘણી સરળતા રહે. આવા સંગ્રહ તૈયાર કરવાના પ્રયત્નો અગાઉ થયા છે જેમાં નીચેના ગ્રંથો ઉલ્લેખનીય છે. (૧) વસ્તુવૃંદદીપિકા–દયારામકૃત કાવ્યસંગ્રહ (૨) નર્મકોશમાં સંખ્યા શબ્દાવલી તથા બર્વોત્સવતિથ્યાવલી–કવિ નર્મદાશંકર લાલશંકર દવે. (૩) સંજ્ઞાદર્શક કોશ – રતનજી ફરામજી શેઠના (૧૯૦૪) (૪) સંજ્ઞાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ–સંપાદક ડૉ. ચંદ્રકાન્ત શેઠ (૧૯૮૩) (૫) સંખ્યાવાચક શબ્દકોશ (સંપા.) શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વર (૧૯૮૭) (૬) वस्तुरत्नकोश–અજ્ઞાતકર્તૃક–સંપા. ડૉ. પ્રિયબાલા શાહ (૧૯૫૯)
આવા ગ્રંથોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને શ્રી રતિલાલ હરિભાઈ નાયકે પોતાનો સંગ્રહ તૈયાર કરેલો પણ તેને બરાબર વ્યવસ્થિત રૂપ આપવાનું તેમનાથી ન બની શક્યું. આ સંગ્રહને વ્યવસ્થિત કરવાનું અને તેમાં સારી પેઠે પુરવણી કરવાનું કામ ડૉ. ભારતીબેન ભગતે કર્યું છે. ભારતીબહેન મારાં વિદ્યાર્થિની રહ્યાં છે તેથી મને આથી સવિશેષ આનંદ થાય છે. તેઓ દર્શનશાસ્ત્રના અભ્યાસી છે અને પરિશ્રમ કરવામાં પીછેહઠ કરે તેવાં નથી. કુટુંબની જવાબદારી ઉપાડવા સાથે આ કામ કરી શક્યાં છે. એ ખરેખર અભિનંદનીય છે. શ્રી રતિલાલ નાયકના સંગ્રહને બની શકે તેટલો વધુ સમૃદ્ધ કરવાનો પ્રયત્ન તેમણે ‘वाचस्पत्यम्' જેવા કોશો, દાર્શનિક ગ્રંથો, પુરાણકોશ વગેરેની મદદથી કર્યો છે, તેથી આ ‘વસ્તુસંખ્યાકોશ’ ગ્રંથ અભ્યાસીઓને ઉપયોગી થશે અને આ દિશામાં વધારે કાર્ય કરવા પ્રેરશે એમાં શંકા નથી. ડૉ. ભારતીબેન વિદ્યાના ક્ષેત્રે ઉજ્જ્વલ કાર્ય કરે એવી શુભેચ્છા અને સ્નેહાશિષ.