વિવેચનની પ્રક્રિયા/ખીલ્યા ગુલમ્હોર જેમ

ખીલ્યા ગુલમ્હોર જેમ [1]

શ્રી સુધીર દેસાઈની જ એક પંક્તિ છે : ‘ખીલ્યા ગુલમ્હોર જેમ ઊંડે સમય મારી લેખિનીને આજ શું કહેશો?’ સમયમાં પથરાતી કાવ્યકલાના સંદર્ભે પણ આપણે કાંઈક આવું જ કહીશું! તેમની ‘સૂર્યને તરતો મૂકું છું’ની કાવ્ય રચનાઓ સમગ્રતયા આવી સંતર્પકતાનો અનુભવ કરાવે છે. અને ખીલેલા ગુલમ્હોર જેવી કવિતા તેમણે કાંઈ આસાનીથી આપી નથી. કવિ–ચિત્ત કેવી કેવી અવસ્થાઓમાંથી પસાર થયું છે એનો ખ્યાલ મેળવનારને આવી કવિતા આપવી કેવી મુશ્કેલ હતી એનો ક્યાસ પણ આવવાનો. સંગ્રહમાં એક સંઘર્ષની, આંતર–વેદનાની, કાંઈક હતાશાની હવા વ્યાપેલી છે. કવિ પોતે આજુબાજુની સૃષ્ટિથી કેવા કલાન્ત છે તે તો તેમની લગભગ એકે એક રચનામાં જણાઈ આવે છે, પણ તેમની વિશેષતા એ છે કે, આપણને તે ભેટ તો ધરે છે ગુલમ્હોરની! બાળ્યા-ઝળ્યા મનુષ્યને એના છાંયડામાં બે ઘડી શાતાનો અનુભવ થાય છે. કવિ આથી વિશેષ કરી પણ શું શકે?

શ્રી સુધીર દેસાઈ(જન્મ : ૧૯૩૪)નો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આકાંક્ષા’ ૧૯૬૧માં પ્રગટ થયેલો. એમાં ગીતો, ગઝલો અને ગદ્ય–કાવ્યો મૂકેલાં. ૧૯૭૪માં અછાંદસ રચનાઓનો સંગ્રહ ‘લોહીને કિનારે ઊગેલ વડ’ તેમણે આપ્યો. ગયે વર્ષે એમણે રશિયન કવિ માયકોવસ્કીનાં પાંચ કાવ્યોનો અનુવાદ પ્રગટ કર્યો હતો. ‘આ સૂર્યને તરતો મૂકું છું’નો સમાન્તર સંગ્રહ ‘કાગળ પર તિરાડો’ પણ ટૂંક સમયમાં પ્રગટ થશે.

સામયિકોમાં તેમની રચનાઓ છેલ્લાં વીસેક વર્ષથી પ્રગટ થાય છે, પણ ગ્રંથસ્થ તેમણે મોડી કરી. સુધીર દેસાઈ બહુસંખ્ય પુસ્તકોના લેખક થયા નહિ એ પણ એક રીતે સારું છે. તેમણે ગુણવત્તા પર નજર ઠેરવી એકંદરે ટકાઉ રચનાઓ જ પુસ્તકમાં મૂકી આપી છે.

‘સૂર્ય’ એમની કવિતાનું બળવાન પ્રતીક છે. કલ્પનચિત્ર રૂપે બાલસૂર્યનાં કિરણોનો સ્પર્શ થતાં થતાંમાં તો એ મધ્યાહ્નનો પ્રચંડ ઓજસ્વી સૂર્ય થઈ જાય છે. કોઈ વાર તે કમળના સૂર્યની ફોર્મ્યુલા માગે છે, તો કોઈ વાર સવાર નહિ પણ સૂર્યની મનીષા પ્રગટ કરે છે, કોઈ વાર સૂર્યને વૃક્ષનું રૂપક આપે છે તો કોઈ વાર ટાપુનું. એમનું એવું માનીતું બીજું પ્રતીક લોહી છે. આ બંને એકબીજામાં ભળી જાય છે ત્યારે :

સૂર્યને તરતો મૂકું છું લોહીમાં
હું જ પરપોટો ફૂટું છું લોહીમાં

અને આ સૂર્યને તરતો મૂક્યા પછી – અછાંદસ નગરની કલ્પનાને ચગળતો સૂર્ય કરાડોમાં લટકી પડેલાઓની કેવી વિડંબના કરે છે :

અછાંદસ શહેરની કલ્પનાને ચગળતો સૂર્ય
લબડી પડ્યો છે
કરાડોમાં લટકતાઓની આંખોમાં
એને બેદ્ઈન થઈને નથી જન્મવું વિશ્વમાં.

ઉપર ‘લોહી’ના પ્રતીકાત્મક ઉપયોગનો ઉલ્લેખ કર્યો. ‘લોહી’નો સંદર્ભ તો અનેક સ્થળે આવે છે. લોહીનો પ્રવાહ પુસ્તક બનીને માણેકની જેમ પ્રકાશી રહ્યો હોય (પૃ. ૪૩), આખું આકાશ લોહીના છંટકાવથી રંગાઈ ગયેલું દીસે છે. (પૃ. ૭૩), ભટક્યા કરતી હવાનાં ડૂસકાં પણ લોહીમાં છુપાઈ જાય છે (પૃ. ૭૬). પોતાના કવિ–જીવનની કેફિયતમાં ‘લોહી’નો ઉલ્લેખ સૂચક છે :

મારા મૃત્યુનું લાલ પંખી
લોહીમાં નાહીને
બહાર નથી આવ્યું હજુ સુધી,
અંધકારની શિલામાં પ્રવેશેલો હું
મૂકી જાઉં છું મારાં પગલાં જેવાં લાલ પીંછાં,
શબ્દોને માટે માળો બાંધવા
જેથી ક્યારેક ઊડી શકે એઓ
મારા ગયા પછી.

અને આ કવિજીવન કેવું કપરું છે એનો અણસાર પણ તેમણે અવાર નવાર આપ્યો જ છે. કવિતા, શબ્દ, કવિતાનું વિવેચન એ ચાલુ શ્રી સુધીરની નિસ્બત રહ્યાં જણાય છે. એનો અનિવાર્ય સંબંધ સાંપ્રત જીવનરીતિ સાથે જોડાયેલો હોઈ કવિ–સંવિત્તિ પર પડેલા એના પ્રતિભાવો પણ એ સાથે જ આપણને મળે છે, એટલે આ જાતના ઉલ્લેખો સંદર્ભનિરપેક્ષ નીવડતા નથી. સંદર્ભસાપેક્ષ કવિના ભાવજગત સાથેના સંધાનને કારણે વિવિધ કવિમિજાજોનું પ્રગટીકરણ ગ્રંથસ્થ કવિતાને એક આગવું પરિમાણ અર્પે છે. કવિ જેમ આજુબાજુની સૃષ્ટિને જુએ છે એ જ રીતે સાહિત્યસૃષ્ટિને પણ જુએ છે. કાંઈક નિરાશાનો સૂર એમાં વ્યક્ત થયો છે. ભાવકો કથયિતવ્યને પામી ન શકે એમાં કવિ શું કરે? બંધિયાર રુચિવાળા વાચકો નવી કવિતાને શી રીતે આવકારે? પણ કવિનું કાર્ય તો અવાજને રમતો મૂકવાનું જ છે. કવિના તાટસ્થ્યની વાત તેમણે બહુ સારી રીતે રજૂ કરી છે :

બાસ્કેટ બોલની માફક રમતા માનવીઓ
માણી નથી શકતા અવાજને
રખેને આઉટ થઈ જવાય
એ ભયથી પકડતા જ નથી કોઈએ ફેંકેલા અવાજને.
*
છાતી ફુલાવી જોર કરી
બોલમાં પોતાની હવા પૂરી
ફુલાવી
બોલને છોડી દઈ
એક બાજુ ઊભનારને
લોકો કવિ કહે છે અહીં.

ગલીને નાકે ઊભેલા દોસ્તો સ્મશાને કોને લઈ જવો એનો વિચાર કરે છે ત્યારે કોઈ દરખાસ્ત કરે છે કે લઈ જાઓ સુધીર દેસાઈને | કારણ?

હમણાં જ એનામાથી બહાર આવ્યો છે સંગ્રહ
લોહીને કિનારે ઊગેલ વડ.

અને બધા મિત્રો આનંદથી ડાઘુઓમાં ફેરવાઈ જાય છે અને કવિ મિત્રોની કાંધે ચાલી જતી પોતાની નનામી જોઈ રહે છે! આવો જ ભાવ ‘સમયની ધૂળ’માં વ્યક્ત થયો છે :

ઊછળતા શબ્દો
ઊછળીને
બીઅર પીવા બેસી જાય છે
ગ્રુપ બનાવી
ને ચાવે છે પછી
પોતાના સાથીદારને
સમયની ધૂળમાંથી વીણી વીણીને.

કવિની પોતાની દુગ્ધા તો પોતાને પામવાની છે, લોકો તો “કવિતા વીંટ્યાને જોયા કરે છે આશ્ચર્યથી” અને એની નાની મોટી ક્રિયાઓ પર પીંજણ કરી લોકો એના પર પી.એચ.ડી. મેળવે છે! આ વિડંબનાની પરાકોટિ તો કવિ છેલ્લે એક લીટી મૂકી દે છે ત્યારે આવે છે : “વંદાઓની અરીસા સૃષ્ટિમાં”

‘શબ્દ’ એ કવિને મન કેવડી મોટી વસ્તુ છે! ‘જમણો હાથ ક્યાંક જતો રહ્યો છે’ ત્યારે શબ્દોને એ કેવા જોઈ શકે છે :–

તડ તડ ફૂટતા ને ધીમે ધીમે
લીલાલીલા નીલમ જેવા થતા
ભડભડ લાલલાલ થઈ સળગતા
શબ્દોને જોઈ શકું છું હું.

કવિ અને કવિતા વિષે ઘણા કવિઓએ કાવ્યો કરેલાં છે. સુધીર તો કહે છે કે પોતાની આસપાસ પ્રસરેલી રાત્રીનો એક ટુકડો કાપી લઈ સવાર સુધી કામ કર્યા બાદ જે જાળી જેવી આકૃતિ નિર્માય છે એમાંથી દેખાતા વિશ્વને કેટલાક કવિતા કહે છે! આ ‘વિશ્વ’માં જ કવિનું ભાવ–જગત સંનિહિત છે. કોઈને આ કવિની કવિતામાં એકાકીપણાની એકતાનતા કદાચ વરતાશે. પણ સૃષ્ટિના સઘળા પદાર્થો અને સમગ્ર સમાજ પણ છેવટે તો કવિની સંવિત્તિ પર શો પ્રતિશબ્દ પડે છે એ જ છેવટે તો મહત્ત્વનું છે. આજનો કવિ દેશના બનાવો કે સમષ્ટિની ઘટનાઓ વિશે લખવા કરતાં પોતાના જગત વિશે – પોતાની નિસ્બત વધુમાં વધુ છે એવા પોતાના લાગણીતંત્ર, મનોવ્યાપાર કે ભાવસંચલનો વિશે બોલવાનું વધુ પસંદ કરે એ સ્વાભાવિક છે. યંત્ર વૈજ્ઞાનિક યુગની ભીંસમાં ઘટનાઓ એટલી ઝડપથી બદલાઈ રહી છે કે કળાકારો પોતાની વાત કરે એમાં જેટલું જગત પ્રવેશી શકે એટલાથી વાચકોએ સંતુષ્ટ થવું ઘટે. અન્યથા પોતાની વાસનાઓને ઉતરડી નાખનાર કવિ જ્યારે એ અક્ષરો થઈને આંગળીઓમાંથી ટપકવા માંડે છે ત્યારે ‘મરી જઈશ હું ગુંગળાઈને’ એ ભયે એને રોકતા નથી અને એકરાર કરે છે

મને ખબર છે નીચોવાઈ રહી છે
મારી જિંદગી
અક્ષરોમાં છુપાયેલી વાસનાઓ થઈને.
૧૯૭૫માં કોઈ મહાભારતની કથા
સંભળાવતું નથી જનમેજય રાજાને.
આજે મોક્ષની વાતમાં કોઈ માનતું નથી.
ને પ્રેત બન્યા સિવાય
સાચી હકીક્ત જાણવા કયાંથી મળે?

દેશસ્થિતિની ચિંતા અને પોતાની અસાહ્યતાનો અણસાર ‘બાળકની જેમ ઊંઘી ગયું છે આકાશ’માં મળશે પણ એ અપવાદ રૂપે જ.

શ્રી સુધીરના સંગ્રહ ‘લોહીને કિનારે ઊગેલ વડ’ની સાથે જોડાયેલા સંગ્રહસ્થ કાવ્ય ‘મરી ગયેલા મિત્રોએ આવી’ના આસ્વાદમાં શ્રી રાધેશ્યામ શર્માએ કહેલું કે, “કવિ સુધીરની સિગ્નેચર, મોટા ઉપાડે ‘મોડર્ન’ દેખાવાની ઉતાવળ વગર નવોદિત ગણનાપાત્ર કવિઓમાં પોતાની જગા શોધી રહેલી માલૂમ પડે છે અને એને યોગ્ય સ્થાન મળતાં ઝાઝી વાર નહિ લાગે.” અહીં આ આગાહી સાચી પડેલી જણાશે. છઠ્ઠા અને વિશેષે સાતમા દાયકાના કવિઓમાં સુધીરભાઈએ પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. કશી આળપંપાળ કે અભિનિવેશ વગર તેમની કવિતામાં આધુનિક મિજાજ પ્રગટ થયો છે. કેટલીય પંક્તિઓ અન્વયથી સમજાવી મુશ્કેલ બનશે, કેટલીય જગ્યાએ અર્થને ચાતરીને ચાલવાનું વલણ દેખાશે, કેટલાંય સ્થાને વિશૃંખલતા કે ખંડિતતા કે અવ્યવસ્થા જેવું લાગશે, પણ, ઉપલક દૃષ્ટિની પાર જઈને જોતાં એમના અભિવ્યક્તિ ઉન્મેષોની પાછળ રહેલી ભાવની એકસૂત્રતા અને અનુભૂતિની અખંડિતતા એમની રચનાઓને એક સ્વકીય સુબદ્ધતા અર્પે છે. પરંપરા–વિચ્છેદની, કેટલીકવાર સભાન, પ્રક્રિયા અહીં આરંભાયેલી જોવા મળે છે. સભાનતાની માત્રા વધી છે ત્યાં દુર્બોધતાને અવકાશ મળ્યો છે. આધુનિકતાની કલાસંસિદ્ધિમાં કોઈ પણ કળાકારને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે જ છે. James Mcfarlane આ વ્યાપક પ્રશ્નને યોગ્ય પરિપ્રેક્ષયમાં મૂકી આપે છે : “The very vocabulary of chaos – disintegration, fragmentation, dislocation – implies a breaking away or a breaking apart. But the defining thing in the Modernist mode is not so much that things fall apart but they fall together... In Modernism, the centre is seen exerting not a centrifugal but a centripetal force; and the consequence is not disintegration but (as it were) super integration.” અહીં કાવ્યાનુભૂતિ બધાં વાનાંને બળપૂર્વક કેન્દ્ર તરફ લઈ જાય છે, પરિણામે એમાં કેન્દ્રાપગામી નહિ પણ કેન્દ્રગામી ગતિ હોય છે. ગ્રંથસ્થ રચનાઓની ડિઝાઈન એ દૃષ્ટિએ જોવા જેવી છે. ‘ગલીને નાકે’, ‘ગુપ્તચર’, ‘રાતને ભરી લઉં છું મારા પ્યાલામાં’, ‘કોઈ એક સૂર્યને’, ‘આંગળીઓમાંથી ટપકતા અક્ષરો’ જેવી રચનાઓ આ દૃષ્ટિએ ઉલ્લેખપાત્ર છે.

શ્રી સુધીર દેસાઈની કવિતાની એક લાક્ષણિકતા સંકુલ ચિત્રો આપવાની છે. ‘સળ’ એનું વિશિષ્ટ નિદર્શન છે. એમાં એકથી વધુ ચિત્રો એકબીજામાં ગુંથાઈ ગયાં છે. સજીવારોપણનો તે મબલક ઉપયોગ કરે છે. ઇન્દ્રિય–વ્યત્યયની રીતિ તો બધા નવા લખનારાઓને સુગમ છે. પરંતુ સુધીરમાં એનો આડેધડ ઉપયોગ થયો નથી એ સુચિહ્ન છે. કેટલીકવાર એકાદ બે લસરકાથી પણ તે સુરેખ ચિત્ર દોરી શકે છે એ તેમણે ‘બપોર’નું આપેલું ચિત્ર જોવાથી ખ્યાલમાં આવશે :

નિતરંગ વ્યોમ નીલ
ઊડતી ન ચીલ
બાષ્પ
વ્યગ્રતા સકંપ
મહોરું મૃત્યુનું
પીત અંધકાર
શ્વાન જીભ ને શિશિર
સિક્ત
રિક્ત
રિક્ત
રિક્ત

સિક્તતા રિક્તતામાં ઓગળી જઈને કેવી ઇન્દ્રિયગ્રાહ્ય નીવડે છે તે તરત વાચકોના ખ્યાલમાં આવશે. તેમની કવિતાનાં અભિવ્યક્તિ–સ્વરૂપો પણ તાજગીભર્યાં છે. પ્રેમને ડૂચો વાળી ખૂણામાં ફેંકી દીધેલો કહે, આંગળીઓનાં ટેરવાં વાટે રાત્રિથી રંગાયેલો ધ્વનિ એમ કહે, જીવ આંગળિયાત બનીને આવ્યો છે એવી કલ્પના કરે, વિચારોને ચામાચીડિયાંની અને જિંદગીને સ્ટેડિયમની ઉપમા આપે, પુષ્પો પતંગિયાં બની પવનને તાલ આપે એવું નિરૂપણ કરે અને છેવટે પોતાને એમ્ફિબિયન પ્રાણી કહે એમાં તાજગીનો અનુભવ થાય છે. બાકી ‘ખોપરીઓ’ કે ‘શબ્દોના ઈંડાં’ સાંપ્રત કવિતામાં વિરલ નથી.

ગદ્ય–કાવ્યોમાં લયની એક ભાત ઊપસવી જોઈએ. લય દ્વારા જ ઘણું બધું સંક્રાન્ત થતું હોય છે. અવાજ દ્વારા અર્થબોધ–ભાવબોધ સાધનારી આ કળામાં લયનું મહત્ત્વ સ્વયં સ્વીકૃત છે. કેટલીકવાર છંદના ટુકડાઓ ગદ્યમાં એકરસ થઈને રચનાને કાવ્યત્વ અર્પે છે. ‘બારી પાસે અંધારું’માં એવા નિશ્ચિત માપના લય–ટુકડાઓનો વળોટ આકર્ષક છે :

ચાંચ ચાંચમાં પ્રેમ, પ્રેમમાં એક છુપાતો માળો
માળે માળે આગ, આગથી ડહોળતો આ સાગર
સાગર જાળ મહીં સપડાયો
સાગર મીણબત્તીથી દાઝ્યો
સાગર સવારને જઈ બાઝ્યો
સાગર સૂરજ રમવા લાવ્યો.

(વાચકોને લાભશંકર ઠાકરના ‘માણસની વાત’ એ સુદીર્ઘ કાવ્યનું આ સંદર્ભે સ્મરણ થશે.) ‘ફફડે અંધારાનો પાલવ/આંખે ચાંદરણાંનાં વહાણ’/રે! બારી પાસે અંધારું પડદો થઈને ઊડે’માં અંધારાનો ફફડાટ સ્પર્શક્ષમ બન્યો છે.

વર્તમાનની વિડંબણા અને વિડંબના આ કવિએ અસરકારક રીતે અભિવ્યક્ત કરી છે. કવિઓ ક્યારેક વર્તમાનથી ભાગીને અતીતમાં વિશ્રામ લેતા પણ લાગે. અહીં શૈશવની સ્મૃતિનું આકર્ષણ છે, પણ કશાકથી ભાગી છૂટવાની વૃત્તિરૂપે નહિ. સુધીરની પદ્ધતિ સાંપ્રત અને અતીતનું સંધાન કરી એ દ્વારા જેટલો શૈશવ–પ્રેમ પ્રગટ થાય તેટલો પ્રગટ કરી આપવાની છે. ‘બાળપણમાં જવાનો રસ્તો’ જ બંધ થઈ ગયેલો જોઈ કવિ વિમાસે છે :

પાછળ ઊગી ગયેલા અડાબીડ જંગલો
બાળપણમાં જવાનો રસ્તો બંધ કરી દીધો છે.
બે ખાલી ડબ્બાઓનો બનાવ્યો ટેલિફોન
પણ સાધી ન શકાયો સંપર્ક.

બાળપણની પેટીમાંથી એરગન શોધીને ધડૂમ ધડુમ ફોડતા બાળકના ચિત્રમાં રહેલો કટાક્ષ કે વિધિવક્રતા છેવટે તો પોતાના અવાજને લૂણો લગાડતા સાંપ્રત સમય ઉપર ઢોળાય છે. પણ મને સૌથી વધુ કાવ્યમય તો પોતાની રેલ્વે લાઇનને “એઓ” બાળકોના ઉદ્યાનમાં ખસેડી જશે એવા નિરૂપણમાં દેખાય છે. આમેય સુધીરમાં કાળની અભિજ્ઞતા છે. ‘દિવસની ચાંચમાંથી’માં દિવસ કયારેય પોતાને હડપ નહિ કરી શકે એવો વિશ્વાસ પ્રગટ થયો છે. ‘થોરીઆની વાડ જેવો સમય’માં પણ એ જ મિજાજ છે.

‘શુક્રવારનો જન્મ’ એ ગુડ–ફ્રાઇડે વિશેની રચના છે. સરસ છે. ‘હે ગુરુવાર!’ પણ નવી રીતિનું ઉદ્બોધન–કાવ્ય છે. સંગ્રહમાં થોડાં હાઈકુ અને ગીતો પણ મૂક્યાં છે. ગીતો વિષે એક બે બાબતો કહેવી જોઈએ. સંગ્રહમાં વ્યાપેલા આધુનિક મિજાજ સાથે ‘ગીત’ના સ્વરૂપનો મેળ કેમ બેસાડ્યો હશે? સુધીરભાઈએ ‘આકાંક્ષા’માં અછાંદસની સાથે ગીતો અને ગઝલો પણ આપ્યાં જ હતાં. ગીતનું આકર્ષણ તેમને લેખનના આરંભકાળથી રહ્યું જણાય છે. આ સંગ્રહમાં મૂકેલાં ગીતોમાં ‘નેણ નથી છે શ્રાવણ’ સરસ નીપજી આવ્યું છે. આ ગીત પણ સમયના તકાજાને ઉચિત લયહિલ્લોલથી પ્રગટ કરી આપે છે. પણ મને સંગ્રહનું શ્રેષ્ઠ ગીત ‘ભવભવથી’ લાગ્યું છે.

ભવભવથી હું એમ ભમ્રં છું જ્યમ ગલિયનમાં ગોપી...
હું મછલી મીઠા જલની મને જઈ સાગરમાં રોપી...

આ ભાવનાં પ્રિયકાન્ત, રાજેન્દ્ર આદિનાં ગીતોની સાથે બેસી શકે એવું ગીત તેમણે આપ્યું છે. પ્રણયનો ભાવ ઝાઝો અહીં જણાશે નહિ. પ્રણય–કાવ્યોની આપણે ત્યાં ખોટ નથી, એનો મબલક પાક તો ઊતર્યે જ જવાનો. પણ કોઈ કવિ “ફૂલ ફૂલ થઈ ખીલી રહી છે તારી મારી પ્રીત” એવી પંક્તિ આપે ત્યારે આપણે એને અભિનંદન આપ્યા વગર કેમ રહી શકીએ?

‘નજરુંનું વ્હેણ’ની છેલ્લી કડી એ પ્રીતની સૌરભનો પણ હૃદ્ય અનુભવ કરાવે છે. ભાવની સૂક્ષ્મતા નાજુક નમણા ગીતના આકારમાં સુરેખ પકડાઈ છે. આ પંક્તિઓ જોઈએ :

ગીત ગીત ફૂલ ફૂલ ઊડે છે રાત દિન
સૂર સૂર સૌરભ ચોપાસ.
વ્હાલપના બોલનું માનીને ક્હેણ તમે
આગળ જવાનું અવ ટાળો...
નજરુંનું વહેણ આમ વાળો...

કાવ્યની ભાષાને પૃથક્ રીતે જોવાની ન જ હોય. આ કવિની ભાષા એકંદરે એમની અભિવ્યક્તિને અનુરૂપ છે, એનો સૂક્ષ્મ ઉપયોગ તે કરી શક્યા છે. તેમની એક લાક્ષણિકતા તરત વાચકો પકડી પાડશે અને તે નામ ઉપરથી ક્રિયાપદ પ્રયોજવાની. “પ્રશ્નાયો”, “મર્માયો”, “પ્રતિબિંબાય”, “સુગંધાતી”, “મૃદુંગાવી” તેમને સહજ છે. “આગમચ” પણ તે બેધડક વાપરે છે. તેમની એક trait તરીકે જ આ હકીકત નોંધું છું. ગ્રીક પુરાણકથા અને વિજ્ઞાનવિષયક સંદર્ભો પણ તે આપે છે. હું ભૂલતો ન હોઉં તો સુધીરભાઈ વિજ્ઞાનના સ્નાતક છે!

આવી છે ‘સૂર્યને તરતો મૂકું છું’ની સૃષ્ટિ. આધુનિકતા એ એનો વિશેષ છે. પણ યુઅર વિન્ટર્સ કહે છે તેવી એ Anatomy of Nonsense નથી, પણ સ્ટીફન સ્પેન્ડર કહે છે તેમ આ કલાભિગમ Awareness of unprecedented modern situation in its form and idiomનું પ્રતિબિંબ પાડનારો છે. એ પ્રતિબિંબમાં જાગ્રત વાચકને પોતાનું કશુંક જોવા મળશે એ શ્રદ્ધા સાથે પોતીકા અવાજવાળા આ કવિનું અભિનંદન કરું છું.


  1. શ્રી સુધીર દેસાઈના ‘સૂર્યને તરતો મૂકું છું’ની પ્રસ્તાવના