વાસ્તુ/19


ઓગણીસ

આંખો મીંચીને ટકામાં હથેળી ફેરવતાં સંજય વિચારે છે – કવિતાસંગ્રહ તો પ્રગટ થઈ ગયો, લખાતી નવલકથાય પૂરી થવામાં છે, અમૃતાના પપ્પા સાથેનો સંબંધ ફરી જોડાયો એથી મોટી રાહત અનુભવાય છે. પણ હજી બંધાઈ રહેલા ઘરની ચિંતા ઊધઈની જેમ કોરી ખાય છે. કેવો કૉન્ટ્રેક્ટર લમણે ભટકાયો છે કે એકેય કામ સમયસર થતું જ નથી… હંમેશાં કંઈ ને કંઈ બહાનાં ને કામમાં પાર વિનાનો વિલંબ… આના કરતાં તો ક્યાંક તૈયાર ફ્લૅટ લઈ લીધો હોત તો સારું થાત... પણ હવે તો અડધું બોડાવ્યું છે તે પૂરું બોડાવ્યા વિના છૂટકો જ નથી. વચ્ચે લોન આવતાં વિલંબ થયો ને કામ અટકેલું. મિત્રોએ તો ઉછીના પૈસા આપવા કહેલું પણ પોતે ના પાડેલી. કારણ, મરણવેળાએ કોઈનુંય દેવું કે કોઈ વાતનું ઋણ બાકી ન રહેવું જોઈએ. ઘરની ચિંતામાં મન રોકાયેલું રહે છે આથી બીજાં કામોમાં પૂરતું પરોવાઈ શકાતું નથી. નહીંતર આ નવલકથા ક્યારનીયે પૂરી થઈ ગઈ હોત. પણ મકાનનું કામ જલદી આગળ ધપતું નથી ને આ રોગ તો ખૂબ ઝડપથી આગળ વધતો જાય છે… મરણનાં દુઃસ્વપ્નોની સાથે સાથે હવે તો મકાન પૂરું થવાનાં ને વાસ્તુ વખતે જ ધરતીકંપમાં તૂટી પડવાનાંય સ્વપ્નો આવવા લાગ્યાં છે… કૉન્ટ્રેક્ટરે કહેલું કે ચારેક દિવસમાં ધાબું ભરવા અગાઉની બધી તૈયારી પૂરી થઈ જશે. પછી ચૌદસ-અમાસ. તે બેસતા મહિને ધાબું ભરી દઈએ. મશીનનોય ઑર્ડર આપી દીધો છે ને વધારાના મજૂરોય રાખી દીધા છે... તમે ચિંતા ન કરશો... આમ વિચારતાં વિચારતાં એ દવાઓના અતિશય ડોઝના કારણે તંદ્રામાં ખોવાઈ ગયો. માઈલેરાનનો ડોઝ વધારવા છતાં સંજયનો બ્લડ-રિપોર્ટ સુધરતો નહોતો. શ્વેતકણોની સંખ્યા વધી ગયેલી. પ્લેટલેટ્સ પણ કાબૂમાં નહોતા. બરોળ સખત ફૂલી ગયેલી. પીડા અસહ્ય બનતી જતી. ને એનો સ્વભાવ વધારે ને વધારે જક્કી થતો જતો… ડૉ. મંદારે સ્પષ્ટ ના પાડેલી કે ધાબું તો ભરાશે, તારે જવાની જરૂર નથી. ત્યાં કેટલી ડસ્ટ ને સિમેન્ટ ઊડશે, ખબર છે? ને તારો રેઝિસ્ટન્સ પાવર તો સાવ માઇનસમાં છે... તારે હવે આવી તબિયતે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવું જોઈએ. રોગ છેલ્લા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે... ‘એ બધી જ મને ખબર છે ને છતાં ધાબું ભરાશે ત્યારે હું હાજર રહીશ જ.’ ‘લાંબી માંદગીવાળી, મરણપથારીએ પડેલી ડોસીઓ જેવો જિદ્દી થઈ ગયો છે તું…’ ‘તારે જે કહેવું હોય એ કહે. પણ હું જો પથારીમાં પડ્યો રહીશ તો વહેલો મરીશ… હું તો વિચારું છું કે…’ થોડી ક્ષણ એ કશા વિચારમાં ખોવાઈ ગયો. પછી બોલ્યો – ‘સિમલા તો દૂર પડે પણ આબુ તો જવું જ છે. એકાદ અઠવાડિયું ત્યાં રહીને અધૂરી નવલકથા પૂરી કરવી છે. અહીં ઘટાદાર, ગીચ એકાન્ત નથી મળતું… ને પહેલાંની જેમ હવે અડધી રાતે ઊઠીને કામ નથી થઈ શકતું… ક્યાંક મીંઢું મરણ બિલ્લી પગે આવીને તરાપ મારશે તો મારી નવલકથા અધૂરી રહી જશે ને ઘર માટેય જો ઉતાવળ નહિ થાય તો ઘર પણ હું જોવા નહિ પામું… બિલ્લી પગે આવતા મરણનો પગરવ શું સાંભળી શકશે બહેરા થતા જતા મારા કાન?’ અતિશય ઘરડાં માણસોની કશીક અંતિમ ઇચ્છા હોય કે પૌત્રનું લગ્ન જોઈને પછી મરણ પામું – એમ, એટલી જ તીવ્રતાથી સંજય પણ ઝંખે છે – મરણ પહેલાં ઘરનું ઘર થઈ જવું જોઈએ.. શેષ સમયમાં જિવાય તેટલું જીવી લેવું છે. ને છેવટે ઝાડો-પેશાબ બધું જ પથારીમાં થાય એ દશા આવે કે શરીર પાસેથી કશું લખવાનું કામ ન લઈ શકાય કે આંખો પાસેથી કશું વાંચવાનું કામ ન લઈ શકાય ને એવી સ્થિતિમાંથી બહાર નીકળવાની કોઈ જ શક્યતા નહિ બચે ત્યારે હું મરવાનું પસંદ કરીશ – મારા નવા ઘરના ઘરમાં… પણ ઘર ન થાય ત્યાં લગી તો હું ગમે તે રીતે ટકી રહીશ... ડૉ. મંદારે ગમે તેટલી દલીલ કરી છતાં એ ન જ માન્યો ત્યારે છેવટે મંદારે કહ્યું – ‘સારું ત્યારે. પણ ધાબું ભરાઈ રહે કે તરત પાછો આવી જજે. મારી એ.સી. કાર મોકલીશ. તારે એમાં જ બેસી રહેવાનું ને બારીનો કાચ પણ ખોલવાનો નહિ. ઓ.કે.?’ ‘ઓ.કે.’ ડૉ. મંદારની કારમાં સંજય-અમૃતા-અમિત-તન્મય... બધાં સવારના પહોરમાં સાઇટ પર પહોંચ્યાં ત્યારે ત્યાં કોઈ કહેતાં કોઈ જ નહોતું. હા, મશીન ત્યાં પડેલું હતું. આપણા મકાનના પાયા ખોદ્યા ત્યારે પણે ખેતર હતું ત્યાં અત્યારે આઠ માળના ફ્લૅટ બંધાય છે ને છેક છઠ્ઠા માળ સુધી કામ પતવા આવ્યું છે જ્યારે આપણા મકાનનું હજી ધાબુંય ભરાયું નથી! એ ફ્લૅટોમાં લોકો રહેવાય આવી જશે ત્યાં લગી આપણો આ કૉન્ટ્રેક્ટર કામ પતાવશે કે નહિ? અમૃતાના પપ્પા સાચું કહેતા'તા કે જેટલું કામ થયું છે એના પૈસા ચૂકવી આને છૂટો કરી દો, ઘણા બિલ્ડરો મારા મિત્ર છે. એમાંથી બાકીનું કામ યુદ્ધના ધોરણે પતાવી આપશે. પણ આ કૉન્ટ્રેક્ટરને છૂટો કરતાં સંજયની અંદરના કવિનો જીવ નથી ચાલતો. અમૃતાને થયું, ઘરેથી નીકળતી વખતે સંજય કેટલી ઉતાવળ કરાવતો'તો! ને અહીં તો હજી કોઈ આવ્યું નથી! પોતાને તૈયાર થતાં જરી વાર લાગી એમાં તો સંજયે બધાંના દેખતાં છણકો કરી નાખ્યો! ‘તૈયાર થતાં આટલી વાર?! કોઈના લગ્નમાં નથી જવાનું.’ આખી દુનિયા માટે એ વધુ ને વધુ સારો થતો જાય છે પણ લાંબી અસાધ્ય માંદગીના કારણે તથા બધું જ સપ્રેસ કરવાના કારણે એનો ગુસ્સો, અકળામણ, ચીડ… માત્ર મારી એકલી ઉપર જ ઊતરે છે હંમેશાં… સવારે જરી દૂધ ઊભરાઈ ગયું એમાંય એ ગુસ્સે થઈ ગયેલો. – ‘મહિને પાંચ કોથળી દૂધ તો ઊભરાવામાં જાય છે... કામમાં જરા ધ્યાન રાખતાં શીખો…’ અત્યારે એનો ચહેરો ભલે શાંત દેખાય પણ હજી કોઈ આવ્યું નથી તેથી અંદરથી એ સખત અકળાય છે, ધૂંઆપૂંઆ થાય છે. ત્યાં મજૂરણોનું ઝૂમખું આવ્યું, - ઊંચો ચણિયો, બ્લાઉઝ, ટૂંકી ઓઢણી ને હાથમાં ઍલ્યુમિનિયમનું ટિફિન. એમાં જૂનાં મજૂરોમાંનું કોઈ દેખાતું નહોતું. એ લોકો કપચીના ઢગલા પર પહોળા પગ રાખીને એ...ય નિરાંતે બેઠાં, પાંચીકાની જેમ કપચી ઉછાળતાં, હથેળીઓમાં રમાડતાં, હા-હા-હી-હી કરતાં. અમૃતાની આંખો પેલી સીતાને શોધતી હતી. પણ એ દેખાઈ નહિ. ત્યાં જૂનાં મજૂરિયાંય આવી ગયાં ને પાછળ કૉન્ટ્રેક્ટર પણ, – ‘સૉરી, સાહેબ, સૉરી’ કરતો. એની નજર કડિયાને શોધવા લાગી પણ કડિયો હજી આવ્યો નહોતો. ત્યાં એક જણ ખબર આપી ગયો – ‘એ કડિયાએ રાત્રે આપઘાત કર્યો… ઍસિડ પી ગયેલો. રાતે ને રાતે જ દવાખાને લઈ ગયેલા, પણ…' સંજય તો વાઢ્યો હોય તો લોહી ન નીકળે એવો થઈ ગયો. ‘હેં? શું વાત કર સ? ના હોય…’ કૉન્ટ્રેક્ટર બોલ્યો. ‘પેલી સીતાડી એને છોડીને પણે સામે આઠ માળના ફ્લૅટ થાય છે એના કડિયા જોડે ચાલુ પડી ગઈ ને એટલે…’ ‘તે એમાં ઍસિડ પી જવાનો? એવી એ રાંડનો તો એ ધંધો છે...’ અમૃતાય અવાક્ થઈ ગઈ..! એને એ કડિયાનો ચહેરો હજીયે જાણે આંખ સામે જ દેખાતો હતો – વધારે પડતું લાંબું મોં, સહેજ ત્રાંસી આંખો, બેસી ગયેલા ગાલ, લબડી પડેલું નાક… બીડી પીધા કરે ને ખોં-ખોં કર્યા કરે… જરી કળ વળતાં સંજય બોલ્યો – ‘એ કડિયાને ત્યાં આપણે જવું જોઈએ?' કૉન્ટ્રેક્ટર જવાબ આપે એ અગાઉ જ અમૃતા બોલી, ‘ના, આ તબિયતે તમારે નથી જવું... એવું હશે તો અમિત-તન્મય જઈ આવશે…’ પછી એણે ચિંતાભર્યા સ્વરે કૉન્ટ્રેક્ટરને પૂછ્યું – ‘તો… આજે ધાબુ ભરવાનું બંધ રાખવું પડશે?’ ‘ના રે... મારે મશીનનું ભાડું ચડે… કડિયાનાકેથી હું કારીગર પકડી લાવું છું… ધાબું તો હમણાં બે-ત્રણ વાગ્યા સુધીમાં ભરાઈ જશે… તમે ચિંતા ના કરો, બેન.’ – કહી એ એની મોટરસાઇકલને કિક મારતોક ચાલ્યો ગયો. ડીઝલ એંજિનનો અવાજ આવ્યો. પછી ટ્રેનનો અવાજ. જોયું તો લાંબીલચ ગુડ્ઝ ટ્રેન વળાંક લેતી પસાર થઈ રહી હતી.. સંજયને ‘આવજો’ કહેનારું એમાં કોઈ બેઠું નહોતું… ઘણી વાર સંજયને સ્વપ્ન આવતું – અંધકારના પહાડ ચીરતી, દોડતી-ભાગતી ટ્રેન… અજવાળાંની ઝગઝગતી એની લંબચોરસ બધીયે બારીઓમાંથી સંજયને ‘આવજો, આવજો’ કહેતા અસંખ્ય હાથ… એમાં બધા સાહિત્યકારો, મિત્રો, સ્વજનો.. બધા જ એક એક લંબચોરસ બારીમાં… અમૃતા, એનાં મમ્મી, પપ્પા, બા, રૂપા, વિસ્મય... બધા અત્યંત વેગથી ગતિ કરતી એક એક બારીમાં, હાથ હલાવી હલાવીને પોતાને ‘આવજો' કહેતાં. કોકના ચહેરા હસતા તો કોઈના ખુશખુશાલ, કોઈના ધીરગંભીર તો કોઈના આંસુભર્યા… ને પોતે કોઈ ખૂબ ઊંચે ઊડ્યા કરતો હોય… રડી પડવાનું ખૂબ મન થઈ આવે… પણ પોતાની પાસે આંખો જ ન હોય. ચહેરો જ ન હોય... શરીર જ ન હોય... આઠ માળના પેલા ફ્લૅટોમાં તો કામ શરૂ થઈ ગયેલું… ત્યાં, પાંચમા… ના, છઠ્ઠા માળનું બહારના પ્લાસ્ટરનું કામ ચાલતું હતું. ત્યાં કામ કરતી મજૂરણોમાં પેલી સીતાય હશે… કડિયાના આપઘાતની વાત એણે જાણી હશે? આઠ માળના ફ્લૅટોની બાજુમાંય ચાર માળના ફ્લૅટ બંધાય છે… ત્યાંયે બીજા માળનું ધાબું ભરાવાનું શરૂ થઈ ગયું. પાલક પર મજૂરિયાં ગોઠવાઈ ગયાં છે ને એકમેકની હથેળીઓમાંથી માલ ભરેલાં તગારાં સડસડાટ ઉપર પહોંચે છે, માલ ઠલવાય છે ને ખાલી તગારાં ફટાફટ નીચે! કેટલું ઝડપથી, વ્યવસ્થિત, આયોજનપૂર્વક ને કેવી સંવાદિતાથી કામ ચાલે છે..! – સંજય બાળકની જેમ જોઈ જ રહ્યો… કોક સારો કૉન્ટ્રેક્ટર મળ્યો હોત તો આપણુંય કામ ક્યારનું પતી ગયું હોત. ધાબું ભરાઈ જાય એટલે હવે આને છૂટો કરી દેવો પડશે. ને અમૃતાના પપ્પાને કહેવું પડશે – એમના કોઈ બિલ્ડર મિત્ર દ્વારા બાકીનું કામ જલદી પતાવી આપે… નહીંતર ઘરનું કામ બાકી હશે ને ક્યાંક મરણ… ત્યાં તો કૉન્ટ્રેક્ટર બે કારીગરોને લઈને આવી પહોંચ્યો. પછી એણે કોઈ મજૂરણને શ્રીફળ છોલવા આપ્યું. એણે ફટફટ શ્રીફળનાં છોડાં ઉખાડી, જરી ચોટી રાખી પાછું આપ્યું. કૉન્ટ્રેક્ટરે અમૃતાને મશીન પાસે શ્રીફળ વધેરવા કહ્યું. ‘લો, બહેન, તમારા હાથે શ્રીફળ વધેરો… કોઈ વિઘન નોં આવે… પાલખ પરથી કોઈ પડે-બડે નહિ...’ અમૃતાએ ખટ્ટ… શ્રીફળ વધેર્યું. પછી બધાંને શેષ વહેંચાઈ. ને કપચી-રેતી-સિમેન્ટ નાખીને ચાંપ દાબતાં જ મશીન શરૂ… ગર્રર્રર્ર કરતું ત્રાંસું પીપડું ફરવા-ઘૂમવા લાગ્યું. ને અંદર કપચી-રેતી-સિમેન્ટ-પાણીનું મિશ્રણ થતું રહ્યું... મજૂરણો ગોઠવાઈ ગઈ. હાથોહાથ માલ ભરેલાં તગારાં ઉપર પહોંચતાં ગયાં, ઠલવાતાં ગયાં ને ખાલી તગારાં નીચે આવતાં રહ્યાં… ઉપર બે કારીગરો માલ ઠાંસી ઠાંસીને ભરતા ગયા… ‘હા…શ… ધાબું ભરાવાનું શરૂ તો થઈ ગયું…’ અધીરા સંજયે રાહતનો શ્વાસ લીધો... મંદાર સાચું કહેતો'તો. મારે અહીં આવવું જોઈતું નહોતું… હવે અહીં વધારે રહી નહિ શકાય… અસહ્ય પીડા થાય છે… ઘરે જઈ આરામ કરવો પડશે. અહીં અમિત-તન્મય ધ્યાન રાખશે… એણે અમૃતાને કહ્યું, ‘અહીં અમિત-તન્મય ધ્યાન રાખશે. આપણે હવે ઘરે જઈએ...’ ‘તારી તબિયત તો...’ ‘સારી છે. ઘરે જઈ થોડું કામ પતાવું… ધાબું ભરાઈ રહેવા આવશે ત્યારે ફરી આંટો મારી જઈશું…’ આ સાંભળીને અમૃતાને તો જાણે ભગવાન મળ્યા… ડૉ. મંદાર છેવટે અમૃતાનેય કહી ગયેલો – ‘સાવ ન માને તો, ધાબું ભરવાનું શરૂ થાય એ પછી એને ઘરે લઈ આવજે...’ સંજય પોતાને તો વડચકાં જ ભરશે એ બીકે અમૃતા કશું બોલી નહોતી પણ મનોમન થઈ ગયેલી નાની-શી પ્રાર્થના ભગવાને સાંભળી ખરી… ધાબુ ભરાવાનું હતું એટલે સંજયે મજૂરી માટે બુંદીના લાડુ ને ચવાણું મંગાવી રાખેલું. આ વખતે અમૃતા યાદ રાખીને અથાણુંય લેતી આવેલી. એ બધું કારમાંથી કાઢીને તન્મયને આપ્યું. નીકળતી વેળા વળી સંજયે અમિત-તન્મયને યાદ કરાવ્યું કે કપચી-રેતી-સિમેન્ટનું પ્રમાણ કેટલું હોવું જોઈએ... એ પ્રમાણ જળવાય એનું ધ્યાન રાખજો.. વળી કારીગરો ધાબામાં બરાબર ઠાંસી ઠાંસીને માલ ભરે છે કે નહિ એનું ધ્યાન રાખજો. એક જણ ધાબે રહેજો ને એક અહીં… મશીન પાસે... તન્મયને થયું, સર હમણાં હમણાંથી બહુ ચીકણા થઈ ગયા છે... ઘરે જતાં જ સંજય પથારીમાં પડ્યો. હાડકેહાડકું અંદરથી દુખતું, ધગધગતું હતું… પીડામાંથી ધ્યાન બીજે જાય એ માટે એણે ટીવી ચાલુ કર્યું. ડિસ્કવરી ચૅનલ મૂકી. જાહેરાતો ચાલતી હતી… અવારનવાર એ આ ચૅનલ પરના મેડિકલ રિસર્ચના કાર્યક્રમો જોતો… લ્યૂકેમિયાની દવાની શોધ ક્યાં, કેટલે–ની માહિતી કદાચ મળે… ડૉ. મંદાર પણ મેડિકલનાં રિસર્ચ જર્નલ જોતો રહેતો… જાહેરાતો પત્યા પછી ધરતીકંપ વિશેના કોઈ પ્રોગ્રામનું અનુસંધાન શરૂ થયું… જોયું તો, તોતિંગ મકાનો, માળના માળ, પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા જતા હતા... સંજય ઓચિંતી ચીસ પાડી ઊઠ્યો – ‘મારાથી આ સહન નથી થતુંઉઉઉ… જલદી ટીવી બંધ કરો…’ બા-અમૃતાને ફાળ પડી. ‘શું થયું?’ કરતાં બેય રસોડામાંથી દોડી આવ્યાં… ‘શું થયું?’ ‘કંઈ નહિ; આ ટીવી ઝટ બંધ કરો...’ ‘રિમોટ તો તારા હાથમાં છે. બા સંજયની આંખોમાં તાકીને જોઈ રહ્યાં… ‘પગ સખત દુખે છે.’ ‘અમૃતા, તું પગ દબાવ. રસોડામાં હું સંભાળું છું...’ સવારે જ પેઇનકિલર લીધી હોવા છતાં અત્યારે સંજયે ફરી પેઇનકિલર લીધી! આટલી અસહ્ય પીડા છતાં એના મનને, ચિત્તને જરીકે શાંતિ નહોતી. વારે વારે એ ઘડિયાળ જોતો – કેટલા વાગ્યા? બે-અઢી વાગે ધાબું ભરાઈ રહેશે… હજી તો બાર જ વાગ્યા… હજી તો સાડા-બાર જ થયા. હજી તો એક થયો… ક્યારે અઢી વાગશે? ધાબું ભરાઈ રહ્યું છે એના આનંદ-રોમાંચના કારણે એ બરાબર જમીય ન શક્યો. માંડ એક રોટલી ખાધી ને ભાત તો લીધા જ નહિ. ડ્રાઇવરને જમાડ્યો. અઢી વાગ્યે તો સંજય-અમૃતા સાઇટ પર પાછાં ગયાં. કામ પૂરું થવામાં હતું. કામ સારું થયેલું જોઈ એના મોં પર રાજીપો ઊભરાતો હતો. થોડી વારમાં કામ પતીયે ગયું. ત્યાં જ પેલા આઠ માળના ફ્લૅટ બંધાતા હતા ત્યાં બૂમાબૂમ મચી ગઈ… ટોળું ભેગું થઈ ગયું. – ‘શું થયું?’ ‘શું થયું’ કરતાં લોકો એ તરફ દોડ્યા. આપણા મજૂરોય દોડ્યા ને થોડી વારમાં જ કેટલાક ખબર લઈને આવ્યા. – છઠ્ઠા માળનું બહારનું પ્લાસ્ટર કરતો કારીગર પાલખ પરથી પડ્યો. – પેલી સીતાડી જેની હારે ચાલુ થઈ ગયેલી એ કારીગર… – નક્કી, ઍસિડ પીને આપઘાત કરનાર કડિયાએ તરત બદલોય લઈ લીધો! – આપઘાત કરનારની ગતિ નોં થાય, બૂન… લોકોનો આવો ગણગણાટ કાને પડતો રહ્યો… સંજયનું મન ખિન્ન થઈ ગયું… ધાબું ભરાઈ ગયાનો ઉત્સાહ ધુમાડો થઈને ક્યાંય ઊડી ગયો… પોતાની અંદર-બહાર મરણ સતત અસંખ્ય ગીધ બનીને મંડરાતું રહે છે જ્યારે આ બે જણા તો બિચારા... નખમાંય રોગ નહિ ને છતાં આમ કમોતે…