વાર્તાનું શાસ્ત્ર/લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ

પ્રકરણ દસમું
લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ

લોકવાર્તાના કથનથી કલ્પનાશક્તિ ખીલે છે એ વિચારમાં ઘણો થોડો જ મતભેદ છે. ડૉ. મોન્ટીસોરી સિવાયના અત્યાર સુધીના સઘળા કેળવણીકારોનું એવું મંતવ્ય છે કે લોકવાર્તાના- કથનથી કલ્પનાશક્તિ અવશ્ય ખીલે છે. કલ્પના એટલે વાસ્તવિક્તા તો નહિ જ. તો પછી કલ્પના હંમેશ સત્યાશ્રયી હોવાનો સંભવ નથી. થોડા દિવસ પહેલાં પોલ રિશાર કહેતાં હતા કે બધા કવિઓ ગપ્પી હોય છે. [1]. એ અર્થમાં કલ્પનામાત્ર અસત્ય છે એમ કહેવામાં અડચણ નથી. પણ કલ્પના અને સત્યને વિરોધ નથી, તેમ જ કલ્પનાની સૃષ્ટિ રચનાર અસત્યવાદી છે એમ કહેવાને કારણ પણ નથી. કલા ને કાવ્યમાં જે અદ્ભુત છે તે કલ્પનાની સૃષ્ટિ છે, ને છતાં એ કલ્પનાથી દુનિયામાં સત્યને હાનિ પહોંચતી નથી. વાસ્તવિકતાને પેલે પાર મન અને બુદ્ધિને ઊડવાની જે શક્તિ છે તે કલ્પનાશક્તિના વિકાસનું ફળ છે. નાયગરાનો ધોધ જોયા વિના એ ધોધની વાત સમજી શકીએ છીએ. ભૂતકાળ કેવળ કલ્પનાના બળથી ઉકેલી શકીએ છીએ, અનંત અંતરને કલ્પનાથી જ ભેદી શકીએ છીએ અને અગમ્ય એવાં તત્ત્વોને કલ્પનાથી ઝીલી શકીએ છીએ, એ અનુભવ આપણે ભૂલી જવાનો નથી. વાર્તાઓ કલ્પનાશક્તિને ખીલવે છે એનો અર્થ એટલો જ છે કે માણસને તે સૂક્ષ્મ, દૂરસ્થ, ઈન્દ્રિયોથી પર, સ્થૂળ બુદ્ધિને અવાસ્તવિક એવી સૃષ્ટિમાં પેસવાની, તેને સમજવાની અને તેનો આનંદ લેવાની શક્તિ આપે છે. વાર્તાઓ દ્વારા કલ્પનાશક્તિના વિકાસને લીધે માણસનો સાહિત્યનો પ્રવેશ ઊંડો બને છે, કલામાં તેની નજર તીણી બને છે અને આ દુનિયાની દૈવી કવિતાને સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. કારણ એ છે કે દુનિયાનાં સાહિત્ય, કલા અને જે સુંદર ભાસે છે, સુરૂપ ભાસે છે, અકલિત ભાસે છે, તે બધું એક ઈશ્વર અને મનુષ્યના મગજમાંથી ઊપજેલી કલ્પનાનું ફળ છે. કલ્પનાશક્તિ ખીલેલી નથી હોતી ત્યારે જ માણસ પથ્થરના દેવની પાછળ પ્રભુત્વ જોઈ શકતો નથી. કલ્પનાપૂર્ણ આર્યોએ જ આપણને ઉપનિપદનાં કાવ્યો આપ્યાં છે. કલ્પનાની ડોક લાંબી કરનારાઓથી જ પુરાતત્ત્વની સાચી શોધ થાય છે અને કલ્પનાના બળ વડે જ આજે સમર્થ પુરુષો ભાવિમાં નજર નાખી શકે છે. જેમ બુદ્ધિ, ઈન્દ્રિયો વગેરે તેમના યથાર્થ વિકાસને પરિણામે મનુષ્યને ઉપયોગી થાય છે, તેમ જ કલ્પના તેનાં સાચા વિકાસને લીધે જ મનુષ્યને ઉપયોગ થાય છે. સામાન્ય મનુષ્યને સુમધુર સંગીત પણ ઘોંઘાટ લાગે છે, તેમ જેની કલ્પનાશક્તિ કેળવાઈ નથી તેને જ્યાં કલ્પનાનું ક્ષેત્ર છે ત્યાં નરી વાસ્તવિકતા લાગે છે. આજે ચિત્રકલામાં બે મતપક્ષો છે. એક પક્ષ કહે છે કે કલા વસ્તુને અનુસરીને જ હોવી જોઈએ. બીજો પક્ષ કહે છે કે વસ્તુની પેલે પાર જઈ વસ્તુમાં જે સૃષ્ટિ આરોપિત કરી શકાય તેનું આરોપણ કરી કલા ઉપજાવવી જોઈએ. પહેલો પક્ષ ઝાડ જેવું ઊગે છે તેવું જ ચીતરવાનો આગ્રહ રાખે છે; બીજો પક્ષ કહે છે કે ઊગતું ઝાડ તો સૌએ જોયું છે, તેને ચીતરવામાં કાંઈ કલા નથી; પણ ઝાડના ચિત્રમાં જે સુંદરતા લાવી શકીએ, જે કોમળતા મૂકી શકીએ, જે સુંદર રંગોનું મિશ્રણ જમાવી શકીએ તે શા માટે ન જમાવવું ? કલા વસ્તુની પ્રતિકૃતિ હોય તો પછી કલાનું સ્થાન કયાં છે ? કુદરતના ચિત્રમાં એકીસાથે સુંદર સૂર્યાસ્ત, એકાદ નિર્મળ સરોવર, વૃક્ષોની કુંજ, ભૂરા ડુંગરાં એ બધું મૂકવાનો હેતુ ભિન્ન ભિન્ન વસ્તુમાં રહેલી વાસ્તવિકતાને કલ્પનાને બળે એકત્ર કરવાનો છે. બધાં સરોવરોમાં હંસ હોતા નથી, બધાં સરોવરોને કાંઠે કમળો ખીલતાં નથી, બધાં સરોવરોમાં એકાદ નાની કિસ્તી પડી હોતી નથી. છતાં ચિત્રકારોને આ સુયોગ કરવો ગમે છે, અને એમાં જ આપણને મજા લાગે છે. આનું કારણ કલામાં આપણે કેવળ વાસ્તવિકતા માગતા નથી એ છે. હંસ છે તેનાથી મોટો આપણે ચીતરતા નથી; કમળ થાય છે તેનાથી જુદા રંગનાં બતાવતા નથી; કિસ્તી એ મનની કલ્પના માત્ર નથી. છતાં આવું એક સંપૂર્ણ દશ્ય તો કલાધરની કલ્પના જ છે. આવું જ વાર્તાઓનું છે. હરેક વાર્તા કલાની કૃતિ છે અથવા શબ્દચિત્ર છે. બેશક કોઈ પણ વાર્તા સાચી છે એમ કહી શકાય નહિ. આથી જ ઈતિહાસ અને વાર્તા એકબીજાથી જુદાં પડે છે. દંતકથાને ઈતિહાસ નથી કહેતા કે ઐતિહાસિક વાર્તાને ઈતિહાસથી જુદી ગણીએ છીએ, તેનું આ જ કારણ છે. છતાં વાર્તાની હકીકતો ખોટી નથી અને તેથી લોકહૃદયે વાર્તાઓ ગપ્પાં છે એમ કહીને તેમને ફેંકી દીધી નથી. દરેક વાર્તા વાંચી જુઓ તો જણાશે કે આખી વાર્તા ખોટી હોય છતાં વાર્તાના બનાવેબનાવની અસંભવિતતા ન હોય. વાર્તામાં લખેલ રાજકુમાર, નામ આપેલ જંગલ, એ રાજકુમારને અજગરનું ગળી જવું, વગેરે હકીકતો કલ્પનાજન્ય હોય, પરંતુ કોઈ પણ રાજકુમારનું શિકારે જવું, કોઈ જંગલમાં કોઈ માણસનું ફરવું કે કોઈ ત્રીજા માણસને અજગરનું ગળી જવું એ હકીકતો હમેશ બને છે; અને એ છૂટીછવાઈ હમેશની બનતી હકીકતોને એક જ તખ્તા ઉપર સુંદર રીતે સાંકળવાનું કામ જ અદ્ભુત વાર્તાકલાકારનું છે. વળી વાર્તાઓ દ્વારા મનુષ્યે પોતાના જ જીવનના છૂટાછવાયા પ્રસંગોને એક જ પટ ઉપર ચીતરવાનો પ્રસંગ શોધ્યો છે અને એમ કરી વાર્તા દ્વારા જીવનનું નાટક જનતા આગળ ખડું કર્યું છે, એમ કહીએ તોપણ ચાલે. વાર્તાઓરૂપે માણસે પોતાની ધર્મસ્મૃતિ, પ્રાયશ્ચિત્તાધ્યાય, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વગેરે શાસ્ત્રો પ્રદર્શિત કર્યા છે. વાર્તાનું પ્રત્યેક પાત્ર કલ્પિત છે જ; તેનું અસ્તિત્વ કલ્પકની કલ્પનાસૃષ્ટિમાં જ રહે છે; પણ એ પાત્ર દ્વારા વ્યક્ત થતો જન વ્યાપક જનતામાં ડગલે ને પગલે સાચેસાચ નજરે પડે છે. છૂટા છૂટા બનતા કરુણાના, શોકના અને બીજી જાતના બનાવો ઘણા થોડા મનુષ્યોને જ આકર્ષી શકે છે કે સ્પર્શી શકે છે. એકાદ મૃતદેહને કે વૃદ્ધદેહને જોઈને સિદ્ધાર્થ જેવા કોઈ બોધિસત્ત્વને જ દેહની નશ્વરતા સૂઝે છે ને વૈરાગ્ય પ્રગટે છે. પરંતુ સામાન્ય મનુષ્યસ્વભાવ એટલો કોમળ નથી હોતો, અથવા પ્રત્યેક મનુષ્ય બોધિસત્ત્વની કોટીએ પહોંચેલો નથી હોતો, તેથી તેની આગળ તો એવાં અનેક કરુણ ચિત્રોનો વાર્તા દ્વારા આબેહૂબ ચિતાર ખડો થાય તો તેના હૃદયને સ્પર્શ કરે એ વાત વાર્તાકારોના લક્ષ બહાર નથી. જેટલો ભેદ એક તત્ત્વવેત્તામાં અને ગાંડા માણસમાં છે, જે ભેદ તરંગી કવિ અને હિસાબી વાણિયા વચ્ચે છે, તે ભેદ સાચી કલ્પના અને ખોટી કલ્પના વચ્ચે છે. જેમ પ્રતિભા અને ગાંડપણ નજીક નજીક રહે છે, તેમ જ સાચી કલ્પના અને ખોટી કલ્પના પણ એકબીજાની નજીક નજીક જ રહે છે. યથાર્થ કલ્પનાને પરિણામે માણસ વાર્તાના પાત્રોની વાસ્તવિકતા છોડી દઈને મનુષ્યના સ્વભાવનું વાસ્તવ્ય પકડી પાડે છે, જ્યારે અયથાર્થ કલ્પનામાં રમનાર માણસ વાર્તાનું રહસ્ય બાજુએ મૂકી પાત્રોની સંભવિતતામાં ભટકે છે. જેનામાં કલ્પનાનો ખરો ઉદય છે તે પાત્રોની સબળતા-નિર્બળતામાં જનતાની વ્યક્તિનું પ્રતિબિંબ જુએ છે, અને વાર્તાના પાત્રોનું સીધું અનુકરણ કરવાને બદલે પાત્રોના ગુણદોષ તરફ પ્રેમ અથવા સહાનુભૂતિથી જુએ છે, અને કઈ વસ્તુ સમાજ ઈષ્ટ ગણે છે અને કઈ વસ્તુ નથી ગણતી તે ખોળી કાઢે છે. ભુલવામાં પડેલો માણસ પાત્રોનું ખરાપણું સ્વીકારી બેસે છે અને તેમને પોતાના જીવનનાં આદર્શો ગણી કાઢે છે. જીવનના આદર્શો તો જીવંત વ્યક્તિઓ જ અથવા જે વ્યક્તિઓ સમાજમાં જીવંત મનાઈ ગઈ છે તે જ સંભવી શકે છે. આથી જ ચરિત્રોના ગ્રંથો વાર્તાના ગ્રંથો નથી. વાર્તામાંથી માણસ ખોટી કલ્પનાએ ચડી જાય છે એ કહેવામાં અર્ધસત્ય રહેલું છે, પણ તેમાં વાર્તાનો દોષ નથી પરંતુ વાંચનાર અથવા કહેનારનો દોષ છે. આપણે વાર્તાઓ વાંચીએ છીએ તે સાચી ગણીને વાંચતા નથી, અને છતાં આપણે તે રસ અને પ્રેમથી વાંચીએ છીએ, આપણે પેમલા-પેમલીની કે દેડકા-દેડકીની વાર્તામાં આજના સમાજના અનેક પેમલાઓ અને દેડકાઓ જોઈ શકીએ છીએ અને તેથી તેમાં આનંદ લઈ શકીએ છીએ. મિયાંબીબીની વાર્તા આપણને એટલા માટે રસ આપે છે કે આપણી દૃષ્ટિ સન્મુખ મિયાંબીબીનાં નાટકો હંમેશાં ભજવાય છે. સાસુવહુની વાતો વાંચવામાં આપણને એટલા માટે રસ આવે છે. કે એમાં આપણે પોતાને સંસાર દેખાડીએ છીએ, પણ આપણે પેમલા થવા, દેડકા થવા કે મિયાંબીબી થવા વિચાર ધરાવતા નથી. એનું કારણ એ છે કે આપણે પાત્રોને સાચાં માનતા નથી પણ આખી વાત આપણા રૂપક તરીકે લઈએ છીએ. માબાપ અથવા શિક્ષાગુરુ આ દૃષ્ટિથી વાર્તા વાંચે અને બાળકોને કહે તો ખોટી કલ્પના ઊભી થવાનો ભય દૂર થાય. આ દૃષ્ટિથી જો જુવાન માણસો વાર્તાઓ સાંભળે અને નવલકથાઓ વાંચે તો આજે સરસ્વતીચંદ્ર કે કલાપી વાંચવાથી જ નિર્બળતા ઊભી થાય છે, અને જેને લીધે માણસ ઘણી વાર ફીટી જાય છે કે નકામો થઈ જાય છે, તેમ બને નહિ. વાર્તા સાંભળવાથી માણસ અસત્યાશ્રયી બની જાય એવો ભય રાખવાનું કશું કારણ નથી. જ્યાં સુધી વાર્તા સાંભળનાર એમ માને છે કે વાર્તાઓ સાચા બનાવો છે ત્યાં સુધી માણસ વાર્તાના અસત્યને સેવે છે એ ખરું છે. પરંતુ વાર્તાઓ ખોટી છે એ વાત બાળકને સમજાવવી પડતી નથી. છેક નાની ઉંમરથી બાળકો વગર કહ્યું સમજી જાય છે કે વાર્તાઓ એ કપોલકલ્પિત ચીજો છે. કાગડો અને ચકલી વાતો કરે એ દેખીતું જ ખોટું છે, અને છતાં વાર્તામાં એમની પાસે વાતો કરાવીએ છીએ તેથી માની લેવું કે આવી ખોટી વાતોથી બાળકો અસત્યાશ્રયી થશે એ ભ્રમભૂલક છે. એક રીતે વાર્તાઓ આવી જાતનાં અસત્યોનો અતિરેક છે, અને તેથી વાર્તાઓમાંનું અસત્યપણું બાળકો ઉપર અસર કરી શકતું નથી જ. એક એવો સિદ્ધાંત છે કે જ્યારે જૂઠાણું ખૂબ વધી જાય છે ત્યારે જૂઠાણું પોતે જ થાકી જાય છે; અને નાનું જૂઠાણું ટકી શકે છે તેટલું મોટું જૂઠાણું કદી ટકી શકતું નથી. નીતિશિક્ષણમાં પણ એક યુક્તિ છે કે જૂઠા બાળકને ખૂબ જૂઠું બોલવા દીધા પછી કહી દઈએ કે તમારું જૂઠું અમે જાણીએ છીએ, જૂઠું બહુ બોલ્યા, હવે કંઈક સાચું બોલો, એટલે બાળક તરત જ સાચું બોલવા માંડે છે અને જૂઠું બોલવાથી લોકો ઠગાતા નથી એમ સમજી જાય છે. આવી જ રીતે વાર્તાઓ કે જેના કપાળ ઉપર જ લખેલું છે કે અમે ખોટા છીએ, તે વાર્તાઓ બાળકને ઠગી શકતી નથી, અને તેથી તેમને અસત્યાશ્રયી થવાને પ્રેરી શકતી નથી. એક વાત સાચી છે કે માણસને વાર્તામાંથી અસત્યસેવનનો માર્ગ જડી આવે છે. યુક્તિપ્રયુક્તિની ગલીકૂંચી ઘણી વાર બાળકને વાર્તા સુઝાડી દે છે. પણ તેમાં વાર્તાનો દોષ છે તેના કરતાં વાર્તાના કથનનો દોષ છે. દુનિયામાં અનેક જાતના માણસો છે, જૂઠા તેમ જ સાચા, નીતિમાન તેમ જ અનીતિમાન, ભલા અને ભોળા, તેમ જ લુચ્ચા અને કપટી; પણ તે માણસોને આપણે નિરંતર ભયરૂપ ગણતા નથી. તે માણસો કોઈ કાળે દુનિયામાંથી સદંતર દૂર થઈ જાય એ માન્યતા ખરી નથી. આપણું કર્તવ્ય એવાઓની વચ્ચે રહીને પણ, એમને ઓળખીને પણ, આપણું જીવન શુદ્ધ સન્માર્ગે ચલાવવાનું છે. આપણે હંમેશાં એમ માનતા નથી કે ગામમાં ચોરો વસે છે માટે આપણે ચોર થઈ જઈશું કે ખૂની લોકો ખૂન કરી બેસશે. જો એમ જ હોત તો દરેક ન્યાયાધીશ ખૂની, લૂંટારો કે ચોર થઈ જ ગયો હોત. ખરી વાત તો એ છે કે એવા લોકો આપણને હંમેશાં ધડારૂપ રહે છે, ને અમુક અંશે આપણને સન્માર્ગે દોરે છે. વાર્તાઓનું પણ તેવું જ છે. વાર્તામાં બધા ગુણદોષોનું આલેખન હોય છે. પણ વાર્તામાં હંમેશાં એવો પણ સ્વભાવ છે કે ગુણોને તે હંમેશાં ચડાવે છે અને દુર્ગુણોને તે ધિક્કારે છે. અનીતિનો પક્ષપાત કર્યાનું, દુષ્ટ માણસ ઉપર પ્રભુની કૃપા ઊતર્યાનું આપણે વાર્તામાં ભાગ્યે જ વાંચશું. વાર્તાઓનાં પાત્રો માટે વાર્તાનો પોતાનો જ પિનલકોડ અને સમાજસાસ્ત્ર કે નીતિશાસ્ત્ર તૈયાર જ હોય છે. વાર્તામાં આ નીતિશાસ્ત્ર, આ સમાજશાસ્ત્ર કે પ્રાયશ્ચિત્તશાસ્ત્ર ક્યાં રહેલ છે તે બતાવી આપવું એ શિક્ષક કે માબાપનું કામ છે. વાર્તા કહેનારે કઈ વસ્તુ ઉપર ભાર મૂકવો તેનો વિચાર સૂક્ષ્મપણે કરવાનો છે; વાર્તાઓ સામાજિક જીવનનું પ્રતિબિંબ છે, એમાં સમાજનો પ્રાણ વહે છે; એ વાર્તાઓ સમાજનો વર્તમાન આદર્શ અને સ્થિતિ ચીતરે છે, પરંતુ તેમાં ભાવિ સૃષ્ટિની કલ્પના વખતે હોય છે, વખતે નથી હોતી. જે વાર્તાઓ જીવનની પરિપૂર્ણતા અને ઉચ્ચતાનાં પ્રતિબિંબોવાળી છે તે વાર્તાઓ મનુષ્યને આદર્શરૂપ છે. આવી વાર્તાઓમાં રામાયણનું નામ પ્રથમ દરજ્જે છે. સમાજના આદર્શો હંમેશાં બદલાતા રહે છે; ઘણી વાર નીતિમત્તાનું ધોરણ પણ બદલાય છે. આથી વાર્તા કહેનારને માથે મોટી જોખમદારી રહે છે. એક વખત એવો હતો કે સમાજ ચતુરાઈમાં, બીજાથી નહિ છેતરાવામાં અને લાગ આવે તો ટપી જવામાં કુશળતા માનતો. ઘણી વાર એ વસ્તુ નીતિની વિરોધી છે એમ ન લેખાતું. આથી જ ચતુરાઈની વાર્તાનું મહત્ત્વ વધારે અંકાયું હતું, અને એવી વાતો ઘરડાઓ બાળકોને કહીને એમને દુનિયાદારીનું ભાન કરાવવાનો સંતોષ લેતા હતા. તેવી જ રીતે જે સમાજના હૃદયમાં બ્રહ્મચર્યનો નિવાસ ઓછો હતો તેણે પરિણીત જીવનની રસિક વાર્તાઓ વધારે કહી છે. આજે આપણા જીવનનો આર્દશ બદલાતો જાય છે; ભાવિ યુગનો આદર્શ નવો ઘડાતો આવે છે. આવે વખતે કઈ વાર્તાઓ કહેવી અને કઈ ન કહેવી અથવા વાર્તાઓમાં કેવા ફેરફાર કરવા કે જેથી જૂની વાર્તાઓ જૂના લોકોને જેટલી ઉપયોગી થતી હતી તેટલી જ આજની વાર્તા આપણને ઉપયોગી થાય, તેનો વિચાર આપણે નિરંતર કરવો જોઈએ. આ સવાલ વાર્તાની રચના અને કથનના દપ્ટિબિંદુનો છે. વિપયવાસનાને ઉત્તેજિત કરનારી વાર્તાઓને આપણે કુટુંબસ્નેહ પ્રેરીત વાર્તાઓ બનાવી દઈએ; ચતુરાઈની મજા આપનારી વાર્તાઓની આપણે દયા ખાઈએ એવી રીતે તેને કહીએ; ભય ભરેલી વાર્તાઓને આપણે નિર્ભયતા મેળવવા માટે વાપરીએ અને વહેમી વાર્તાઓમાંથી આપણે વિજ્ઞાન દેખાડી દઈએ. વાર્તાઓ માત્ર ખોટી છે એવા અસત્યાશ્રયને કારણે આપણે વાર્તાઓનો ત્યાગ ન કરીએ. પણ ઉપર જોઈ ગયા તેમ ખોટી વાર્તાઓ સાંભળવાથી આપણે ખોટા કેમ થતા નથી અથવા કેમ ન થઈએ તેનો વિવેક કેળવીએ. ખરી રીતે રામાયણ ને મહાભારત લોકવાર્તાઓ છે, અને એવા પવિત્ર ગ્રંથો જૂઠા છે અથવા કલ્પિત છે માટે આપણે એ સાંભળવાથી અસત્યાશ્રયી બની જઈએ એમ આપણે ગળે ન ઊતરે, ત્યાં સુધી કોઈ પણ વાર્તા આપણને ખોટી હોવાથી અસત્યાશ્રયી બનાવી શકતી નથી. બેશક, કહેવાનો એવો આશય નથી કે આપણે આ કલ્પિત વાર્તાઓને જ વળગી રહેવું જોઈએ અને વાસ્તવિક વાર્તાઓને અવકાશ આપવામાં અનુદાર થવું જોઈએ. છતાં ઘણા એમ માને છે કે આપણે કલ્પિત વાર્તાઓનો ત્યાગ જ કરવો જોઈએ. આપણી આસપાસ જે કુદરતની અદ્ભુત કૃતિ છે તેની અનેક ચમત્કારપૂર્ણ વાર્તાઓ છે જ. તે છોડીને શા માટે કલ્પિત વાર્તાઓનો આશ્રય લઈએ ? બેશક કુદરતની ચમત્કૃતિની વાર્તા અતિ અદ્ભુત છે અને એ સાંભળતાં આબાલવૃદ્ધ સૌને મજા પડે જ. પરંતુ આ જે કલ્પિત વાર્તાઓ છે તે તો તેનાથી પણ અદ્ભુત છે. માણસને એકલો અર્થવાદી બનાવવાની જ્યાં સુધી આપણી વૃત્તિ નથી, ત્યાં સુધી આવી કલ્પિત વાર્તાઓને આપણે રાખવી જ પડશે.

લોકવાર્તાના કથન ઉપર એક એવો આક્ષેપ છે કે એ વાર્તાઓ વહેમ ભરેલી હોવાથી માણસ વહેમી થઈ જાય છે. આ ટીકામાં કાંઈક વજૂદ છે; પણ સવાલ એ છે કે કઈ માન્યતા વહેમ ભરેલી ગણાય અને કઈ માન્યતા વહેમ વિનાની ગણાય એનો નિર્ણય કરવો કઠિન છે. અગાઉ જે કેટલીક વસ્તુઓ કેવળ વહેમ લેખાતી તે વસ્તુઓનું ખરાપણું આજે વિજ્ઞાને સિદ્ધ કરી આપ્યું છે, અને કયા વહેમો કપોલકલ્પિત નહોતા પણ આપણને ન સમજાય તેવા સ્થૂળ કે સૂક્ષ્મવિજ્ઞાનના નિયમો ઉપર રચાયેલા હતા તે વિષે આપણે હજુ કંઈ કહી શકીએ નહિ. આ એક વાત છે. બીજી વાત એ છે કે ઘણી વાર વાર્તાકારોનો શોખ જ એવો હોય છે કે તેઓ શુદ્ધ વિજ્ઞાનને કશાકનું રૂપક આપે છે અને તેને ઢાંકી દઈ માણસને સુંદર રીતે વિજ્ઞાન આપવાની નવી રીત અખત્યાર કરે છે. એક એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે વહેમ એ શ્રદ્ધાનું બીજું પાસું છે. આજે જે વસ્તુઓ વૈજ્ઞાનિકને કેવળ વહેમ ભાસે છે તે અધ્યાત્મદ્રષ્ટિએ વાસ્તવિકતા છે એમ માનવામાં અડચણ આવતી નથી. વિજ્ઞાનની ઉપર એક બીજું શાસ્ત્ર છે કે જેના જ્ઞાન વડે માણસ જે વસ્તુનો નિકાલ વિજ્ઞાનથી નથી મેળવી શકતો તેનો નિકાલ તે આ જ્ઞાનથી મેળવી શકે છે. આ વિદ્યા તે અધ્યાત્મવિદ્યા છે. ભૂતપ્રેતાદિ વૈજ્ઞાનિકોને મન વહેમ છે પણ અધ્યાત્મવિદ્યાથી કે યોગવિદ્યાથી માણસ એ યોનિઓનો સાક્ષાત્કાર કરી શકે છે. તે વાત સિદ્ધ થઈ ચૂકી છે. પરીઓની વાતો આજ દિન સુધી વહેમી મગજની કલ્પના હતી; હવે તો પરીઓના ફોટા બહાર પડયા છે. હજી પણ એવી ઘણી વહેમને નામે ચાલતી વાતો ભવિષ્યમાં સાવ સાચેસાચી થવાનો પૂરો સંભવ છે. પક્ષીઓની વાણી અને શુકન એ નર્યા વહેમોના નમૂના છે; પણ હજી વિજ્ઞાને નક્કી કરવાનું છે કે એમાં સત્ય કેટલું રહેલું છે. એક એ વસ્તુ ખ્યાલ બહાર જવી ન જોઈએ કે આપણે જેને શ્રદ્ધા કહીએ છીએ તેની એક બાજુએ વહેમ રહે છે અને બીજી બાજુએ નાસ્તિકતા રહે છે. નાસ્તિકતા તરફ જવા કરતાં વહેમ તરફ જવું એ વધારે સારું છે કે નહિ એ પ્રશ્ન વિચારવા જેવો છે. એટલું તો માનવું પડે છે કે ધર્મની દષ્ટિએ આપણે જેમને ગાંડિયા લેખીએ છીએ કે વહેમનાં પૂતળાં ગણીએ છીએ તેવાઓમાં જેટલી શ્રદ્ધા છે તેટલી શ્રદ્ધા આજના જેને આપણે વહેમમાંથી મુક્ત થયેલા ગણીએ છીએ તેમનામાં નથી. વહેમ અને શ્રદ્ધાને કયાં જુદાં પાડવાં એ પ્રશ્ન જરા નાજુક છે. પણ એટલું તો ચોક્કસ છે કે જે કંઈ માની શકે છે, જેના સ્વભાવમાં થોડીએક પણ ભમી જવાની ટેવ છે, તેનામાં સાચી શ્રદ્ધા આવવાનો સંભવ છે. એકલો જડ વહેમી શ્રદ્ધાવાન બની શકતો નથી. આજના ધર્મમાંથી શ્રદ્ધા ઊડતી જાય છે તેનું કારણ તેના આચરણ કરવાવાળાઓ દિવસે દિવસે જડ વહેમી થતા જાય છે એ છે. લોકવાર્તાના શ્રવણથી માણસ ઘણી વહેમની બાબતો જાણે છે એ ખરું છે; પણ તેથી તે વહેમી જ થઈ જાય એમ માનવાને કારણ નથી. લોકવાર્તામાં આ બાબતમાં આમ મનાય છે એમ જો કહી દઈએ તો બાળકો વહેમમાંથી બચી જાય અને જતે દહાડે વહેમના તરફ વાંસો ફેરવી બેસવાને બદલે તેમાંથી રહસ્ય શોધવા નીકળી પડે. એવા રહસ્યશોધકોને પુરાતત્ત્વવેત્તાઓના નામથી ઓળખી શકીએ. અત્યાર સુધી એવો વહેમ હતો કે વિધવાઓના શુકને જવું એ અશુભકર્તા છે; સવારમાં ભંગીનું મોં જોવું એ કંઈક વિઘ્નની આગાહીરૂપ છે. એ જ વહેમોને આજે આપણે નવી દૃષ્ટિ આપી શકીએ. જે સ્ત્રી પતિવ્રતાનો ધર્મ પાળે છે અને પતિની પાછળ વૈધવ્યદશાનું તપશ્ચરણ કરે છે તે સ્ત્રીનું શુકન શુભ સૂચનની નિશાની છે એમ આપણે કેમ ન સમજાવીએ ? તેમ જ અંત્યજ, જે સેવાનો ઉત્કૃષ્ટ આદર્શ છે છતાં જેનું દર્શન આપણે વિઘ્નસૂચક માનતા આવ્યા હતા, તેમાં કેવળ જડતા હતી એમ આપણે કેમ ન કહી શકીએ ? તત્ત્વાર્થ એ છે કે આપણે વહેમોથી ડરવાનું નથી પણ લોકવાર્તાના વહેમોમાં કાં તો વિજ્ઞાન જોવાનું છે, ભાવના જોવાની છે અથવા તો તેને નવું સ્વરૂપ આપવાનું છે. ઘણાઓ એમ માને છે કે ભય ભરેલી વાર્તાઓના શ્રવણથી ભયનો સંચાર થાય છે અને તે બાળકોને નુકસાન કરે છે. આ વાત સાચી છે. બીક એ મનુષ્યમાં સ્વભાવતઃ છે જ, અને આવી વાર્તાઓથી એ સ્વભાવને પોષણ મળે છે. આજે નાનપણમાં એવી વાર્તા સાંભળેલા ઘણા એ જ કારણે બીકણ બની ગયેલા હોય છે તે ખરી વાત છે. પણ બરાબર તપાસીએ તો એકલી વાતોથી માણસ બીકણ ન થઈ શકે. વાત એમ છે કે પહેલેથી જ આપણે અમુક બાબતો બીવરાવનારી છે એમ બાળકોને છેક નાનપણથી ઠસાવીએ છીએ; બાળક તો માત્ર પાછળથી એનું દઢીકરણ કરે છે. પ્રેરણાથી બાળક બીએ છે; તેની બીક પશુની બીક જેવી સ્થૂળ છે. જે તેને ઈજા કરે છે તે તેને ભયરૂપ છે. કુદરતી રીતે બાળક અંધારાથી બીતું નથી; બાઉ કે હાઉની તે દરકાર કરતું નથી; ભૂતપ્રેતની તો તેને કલ્પના પણ આવી શકતી નથી. પણ માબાપો આ બધી વસ્તુમાં કંઈક બીક છે એવું તેમને વારંવાર બીવરાવીને ઠસાવી દે છે, અને પાછળથી વાર્તાઓ આ બીકને મજબૂત કરવામાં સારો એવો હિસ્સો આપે છે. આનો અર્થ એવો નથી કે માણસને બીકણ બનાવવાના ગુનામાંથી વાર્તા મુક્ત છે. પણ તેનો પણ ઉપાય છે. જે સઘળી ખરેખર બીકની વસ્તુઓ નથી તેનાથી આપણે બીએ નહિ કે બીવરાવીએ નહિ. દાખલા તરીકે ભૂતપ્રેત છે એ હકીકતથી આપણે બાળકોને વાકેફ કરીએ, પણ અમેરિકાના લોકોથી બીવાનું કારણ નથી તેમ ભૂતપ્રેતોથી બીવાનું કારણ નથી એમ આપણે સમજાવી શકીએ. એવી જ રીતે સ્મશાનથી બીવાનું કારણ નથી કારણકે મહાયોગી શંકરની એ પ્રિય ભૂમિ છે તેમ તે આપણો આખરનો વિસામો છે, એમ સમજાવીને આપણે સ્મશાનનો ભય કાપી નાખી શકીએ. એક ભય છે કે આમ નવો અર્થ આપતાં વાર્તામાંથી ભયાનક રસનો લોપ થાય; પણ તેની આપણને ચિંતા નથી. આપણે વાર્તા તો રાખવી છે પણ તેનું નુકસાન જોઈતું નથી; અને આ ભયની ઉત્પત્તિ તે ખરેખરું નુકસાન છે. વાર્તાથી માણસને ગાંડો બનાવી દેવામાં આવે છે એવો જે આક્ષેપ છે તે વાર્તાઓમાં રહેલા આ ભયંકર રસને લીધે છે. હકીકત પણ ખરી છે કે નાનપણમાં સાંભળેલી વાતો માણસ જુવાનીમાં ભૂલી જાય છે; અથવા તો જુવાનીમાં મગજના અને શરીરના સ્નાયુઓ એટલા બધા બળવાન હોય છે કે માણસના ઉપર નાનપણમાં થયેલી ભયની અસર જણાતી નથી. પણ ફરી વાર જ્યારે માણસ ઘરડો થાય છે, સ્નાયુઓની નબળાઈ વધે છે અને મગજને બીજું કંઈ કામ કરવાનું હોતું નથી, ત્યારે જૂની ભય ભરેલી વાર્તાઓ એની આગળ ખડી થાય છે અને માણસને બીવરાવે છે. પણ આથી વાર્તાઓનો બહિષ્કાર થવો ન જોઈએ. ઊલટું એ ભયના તત્ત્વને આપણે નવી દષ્ટિથી જોતાં શીખી જવું જોઈએ અને તેનો નવીન રીતે પરિચય કરી લેવો જોઈએ. ઘણા માણસો ચીબરીને બોલતી સાંભળી કંઈક અપશુકન થયું એમ ધારી ભય પામે છે. મારા મિત્ર મૂળજીભાઈને ત્યાં અમે એકાંતમાં રાતે બાર વાગે બેઠા હતા; સ્થાન નિર્જન હતું. એકાએક ચીબરી બોલી. મેં કહ્યું: "મૂળજીભાઈ ! ચીબરી બોલી" મારા કહેવામાં જરા ભય હતો. પણ મૂળજીભાઈએ કહ્યું: "અહીં આ સ્થાન એટલું બધું વેરાન છે કે અહીં ભાગ્યે જ કોઈ પશુપક્ષી રહે છે. આવી રીતે ચીબરી કોઈ વાર બોલે છે ત્યારે ઘણો આનંદ થાય છે. રાતની શાંતિમાં આ ચીબરીનો અવાજ જરા મજા આપે છે.” ભયંકર મનાતી વસ્તુને પણ નવી દૃષ્ટિથી કેવી રીતે જોવી તેનું આ એક દષ્ટાંત છે. વળી એક વાત એ પણ જોવા જેવી છે કે કેટલાએક સાક્ષાત્ ભયો છે, તે ભયોને આપણે વાર્તા દ્વારા બાળકો પાસે મૂકવામાં વાંધો ન હોવો જોઈએ. અમુક રીતે આવા ભયોના પરિચયથી જ તેનું ભયંકરપણું ઘસાઈ જવાનો સંભવ છે. પણ આ બાબતને બહુ ટેકો આપવા જેવું નથી. જો વહેમ કે ભયને નવું સ્વરૂપ આપી શકાતું ન હોય અને વહેમ કે ભય, તે તે રૂપે જ વાર્તામાંથી બાલમન ઉપર ઠસી જવાનો સંભવ હોય તો તેવી વાર્તાઓનો જરૂર ત્યાગ કરવો જોઈએ. હરકોઈ નુકસાને ગમે તેવી વાર્તા કહેવાનું ભૂત આપણને ન વળગવું જોઈએ. વાર્તા બાળકોના હિત માટે છે એટલે એમના હિતની વિઘાતક વાર્તા આપણે કદી ન જ કહીએ. પણ આપણે જો એક અથવા બીજા કારણે વાર્તાઓને કાઢી નાખવા બેસીએ તો બાળકોનો કુદરતી ખોરાક આપણે લઈ લીધો કહેવાય. માટે જ તેમાં જ્યાં ઝેર ચડયું હોય ત્યાંથી તે લઈ લેવાનું અથવા ઝેરમાંથી અમૃત કરવાનું કામ આપણે હાથ ધરવાનું છે.


  1. All poets are liars