વાર્તાનું શાસ્ત્ર/વાર્તા અને નાટ્યપ્રયોગો

પ્રકરણ આઠમું
વાર્તા અને નાટયપ્રયોગ

છેક નાનાં બાળકોમાં અનુકરણ કરવાની શક્તિ પ્રબળ હોય છે. અનુકરણ કરવું એ સ્વાભાવિક વૃત્તિ છે અને એ જ આ શક્તિનું એક કારણ પણ છે. માને લૂગડાં ધોતી જોઈ બાળક ધોવા ચાહે છે; માને રોટલી વણતી જોઈ બાળક રોટલી વણવા માગે છે; માને ઘર વાળતી જોઈ બાળક વાળવા દોડે છે. આપણે ચાલીએ છીએ, બોલીએ છીએ કે જે કંઈ કામ કરીએ છીએ તે બધું બાળક બારીક નજરે જુએ છે ને તે પ્રમાણે પોતે કરવા લાગે છે. બાલ્યાવસ્થામાં જે અનેકવિધ જ્ઞાન અને શક્તિ બાળક પ્રાપ્ત કરે છે તેને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાનું એક સાધન બાળકની આ અનુકરણ કરવાની વૃત્તિ છે. આ શક્તિ એક સાધન માત્ર છે. સાધન તરીકે જ્યાં સુધી અનુકરણશક્તિ વાપરવામાં આવે છે ત્યાં સુધી બાળકના વિકાસને અવકાશ રહે છે; પણ જ્યારથી એ શક્તિ સાધન મટી સાધ્ય બની જાય છે ત્યારથી બાળકનો વિકાસ અટકે છે. માણસ જિંદગી સુધી બીજાનું અનુકરણ કર્યા કરે અને પોતાના આંતર હૃદયને અનુસરીને કામ કરી શકે નહિ, તો આપણે સમજવું કે તેની અનુકરણ કરવાની વૃત્તિને એટલું બધું અસાધારણ પોષણ મળી ગયેલું છે કે તેને પરિણામે અનુકરણવૃત્તિના દબાણથી સ્વયંસ્ફુરિત ક્રિયા કરવાની શક્તિ છેક કચરાઈ ગયેલી છે. અનુકરણ કરવાની વૃત્તિ પ્રેરણા છે; એ પ્રેરણાથી માણસને કુદરતી લાભ મળે છે. પણ કેવળ પ્રેરણાથી મળતા વિકાસ સુધી જઈને અટકી જવું એટલે તો પશુમાંથી મનુષ્ય ન બનવા સમાન છે. આથી જ અનુકરણ કરવાની વૃત્તિના અવકાશને મર્યાદાની જરૂર છે. બાળક બીજાને જ અનુસરે છે તે બાળક પોતાની વૃત્તિને અનુસરતું નથી એમ કહી શકાય; ને જે બાળક બીજાને અનુસરવા ઉપરાંત પોતાને અનુસરતું નથી તેનામાં વ્યક્તિત્વ નથી એમ માની શકાય. કેળવણીનો ઉદ્દેશ માણસને વ્યક્તિત્વ આપવાનો છે, ને અનુકરણશક્તિ કે વૃત્તિનો આ વ્યક્તિત્વ સ્થાપિત કરવા માટે ઉપયોગ કરવાનો છે. આથી જે જે કેળવણીનો પ્રબંધ અત્યંત અનુકરણશીલતાને કેળવવા મથે છે ને તેના ઉપર ભાર આપે છે, તે તે પ્રબંધ બાળકના વ્યક્તિત્વના વિકાસની આડે આવે છે; પણ જે પ્રબંધમાં વ્યક્તિત્વના વિકાસ અર્થે અનુકરણને મર્યાદામાં અવકાશ છે તે કેળવણીનો પ્રબંધ યથાર્થ છે. વ્યક્તિના વિકાસ માટે અનુકરણ હથિયાર અથવા સાધન તરીકે સ્વીકાર્ય છે, પણ વ્યક્તિત્વને સ્થાને અનુકરણનું અધિષ્ઠાન ત્યાજ્ય છે. આપણે અસલ અને નકલનો ભેદ સમજીએ છીએ; આપણે કારકુન અને શેઠનો ભેદ સમજીએ છીએ; આપણે યંત્ર ને ઇજનેરનો ભેદ સમજીએ છીએ. વ્યક્તિત્વ એ અસલ વસ્તુ છે, અનુકરણ નકલ છે; વ્યક્તિત્વ શેઠ છે, અનુકરણ કારકુન છે; વ્યક્તિત્વ ઇજનેર છે, અનુકરણ યંત્ર છે. કેળવણીમાં અનુકરણનું આવું સ્થાન આંકયા પછી આજે એ વૃત્તિને કેવી જાતનો અવકાશ છે તે જોઈએ. બાળક માતા પેઠે કરવા દોડે છે ત્યારે તે તેને તેમ કરવા દેવાની ના પડે છે; બાળક પિતા જેમ કરવા દોડે છે ત્યારે તે તેને તેમ કરતાં રોકે છે; આપણે જેમ કરીએ છીએ તેમ બાળકને કરવા દેવું માબાપને પાલવતું નથી કારણકે એથી માબાપને પોતાનું કામ છોડી બાળક પ્રત્યે ધ્યાન આપવામાં રોકાઈ રહેવું પડે છે, બાળકને હાથે બનતા કામથી થતું નુકશાન સહેવું પડે છે, અને બાળકના અપૂર્ણ કામથી તેમને સંતોષ માનવો પડે છે. મોટાંઓ અને નાનાંઓ વચ્ચે આ સ્થળે જ્યારે વિરોધ જન્મે છે ત્યારે બાળક અનુકરણ કરી વાસ્તવિકતા શોધવા મથે છે. બાળક અનુકરણનું શરણ લઈ જ્યારે પોતાનો આત્મા વિકાસવા માગે છે, એટલે કે અનુકરણના સાધન વડે તે વ્યક્તિત્વ શોધવા આગ્રહ કરે છે ત્યારે મોટાંઓ તેને કેવળ અનુકરણ કરતું જ રાખવા માગે છે. તેને તેઓ નાના પ્રમાણમાં સઘળી ક્રિયાઓ કરવાને અવકાશ આપતાં નથી અને મોટાંઓની ક્રિયાઓ સાચેસાચ કરવા દેવાને બદલે તે ક્રિયાઓનું ખોટું ખોટું કરવા દેવાને ધકેલે છે. દાખલા તરીકે જ્યારે બાળક સાચેસાચી નાની એવી પાટલી ને નાના એવા વેલણથી સાચેસાચા લોટની રોટલી વણવા માગે છે ત્યારે બાળક તે કામ માટે લાયક નથી એમ ઠરાવી તેને તે આપવામાં આવતાં નથી, પણ તેને બદલે તેના હાથમાં સંસારની રમતનાં રમકડાં મૂકવામાં આવે છે કે જે રમકડાં નાની એવી પાટલી અને નાનું એવું વેલણ માત્ર હોય છે. આથી બાળકનો આત્મા તૃપ્તિ પામતો નથી કે તેના વ્યક્તિત્વને લાભ મળતો નથી. પણ જ્યારે બાળક જાણે છે કે તેની વૃત્તિને કોઈ રીતે અવકાશ નથી મળતો, ને સાચેસાચી દુનિયાનો સાચેસાચો પરિચય કરતાં તેને બધાં રોકે છે ત્યારે તે પોતાની આસપાસ ને પોતાના અંતરમાં કલ્પિત સૃષ્ટિ રચે છે અને છેવટે તેમાં આનંદ લેવા- પ્રયત્ન કરે છે. આ રોકાયેલી વૃત્તિમાંથી ઘર ઘરની, ગાડી ગાડીની, ભાતું ભાતું'ની ને એવી એવી રમતો જન્મે છે. બાળકને ઈચ્છાએ કે અનિચ્છાએ આવી રમતોમાં રસ લેવો પડે છે. બાળકને જ્યારે આમ કલ્પનામાં વિહરવું પડે છે ત્યારે બાલજીવનને અવલોકનારા ભુલાવામાં પડી માનસશાસ્ત્રનો એવો સિદ્ધાંત ઘડે છે કે બાળક વાસ્તવિકતા કરતાં કલ્પનાપ્રધાન વધારે છે. પરંતુ ખરી રીતે તો બાળક આવી જાતનું કલ્પક ત્યારે જ બનેલું છે જ્યારે તેને વાસ્તવિકતાના પ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવેલું છે. આ વાતની માનસશાસ્ત્રીને ખબર હોતી નથી. આવી નાની નાની રમતોમાં માનસશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ બાળકોની આવી નાટયપ્રયોગ કરવાની વૃત્તિને જુએ છે, ને એ વૃત્તિ ઉપર નાટ્યપ્રયોગને શિક્ષણમાં યોજવાની વિચારણા ઘડે છે. ખરી રીતે તો અનુકરણ કરવાની શુદ્ધ વૃત્તિમાં જ બાળકની નાટયવૃત્તિનું દર્શન થાય છે. જો એ શુદ્ધ વૃત્તિને અવકાશ મળે અને બાળકને કલ્પનાના પ્રદેશમાં ધકેલી દેવામાં ન આવે તો બાળક સાચેસાચ પોતાની નાટયવૃત્તિનું ઉત્તમ ફળ આપણને આપી શકે. બાળકમાં નાટયવૃત્તિ એ એક વૃત્તિ છે જ. એ વૃત્તિને બીજી રીતે આપણે સિદ્ધ અનુકરણવૃત્તિ પણ કહીએ. માણસના પોતાનામાં જે વ્યક્તિત્વ છે તે વ્યક્તિત્વ ખીલવવા માટે આ નાટયવૃત્તિનો આપણે ઉપયોગ કરી શકીએ. આ વૃત્તિનો સફળ અને ઉત્તમ ઉપયોગ ત્યાં જ થાય છે કે જ્યાં મનુષ્યનું ખુદ વ્યક્તિત્વ જ નાટયકારનું કે નટનું છે. બીજે બધે ઠેકાણે અનુકરણ સાધન છે પણ જ્યાં વ્યક્તિત્વ પોતે જ નટનું છે ત્યાં અનુકરણ સાધ્ય પણ છે. ઘણા એવા માણસો છે કે જે ફતેહમંદ નાટકકારો છે; એ જ એમનો જીવનવ્યવસાય છે ને એમાં જ એ પૂરેપૂરી સફળતા પામે છે. આવા માણસોને નાટયપ્રયોગની પ્રવૃત્તિ અત્યંત હિતકારક છે. આવા માણસોનાં અનુકરણો, કોઈ નકલ કરનાર કારકુનના કામની બરોબર નથી પણ એમને તો એ કામમાં ઉપરની વૃત્તિનું ભાન થાય છે; એમને તો એ અસલ કામ છે. બધાં બાળકો નટો નથી હોતાં પણ ઘણાં બાળકો નટવૃત્તિમાં રસ લેનારાં હોય છે. કેટલાંએક બાળકો તો નટ જ જન્મેલાં હોય છે. જે બાળકો નટ જન્મેલાં હોય છે તેમને નાટયપ્રયોગ-પદ્ધતિનું બધું શિક્ષણ આપવાની યોજના થવી જોઈએ. તેમની અનુકરણ કરવાની શક્તિને ઉત્તમ દરજ્જે ચઢાવવી જોઈએ કેમકે એ વિષયમાં ઉત્તમ પ્રકારનું અનુકરણ એનું જ નામ નટનું વ્યક્તિત્વ છે. આથી શાળામાં નાટયપ્રયોગને સ્થાન આપી શકીએ છીએ. જીવનમાં જેમ આપણે અનુકરણને સ્થાન આપવું જોઈએ, તેમ શાળામાં નાટયપ્રયોગને સ્થાન આપવું જોઈએ. પણ જેમ અનુકરણથી માણસ વ્યક્તિત્વ ખોઈ ન નાખે તેવી કાળજી રાખવી પડે છે, તેમ જ નાટયપ્રયોગની પ્રવૃત્તિથી માણસ સાચો નટ થવાને બદલે નાટકિયો ન બની જાય તે જોવાનું રહે છે. બધા માણસો નટ બની જાય એ સંભવિત નથી, તેથી આપણે તેવી ઇચ્છા પણ ન કરીએ. પણ ઘણા આજન્મ નટો તેની કેળવણીના અભાવે માર્યા ન જાય તે તરફ આપણે લક્ષ આપવું જોઈએ. શાળામાં નાટયપ્રયોગને સ્થાન ન આપીએ તો આપણે કુદરતે સરજેલા નટોને મનુષ્યકૃતિથી મારી નાખીએ. વળી કેટલાએક એવા છે કે જેઓ જાતે નટ થઈ શકતા નથી પણ નાટયરસનો સ્વાદ લઈ શકે છે, તેમની કેળવણીનો, તેમની રસવૃત્તિ વિકસાવવાનો પ્રબંધ આવશ્યક છે. આમ નાટયપ્રયોગને શાળામાં આવશ્યક સ્થાન મળે છે. નાટયપ્રયોગને માટે ઘણાં સાધનો છે પણ તેમાં વાર્તા સૌથી ઉત્તમ સાધન છે. નાટકમાં નટ હંમેશાં પોતાને ગમતી બીજાની વૃત્તિઓને પોતાનામાં વ્યક્ત કરવા મથે છે. જેટલા પ્રમાણમાં નટ અન્યની વૃત્તિઓને, ગુણોને અને લાગણીઓને પોતાનામાં સ્પષ્ટપણે વ્યક્ત કરી શકે છે તેટલા પ્રમાણમાં નટનું કામ ફતેહમંદ ગણાય છે. ઉચ્ચ કોટિના નટોમાં આ પ્રકાર સ્વાભાવિક છે. જે નટ મૂળ વસ્તુના આત્માને પોતાનામાં સંપૂર્ણપણે પ્રગટ કરી શકે છે તે નટને પોતાને પણ આત્મભાન થાય છે, તેમ જ તેના પ્રેક્ષકોને પૂર્ણ આનંદ મળે છે. નાટકની સફળતા પણ એમાં જ છે કે નાટયવૃત્તિવાળા આત્માઓને તેમની વૃત્તિ દ્વારા આત્માનું ભાન કરાવવું. બાળક જ્યારે વાર્તાઓ સાંભળે છે ત્યારે તેની આંખ આગળ વાર્તાનાં પાત્રો ખડા થાય છે. તેને વાર્તાના પાત્રો જીવતાંજાગતાં ભાસે છે ને તેમની લાગણીની સાથે પોતાની લાગણીનો એકમેળ તેને અનુભવગમ્ય બને છે. જે બાળકો નટ હોય છે તેમને એ વાર્તાનાં પાત્રોના ભાવો, લાગણીઓ વગેરે એટલાં તાદશ અને ચેતનાભર્યા લાગે છે કે તે તેમની સાથે એકમયતા અનુભવે છે એટલું જ નહિ, પણ તે તે પાત્રોની લાગણીઓ વગેરેને વ્યક્ત રીતે અનુભવવા ચાહે છે. આમાંથી તે નાટક કરવા પ્રેરાય છે. કેળવણીમાં કામ કરનારા ઘણાઓનો અનુભવ છે કે બાળકો વાર્તાઓ સાંભળ્યા પછી અથવા એકાદ નાટક જોયા પછી તરત તેને પોતાની જાતે અનુભવવા-ભજવવા મંડી પડે છે. વાર્તા સાંભળનાર નટબાળકને વાર્તાનાં પાત્રો એવાં તો અસર કરે છે કે વાર્તાનું નાટક ભજવ્યા વિના પણ તે પાત્રોના ભાવો તે જ્યાં ને ત્યાં વ્યક્ત કરે છે. કોઈ બાળક વાર્તાના પાત્રને ભજવવા લાગે છે તો કોઈ બાળક વાર્તાના પાત્રનું સંગીત ગાય છે; કોઈ બાળકવાર્તાની ગ્રામ્યતામાં રસ લઈ ગ્રામ્યાચરણ કરે છે તો કોઈ બાળક વાર્તાની મહત્તા પ્રગટ કરનારાં પાત્રોની મહત્તા પોતાનામાં દમામથી દેખાડે છે. બાળકને એમ થયા કરે છે કે પેલું પાત્ર જાણે આમ બોલ્યું હશે ને પેલું પાત્ર જાણે આમ ચાલ્યું હશે, અને તેથી જાણેઅજાણે બાળક વાર્તાનું નાટક ભજવે છે. નાટક ઉપરથી નાટક ભજવવાનું તુરત સૂઝે છે, પણ વાર્તા ઉપરથી નાટક ભજવવાનું એકદમ સૂઝતું નથી. એનો અર્થ એ છે કે વાર્તાના કથનથી પોતાનામાં અવિર્ભાવ પામતી નાટયવૃત્તિને કેમ ગતિ આપવી તેની બાળકને સુવ્યવસ્થિત અને ચોક્કસ ખબર પડતી નથી. નાટક ઉપરથી નાટક કરવામાં પણ વાર્તાને ભજવવાનું જ આવે છે; પ્રત્યેક નાટકનું વસ્તુ પણ સાધારણ રીતે એકાદ વાર્તા જ છે. બાળકમાં રહેલી આ સહજ નાટયવૃત્તિને સંતોષ આપવાનું બને તો બાળકને એ વૃત્તિ શાળાની બહાર ગમે તેવી પરિસ્થિતિમાં અને કલ્પિત સાધનોથી તૃપ્ત કરવાની જરૂર ન પડે. એમને અને અમારી આ વૃત્તિને શાળામાં પોપણ મળ્યું હોત તો આજે અમે જેટલું દુનિયાનું નાટક સમજી શકીએ છીએ તેનાથી કદાચ વધારે સારી રીતે સમજી શકત. બાળપણમાં બાળકોથી નાટક થઈ શકે એવું તો અમને કોઈએ બતાવેલું નહિ; પણ એકવાર અમે એકાદ ગામડામાં 'સંગીત લીલાવતી' અને 'હલામણ જેઠવો'ના ખેલો જોયા. અમારામાં રહેલ નાટયવૃત્તિમાં એક ચિનગારી પડી. ઘેર આવીને અમે નાટક કરવા મંડયા. કોઈ થયો હલામણ તો કોઈ થયો સયાજી, તો કોઈ થયો સોનરાણી. એક આણી હલામણ જેઠવાનાં નાટકનાં ગાયનોની ચોપડી ને તે ગોખી નાખી. પછી તો નાટક ચાલ્યું. શેરીની વચ્ચે ખુલ્લા આકાશની ચાંદની નીચે અને આસપાસ આવેલાં મકાનોના પડદા વચ્ચે અમે વેશ ભજવવા લાગ્યા. હલામણ વિદેશવાટે ઊપડયો ને તેણે ગાયું :- વિદેશવાટ જાઉ છું આ વાર, ઘુમલી ! પ્રિયાવિયોગ તાપસે આ વાર, ઘુમલી ! હલામણ જંગલમાં ચાલ્યો. જંગલ માટે અમે પીપર અને લીમડાનાં ડાંળખાં રસ્તાનાં ઝાડ ઉપરથી કાપીને અમારી રંગભૂમિ ઉપર ખોડી રાખ્યાં હતાં. પણ અમારો નાટક કરવાનો શોખ તો વધવા લાગ્યો. ધીરે ધીરે એમાં વીશ વીશ વરસના મોટા છોકરાઓ ભળ્યા. તેઓ થયા અમારા મેનેજર, પ્રોપ્રાયેટર અને વ્યવસ્થાપક. પછી અમે શેરીની વગર રજાએ 'સંગીત લીલાવતી'નો ખેલ મૂક્યો. શેરી આખી જોવા આવી. વાંસડા અને પડદાનું થિયેટર પણ બનાવેલું. અમે જાતજાતના રંગોથી મોઢાં રંગેલાં ને મૂછો પણ બનાવેલી. પચાસ વરસના એક આદમીને અમારી પ્રવૃત્તિ ન ગમી. તેનો દીકરો રાજાનો નોકર થયો હતો. હું પ્રધાન હતો અને એક બીજો રાજા હતો. રાજાએ કહ્યું : 'નોકર બોલાવો.' મેં બૂમ પાડી : 'કોણ નોકર? હાજર છે કે? એટલે પેલો છોકરો આવ્યો ને ત્રણ વાર સલામ ભરી ઊભો રહ્યો ને બોલ્યો : 'જી જનાબ ! હુકમ ફરમાવો.' પોતાના છોકરાને સિપાઈ બનેલો જોઈ પેલાને ચીડ ચડી ને તેણે અમને ગાળો દીધી ને અમારો મંડપ તોડી નાખ્યો. અમે એવા ને એવા વેશે ને એવી ને એવી શાહીથી બનાવેલી મૂછો સહિત ઘરભેગા થઈ ગયા! પછીથી અમે ઘણા દિવસ છાનામાના નાટક કર્યું. નાટકના દિવસોમાં અમને કંઈ બીજું સૂઝે જ નહિ. નિશાળમાં વાંચવાનો ઢોંગ કરીને નાટકનાં ગાયનો ગોખતા; ઘેર પણ ગાયનોનું જ લેસન કરતા. એકવાર તો અમે અમારા માસ્તરને પણ અમારું નાટક જોવા બોલાવેલા. અમે રામાયણનું નાટક પણ કરતા. ખાસ કરીને ઋષિઓના યજ્ઞો બનાવતા. તે યજ્ઞો શેરીની ધૂળથી કરતા ને પછી તેમાં ધૂળનો જ હોમ કરતા. તોફાની છોકરાઓને રાક્ષસ બનાવતા. તેઓ યજ્ઞો તોડી નાખતા, ગંદા કરી જતા ને બગાડી નાખતા. આ નાટક અપૂર્વ ઉત્સાહથી અને અસાધારણ તલ્લીનતાથી ચાલતું. અત્યારે હવે અમને લાગે છે કે અમને આ ધૂળની રમતથી રમતા જોનારાં મોટેરાંઓને અમે ગાંડા જેવા લાગ્યા હઈશું. ઇતિહાસે પણ અમારી નાટયવૃત્તિને સ્પર્શ કરેલો. ઐતિહાસિક પાત્રોનો વેશ ન લેતા પણ તેનો અધિકાર ધારણ કરતા. બે મંડળીઓ થતી અને પછી સામસામે લડતી. લડાઈ સાચેસાચી કરતા; મારામારી થતી ને લોહી પણ નીકળતું. પછી તહનામાં, કોલકરારો ને સંધિઓ થતી. ખંડણી ભરવાની ગોઠવણ પણ કરવામાં આવતી. હારેલી મંડળી એકાદ કાગળનો કટકો કે એકાદ બુતાન આપે તો તેની ખંડણી થઈ કહેવાય. ઈતિહાસની લડાઈમાં અમે મહાભારતની લડાઈની નીતિ આચરતા. યુદ્ધનો વખત નક્કી કરતા ને યુદ્ધ થઈ રહ્યા પછી ભેગા હળતામળતા. દાવપેચ રાખતા નહિ પણ બાહુબળ ઉપર આધાર રાખતા. આ અમારી નાટયવૃત્તિનાં દૃષ્ટાંતો. દરેક બાળકમાં આ વૃત્તિ એકવાર આવી જઈને તેને કોઈ ને કોઈ જાતનો વિકાસ આપી જાય છે. આ જન્મ નટને તે મોટો નાટકી બનાવે છે ને બીજાઓને નાટયપ્રયોગમાં રસ લેતા કરે છે; કેટલાકને વળી દુનિયાનું નાટક સમજવાની દૃષ્ટિ આપે છે. આવી વૃત્તિને વિકાસ આપવાનું કામ શાળાઓએ ઉપાડી લેવાનું છે. સામાન્ય રીતે વાર્તાનું કથન થઈ રહ્યા બાદ જો બાળકોને સૂચના રૂપે કહેવામાં આવે કે આ વાર્તાનું જેને નાટક કરવું હોય તે કરે, તો ઘણાં થોડાં બાળકો એવાં નીકળશે જે નાટક કરવા માટે મંદોત્સાહ જણાશે. દરેક બાળક વાર્તા કહેનારને કહેશે કે મને નાટકમાં રાખો. કેટલાંએક અરસિક બાળકો પોતાને ગમતા બીજા કામે ચાલ્યાં જશે અને કેટલાંએક ભજવવાને રાજી નહિ પણ જોવાને ખુશી હશે એવાં નાટક જોવા ઊભાં રહેશે. આખી વાર્તા બાળકોના મગજમાં તાજી હોય છે; શિક્ષકે કરેલો અભિનય તેમની આંખ આગળ હોય છે. બાળકો આ સમયે પોતે જ જાણે શિક્ષક બનીને અથવા આગળ વધીને લખીએ તો વાર્તાના પાત્રો બનીને વાર્તાનો રસ લૂંટવા માગે છે. દરેક બાળક વાર્તાનું એક એક પાત્ર બની જાય છે. શિક્ષક તેમાં મદદગાર હોય છે ને નથી પણ હોતો. સામાન્ય રીતે શાળામાં જ્યાં જ્યાં વાર્તાનાં નાટકો થાય છે, ત્યાં ત્યાં બાળકોને સામગ્રીની બાબતમાં સંપૂર્ણપણે કલ્પનાના પ્રદેશમાં વિચરવું પડે છે. આથી કલ્પનાશક્તિ ખીલે છે એમ કેટલાક માને છે, ત્યારે બીજા કેટલાએકનું માનવું છે કે એથી કલ્પનાશક્તિ નબળી પડે છે ને બાળક વાસ્તવિકતામાંથી નીકળી અંધ માન્યતાના પ્રદેશમાં પેસે છે. આ પ્રશ્નનો નિર્ણય અત્રે કરવાની એટલી બધી આવશ્યકતા નથી. પણ એટલું તો શિક્ષકે ધ્યાન પર લેવાની જરૂર છે કે વાસ્તવિકતા એટલે કલ્પનાનો અભાવ એ માન્યતા ભ્રમમૂલક છે. ખરી રીતે તો વાસ્તવિકતામાંથી કલ્પનાનો જ પ્રાદુર્ભાવ થવો જોઈએ. જે કલ્પના વાસ્તવિકતામાંથી જન્મે તે કલ્પના જ કલ્પના નામને પાત્ર છે; બાકી અવાસ્તવિકતામાંથી જેની ઉત્પત્તિ છે તે તો હવાઈ કિલ્લા સમાન છે. આ વિપયની ચર્ચા અન્ય સમયે કરવાનું રાખી અત્યારે તો એટલું જ સમજવાનું કે જ્યારે બાળકો નાટક કરે ત્યારે સંસારની રમતમાં જેમ બધું કલ્પે છે તેમ ન કલ્પતાં બને તેટલું તેનું નાટક વાસ્તવિક કરે તો સારું. આથી સાધનસામગ્રીનો પ્રશ્ન ઉપસ્થિત થશે. નાટકશાળાના નાટક જેટલી સામગ્રીની તૈયારીની અપેક્ષા આવા બાલનાટયપ્રયોગમાં નથી; છતાં મર્યાદામાં રહી જેટલી વાસ્તવિકતા લાવી શકાય તેટલી લવાય તો સારું. નાટકનાં પાત્રો ગોઠવવા અને પાત્રોએ શું શું બોલવું ને કેમ અભિનય કરવો વગેરે બાબતો નક્કી કરવા બાળકોને છૂટાં મૂકી દેવાં. આથી જરા વખતનો થોડોએક વધારે વ્યય થશે, પણ બાળકોને નાટકશાળાનું સ્વરાજ ચલાવતાં આવડશે ને બાળકો પોતાની ખરી રુચિ પ્રગટ કરશે. કોણ કયા કામને માટે વધારે લાયક છે તે બાળકો જ શોધી કાઢશે; કોને નાટકમાંથી કાઢી નાખવાં તે બાળકો પોતે જ નક્કી કરશે. વાર્તાનો કયો ભાગ તેમને વધારે ગમી ગયો છે, કયા ભાગનો અભિનય તેમના હૃદયમાં પેસી ગયો છે, વાર્તાએ તેમના ઉપર કયા રસની અસર કરી છે, એ તુરત જ જણાઈ આવશે. શિક્ષકે તો માત્ર દૃષ્ટા થઈને જોવાનું છે. જ્યાં બાળક મદદ માગે ત્યાં તેને તે આપવાની છે અને બાળકોનું નાટક જોઈ તેમને અભિનંદન અને ઉત્તેજન આપવાનાં છે. જ્યારે નાટક ચાલવા માંડશે ત્યારે શિક્ષક જોઈ શકશે કે કયું બાળક ખરો નટ છે, કયું બાળક ભાષાની દૃષ્ટિથી નાટકમાં પેસે છે ને કયું બાળક પોતાની ક્રિયા કરવાની વૃત્તિથી એમાં પડેલ છે. બાળકો પોતાની મેળે જ પાઠ લેશે ત્યારે શિક્ષકને તરત જ જણાશે કે દરેક બાળકને કયો પાઠ પ્રિય હોવાથી તે પાઠના પાત્રની કઈ વૃત્તિ તેને વધારે ગમેલી છે. સ્વતંત્ર રીતે સ્વતંત્ર આબોહવામાં બાળકોને નાટકો કરવા દેવાય તો બાળકોનાં વલણો સંબંધે આપણે ઘણું જ જાણી શકીએ. ક્ષત્રિયનો પાઠ લેવાનું અમુક જ બાળકને વધારે આકર્પણ લાગે છે; કેટલાક બાયલા છોકરાઓને સ્ત્રીઓના પાઠ લેવા એકદમ ગમી જાય છે. મૂરખ અને અનાડી છોકરાઓને વાંદરાનો, ચોરનો, વાઘનો ને એવા વેશો લેવા ગમે છે. કેટલાએક બહાદુરોને સિપાઈનો, હવાલદારનો ને ફોજદારનો વેશ લેવો ગમે છે. કેટલાંએક માગણવૃત્તિવાળાં બાળકોને ગામોટ કે મહારાજનો વેશ લેવાનું ઘણું મન થાય છે. કેટલાંએક વિનોદી કે ટીખળી બાળકોને વિદૂષક કે મશ્કરાનો વેશ લેવાનું રુચે છે. રસિક બાળકો વેશ પહેરવામાં તેમ જ ચાલવાની અને બોલવાની છટામાં પોતાની રસવૃત્તિ પ્રગટ કરે છે. સંગીતનાં શોખીન બાળકો તો ગાવાની વૃત્તિને તૃપ્તિ આપવાનો એક અધિક મોકો અભિનંદે છે. બાળકોને જો સ્વયં નાટક કરવાનો શોખ લાગે તો વાર્તાનાં નાટકોમાંથી ઇતિહાસનાં નાટકો પર, ભૂગોળનાં નાટકો પર અને શાળામાં ચાલતા બીજા વિષયોનાં નાટકો ઉપર લઈ જઈ શકાય. અગત્યની ભલામણ કરવાની છે તે એ જ કે નાટકનું કામ તદ્દન ઐચ્છિક જોઈએ. માત્ર નટવૃત્તિનાં બાળકોને પૂરેપૂરો લાભ મળે એ બુદ્ધિથી જ નાટકના કામને અવકાશ મળવો જોઈએ. હવે આપણે નાટયપ્રયોગ માટે કેવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ તેનો વિચાર કરીએ. કેટલીક વાર્તાઓ શ્રાવ્ય હોય છે એટલે માત્ર સાંભળવા જેવી હોય છે; એમાં વર્ણન પ્રધાન હોય છે. કેટલીએક અત્યંત ક્રિયાપ્રધાન હોય છે, ને એમાં બનાવો ઝડપથી બનતા હોય છે. જ્યારે કેટલીએક વાર્તાઓ સંવાદપ્રધાન હોય છે નાટકને માટે સંવાદ અને ક્રિયા બંને વસ્તુઓ જેમાં હોય તેવી વાર્તાઓ કામની છે. કાગડાકાબરની વાર્તા, કાગડો અને કોઠીબું, કાગડો અને ઘઉનો દાણો, પેમલો અને પેમલી તથા ચમારે મારી ચકલી ચકોરાણો વેર લેવા જાય. આ વાર્તાઓ સંવાદ અને ક્રિયા બંનેથી ભરેલી છે. મોટે ભાગે બાળવાર્તાઓ ભજવી શકાય તેવી હોય છે, તેથી પસંદગીમાં ઘણી છૂટ રહે છે. પસંદગીનો ઉક્ત નિયમ સખ્તાઈથી મૂકવાનો નથી. બાળકો જે વાર્તાઓને ભજવે તે વાર્તાઓ ખાસ ભજવવા યોગ્ય છે એમ માનવામાં વાંધો નથી. જો બાળકો તે બરાબર ભજવી નહિ શકે તો તેમનો જ રસ ઘટી જશે અને આપોઆપ ભૂલથી પસંદ કરેલી વાર્તા તેમની પાસેથી ચાલી જઈ તેને બદલે બીજી વાર્તા આવશે. શિક્ષક પોતે જો સાથે સાથે ભજવવામાં સામેલ હોય તો તેણે એકબે બાબતની ખાસ કાળજી રાખવાની છે. તેણે નાટકના મેનેજર તરીકે કામ કરવાનું નથી પણ નાટકના એક પાત્ર તરીકે કામ કરવાનું છે. બીજી વાત એ છે કે પોતે જો અભિનય કરી શકતો ન હોય તો તેણે તે કરવાની જરૂર નથી. વળી જો પોતાને ખરો શોખ ન હોય, તેને પોતાનામાં બાળભાવ પ્રગટતો ન હોય, તો તેણે નાટકમાં સામેલ થવાને બદલે પ્રેક્ષકવર્ગમાં જઈને બેસવાનું છે. શિક્ષકે એ ભ્રમમાં પડવાનું નથી કે પોતે જો નાટકમાં સામેલ નહિ થાય તો બાળકોને રસ નહિ પડે. આ માન્યતા ભૂલ ભરેલી છે. એટલું જ નહિ પણ બાળકોને નુકસાનકાર છે. જ્યારે મોટાંઓ નાનાં બાળકોમાં માછલાંના સમૂહમાં મગર ફરે તેમ ફરે છે ત્યારે માછલાંની છૂટમાં અડચણ પડે છે. ખરેખર બાળકો શિક્ષકોને પોતાની રમતમાં સામેલ થવા કહે તો જ શિક્ષકે સામેલ થવાનું છે. શિક્ષકે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે બધાં બાળકો નાટકમાં સામેલ ન થાય તો તેણે કાળજી કરવાની નથી, કે તેમને બધાને સામેલ કરવાને યુક્તિઓ રચવાની નથી. કિન્ડરગાર્ટન શાળામાં બધાં બાળકો આસ્તે આસ્તે નાટકોમાં રસ લે અને જોડાય એવી સ્થિતિ ઊભી કરવાનો મોહ છે. આ મોહ વ્યક્તિસ્વાતંત્ર્યની શાળામાં ન હોવો જોઈએ. નાટયપ્રયોગોનો એટલો જ ઉદ્દેશ શિક્ષક સમીપ રહેવો જોઈએ કે જે બાળકોમાં નટવૃત્તિ હોય તેમાં તેમનો પરિપૂર્ણ વિકાસ થાય, જે બાળકોમાં નાટયપ્રયોગો માટે રુચિ હોય તેમની તે રુચિ વધારે દઢ થાય ને જે બાળકોમાં નાટયપ્રયોગોના ખોટા ખ્યાલો હોય તે દૂર થાય. એક એ વાત પણ લક્ષ બહાર ન જવી જોઈએ કે નાટક જેમ એકલી કલ્પના નથી, તેમ તે કેવળ અતિશય સ્થૂળતા પણ નથી. અતિશયતામાં નાટકની કળાનો નાશ થાય છે. વધારે પડતી શોભા, દમામદાર વેશ, મોટા પ્રમાણમાં પાઘડાં અને પૂછડાં, એ નાટકના આત્માને હાનિકારક છે. નાટક એ કલાનો વિષય હોઈ તેમાં સર્વાંગે સમતોલપણું સચવાવું જોઈએ.