વિદ્યાવિનાશને માર્ગે/૧૪


૧૪

સુરેશ જોષી

રજાઓ પૂરી થાય અને યુનિવર્સિટીઓ ખૂલે કે તરત આ કે તે નિમિત્તે કહેવાતા વિદ્યાર્થીનેતાઓ આન્દોલનની ધમકી આપવાની શરૂ કરી દે છે. આ ધમકી માત્ર ધમકી રહેતી નથી. આન્દોલન ઉગ્ર આક્રમક જુસ્સા સાથે શરૂ થાય છે. એમાંથી હિંસાત્મક આક્રમણ શરૂ થાય છે. પહેલાં તો એમાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચાડવાનો આશય નહોતો, હુમલો યુનિવર્સિટીનાં મકાનો પર થતો, એથી માલમિલકતને નુકસાન થતું. હવે તો આ કે તે વ્યક્તિ અથવા જૂથ એવું નિશાન બને છે અને ઘણીવાર જાનહાનિ થાય છે. યુનિવર્સિટીમાં નવો પ્રવેશનાર વિદ્યાર્થી હજી વર્ગમાં કશું ભણે તે પહેલાં તો આવાં આન્દોલનોમાં હડસેલાઈ જતો હોય છે. પ્રથમ તો એ હેબતાઈ જઈને સહેજ દૂર ઊભો રહીને આ બધું જુએ છે, પણ વિદ્યાર્થીનેતાઓની ધાકધમકીથી આખરે એને પણ ટોળામાં ભળી જઈને આન્દોલનના પક્ષકાર બનવું પડે છે. એ પોતાનો કોઈ સ્વતંત્ર મત કેળવે અને આત્મપ્રતીતિ સિદ્ધ કરે તે પહેલાં તો એ પ્રવાહપતિત થઈને ખેંચાઈ જતો હોય છે. દરેક વર્ષે આ પરિસ્થિતિ ઊભી થતી હોવા છતાં યુનિવર્સિટીનું વહીવટીતન્ત્ર કે અધ્યાપકમણ્ડળ આ પરિસ્થિતિ ઊભી ન થાય અને ઊભી થાય તો એનો પ્રતિકાર શી રીતે કરવો એ વિશે ગમ્ભીરતાથી વિચારતાં હોય એવું લાગતું નથી. ચૂંટણી પહેલાં આવું આન્દોલન ઊભું કરીને આગળ આવવાનો કીમિયો વિદ્યાર્થીનેતાઓએ હસ્તગત કરી લીધો છે. ‘ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ આથી ફલદાયક નીવડતા નથી.

વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ઘણા પ્રશ્નો ઊભા કરે છે. હવે પ્રવેશ ગુણવત્તા પ્રમાણે આપવાનો આગ્રહ બહુ ઓછી યુનિવસિર્ટીઓ રાખી શકે છે. જ્ઞાન મેળવવાનો અધિકાર લોકશાહીમાં સૌને છે, પણ એમાં યોગ્યતા રુચિ કે ગુણવત્તાની પરવા કર્યા વગર એક પછી એક ટોળું ને ટોળું, પ્રવેશ પામવો તેને જન્મસિદ્ધ અધિકાર લેખીને, યુનિવર્સિટીમાં ઘૂસી જાય છે. પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે ઉત્તીર્ણ થવું, ડિગ્રી મેળવવી અને એ ધ્યેય સિદ્ધ કરવામાં સાધન-શુદ્ધિને નેવે મૂકવી. આવું વલણ અત્યારે સ્પષ્ટ વર્તાય છે. એ માટે કોઈ નિષ્ણાત સમાજવિજ્ઞાનીના અભિપ્રાયની કે કોઈ તપાસપંચના તારણની રાહ જોવાની જરૂર નથી.

સંખ્યાબહુલતાને કારણે પુસ્તકાલયની વ્યવસ્થા ઊણી પડે છે. પુસ્તકો બધાંને સુલભ બની રહેતાં નથી. પુસ્તકાલયના બજેટ પણ ટૂંકા હોય છે અને અમુક વિષયમાં તો પરદેશથી પુસ્તકો મંગાવવા પડે. વળી આવા એક પુસ્તકની કિંમત ત્રણસો રૂપિયા જેટલી હોય છે. પણ પુસ્તકાલયની અપૂરતી સગવડ માટે હજી ખાસ આન્દોલન થયાનું સાંભળ્યું નથી. આ હકીકત આખી પરિસ્થિતિની દ્યોતક છે.

સંખ્યાબહુલતાને કારણે શિક્ષક શિષ્ય વચ્ચેનો પ્રત્યક્ષ સમ્પર્ક ઝાઝો સંભવિત રહેતો નથી. પ્રામાણિકપણે એ કબૂલ કરવું રહ્યું કે શિક્ષકો પણ પોતાના જ્ઞાનના સામર્થ્યથી ઝાઝો પ્રભાવ પાડે એવા રહ્યા નથી. એમાં દરેક યુનિવર્સિટીમાંથી થોડા સુખદ અપવાદો મળી રહે. આ વિષય શીખવો હોય તો અમુક વિદ્યાપીઠના અમુક અધ્યાપક પાસે જ જવું જોઈએ એવી જે પરિસ્થિતિ પશ્ચિમમાં છે તેવું કશું આપણે ત્યાં ખાસ નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં, વિદ્યાપ્રાપ્તિની પ્રવૃત્તિમાં સંડોવાયા વિના, અહીંતહીં ભટકતા અને ઇતર પ્રવૃત્તિમાં રાચતા દેખાય છે. વિદ્યાપ્રાપ્તિના પુરુષાર્થથી વંચિત રહી ગયેલો વિદ્યાર્થી અનેક અનિષ્ટો ઊભાં કરવામાં હાથારૂપ બને છે. પરીક્ષા પસાર કરવા પૂરતું એ ધંધાદારી દૃષ્ટિએ ચાલતા વર્ગોમાંથી ‘હેન્ડ આઉટ્સ’ને રૂપે મેળવી લે છે. આ તૈયાર સામગ્રીના જોરે એ પરીક્ષા આપતો હોય છે. આથી વડીલો પર વધારાનો આથિર્ક બોજો આવે છે, એટલું જ નહિ, યુનિવર્સિટીના કેટલાક શિક્ષકો સીધી કે આડકતરી રીતે આવી ધંધાદારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. ત્યારે બીજાં ઘણાં અનિષ્ટો પોષાય છે. આ બધું યુનિવર્સિટીના મૂળ ઉદ્દેશને વિફળ બનાવવામાં મોટો ભાગ ભજવે છે.

વિદ્યાપ્રાપ્તિની પ્રવૃત્તિને પૂરક એવી ઘણી યોજનાઓ કાગળ પર તો છે, એને નામે બે-ચાર વ્યક્તિઓ દરેક યુનિવર્સિટીમાં પોષાતી હોય છે. પણ મોટે ભાગે યુનિવર્સિટી વિસ્તારમાં આવી કશી પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ સક્રિયપણે જોડાતા દેખાતા નથી. ઘણી પ્રવૃત્તિ તો અનુદાનો મેળવવા માટે કાગળ પર જ રહેતી હોય છે. આવો પ્રતિષ્ઠાનો અભાવ અને દિલચોરી, શક્તિ અને દ્રવ્યના અપવ્યયમાં જ મોટે ભાગે પરિણમે છે. આપણા ગરીબ દેશને એ પરવડે એમ નથી.

જ્ઞાનવિતરણ માટેના માધ્યમ લેખે માતૃભાષા કે પ્રાદેશિક ભાષાને રાખવી કે કેમ, અંગ્રેજી અને બીજી યુરોપીય ભાષાને કેટલું મહત્ત્વ આપવું – આ બધાં વિશે આપણે કદાચ ગમ્ભીરપણે વિચાર્યું નથી. એને પરિણામે આ વિષે કોઈ ચોક્કસ નીતિ વગર આપણો વ્યવહાર ચાલ્યા કરે છે. પાઠ્યપુસ્તકો અને સન્દર્ભગ્રન્થો પ્રાદેશિક ભાષામાં તૈયાર કરાવવાની પ્રવૃત્તિ પણ આડેધડ ચાલી અને એથી એ પરત્વે અસન્તોષનાં ઘણાં કારણો રહ્યાં. ભાષાનો અભ્યાસ, આજે તો, બીજા વિષયોના અભ્યાસને મુકાબલે, ઝાઝા મહત્ત્વનો લેખાતો નથી. એને નાહકના બોજારૂપે લેખીને પાઠ્યક્રમમાંથી દૂર કર્યાના દાખલા પણ છે. આ સ્થિતિમાં આજના મોટા ભાગના વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની ક્ષમતા ખેદજનક રીતે ઘટી જાય તે દેખીતું છે. વિદગ્ધતાના સ્તરની વિભાવનાઓને સમજવા જેટલું એને કોઈ ભાષાનું જ્ઞાન નથી. આથી અભ્યાસવિષય સાથે એને પ્રત્યક્ષ સમ્બન્ધ જ રહેતો નથી. આ પરોક્ષતા વિદ્યાપ્રાપ્તિની આખી પ્રવૃત્તિને નીરસ બનાવી દે છે. એમાંથી અજંપો ઉદ્ભવે છે. આ અજંપો બીજાં અનેક અનિષ્ટો ઊભાં કરે છે.

આ પરિસ્થિતિનો સરકારને કે યુનિવર્સિટીના વહીવટીતન્ત્રને ખ્યાલ નથી એવું હું કહેતો નથી. એ ખ્યાલ હોવાથી જ એમની જવાબદારી વધી જાય છે. ગૌણ વસ્તુને મહત્ત્વ આપીને મુખ્ય સમસ્યાને ટાળવાની નીતિ સામાન્ય રીતે અપનાવાતી હોય એવું જોવામાં આવે છે. આથી ઉત્તમ વિદ્યાર્થીઓને અને ઉત્તમ અધ્યાપકોને ગેરલાભ થાય છે. આખરે એ ગેરલાભ સમાજનો જ છે. પરસ્પર દોષારોપણ કરવાથી તો વૈમનસ્ય વધશે. વિદ્યાર્થી અને અધ્યાપક સામસામે જુદા વર્ગમાં વહેંચાઈ જઈને પોતાનાં હિતોને જુદાં ગણે અને પક્ષિલ માનસ ધરાવે એ પરિસ્થિતિ વિદ્યાપોષક નહિ બને તે દેખીતું છે. વિદ્યાર્થીઓ પણ સાચું હિત શેમાં છે એ સમજે તે જરૂરી છે.