વિદ્યાવિનાશને માર્ગે/૯


સુરેશ જોષી

ટેકનોલોજીનો વિકાસ થતો રહ્યો છે, પણ એને સમાન્તર સાંસ્કૃતિક વિકાસ થયો નથી. આથી માનવીનો પણ એક સાધન તરીકે ઉપયોગ થવા લાગ્યો છે. પશ્ચિમમાં તો વિજ્ઞાનના વર્ચસ્ને કારણે અમુક વિશિષ્ટ પ્રકારની જીવનરીતિનો સ્વીકાર થયો છે. એને એની મર્યાદા છે. વિજ્ઞાન એ સમગ્ર સાંસ્કૃતિક વિકાસનું એક અંગ છે. એને બદલે સંસ્કૃતિ વિજ્ઞાનમૂલક હોય એવી પરિસ્થિતિ ત્યાં ઉદ્ભવી છે. આપણે ત્યાં તો વિજ્ઞાનની સાથે સાથે અન્ધશ્રદ્ધા અને પુરાણમતવાદ પણ એટલાં જ ફાલતાં રહ્યાં છે. વિજ્ઞાનનો અધ્યાપક મંતરજંતરમાં માનતો હોય તો આપણે ત્યાં એથી નવાઈ નહિ લાગે. વિજ્ઞાનના અભ્યાસથી વૈજ્ઞાનિક પદ્ધતિએ આપણે આપણું જીવન સમજ્યું કે ગોઠવ્યું નથી. આથી વિજ્ઞાનનો આપણી જીવનરીતિ પર ઝાઝો પ્રભાવ પડ્યો નથી.

હવે વ્યવસાયલક્ષી શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. એવા નિર્ણયના ફલિતાર્થો અને તેની ઉપપત્તિઓ તારવીને વિચારી જોઈ હોય એવું લાગતું નથી. વ્યવસાયલક્ષી શિક્ષણ માનવીને એકપરિમાણી બનાવીને જુએ છે. એની સમગ્રતાને એ લક્ષમાં લેતું નથી. આથી જીવનમાં જે સમસ્યાઓ અને વિકલ્પો ઊભા થાય તે પરત્વે તારતમ્યનો વિવેક કરવાની શક્તિ એનામાં હોતી નથી. આથી જ શિક્ષિત માનવી જીવન જીવવાની બાબતમાં અસભ્ય બર્બરની જેમ વર્તે છે. એનામાં માનવતાની ઊણપ વર્તાય છે. આંરિ મિશો જેવા કવિએ તો ચેતવણી ઉચ્ચારેલી જ છે : ‘ધ બાર્બેરિયન્સ આર કમિંગ.’ આજની આપણી યુનિવર્સિટીનું વાતાવરણ જોતાં આપણે ત્યાં તો અસભ્ય બર્બરો આવી પહોંચ્યા હોય એવું લાગે છે. અંગ્રેજીમાં જેને ‘કલ્ચર’ કહે છે તે માત્ર જીવવાનાં સાધનો કે ઓજારો જ સપડાવે છે એવું માનવામાં આવતું નથી. ‘કલ્ચર’ તો જીવનની દૃઢ પીઠિકારૂપ વિચારપ્રણાલી છે.

આજના શિક્ષણમાંથી એ દૃઢ ભૂમિકા અદૃશ્ય થઈ ગઈ છે. આને કારણે કેવળ અંગત સ્વાર્થને કારણ સિદ્ધ કરવાની દક્ષતા પામનાર માનવી આજે સફળ લેખાય છે. સારાસારનો વિવેક કરનાર અને એને અંગેની વૈચારિક ભૂમિકાને સિદ્ધ કરવા મથનાર માનવીને દીર્ઘસૂત્રી અને વેદિયો કહીને એની હાંસી ઉડાવવામાં આવે છે. આજનો ઇજનેર કે દાક્તર કે વકીલ એના વ્યવસાયમાં નિષ્ણાત હશે, પણ એક વિકસિત માનવ લેખે એ અનેક રીતે ઊણો હશે. આથી જ તો ઘણા દાક્તરો માનવતા વિનાના હોય એવો આપણને અનુભવ થાય છે. ઘણા ઇજનેરો ભ્રષ્ટાચારી બનીને દેશને પારાવાર નુકસાન કરતા હોય છે. અને વકીલો તો મુકદ્દમો જીતવાને જ લક્ષ્ય ગણે છે, એમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખવાનું એમને પરવડતું નથી. આપણે જે થવા ઇચ્છતા હોઈએ તે થવાનો આપણો વિશિષ્ટાધિકાર કોઈ નકારી કાઢતું નથી, પણ એની પૂર્વશરત એ છે કે સૌથી પહેલાં આપણે માનવ્યનો વિકાસ કરેલો હોવો જોઈએ અને માનવતાનું ગૌરવ કરવાનું આપણે અનિવાર્ય ગણ્યું હોવું જોઈએ. વાંદરાના હાથમાં અસ્ત્રો આપો તો કદાચ એ પોતાનું જ ગળું કાપે. અસંસ્કૃત માનવીના હાથમાં અણુબોમ્બ જેવું સંહારક શસ્ત્ર આવી પડતાં એણે માનવીનો જ વિનાશ કર્યો છે. આપણે જે નથી બની શક્યા તે છીએ એવું દેખાડવાનો આપણે દમ્ભ કરવો ન જોઈએ. આવો દમ્ભ કોઠે પડી ન જાય તે માટેની પ્રતિકારશક્તિ આપનાર શિક્ષણ આપણને મળ્યું હોય છે ખરું?

આથી જ તો ઓર્તેગા કહે છે કે આજની યુનિવર્સિટીને અવળસવળ કરી નાંખવાની જરૂર છે. આજે એ જેને આધારે ટકી રહે છે તેને ખસેડીને એને બીજા દૃઢ આધાર આપવાની જરૂર છે. આજે તો યુનિવર્સિટીની દશા પહેલાંના જમાનાની નગરવધૂના જેવી છે. એના પર સૌનો અધિકાર છે. ઉદ્યોગપતિઓ ઇચ્છે છે કે એમને વધુ ઉત્પાદનમાં મદદ કરે એવું શિક્ષણ પામેલા યુવાનો યુનિવર્સિટીઓએ તૈયાર કરવા જોઈએ, રાજકારણવાળા એમ ઇચ્છે છે કે ભવિષ્યના રાજકીય નેતા થવાની યોગ્યતા વિદ્યાર્થીઓને આપવી જોઈએ. ધર્મવાળાની પોતાની આગવી માંગણી છે. પણ કોઈ માનવીની સમગ્રતાને ધ્યાનમાં રાખીને માંગણી કરતું નથી. અનુદાન પર નભતી પરાવલમ્બી વિદ્યાપીઠો આ બધી જુદી જુદી માગણી સંતોષવાનો પ્રયત્ન કરીને ટકી રહેવા મથે છે તે દેખીતું છે.

આજે થોડીક વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરવો જરૂરી છે. આપણે શું શીખવવું ઘટે તેનો વિચાર કરવા કરતાં આપણે શું શીખવી શકીશું તેનો વિચાર કરવો જોઈએ. આપણા બધા જ અભ્યાસક્રમો કાગળ પર તો બહુ દીપી ઊઠતા હોય છે, અને ઘણા મહત્ત્વાકાંક્ષી લાગતા હોય છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે એમાંના દશમાં ભાગ જેટલું પણ સિદ્ધ થઈ શકતું નથી. શિક્ષણનું માળખું એનો વહીવટ, એનાં ધારાધોરણ – આ બધા પ્રપંચમાં એટલો બધો રસ આપણને પડી જાય છે કે જેને માટે આ બધું છે તે વિદ્યાર્થી જ આપણા લક્ષ્ય બહાર રહી જાય છે. આને કારણે એવું લાગે છે કે વિદ્યાર્થી જ યુનિવર્સિટીમાં સૌથી વધુ ઉપેક્ષિત છે.

સૅમ્યુઅલ બૅકૅટે બે પ્રકારના અભણપણાની વાત કરી છે તે પણ અહીં સંભારવા જેવી છે. એક અભણપણું આપણે કશું શીખવાનું શરૂ કર્યું તે પહેલાંની આપણી સ્થિતિ છે, પણ બીજું અભણપણું તો આપણે ભણી રહીએ પછી શરૂ થાય છે. આપણા દેશમાં આ બીજા અભણપણાને દૂર કરવા માટે યુનિવર્સિટીએ પ્રયત્નો કરવાના છે. આપણા જાણીતા કલાવિદ આનન્દ કુમારસ્વામીએ આ વાત ઘણાં વર્ષો પહેલાં, બીજી રીતે કરી હતી. એમણે કહ્યું હતું કે આપણાં દેશની સમસ્યા તે અભણ લોકોનું અભણપણું નથી, પણ ભણેલાઓનું અભણપણું છે. આ અભણપણું એમને એકપરિમાણી બનાવી દે છે. સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ એમના લક્ષ બહાર રહી જાય છે. માનવી એકબીજાને અંગત સ્વાર્થની ભૂમિકા પર જ મળતો હોય તો સંઘર્ષની શક્યતા જ વધારે રહે તે દીખીતું છે. આજે તો સંઘર્ષ જ આપણી જીવનરીતિ બની રહે છે. આ સંઘર્ષ જ આપણી વિવેકબુદ્ધિને ડહોળી નાખે છે, એથી નિર્ણયો કરવાના પરિપ્રેક્ષ્યને આપણે પામી શકતા નથી.