વિદ્યાવિનાશને માર્ગે/૧3


૧3

સુરેશ જોષી

ઔદ્યોગિક ક્રાન્તિ પછીની બીજી ક્રાન્તિ માટેની ઝંખના યુવાન પેઢીમાં દેખાય છે, પણ પશ્ચિમમાં એની દાર્શનિક અને વૈચારિક પીઠિકા રચાઈ છે તેવી આપણે ત્યાં રચાઈ નથી. આથી તરત શમી જાય તેવો ઊભરો, થોડાં છમકલાં, થોડીક કૃતક આક્રમકતા દેખાય છે. આલ્બેર કેમ્યૂની, જેમ એ લોકો એમ કહી શકે નહિ કે અમારા બળવાના પાયા પર જ તમારું અસ્તિત્વ અવલંબીને રહ્યું છે. ફ્રાન્સમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિદ્રોહ કર્યો ત્યારે એમનું સૂત્ર હતું ‘લોંગ લીવ ધ પેશોનેટ રેવોલ્યુશન ઓફ ક્રિયેટીવ ઇન્ટેલિજન્સ.’ આ ઘણું સૂચક છે. આ વિદ્યાર્થીઓ કેવળ સંખ્યાપરાયણતાથી દૂર સરીને ગુણવત્તા સુધી પહોંચવા માંગતા હતા. એમને ‘ક્વોન્ટિટી’માં નહિ, પણ ‘ક્વોલિટી’માં રસ હતો. સમૃદ્ધિનું પ્રાચુર્ય બહુસંખ્ય માનવીઓને સમકાલીન માનવીય સન્દર્ભમાં તપાસવા પ્રેરે.

આપણે ત્યાં હજી એ સ્થિતિ આવી નથી. થોડાક સર્જકો અને ચિન્તકોએ જ માનવસન્દર્ભને તપાસવાનું કામ કર્યું છે. એ બધું પણ વેરવિખેર છે. એને સળંગસૂત્ર બનાવીને એ પ્રભાવક નીવડે એવું કરે એ પ્રકારનું કોઈ તત્ત્વ હજી આપણે ત્યાં દૃષ્ટિગોચર થતું નથી. યુનિવર્સિટી પાસેથી એની અપેક્ષા હતી. બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમમાં એની એક અનિવાર્ય પ્રતિક્રિયા રૂપે છવાયેલી હતાશા અને અસંગતિની લાગણીને ઉછીની લઈને આધુનિકમાં ખપવા માટે આપણે એનું રટણ કર્યા કરીએ છીએ. આપણી ‘આધુનિકતા’ની વાતો પોકળ છે. કારણ કે હજી આપણે મધ્યકાલીન માનસ પૂરેપૂરું છોડી શક્યા નથી.

વળી આથિર્ક સમૃદ્ધિ તો સિદ્ધ થઈ શકી નથી. પ્રતિકૂળતા, હાડમારી અને ગરીબાઈ મોટા ભાગની પ્રજાને કોઠે પડી ગયાં છે. એથી પુરુષાર્થ ઉગ્ર બનવો જોઈએ, એને બદલે આપણી દૈવવાદી પ્રજા ધર્મ પાસેથી પોકળ આશ્વાસન મેળવીને ‘સુખે દુ:ખે સમે કૃત્વા’ની સ્થિતપ્રજ્ઞની મનોદશા કેળવ્યાનું નાટક કરીને રાચ્યા કરે છે. આથી ગુણવત્તાનો ઉત્કર્ષ, પ્રફુલ્લતા, ઉત્સાહનો થનગનાટ – આની વાતો આપણે કરતા નથી. કેટલાક હઠીલા અથવા અન્ધ આશાવાદી અને શ્રદ્ધાળુ હજી રામરાજ્યના આદર્શનું ચિત્ર આંક્યા કરતા હોય છે. પણ જ્યોર્જ ઓર્વેલે જે ભવિષ્ય ‘નાઇનટીન એઇટી ફોર’ માટે કલ્પ્યું હતું તે સમયની આપણે ઘણા નિકટ આવી પહોંચ્યા છીએ. ‘ડિસ્ટોપિયા’નું એવું સમર્થ આલેખન કરનાર સર્જક આપણી પાસે નથી.

હતાશા અને ‘એબ્સર્ડ’ને નામે ગતકડાં કરનારા ઘણાં છે. ચેતનાની વિસ્તૃતિનો આગ્રહ, અનુભવની બધી અવસ્થાઓનાં સમર્થ પ્રતિરૂપોનો આવિષ્કાર કરવાના પડકારને ઝીલવાની તત્પરતા, રસવૃત્તિને વિકસાવવાનો ઉત્સાહ, ટૂંકમાં કહીએ તો સાચી સર્જકતાને કેળવીને પુરસ્કારવાનું આપણા સમાજના કહેવાતા શિક્ષિત અને સંસ્કારી વર્ગનું વલણ હોય એવું દેખાતું નથી. આમ છતાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર છે, સૌરાષ્ટ્રના લોકસંગીતને બજારુ ચીજ બનાવી દીધી છે. સંગીત શેખીખોરોના મેળામાં જતું રહ્યું છે, નૃત્યનું કલાગત મૂલ્ય સ્વીકાર્યું નથી. એને સામાજિક પ્રતિષ્ઠા માટે અને સંસ્કારિતાનાં છોગાં તરીકે આપણે જોતા થઈ ગયા છીએ.

યુનિવર્સિટીમાં સર્જકતાને અવકાશ આપે, એનું ગૌરવ કરે એવી પ્રવૃત્તિ કેટલી? ‘સંગીતસન્ધ્યા’ના કાર્યક્રમમાં ફિલ્મી સંગીતનું અનુકરણ કરીને રાગડા તાણવામાં આવે છે. કવિસંમેલનો સભારંજની જોડકણાંને જ સ્થાન આપે છે. યુનિવર્સિટી તરફથી પ્રકાશિત, અધ્યાપકો અને વિદ્યાર્થીઓના જ્ઞાનના ક્ષેત્રના ઉદ્યમના નિષ્કર્ષરૂપ, સામયિકનું ધોરણ અત્યન્ત નીચું ચાલ્યું ગયું છે. છતાં કોઈ વિક્ષુબ્ધ થતું નથી, બધું ઠીક છે એવી આત્મતુષ્ટિ ધીમે ધીમે આપણને જડ બનાવી દેશે એવો ભય રહે છે.

આથી આપણે ઔદ્યોગિક ક્રાન્તિ પછીની ક્રાન્તિની વાત કયે મોઢે કરીશું? હા, આપણે ત્યાં પણ પરદેશ જઈ આવેલા થોડા યુવાનો ‘કોમ્યુન’ સ્થાપીને જીવવાની વાત કરે છે. ‘બિટનિક’ શબ્દ હવે ભુલાઈ જવા આવ્યો છે. પણ આપણે ત્યાંય થોડા ‘હિપ્પી’નો વેશ ભજવનારા છે. એને નામે એલ.એસ.ડી. કે ગાંજા-ચરસનું સેવન કરનારો વર્ગ દરેક વિદ્યાપીઠનાં છાત્રાલયોમાં જોવામાં આવે છે. આમ તો આપણો આખો જમાનો મૂળ વસ્તુને બદલે તેની અવેજીમાં જે મળે તેનાથી સન્તોષ માનીને જીવનારાઓનો જમાનો છે. મૂળ વસ્તુને જીરવવાનું ગજું આપણામાં નથી. આપણા બધા આનન્દ પણ અજીઠા હોય છે, ઊબાઈ ચૂકેલા હોય છે. આની અસર આપણી બધી જ પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં દેખાય છે.

આમ છતાં આદર્શવાદને વળગી રહ્યા છીએ. ભ્રષ્ટાચારીઓ વચ્ચે ‘સદ્વિચાર પરિવાર’ આપણી પાસે છે. બીજી ક્રાન્તિની જેહાદ એકવિધતાની સામે છે. સમાનતા સ્થાપવાને નામે આપણે કશા વિશિષ્ટને ઓળખીને એનું ગૌરવ કરવા ઇચ્છતા નથી. ‘સ્ટાન્ટર્ડાઇઝેશન’ને નામે આપણે મૌલિકતાને જ દેશવટો આપવા બેઠા છીએ. ટેક્નોલોજી ઉપયોગી વસ્તુ છે, પણ માનવી એનું પ્યાદું બની રહે એ સ્થિતિનો આપણે વિરોધ કરવાનો છે. વ્યક્તિમત્તાનું ગૌરવ થવું જોઈએ, એની અદ્વિતીયતા, સ્વીકારાવી જોઈએ. માણસો વચ્ચેનું સરખાપણું શોધવાના ઉત્સાહમાં માનવી માનવી વચ્ચે જે અનિવાર્ય ભેદ રહ્યો છે તેની વાસ્તવિકતાને આપણે ભૂલી નહિ જઈ શકીએ.

આ વ્યક્તિમત્તાનું ગૌરવ કરવાની વૃત્તિનો અતિરેક પણ દેખાય છે. વિશિષ્ટતા નહિ પણ વિલક્ષણતાને જોરે કેટલાક નોખા તરી આવવા ઇચ્છતા હોય છે. રુચિની વિશિષ્ટતાને આપણે સ્વીકારીએ, પણ અલગારી દેખાવાનું નાટક આપણને ઝાઝું રુચે નહિ એમ બને.

સંસ્થાકીય અભિગમ આ બીજી ક્રાન્તિમાં કદાચ એટલું મહત્ત્વનું સ્થાન નહિ પામે. દોસ્તોએવ્સ્કીએ કહેલું જ કે માનવી દરમાં રહીને પોતાને સહીસલામત માનવા ઇચ્છનારું પ્રાણી છે. આપણી સંસ્થાઓ આપણને સલામતી આપે છે. આપણે સક્રિય છીએ એવો આભાસ ઊભો કરે છે. સંસ્થા અમુક જડ નિયમો અને ધારાધોરણોને આધારે ચાલતી હોય છે. એના પર આ કે તે વગ ધરાવનારા જૂથનું, ‘કોકસ’નું, વર્ચસ્ હોય છે.

પણ હવે કશું જડબેસલાક આપણે સ્વીકારી લેવા ઇચ્છતા નથી. આપણે મુક્તપણે નિર્ણયો કરીને વર્તીએ એવી અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવા માંગીએ છીએ. આપણી વિકાસની પ્રક્રિયા નિર્બાધ રીતે નિરન્તર ચાલ્યા કરે એવું ઇચ્છીએ છીએ. સર્વસંમતિને નામે વૈયક્તિક વિશિષ્ટતાનો છેદ ઉડાડી દેવાનું હવે આપણને જચતું નથી. મરણપર્યન્ત હું અનેક તબક્કે મારા વ્યક્તિત્વને વિકસાવતો રહું એવી મારી ઇચ્છા હોય તે દેખીતું છે. આથી જ સહકારને નામે કે કેન્દ્રને બળવત્તર બનાવવાને નામે આપણે કશા ખોટા ભોગ આપવાનું અને એમ કરીને નૈતિક ઉત્કર્ષ સિદ્ધ કર્યાનું ખોટું ગૌરવ લેવાનું ઇચ્છતા નથી. ભૂલો કરીને શીખવાનો આપણો વિશિષ્ટ અધિકાર આપણી પાસેથી છીનવાઈ જાય એવું આપણે ઇચ્છતા નથી, હવે આપણું સ્થાન સરઘસ અને મોરચામાં નથી, સ્વમાં પ્રતિષ્ઠિત થવાનું મુહૂર્ત આવ્યું છે.