વિનોદ જોશીનાં કાવ્યો/પરપોટો ઊંચકીને

પરપોટો ઊંચકીને


         પરપોટો ઊંચકીને કેડ્ય વળી ગઈ,
                   હવે દરિયો લાવું તો કેમ લાવું?

વાદળ ઓઢીને સ્હેજ સૂતી ત્યાં
         ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો,
વીજળી ઝબાક પડી પંડ્યમાં
         તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝરડો;

વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
         હવે અમથી આવું તો કેમ આવું?

નખની નમણાશ મારી એવી કે
         પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય
         પછી એનાંથી હું જ ઓલવાતી;

ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
         હવે સૂરજ વાવું તો કેમ વાવું?