વિદિશા/પાંચમી આવૃત્તિ પ્રસંગે

પાંચમી આવૃત્તિ પ્રસંગે

ભોળાભાઈ પટેલ

‘વિદિશા’ની પાંચમી આવૃત્તિ છપાઈ રહી છે, એ પ્રસંગે એક લેખક તરીકે પ્રસન્નતા અનુભવું છું. દેશવિદેશના ગુજરાતી સહૃદય વાચકોએ ‘વિદિશા’નું ઉષ્માથી સ્વાગત કર્યું છે. કોઈ દંપતીએ તો પોતાના સંતાનનું નામ વિદિશા રાખી એ પુસ્તક માટેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. એવા પણ મિત્રો છે જેમણે વિદિશાની વેત્રવતીના પ્રવાહમાં પગ બોળી ‘વિદિશા’નો પાઠ કર્યો છે. ખજુરાહોની પોતાની સફર પ્રસંગે ‘વિદિશા’નાં ‘ખજુરાહો’ નિબંધની આંગળી પકડીને ત્યાંના શિલ્પસ્થાપત્યને બારીકાઈથી જોયાં છે, જોકે એવી કશી ગાઈડ બુક બનવાનો ‘વિદિશા’નો ઉપક્રમ નથી જ નથી. ‘માંડુ’ વાંચી મારાં છાત્રો ત્યાં પહોંચી ગયેલાં! એનાં વાચકો એમ દેશ ખૂંદવા નીકળી પડે એવોય એક ઉદ્દેશ એના લેખકનો ખરો, સહૃદય વાચકોની ચેતનામાં ‘હેથા નય, હેથા નય’નો અશાંત ઉદ્વેગ જાગે એમ ઇચ્છા કરું.

‘વિદિશા’ પછી ભ્રમણ-નિબંધનાં બીજાં મારાં પુસ્તકો પ્રગટ થયાં છે, પણ ‘વિદિશા’એ પોતાની અનન્યતા જાળવી રાખી છે. ‘વિદિશા’નાં પ્રવાસો જે પ્રસન્ન મનઃસ્થિતિમાં થયા છે, એવી મનની અવસ્થા સદા ક્યાં ટકતી હોય છે? સહપ્રવાસી મિત્રોનો આત્મીય ઉલ્લાસ એમાં ભળી ગયો છે.

‘વિદિશા’નો હિન્દી અનુવાદ દિલ્હીના રાધાકૃષ્ણ પ્રકાશને પ્રગટ કરી સમગ્ર દેશમાં ભાવકોને તે પહોંચતી કરી. ‘ખજુરાહો’ નિબંધ ખજુરાહોની સહસ્ત્રાબ્દી પ્રસંગે ભારતીય જ્ઞાનપીઠે પ્રગટ કરેલ ‘ખજુરાહો કી પ્રતિધ્વનિયાઁ’ એ નામે હિન્દી અને પછી અંગ્રેજી પુસ્તકોમાં સ્થાન પામ્યો છે.

‘વિદિશા’ની પ્રથમ આવૃત્તિમાં રહી ગયેલી અશુદ્ધિઓ દૂર કરીને (સ્વ) બાલુભાઈ પારેખે અત્યંત મમતાપૂર્વક પુનર્મુદ્રણ માટે પરિશુદ્ધ વાચના તૈયાર કરી આપી હતી, તેનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું.

આ પાંચમી આવૃત્તિમાં કેટલાક સહૃદયોના પ્રતિભાવ આપવાની ઇચ્છા કરી છે. એ સૌ ભાવકોનો પણ આભાર માનું છું.

આશા રાખું છું કે ‘વિદિશા’ વ્યક્તિમાત્રની ચેતનામાં પડેલી રઝળપાટની વૃત્તિને આહ્વાન આપતી રહેશે. ભોળાભાઈ પટેલ
૩૦ ઑગસ્ટ, ૨૦૦૨, નગીનદાસ પારેખ જન્મદિન