વાઘજી આશારામ ઓઝા

ઓઝા વાઘજી આશારામ (૧૮૫૦, ૧૮૯૬): નાટ્યલેખક. વતન મોરબી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ધોરાજી અને ગોંડલમાં. રાજકોટની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મોરબીની અંગ્રેજી શાળામાં શિક્ષક. નાદુરસ્ત તબિયતને લીધે દસ વર્ષે નિવૃત્ત. પછીથી મોરબીના ઠાકોરના પુત્રના શિક્ષક. વચ્ચે જામનગરની અંગ્રેજી સ્કૂલમાં શિક્ષક. ૧૮૭૯માં ‘મોરબી આર્ય સુબોધ નાટક મંડળી'ની સ્થાપના અને નાટ્યલેખન તથા નાટકોની ભજવણી. ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષમાં સક્રિય યોગદાન. વઢવાણમાં અવસાન. એમણે વિષયવસ્તુની દૃષ્ટિએ ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો લખ્યાં છે, પરંતુ નાટકની ફલશ્રુતિ સંદર્ભે એમનો અભિગમ સત્યનો જય ને પાપનો ક્ષયના કવિન્યાયને અનુસરવા ઉપરાંત સુધારાવાદી રહ્યો છે. દરેક વર્ષે ત્રણ-ચાર સફળ નાટકો આપનાર આ નાટ્યકાર પાસેથી ‘સીતાસ્વયંવર' (૧૮૭૮), ‘રાવણવધ' (૧૮૮૦), ‘ઓખાહરણ’ (૧૮૮૦), ‘ચિત્રસેન ગંધર્વ' (૧૮૮૧), ‘પૃથુરાજ રાઠોડ’ (૧૮૮૧), ‘ત્રિવિક્રમ’ (૧૮૮૨), ‘ચાંપરાજ હાડો' (૧૮૮૪), ‘કેસરસિંહ પરમાર’ (૧૮૮૬), ‘ભર્તૃહરિ’ (૧૮૮૬), ‘ત્રિયારાજ' (૧૮૯૨), ‘રાજસિંહ’ (વીરબાળક) (૧૮૯૨), ‘સતી રાણકદેવી' (૧૮૯૨), ‘ચન્દ્રહાસ' (૧૯૦૩) વગેરે નાટક મળ્યાં છે.