વાર્તાવિશેષ/૧૮. ગોર્કીની કેટલીક વાર્તાઓ

૧૮. ગોર્કીની કેટલીક વાર્તાઓ


‘ભોંયતળિયું’, ‘ઘાસ’ અને ‘દરિયો’
પોતાની જિંદગી વિશે ફરિયાદ કર્યે જતા માણસો વચ્ચે ગોર્કીએ જીવવાનું શરૂ કર્યું, જીવ્યા અને પછી યાદ કરીને કહ્યું કે મેં મારી જિંદગી સામે કદીય ફરિયાદ કરી નથી.

જાણવા મળે છે કે ગોર્કી એમના આખા જમાનાની જિંદગી જીવ્યા છે. રૂંધામણ થાય એવા વાતાવરણમાં એ ઊંડા અને લાંબા શ્વાસ લઈ શક્યા છે. એમની વાર્તાઓમાં પણ જે પાત્રો આલેખાયાં છે એ સૂચવે છે કે જીવન પરિસ્થિતિથી બલવત્તર છે. વાઇટાલિટી – સામર્થ્યનો અનુભવ એ મેં વાંચેલા ગોર્કીનો મુખ્ય અનુભવ છે. સંવેદનને આધાર આપતો ભૌગોલિક વ્યાપ પણ કેવડો! ભોંયતળિયું, ઘાસ, દરિયો – તમારી ચારે બાજુની ક્ષિતિજ! ઉત્સાહ છે, આવેશ છે, નિરાશા નથી; અસંતોષ છે. તીવ્ર અસંતોષ. દર્દ છે – એકવિધ નહીં એવું દર્દ છે, પણ થાક નથી. એક એવી બેદરકારી છે જેની મદદથી ગોર્કી હારનો અસ્વીકાર કરી શક્યા હશે. ગોર્કી એટલે પ્રત્યેક પરાજયનો અસ્વીકાર. નિશાન તો હૃદય પર તાકેલું પણ ગોળીનું ગજું નહીં તે ફેફસાંને જ વીંધી શકી. ડૉક્ટરે કહ્યું – ‘ત્રણ દિવસમાં મરી જશે.’ ગોર્કીએ કહ્યું – ‘ના, નહીં મરું.’ અને એ પછી તો અડતાલીસ વરસ ને સાત માસ જીવ્યા. આત્મહત્યા કરવામાં નિષ્ફળ ગયેલો આ માણસ પછી જે જિંદગી જીવે છે – જીવવાનો લોભ રાખ્યા વિના જે જીવે છે એ જીવવાનો એક દાખલો બને છે. ‘હું એ લાખોમાંનો એક છું જે લેનિન પછીના મૃત્યુને માનવજાતની સહુથી મોટી ખોટ માને છે.’ – રોમાં રોલાંએ કહેલું. પહેલી વાર સોટીનો માર પડ્યો ત્યારે ભયને બદલે સંવેદના જાગી, જે પછી તો પ્રત્યેક નવા કષ્ટમાં વિકસતી ગઈ. એકવાર બેકાર થયા પછી નવો જ ધંધો શોધતા. કોઈ એક જ એમનું ન હતું. ચાલતાં ચાલતાં જ્યાં અટકવાનું બને એ વતન. એક વખત આખો દિવસ કામ ન મળ્યું. સાંજે એક મરી ગયેલો માણસ મળ્યો. શબ પાસે બેસીને સદ્ગતના આત્માને શાંતિ મળે એ માટે આખી રાત શ્લોક વાંચતા રહ્યા. સવારે વળી આગળ ચાલ્યા. કામ છૂટી જાય એટલે ચાલવું અને અટકવું એટલે કામે લાગવું. ૧૯૦૮માં થોડા દિવસ માટે કેપ્રીમાં લેનિન એમની પાસે રહેવા આવેલા. ગોર્કી પોતાની રખડપટ્ટીની વાત કહેતા હતા. સાંભળીને લેનિને કહ્યું – હું રશિયાને કેટલું ઓછું ઓળખું છું! ગોર્કી રશિયન ભૂમિને, પોતાને મળેલ પરિસ્થિતિ અને સમયને જાણે છે, એ દૂરના માણસે પણ કબૂલવું જ પડે. એક શિક્ષકે એમને સલાહ આપેલી – તમે લખો. આ જે અનુભવો છે તમને, એમને એ જ રૂપે લખો. એ સાહિત્ય થશે. આપણે તો એમની સર્ગશક્તિ દ્વારા એમના અનુભવોને જાણીએ છીએ. પણ એમની આત્મકથા ન વાંચનાર એમના સાહિત્યના પરિશીલનથી પણ કહી શકે કે આ સર્જકની વિશેષતાનું મૂળ એની અનુભવ-સમૃદ્ધિમાં છે. ૧૯૨૮ના એક વ્યાખ્યાનમાં ગોર્કીએ પોતે જ કહેલું છે – ‘હું વિવેચક હોત તો અને મેક્સિમ ગોર્કી વિશે પુસ્તક લખત તો કહેત કે આજે ગોર્કી જે કંઈ છે, એના તરફ આપ લોકોને જે આટલો પ્રેમ અને આદર છે એનું કારણ એ છે કે ગોર્કી રશિયાનો અને કદાચ દુનિયાનો સર્વપ્રથમ માણસ છે જેણે આ પૃથ્વી પર જે કંઈ મહાન, મૂલ્યવાન અને સુંદર છે એનું સર્જન કરનાર શ્રમના સામર્થ્ય વિશે જાતે અને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કર્યો છે.’

પહેલી વાર્તા ‘મકર છુદ્રા’ આઝાદીની ખુમારીવાળાં બે પાત્રો – રાદ્દા અને ઝોબારને મૃત્યુ દ્વારા પ્રતીત થતા પ્રેમનું આલેખન કરે છે. સમર્પણને સ્થાને પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા સાચવવા માગતી વ્યક્તિનો પ્રેમ અહીં પૂર્ણપણે તો મૃત્યુની ક્ષણે – હત્યાની ક્ષણે વ્યક્ત થઈ શકે છે. પ્રેમીને પામવાનો પ્રબળ અસંયત આવેગ બેઉ પાત્રો દ્વારા વ્યક્ત થયો છે. આવી ઘટનાને વિરોધાવીને જોવાની ટેવ હોય તો તમને વિરહિણી કાદંબરીએ ચંદ્રાપીડને લખેલા પત્રની છેવટની પંક્તિ યાદ આવે – ज्ञानस्यसि मरणेन प्रीतिम् इति असंभाव्यम् एव इति [જાણશો મૃત્યુથી પ્રીતિ! એ તો કિન્તુ અસંભવ’ શ્રી ઉમાશંકર જોશીએ કાવ્યમાં કહ્યું છે કે કાદંબરીને જે અસંભવ લાગ્યું તે બાણ જીવી ગયા. એ પંક્તિ પછી ‘કાદંબરી’ અધૂરી રહી. તદ્દન જુદા જ સંદર્ભમાં મૃત્યુથી પ્રેમને જાણવાનો ખ્યાલ અહીં કાવ્યબદ્ધ થયો છે.] ગોર્કીની વાર્તામાં નાયિકા રાદ્દા જાણે છે કે ઝોબાર મારી માગણીને અવગણીને – જાહેરમાં મારે ઘૂંટણીએ પડીને મને સ્વીકારવાને બદલે – મારી છાતી પર છરી ચલાવશે. ઝોબાર અટકીને, શી ઉતાવળ છે એમ કહીને છરી ઉપાડે છે અને બીજી ક્ષણે ચત્તી પડેલી રાદ્દાના પગ ચૂમે છે. પછી રાદ્દાનો બાપ ઝોબારને છરી મારે છે, જે માટે ઝોબાર કૃતજ્ઞતા અનુભવે છે. એ વિના એ પ્રેમને પામી શકવાનો ન હતો. કેવો તદ્દન અભારતીય અને સાથે સાથે પ્રતીતિજનક ખ્યાલ આ વાર્તામાં જોવા-અનુભવવા મળે છે! વૃદ્ધ જિપ્સી મકર છુદ્રા આ ઘટના વર્ણવે છે. એ વાર્તા કહેવી શરૂ કરે એ પહેલાં લેખક એનું ચિત્ર આપે છે : ‘એકધારો બોલ્યે જતો મકર પવનના ક્રૂર આઘાતોથી પોતાની જાતને બચાવવા અંગ સરખું પણ હલાવતો નહોતો.’ બીજા લોકોના સંદર્ભમાં એ કહે છે : ‘તમારાં એ બધાં માણસોને જોઈ મને નવાઈ લાગે છે. દુનિયામાં આટલી બધી જગ્યા પડી છે, ત્યારે એ બધા એકબીજાને ભીંસતા ને કચડતા, ગીરદી જમાવીને રહે છે... મને જુઓ, આ અઠ્ઠાવન વરસમાં મેં એટલું બધું જોયું છે કે જો તમે લખવા બેસો તો તમારી પાસે પેલો થેલો છે એવા હજાર થેલા કાગળથી ભરાઈ જાય. તમે પૂછો તો ખરા, એવી કોઈ જગા છે જે મેં જોઈ ન હોય!’ (આ પ્રશ્ન તમે ખુદ ગોર્કીને પણ પૂછી શકો. ૨૪ની ઉંમર પહેલાં કેટલાં ભોંયતળિયાં, કેટલાં અને કેવાં મોટાં મેદાનો, કેટલા દરિયાકાંઠા એમણે જોયા હશે? ગોર્કી સ્થળવિશેષને પૂરી સહજતાથી પ્રત્યક્ષ કરાવી શકે છે.) વિશાળ મેદાનો માટેનો પક્ષપાત આ વાર્તામાં ગોર્કીએ જિપ્સી મકર છુદ્રા દ્વારા જાહેર કર્યો છે. અલંકરણમાં એ વ્યાપક અને સૂક્ષ્મને સાથે સાંકળી શકે છે. વૃદ્ધ જિપ્સી રાદ્દાના રૂપને આ રીતે ઓળખાવે છે ‘–એનું રૂપ તો વાયોલિન પર વગાડીને જ સમજાવી શકાય એવું હતું – હા, વગાડનાર સાઝનો અને પોતાના દિલનોય જાણકાર હોય તો જ.’ રૂપને ઓળખાવવા લેખક સંગીતની ઉપમા યોજે છે. દ્રશ્યને કલ્પવાને સ્થાને તમે સીધું અનુભવી શકો. (ગોર્કી સંગીત જાણતા. બાળપણમાં વૃદ્ધ અંધ ભિખારીઓને ભીખ માગવા દોરી જતા. એમની પાસેથી ગાવાનું શીખેલા.) સંગીતને વળી એ દ્રશ્ય ઉપમાથી આલેખે છે. ઝોબારના ફીડલ-વાદન માટે કહે છે – ‘તમે એને બજાવતો સાંભળતા હો ત્યારે તમને એક સાથે હસવું ને રડવું આવે. ઘડીભર લાગે કે કોઈ ઘોર આક્રંદ કરી રહ્યું છે, તમારી મદદની કાકલુદી કરતું. જાણે હૃદય પર છરી ચલાવી રહ્યું છે. ઘડીમાં તો ઘાસનું મેદાન તમને કોઈ પરીની વાર્તા કરતું હોય, કરુણ વાર્તા કરતું હોય એમ લાગે...’ ઘાસનું મેદાન કોઈ પરીની વાર્તા કરતું હોય – ઉપમા (ઉત્પ્રેક્ષા) માર્મિક છે. હિન્દી અનુવાદનો અનુવાદ વળી આવો થાય – ‘કોઈક વાર લાગતું કે ઘાસનું વિસ્તૃત મેદાન અવકાશને પોતાના જીવનની કથા સંભળાવી રહ્યું છે – એવી કથા જે ઉદાસીમાં ડૂબી છે.’ બેઉ અનુવાદો કરતાં મૂળમાં હશે તે વધુ મર્મસ્પર્શી હશે એમ લાગ્યા વિના રહેતું નથી. ગોર્કી પોતાની આ પ્રથમ વાર્તાનો અંત પણ ‘સાહિત્યિક’ કરે છે. તમને રાદ્દા અને ઝોબારની તરતી આકૃતિઓ દેખાશે. ‘વૃદ્ધા ઇઝરગિલ’ (ગુજરાતીમાં એ વાર્તાના એક ખંડનો જ અનુવાદ છે, ‘અહંકાર’ નામે.)માં ડાન્કો બંધિયાર સ્થિતિમાં રહેવા ટેવાયેલા પંગુ લોકોને ખુલ્લા મેદાનોમાં લાવે છે. પોતાનું હૃદય બહાર કાઢીને માથા પર ધરીને બતાવે છે અને પછી એની મશાલ બનાવીને સહુને દોરી લાવે છે. આનો કોઈ પ્રતીકાર્થ ન લો તો પણ અદ્ભુત નિરૂપણ પ્રતીતિજનક લાગે. વાર્તાના પ્રથમ ખંડમાં અહંકારને પોષતા બળની વાત છે, ત્રીજા ખંડમાં બળ કલ્યાણ માટે વિસર્જન પામે છે. ભૌગોલિક વ્યાપનો ગોર્કી સાહિત્યિક વિનિયોગ કરે છે એમાં એમની ખૂબી છે. બંધિયાર સ્થિતિમાંથી સીમાહીન અવકાશમાં – મનુષ્યનો પુરુષાર્થ જાગ્રત થાય એવા અવકાશમાં મૂકીને ગોર્કી જીવવાની વાત કરે છે. ઇઝરગિલ ઘડપણને લીધે આંખો નબળી પડવા છતાં બધું જોઈ શકે છે. વિભિન્ન અને વિચિત્ર પરિસ્થિતિઓમાં જુદા જુદા પુરુષો સાથે જીવવાનો અનુભવ કહ્યા પછી એ કહે છે – ‘અને મેં જોયું કે જીવવાને બદલે લોકો પોતાનું આખું જીવન જીવવાની તૈયારી કરવામાં ગુમાવી દે છે.’ ઇઝરગિલની વાર્તાના ત્રણ ખંડ પડી જાય છે, એ એટલી સંકલિત નથી; પણ એની ચેતના પરત્વે વિચારતાં ‘મકર છુદ્રા’ સાથે એ વાંચવા જેવી છે એમ કહેવું જોઈએ. શરૂઆતમાં પ્રાણશક્તિનો જે નિર્દેશ કર્યો એ આ બંને વાર્તાઓમાં જોવા મળશે. ‘માનવીનો જન્મ’માં પ્રસૂતિનું વર્ણન છે. સગર્ભાનું શરીર, એની અશક્તિ, પ્રસૂતિની ક્ષણની વેદના અને સાથે સાથે અન્યની હાજરીથી જાગતી લજ્જા-મિશ્ર લાગણીઓનું ઝીણવટભર્યું વર્ણન છે. પ્રસૂતિ પ્રવાસ દરમિયાન થાય છે. જુગુપ્સા જાગી શકે, પણ જુગુપ્સા શાંતમાં પરિણમે છે અને શાંત આનંદમાં. બાળકના જન્મ પછી થોડા કલાકમાં સ્નાનાદિ પછી મા આગળ ચાલે છે, સાથે છે એક યુવક; છોકરા જેવો. મા એને છોકરો કહે છે. આપણને એ ગોર્કીએ મૂકેલા સાક્ષી જેવો લાગે છે. કહે છે : ‘અમે ધીરે ધીરે ચાલ્યાં જતાં હતાં. થોડી થોડી વારે મા ઊભી રહી જતી હતી. ઊંડો નિસાસો મૂકતી હતી અને ફરી માથું ઊંચું કરી, દરિયા તરફ, જંગલ તરફ, પર્વત તરફ અને તેના દીકરાના મોં સામે જોતી હતી. વેદનાનાં આંસુથી પૂરેપૂરી ધોવાઈ ગયેલી એની આંખો અજબ રીતે ફરીવાર સ્વચ્છ બની ગઈ હતી અને અખૂટ પ્રેમના વાદળી પ્રકાશથી એ ફરી ચમકી રહી હતી.’ વાર્તાને અંતે આ માના હૃદયની લાગણી કેવી છે? તરંગ નથી, સચ્ચાઈ છે એમાં : ‘જો હું આમ બધો વખત દુનિયાના છેડા સુધી જઈ શકતી હોત તો? અને મારો નાનકડો મોટો થતો જાય, આઝાદ રહી એની માની છાતી આગળ મોટો થયા કરતો હોય તો કેવું સારું!’ સમકાલીન રશિયાની આઝાદીની તીવ્ર ઝંખનાના પ્રાગટ્ય માટે માતૃત્વનો આધાર સબળ છે, સાર્થ છે. બાળકના જન્મની ક્ષણોનું વર્ણન પવન, ધૂળ, ઘાસ, એ દર્દ, એ લજ્જા – બધું એકસાથે યાદ આવે છે. ‘છવ્વીસ પુરુષ અને એક છોકરી’ (‘પોયણું’) એની કથનરીતિ, સંકુલ મનોવેગો અને ભોંયતળિયાના એ સમગ્ર સિચ્યુએશનથી ધ્યાન ખેંચે છે. લાગણીઓના દેખીતા સ્તર નીચે એક બીજો પ્રવાહ છે. જે છેલ્લે પ્રગટ થાય છે, કહો કે વિસ્ફોટ પામે છે. મમતામાં ઢંકાયેલી વાસના નાજુક અને બરછટ બેઉ રૂપે પ્રકટ થાય છે. બેકરીમાં કામ કરતા છવ્વીસ પુરુષ સોળ વરસની તાન્યાના મીઠા રણકતા ટહુકાના આશ્વાસનથી જીવે છે – ‘એ... જેલનાં પંખી! મને થોડીક વાનગીઓ દેજો!’ આ તાન્યા તરફનો સહુનો નિર્દોષ લાગતો ભાવ, એકસરખો પક્ષપાત વાર્તાને અંતે ઊલટું રૂપ ધારણ કરે છે. આ છવ્વીસ જણની મુલાકાતે એક દિવસ એક સૈનિક આવે છે. સ્ત્રીઓને આકર્ષવાની પોતાની શક્તિનું એને ગુમાન છે. છવ્વીસમાંનો એક બોલી બેસે છે : ‘તું તાન્યાને ચળાવી ન શકે.’ સૈનિક પંદર દિવસની મુદત માગે છે અને એ સફળ થાય છે. એની સૂચના પ્રમાણે બધા પરસાળમાં ભરાય છે અને વાડામાં પડતી તડોમાં જુએ છે. ભંડકની ઓરડીમાંથી સોલ્જર પહેલો બહાર નીકળ્યો પછી તાન્યા નીકળી. એની આંખો... એની આંખો સુખથી ચમકતી હતી અને એના હોઠ હસતા હતા. જાણે સ્વપ્નમાં હોય એમ એ અસ્થિર છતાં લચકતી ચાલે ચાલતી હતી... છવ્વીસ જણની સહનશક્તિ વધુ લંબાતી નથી. એ બધા વાડામાં કૂદી પડે છે. તાન્યાને ઘેરી લે છે. તાન્યાનું આખું શરીર કંપે છે. ‘એણે શું અમારું સર્વસ્વ નહોતું લૂંટી લીધું?’ તાન્યાનું કૌમાર્ય એ આ લોકોની મૂડી છે. મમતા અને નિર્દોષ લાગતા આકર્ષણ પાછળ છુપાયેલી એમની અવરુદ્ધ વૃત્તિઓ એમની જાણ બહાર જ પેલા સૈનિક માટે પ્રેરક બને છે એ સ્પષ્ટ કહેવાયું નથી, ખૂબીથી વ્યક્ત થયું છે... પછી તો સૂરજે એમની બારીમાંથી કદી ડોકિયું કર્યું નહીં અને તાન્યા તે પછી કદી આવી નહીં! વાર્તા ‘અમે’ની ભાષામાં – પ્રથમ પુરુષ બહુવચનમાં કહેવાઈ છે. લેખક સમૂહને બોલતો બતાવે છે – સમૂહમાં પ્રગટ થતા માણસની વૃત્તિઓની સંકુલતા આલેખે છે. ‘માર્દ્વિયાની કન્યા’, ‘ચેલ્કાશ’ અને ‘માલ્વા’ એ ત્રણ લાંબી વાર્તાઓ છે. રાજકારણમાં રસ લેતો કારીગર માકોવ એની પત્ની પાસેથી ધાર્યો પ્રેમ મેળવી શકતો નથી અને એ એક અજાણી સ્ત્રીને અંધારામાં પામે છે – માર્દ્વિયાની કન્યા લિઝાને. પણ એને પૂર્ણપણે મેળવી શકે એ પહેલાં એ ચાલી જાય છે. માકોવ માટે મૂકેલા પત્રમાં એણે લખેલું – ‘મને તમારી પત્નીની અદેખાઈ થવા લાગી છે, હું એને તિરસ્કારું છું, એટલે તમારે માટે તો એકની એક વાત થઈને ઊભી રહી, તેથી હું જાઉં છું, ક્યાં તે તો નથી જાણતી.’ માકોવ માટે પ્રેમ દુર્લભ જ રહે છે. આ વાર્તામાં લેખક અસંતૃષ્ટ ગૃહજીવનનું ચિત્ર આપીને જ અટકે છે; કોઈ ભાવના કે વિચારની સ્થાપના નથી કરતા. આપણે એ દેશ, એ જમાનો જોયો ન હોય તોપણ લાગે તો એમ જ કે ગોર્કી પોતાના જમાનાના રશિયાના મધ્યમવર્ગના એક કુટુંબની વાત કરે છે. ‘ચેલ્કાશ’ અને ‘માલ્વા’માં દરિયો છે. ગોર્કીની વાર્તા વાંચતાં કયું તત્ત્વ તમારા મન પર વિશેષ છાપ મૂકી ગયું? આ પ્રશ્નના ઉત્તરમાં હું કહું કે દરિયો. હા દરિયો. દરિયાકિનારાનાં મેદાનો, એ મેદાનો અને દરિયાનાં મોજાં સાથે સંપર્ક રાખતો પવન, પાણીની સપાટી અને આકાશ – આ બધાંની રંગભરી ચિત્રણા એ ગોર્કીનો શોખનો વિષય લાગે છે. વાર્તા શરૂ કરવાની ઉતાવળ કર્યા વિના, દરિયો હશે તો બે ઘડી વર્ણન કરશે. ‘ચેલ્કાશ’માં અંધારી રાતે દરિયાનાં બીજાં વહાણોથી અને ચોકીદારથી બચતી ચાલતી હોડીની ગતિને તમે જોઈ જ રહો. વાર્તામાં ચેલ્કાશનો પ્રવેશ જ એના વ્યક્તિત્વની એક છાપ રચી દે છે. તોછડાઈથી વર્તતા પોલીસ-ચોકીદાર સામે એ અવિચળ સ્વસ્થતાથી વાત કરે છે. આપણને લાગે કે ચોકીદારને ચેલ્કાશની અસરમાં આવી જવાની બીક છે. ચેલ્કાશ સમર્થ દાણચોર છે. એક સાથીદાર ગુમાવતાં એ ગ્રાબીલા નામના નવયુવકને સાથે લે છે. એની માનવસ્વભાવને ઓળખવાની શક્તિ, એની ખંધાઈ, એની ક્રૂરતા, કામ પાર પાડવાની કુશળતા ઝીણવટથી આલેખન પામે છે. ગાબ્રીલા ચોરીના ધંધામાં નવો, ભયનો માર્યો, ઈશ્વરને પ્રાર્થના કરતો અબોધ છે. વાર્તાને અંતે પહેલાં જેને પાપ માનતો એમાંથી થયેલી કમાણી માટે ગાબ્રીલાના મનમાં લોભ જાગે છે, એ રકમ લઈને ઘેર જઈ શકે તો પોતે ઘરસંસાર રચી શકે. ચેલ્કાશને ઘૂંટણીએ પડીને એ કરગરે છે, બધું આપી દેવા સામે કદાચ વાંધો નહીં હોય, એની કાયરતા જોઈને ચેલ્કાશ ઠોકર મારે છે. ટૂંટિયું વાળીને પડેલો ગાબ્રીલા પછી ઊભો થઈ જાય છે, ચેલ્કાશને મોટો પથ્થર મારે છે. હવે વાગ્યા પછી ચેલ્કાશ પેલાને મોટી રકમ આપે છે. ગાબ્રીલા માફી માગે છે, જે ચેલ્કાશને ખપતી નથી. આ ખંધો માણસ પોતાનામાં જાગતા રહેતા ઉદારતાના ગુણને છુપાવી રાખીને હસી નાખતો રહે છે. એક હાથે માથું પકડીને એ લથડિયાં ખાતો જાય છે, ગાબ્રીલા બીજી દિશામાં જાય છે. અહીં વાર્તાનો અંત છે. – ‘વરસાદ અને દરિયાનાં ઊડતાં શીકરોએ ચેલ્કાશ જ્યાં પડ્યો હતો ત્યાંના લાલ ડાઘને ધોઈ નાખ્યા. અને રેતીમાં પડેલાં ચેલ્કાશનાં અને પેલા છોકરાનાં પગલાંને પણ ભૂંસી નાખ્યાં... એ ભજવાઈ ગયેલા નાનકડા નાટકમાં ભાગ લેનાર બે પાત્રોને વિશે જે બન્યું તેની કશી પણ એંધાણી, નિજર્ન દરિયાકાંઠા પર રહી નહીં.’ આ નકામો, અસામાજિક અને નિર્દય લાગતો માણસ ગાબ્રીલા પાસે એના ગામની અને ત્યાં પોતાનું ઘર બનાવવાની વાત સાંભળે છે. પહેલાં મજાકમાં ચેલ્કાશ જ વાત શરૂ કરી આપે છે, પણ પછી કંઈક અનુભવે છે અને કોઈ કોઈ ક્ષણે અનુભવતો રહે છે. એની આ જાગેલી સંવેદનાને મુખર બનવા ન દેવામાં લેખકની સફળતા છે. વાર્તાને અંતે સક્રિય થતી આ ચોરની સંવેદનાનાં મૂળ લેખકે એના દરિયા તરફના પ્રેમમાં સૂચવ્યાં છે – ‘દરિયો જોતાં એને હંમેશાં એક ઉષ્માભરી વ્યાપ્તિનો અનુભવ થતો. આ વિસ્તૃતિનો ભાવ એના અણુએ અણુમાં વ્યાપી જતો ને રોજબરોજના રેઢિયાળ જીવનનું એકઠું થયેલું કચરું-કસ્તર એનાથી ધોવાઈ જતું. એને આ ગમતું.’ ગોર્કીનું માનવું છે કે દરિયો આ માણસમાં, આવા માણસોમાં સૂતેલાં સપનાંને જગાડતો. માલ્વામાં પણ દરિયા માટેનો આ પ્રેમ – વિશેષ તો તીવ્ર અને મુગ્ધ પ્રેમ છે. એ વાસિલીની રખાત છે. વાસિલીનો જવાનીમાં પ્રવેશ કરતો પુત્ર યાકોવ આવે છે તેવો માલ્વાથી આકર્ષાય છે. એને આકર્ષવાનું, વાસિલીને ખીજવવાનું તોફાન માલ્વાને ગમે છે. વાર્તા આદિથી અંત સુધી નાટ્યાત્મક પરિસ્થિતિ દ્વારા તંગદિલી જાળવી રાખે છે. ગુસ્સે થયેલા વાસિલીને એ કહે છે : હું તારા માટે અહીં નથી દોડી આવતી. મને તો આ જગા ઘેલી કરે છે, માનવી વગરની આ જગા... સાથે સાથે એક બીજી ચોખવટ પણ કરી લે છે – ‘સર્યોઝકા અહીં હોત તો એની પાસે આવત, તારો બેટો હોત તો એની પાસે આવત...’ પણ ના, માલ્વા વાસિલીના બેટાને થોડાં તોફાનથી વધુ છૂટ આપતી નથી. સર્યોઝકાને સૂઝેલી યોજના પ્રમાણે એ બાપબેટાને લડાવવાનું સ્વીકારે છે. પરિણામે વાસિલી પસ્તાવો અનુભવીને વતન જાય છે. તે ક્ષણે માલ્વાના હૃદયમાં ઊંડે ઊંડે કેવા પ્રકારની લાગણી જાગી હશે તેનો અંદાજ કાઢવાનું વાચકને મન થઈ આવે. સર્યોઝકા હવે વાસિલીની જગ્યાએ – દરિયાકિનારાની ખુલ્લી જગાએ રહેવાનો છે. માલ્વા એનો સાથ સ્વીકારે છે. એના જેવા પરપીડક અને શરાબમાં જ જીવી શકતા માણસનો સાથ સ્વીકારવો એ જ શું માલ્વાનું ભવિષ્ય છે? વાર્તાને અંતે યાકોવ માલ્વાને સાંભળે છે ‘મારી છરી કોણે લીધી?’ માલ્વા શા માટે છરી શોધે છે? યાકોવ તો એ છરી લઈ ગયો નથી ને?’ બંને જણ એ છરીનો એક જ કામ માટે ઉપયોગ કરી શકે. આપણે શું અનુભવીએ છીએ? વાસિલી અને યાકોવે જે ખોયું છે અને સર્યોઝકાએ જે મેળવ્યું નથી એ માલ્વાએ પણ ખોયું છે. અલ્લડ-તોફાની, ભવિષ્યની ચિંતાથી મુક્ત માલ્વાનો ખોવાનો અનુભવ વાર્તા વાંચ્યા પછી આપણા સંવેદનમાં વિસ્તરે છે. અનેક બાહ્ય કષ્ટો, આંતરિક વ્યથાઓ અને પરિસ્થિતિની સંકળાશમાં ગોર્કીએ આલેખેલું ‘જીવન’ રૂંધામણ અનુભવવાને સ્થાને પ્રાણવાન લાગે છે. નજરે ન પડે તેવી નાનામાં નાની વિગતોનાં વૈવિધ્ય સાથે ગોર્કીમાં વિશાળ ને વ્યાપક માટેનું આકર્ષણ છે. અસામાજિક કામ કરતાં વગોવાયેલાં પાત્રોમાં માનવતા છે એ બતાવી આપવાનો સાદોસીધો રસ્તો ગોર્કીનો નથી. ચેલ્કાશ કે માલ્વામાં પણ આ સારું છે એ બતાવવું એમ નહીં – ચેલ્કાશમાં પૂરો આદમી છે. માલ્વામાં પૂરી સ્ત્રી છે – એ અનુભવ કરાવવામાં ગોર્કીની સફળતા છે. સરેરાશ પ્રચારક લેખક કરતાં ગોર્કીની શક્તિ ઘણી વધુ. અહીં ચર્ચેલી વાર્તાઓ વાંચતાં ગોર્કીની સર્જકતાની પ્રતીતિ થાય. ભવિષ્ય આપણા વ્યવહારમાં અંગભૂત બને એ એમનું સ્વપ્નું રશિયામાં કે અન્યત્ર કયે રૂપે સિદ્ધ થયું એ અભિપ્રાયનો વિષય ભલે રહે. એમની કેટલીક વાર્તાઓમાં જે વાસ્તવમાં નથી એ પણ નથી ખૂટતું.

૧૯૬૮