વિનોદ જોશીનાં કાવ્યો/થાંભલીનો ટેકો
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
કણબીની છોકરીએ પાળ્યો રે મોર... મોર ટહુકા કરે..
એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા;
કાળજડું કાચું ને રેશમનો ભાર,
એનઘેન પાંપણમાં નવસેરો હાર... હાર ઝૂલ્યા કરે.
મોરપીંછાની વાત પછી ઊડી,
ઠેઠ સાતમે પતાળ જઈ બૂડી;
ઊગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત.. ભીંત ઝૂર્યા કરે.
પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી;
સૂનમન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે.