વાસ્તુ/18

અઢાર

સંજયની નવાઈનો પાર ન રહ્યો. ભણતો ત્યારે પહેલી વાર એની કવિતા એક સામયિકમાં સ્વીકારાયાનો પત્ર આવ્યો ત્યારે થયો હતો એટલો જ રોમાંચ, આનંદ અને ઉન્માદ અત્યારે એ અનુભવી રહ્યો હતો. પરિણામે મોડે સુધી ઊંઘ નહોતી આવી. એના બીજા કાવ્યસંગ્રહની હસ્તપ્રત હજી અઠવાડિયા અગાઉ જ પ્રકાશકને મોકલેલી. આટલું જલદી એનું ફાઇનલ પ્રૂફ પણ આવી ગયું! ને પ્રકાશકનો ફોન પણ – ઉદ્ઘાટન માટે કઈ તારીખ અનુકૂળ છે? ‘મને એમાં રસ નથી. ઉદ્ઘાટનનું માંડી વાળીએ તો?’ – એમ કહેવાનું સંજયને મન તો થયેલું. પણ પછી થયું, આમ કહ્યું હોત તો એ પોતાનો દંભ હોત, અભિમાન હોત… ભૂતકાળમાં કોકનાં પુસ્તકોના ઉદ્ઘાટન સમારંભ વખતે એને થતું – મારા પુસ્તકનુંય આમ ઉદ્ઘાટન થાય તો?! – ભલે એ ઇચ્છાઓનોય મોક્ષ થઈ જતો… ને બા, અમૃતાય ખૂબ રાજી થશે… આમ વિચારી એણે હા પાડી ને ઉદ્ઘાટનનુંય ગોઠવાયું. બે-એક વિવેચકો એ સંગ્રહ વિશે બોલવાના હતા. પૂંઠાનું ચિત્ર પણ ખૂબ મોટા કલાકાર પાસે કરાવેલું – ચાર કલરમાં! નહીંતર તો પ્રકાશકો કવિતાસંગ્રહના પ્રકાશનમાં રસ નથી લેતા. કવિતાસંગ્રહના ઉદ્ઘાટનમાંય કવિ જો ખર્ચ ન કરવાનો હોય, ઉદ્ઘાટનમાં પુસ્તક વેચાવાની બહુ શક્યતા ન હોય તો પ્રકાશક રસ ન દાખવે. આ ઉદ્ઘાટનની ગોઠવણ અમૃતાના પપ્પાએ તો નહિ કરી હોય? તો, ના પાડી દઉં?! ના...ના… પોતાના કાવ્યસંગ્રહના ઉદ્ઘાટનનું સાંભળી અમૃતાના આનંદનો પાર નથી... એને મન તો જાણે જનોઈ કે લગ્ન જેવો જ આ પણ એક શુભ પ્રસંગ છે... રૂપાનાં લગ્ન જેટલું તો પોતે જીવી શકવાનો નથી. વિસ્મયની જનોઈ સુધીય ખેંચી શકાય તોય ઘણું… તો પછી, ઉદ્ઘાટનનો પ્રસંગ ભલે ઊજવાય… ભલે આ બધી ગોઠવણ અમૃતાના પપ્પાએ કરી હોય... મરણપથારીએ પડેલા કૅન્સરગ્રસ્ત જમાઈ માટે કશુંક કરી છૂટવાની ઇચ્છાઓ અમૃતાના પપ્પાને થાય એ સ્વાભાવિક છે. જમાઈને સારવાર માટે અમેરિકા મોકલવાની એમની ઇચ્છા પૂરી ન થઈ શકે તો આવી નાની નાની ઇચ્છાઓ ભલે પૂરી થતી. અમૃતાનાં મમ્મીના હૈયાનેય કશોક સંતોષ થશે. આજનો દિવસ ખૂબ સારો ઊગ્યો લાગે છે... સવારમાં જ રૂપા હાથમાં પ્રગતિપત્રક લઈને દોડતી આવી. – ‘પપ્પા, પપ્પા, હું ફર્સ્ટ આવી..’ એ પછી કવિતાસંગ્રહના સમાચાર ને એ પછી અમૃતાને સ્કૂલમાં નોકરી મળ્યાનો ફોન. પત્ર પછી આવશે. પણ એની નોકરીના સમાચારથી એક મોટી ‘હા…શ’ અનુભવાઈ. આગામી સત્રથી નોકરી શરૂ. સંજયને યાદ આવ્યું, અમૃતાના પપ્પાએ નોકરીની અરજી - ઇન્ટરવ્યૂ અંગેની બધી માહિતી લીધેલી… અમૃતાની નોકરીના સમાચારથી ઘરમાં આનંદ આનંદ થઈ ગયેલો. બાએ તો તરત કંસાર ઓરી દીધેલો. ને અત્યારસુધીના બ્લડરિપોર્ટ્‌સમાં ગઈ કાલનો રિપોર્ટ સૌથી ખરાબ આવેલો એ વાત ભુલાઈ ગયેલી… સંજયના હૈયામાં આનંદનો પાર નહોતો પણ ફૂલી ગયેલી બરોળમાં ને હાડકાંના પોલાણમાં મરણ ધગધગતું હતું… છતાં સંજયને લાગતું, નાનાં નાનાં સુખોનો સરવાળો ખૂબ મોટા સુખ કરતાંયે, મોક્ષ કરતાંયે મોટો છે… ઝરણાની જેમ કોઈ કાવ્યપંક્તિનું ફૂટવું, હરણાંની જેમ ઊર્મિઓનું દોડવું, કવિતાસંગ્રહનું પ્રગટવું, રૂપાનો પહેલો નંબર આવવો, આંગણમાંના લીમડાનું મંજરીઓથી છલકાઈ જવું, મા-બાપના વિરોધ વિના જ અમિત-અપર્ણાનાં લગ્નનું ગોઠવાવું, અમૃતાનાં મમ્મી-પપ્પાનું પોતાના ઘેર આવવું, ખોવાયેલા પુસ્તકનું ઘરના માળિયામાંથી જડી જવું, લખતાં લખતાં જ ડાબે હાથે કોઈ કાગળિયાં નીચે કે પુસ્તકમાં મુકાઈ ગયેલી પેનનું જડવું, વિસ્મયનું પા-પા-પા કરીને, પહોળા પગ રાખીને પ્રથમ બે-એક ડગ ભરવાં, વિસ્મયના કંઠેથી સૌપ્રથમ વાર શબ્દોનું ફૂટવું – ‘બા’, ‘પા’, ‘મી’, ‘મમ્મી’, ‘પપ્પા’, ‘ચકી'… – જાણે નવી જ કોઈ સૃષ્ટિનું ઉદ્ભવવું... વિસ્મયને થપેડવો કે હીંચોળવો કે મધરાતે એને ઊંઘતો જોયા કરવો ને એના માથે હાથ ફેરવવો, રૂપાને સ્કૂટર પર આંટો ખવડાવવો, ભગવાનના થાળ માટે બાને આંગણમાંથી તુલસીનાં બે પાન લાવી આપવાં કે અમૃતા માટે મોગરો ચૂંટી લાવવો કે રૂપાની નોટમાં ઘડિયા લખવા માટે ઊભી લીટીઓ આંકી આપવી કે એને ફૂલ દોરતાં શીખવવું – વચ્ચે આ…મ એક મીંડું કરવાનું પછી એની આજુબાજુ આ…મ પાંચ મીંડાં કરવાનાં ને પછી આ…મ ઊભી લીટી જો, પછી થઈ ગયું ને કેવું મઝાનું ફૂલ! ને પછી રૂપાએ દોરેલાં ને ચૉક કલરથી રંગ પૂરેલાં ફૂલોનાં ને ઘરનાં અનેક ચિત્રો જોવાં… આંગણમાંના છોડવાઓને આ…મ હાથમાં ટોટી લઈને પાણી પાવું.. ને છોડવાંઓને પાણી પાતાં ક્યારેક રૂપા કે અમૃતાનેય પાણી છાંટી ભીંજવી દેવાં… કે તાજાં ફૂટેલાં કૂણાં કૂણાં પાનને સ્પર્શ કરવો... કે ચૈત્રમાં કાચના લાંબા ગ્લાસમાં એ લીમડાની મંજરીનો રસ પીતો હોય ને રૂપા ‘છલબત પીઓ છો, પપ્પા? મને પન…’ કહેતી આવી ચઢે ને ‘છલબત’ ચાખ્યા બાદ એનું ‘કલવું કલવું’ નાક ઊંચું ચઢાવેલું મીઠડું મોં જોવું… નદીકાંઠાની રેતીમાં બેસીને રૂપા સાથે રેતીમાંથી ઘર બનાવવું – બેય હથેળીથી નદીની ભીની ભીની કરકરી રેતીના પગ ઉપર કરેલા ઢગલાને થપથપાવવો. સવારે ઊઠીને અગાસીમાં ચાલતાં ચાલતાં આછાં વાદળો વચ્ચેથી પ્રગટતા લાલઘૂમ તેજસ્વી શિશુસૂરજને જોવો – ચોતરફ કોમળતમ કિરણોની છોળો - છાલકો ઉડાડતો કે કોઈ વૃક્ષને દૈયડની જેમ બોલતું સાંભળીને એની ડાળ પર પાંદડાંઓ વચ્ચે બેઠેલા દૈયડને શોધવું કે ટ્રેનનો અવાજ સાંભળીને બેય હાથ લંબાવતા વિસ્મયને તેડીને દૂરથી વળાંક લઈને પસાર થતી ‘છૂક્ છૂક્ ગાડી’ બતાવવી… કૉલેજકાળમાં સૌપ્રથમ વાર અમૃતાના હાથને હાથમાં લેવો, પ્રથમ કવિતા જે સામયિકમાં છપાવાની હતી, એ હજી આવ્યું કે નહિ એ જોવા લાઇબ્રેરીના ધક્કા ખાવા… પોસ્ટમૅન આવવાની રાહ જોયા કરવી… પોતાની બંધ આંખો પર, સાકાર થનારા સ્વપ્નના પ્રતીક સમાં, અમૃતાનાં સુકોમળ, હળવાં ચુંબનને પામવાં... કે ક્યારેક અમૃતાના કપાળમાં ચાંલ્લો ઊખડી ગયો હોય ત્યારે ચુંબનનો ચાંલ્લો ચોડવો… – આવાં નાનાં નાનાં સુખોનો સરવાળો કેટલો મોટો થાય…?! કદાચ સ્વર્ગના સુખનેય આંબી જાય… મસમોટા દુઃખની સાથે વણાયા કરતાં નાનાં નાનાં સુખોનું મૂલ્ય તો ગણ્યું ગણાય નહિ, આંક્યું અંકાય નહિ, આભલા જેવડા આભલામાંય માય નહિ. નાનાં નાનાં આવાં સુખોના કારણે તો ગમે તેવાં દુઃખમાંયે પગ તળેથી ખસી નથી જતી ધરતી... આ રોગના કારણે સૌપ્રથમ સફેદ થયેલી થોડી લટોને જોવી… થોડી વાર સ્મશાન-વૈરાગ્ય અનુભવવો, ને પછી ડાઈ કરવાની અમૃતાની ઇચ્છાને પૂરી કરવી... કિમોથૅરપી શરૂ થયા પછી આ વાળ પણ રહેવાના નથી એ જાણવા છતાં ડાઈ કર્યા પછી, માથું ધોયા પછી દર્પણમાં વાળ જોવા… ને કિમોથૅરપીથી વાળ ખરવા માંડે ને બધા ખરી પડે એ પહેલાં જ ટકો કરાવી દેવો... એ ટકામાં હથેળી ફેરવવાનું સુખ… ‘પપ્પાને ટકો કેવો લાગે છે!’ – કહી રૂપાનું ખિલખિલાટ હસવું ને પછી ટાલકામાં ટકોરો મારવો… અમુક હદ ઓળંગાઈ જાય ત્યાર પછી સુખ કે દુઃખ વચ્ચે કોઈ જ ફેર રહેતો નથી. સુખ સહન થઈ જાય ને દુઃખ અતિશય આનંદની જેમ જ ઊભરાય-છલકાય…

કવિતાસંગ્રહના ઉદ્ઘાટનમાં હૉલ ચિક્કાર થઈ જશે એવું સંજયે સ્વપ્નમાંયે ધાર્યું નહોતું... કેટકેટલા લોકો પોતાને આટલું બધું ચાહે છે…! હૉલ ચિક્કાર થઈ જવાનું એક કારણ કદાચ પોતાનો આ રોગ પણ હોય… બા પણ કેવા ઠાઠથી, ઠાવકાઈથી બેઠાં છે! અમૃતા ભારે સાડી પહેરીને કોઈ લગ્નપ્રસંગની જેમ તૈયાર થઈને કેવા ઠાઠથી, કેવા આત્મગૌરવથી એની સખીઓના ટોળામાં ઊભી છે ને બેય હાથ જોડીને બધાંને આવકારે છે! એનો પતિ જાણે દુનિયાનો કોઈ મહાન કવિ ન હોય! (પોતે નહિ હોય ત્યારે બેસણામાં મૂકેલા, હાર પહેરાવેલા પોતાના ફોટા પાસે ટમટમતા દીવામાં અમૃતા થોડી થોડી વારે ઘી ઉમેરતી હશે… ને સફેદ સાડીમાં, સૂજેલી આંખો ને રાતાચોળ નાકવાળા ફિક્કા ચહેરે આમ જ હાથ જોડીને બેસણામાં આવનારા આ જ મહેમાનોને ચુપચાપ આવકારતી ને વિદાય આપતી હશે… અસહ્ય દુઃખની સાથે સાથે બા ‘કેટકેટલું લોક' બેસણામાં ઊમટ્યું છે એનું તથા કેટલાં બધાં છાપાંમાં સંજયના અવસાનના સમાચાર કેવાં ગુણગાન ને ફોટા સાથે છપાયા હતા એનું ગૌરવ પણ અનુભવતાં હશે… અદૃશ્ય રહીને પોતેય કદાચ અતિ-ચેતના રૂપે આ બધું નીરખતો હશે…?!) માઇકવાળાએ તો એનું બધું ગોઠવી દીધું છે, માઇકનો ટેસ્ટ પણ કરી લીધો છે. વીડિયો કૅમેરાવાળો એના પ્લગ-કોર્ડ બધું ગોઠવવામાં પડ્યો છે. મહેમાનો આવતાં જાય છે… હાથ મેળવીને બધાં સંજયને શુભેચ્છાઓ પાઠવે છે, કોઈ કોઈ સરસ મઝાનાં બૂકે આપે છે. સફેદ ઝૂલઝૂલવાળું પરી જેવું ફ્રોક પહેરીને આમતેમ ફરતી રૂપા તો બૂકે મળતાં જ જાણે ગાંડી ગાંડી.– ‘મમ્મી, ઘરે જઈને આ બધાં ફૂલોને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. હોં ને… એક્કે ફૂલને હું કરમાવા નૈં દઉં...’ ડૉ. મંદાર પણ બૂકે સાથે આવ્યો ને બૂકે આપતાં મનોમન ‘વીશ’ કર્યું – હૉલમાં આવેલાં આટઆટલાં લોકોમાંથી કોને કયો રોગ હોય, કોને ખબર?! સંજયને કોઈનું ઇન્ફેક્શન ન લાગે તો સારું.. ભગવાન બચાવે એને. ઉદ્ઘાટનનું સાંભળીને પોતાને તો મન થઈ ગયેલું કે એને ના પાડે… ટોળામાં કે જાહેરમાં તો એનાથી જવાય જ નહિ. બ્લડની આવી હાલત હોય ત્યારે ઇન્ફેક્શન લાગ્યા વિના રહે જ નહિ... પણ પછી થયું ના, એને બિલકુલ સારું તો થવાનું જ નથી તો પછી ભલે ઊજવાય આ પ્રસંગ…ભલે એની બધી ઇચ્છાઓ પૂરી થાય… અમૃતા તથા બાય આ પ્રસંગથી કેટલાં રાજી થશે! ડૉક્ટર હોવાના કારણે એ જાણતો હતો કે રોગ કેટલો આગળ વધી ચૂક્યો છે... સમારંભ શરૂ થયો. બધાનું સ્વાગત થયું. પછી કોઈએ સંજયનો ને એના કામનો વિગતે પરિચય આપ્યો. પછી કોઈ વિવેચક એના આ કવિતાસંગ્રહ વિશે બોલવા ઊભા થયા. છટાથી તેઓ રણકાદાર અવાજે બોલતા રહ્યા. વચ્ચે વચ્ચે તાળીઓ પડતી રહી… શ્રોતાઓના મોંમાંથી ‘વાહ… વાહ.. ક્યા બાત હૈ..’ જેવા ઉદ્ગારો નીકળતા રહ્યા. અંતે એમણે કહ્યું, ‘મૃત્યુનાં સંવેદનોવાળાં આ કાવ્યોમાં અપાર જિજીવિષા સાથેની જીવનની સાર્થકતા તથા નિરર્થકતા, બેયના તાણાવાણા વણાતા જાય છે ને એમાં અનેક તાજગીસભર સાદૃશ્ય કલ્પનો – પ્રતીકોય સહજ ગૂંથાતાં આવે છે... અંતે, મરણના સાન્નિધ્યમાંય ભાંગી પડવાને બદલે ભરપૂર જીવતા અને આગવા કવિમિજાજથી રોગ સામે ઝઝૂમતા ને મરણને હંફાવતા કવિશ્રી સંજય મજમુદારને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું કે આ રોગની દવા શોધાય ત્યાં લગી તેઓ આત્મબળે ટકી રહે ને એમની પાસેથી આપણને અનેક કૃતિઓ મળતી રહે…’ વળી તાળીઓનો અવાજ ઉપર ઊઠ્યો ને પછી શમી ગયો. પછી પ્રમુખશ્રીના હસ્તે ઉદ્ઘાટન. તાળીઓના ગડગડાટ સાથે પ્રમુખશ્રીએ બેય હાથે પુસ્તક ઊંચકી પ્રેક્ષકોને બતાવ્યું. એમના બે બોલ પછી સંજયનું નામ ઘોષિત થયું. સંજય ઊભો થયો. સખત થાક વરતાતો હતો. ધીમા ડગ ભરતો એ માઇક પાસે ગોઠવાયો. પછી ધીમા, ગંભીર સાદે એણે બોલવાનું શરૂ કર્યું – ‘મુરબ્બીઓ અને મિત્રો, મરણ વિશેનાં જ કાવ્યોનો આ સંગ્રહ છે. બ્લડકૅન્સરના કારણે મેં મરણને મારી અંદર રાક્ષસની જેમ ઊછરતું સતત અનુભવ્યું છે. એને હું સહેલાઈથી જીતવા નહિ દઉં, બરાબરનું હંફાવીશ. હું હંમેશાં સ્વસ્થ રહીશ, અંતિમ ક્ષણ સુધી ભાંગી નહિ પડું. ને ક્ષણ ક્ષણે ક્ષણ હું જિવાય તેટલું ભરચક, મબલક જીવી લઈશ... પણ અત્યંત સભાનતાપૂર્વકના મારા આ પ્રયત્નોના કારણે, મરણને ભીતર ધરબી દઈને અત્યંત સ્વસ્થ રહેવાના. આયાસના કારણે, ક્યારેક દબાવી રાખેલાં મરણનાં સંવેદનો ભરઊંઘમાંય સ્પ્રિંગની જેમ ઊછળી ઊછળીને દુઃસ્વપ્ન રૂપે બહાર આવે છે ને એમાં મેં જે કંઈ નીરખ્યું છે – કલ્પનાની આંખે ને નરી આંખે પણ, એ બધું પછી શબ્દ રૂપે, પંક્તિઓ રૂપે વાંસની જેમ ફૂટી નીકળતું… એમાંથી જે કંઈ કાગળ પર ઉતારી શકાયું, અવતારી શકાયું એ આ સંગ્રહમાં સમાવ્યું છે. વધુ કશું મારે કહેવાનું નથી. અંતે, એક કવિતા વાંચીને, વિરમું’ ખોંખારો ખાઈ એણે શરૂ કર્યું –

‘વૃક્ષોના પડછાયા
લંબાવાનો અવાજ સાંભળું છું
લોહીનો વેગ વધે છે
સારસીની શ્વેત પાંખોનો ફફડાટ
પડઘાયા કરે છે વારંવાર...
કોઈ ગીતના સળગતા લય જેવો આ
કોનો હાથ ફરે છે મારા દેહ પર?
વેરવિખેર ઢોળાયેલી ચાંદની
અસંખ્ય સળગતાં પતંગિયાં થઈને
કેમ ઝંપલાવે છે મારી ભીતર?
અનંત લંબાઈની આ કાળીભમ્મર રાત
શું શોધવા માટે
ઊથલાવે છે મારી અંગત ડાયરીનાં પાનાં?
આ કોણ
આકાશને કાળી ચાદર માનીને
ઓઢાડી રહ્યું છે મને?
ભયંકર કડાકા સાથે
વીજળી ઝબકે છે મારાં હાડકાંના પોલાણમાં.
આકાશ સળગે છે…
પંખીઓ
માળામાં આવી ગયાં કે?’

‘આભાર’ – કહી સંજયે એનું વક્તવ્ય પૂરું કર્યું. સંજય કવિતા વાંચી રહ્યો હતો ત્યારે અમૃતા ભૂતકાળમાં ખોવાઈ ગયેલી. કૉલેજના એ કવિસંમેલનમાં એણે ગાયેલી ગઝલના સ્વર આ ક્ષણેય જાણે એના કાને પડતા હતા. અત્યારે જો કોઈ એને ગાવાનું કહે તો?! હવે એનો અવાજ અને શ્વાસ કદાચ એને સાથ ન આપે. સંજયે કવિતા પૂરી કરી કે આખોયે હૉલ તાળીઓથી ગુંજી રહ્યો. આ ક્ષણે કોણ જાણે કેમ બાની બેય આંખોમાંથી, અશ્રુધારાઓ વહી ચાલી… બાનું ધ્યાન સંજયની કવિતામાં નહોતું. એમનું ધ્યાન વીડિયો કૅમેરાવાળા પર હતું. અમૃતાના પપ્પાએ કોઈ દિગ્દર્શકને મળીને સંજય પરની ટૂંકી ફિલ્મ બનાવવાની ગોઠવણ કરેલી. ઉદ્ઘાટનની કૅસેટમાંથી કેટલાક અંશો એમાં સમાવાશે. સંજયે આ બાબતે સંમતિ દર્શાવી ત્યારે અમૃતાનેય નવાઈ લાગેલી કે મરણે સંજયને કેટલો બધો બદલી નાખ્યો છે! એણે જાતે જ જાણે એના અહમ્‌ના ફુગ્ગામાંથી ધીરે ધીરે બધી હવા કાઢી નાખી ન હોય! સંજય વિશેની ફિલ્મમાં વિવેચકો, એના સાહિત્યિક મિત્રો ઉપરાંત અમૃતા, એનાં મમ્મી-પપ્પા, બા, મંદાર, એનાં વિદ્યાર્થીઓ… બધાંયનાં ઇન્ટરવ્યૂ લેવાશે. રૂપા-વિસ્મયનેય સમાવાશે.. સંજયનું ઘર, બંધાઈ રહેલું ઘર, કૉલેજ, અભ્યાસ કરતો તે શાળા, જન્મસ્થળ, ગામડાની એ પ્રાથમિક શાળા, વતનનો પ્રાકૃતિક પરિવેશ વગેરેય એમાં સમાવાશે. સંજય નહિ હોય ત્યારે એની આ વીડિયો કૅસેટો અવારનવાર જોવાશે. કોઈ કોઈ સાહિત્ય સંસ્થાઓમાંય એના વિશેની ફિલ્મનો ‘શો’ યોજાશે… પછી એ કૅસેટો કોઈ કબાટમાં ધૂળ ખાતી પડી રહેશે. પોતાના વક્તવ્ય બાદ આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો હતો ત્યારે સંજયને એક અશુભ વિચાર આવી ગયો – મારા મરણ પછી શોકસભા ભરાશે ત્યારેય હૉલ આટલો જ ચિક્કાર હશે. મારાં ગુણગાન ગવાશે… મારી કૃતિઓનાં વખાણ થશે. પણ ત્યારે તાળીઓનો આવો ગડગડાટ નહિ હોય. હશે બે મિનિટનું મૌન ને પછી બધા વિખેરાઈ જશે… ને ત્યારબાદ મને કે મારી કૃતિઓને કોઈ યાદ પણ નહિ કરે… ચંદ્રકાન્ત શેઠની પેલી પંક્તિની જેમ – કૉફીના કપમાં પડેલી માખીની જેમ એ લોકો કાઢીને ફેંકી દેશે મારું નામ… ચંદ્રકાન્ત શેઠની એ કાવ્યપંક્તિઓ સંજયે યાદ કરી :

હું બરોબર જાણું છું…
તેઓ તેમની સોફિસ્ટિકેટેડ એસ્પ્રેસો કૉફીમાંથી આસ્તેથી,
રૂપાના ઢોળવાળી ચમચીથી
કાઢી નાખશે મારું નામ બહાર;
તેઓ તેમની ડાયરીમાંથી
અવાજ ન થાય એમ હળવેકથી
ફાડી નાખશે મારા જન્મદિવસનો વાર.’