વેરાનમાં/રંગમાં ભંગ


રંગમાં ભંગ


અદાલતમાં બેઠેલી એકેએક આંખ ભીની બની. ગયા પરમ દિવસનો જ બનેલો આ બનાવ છે. “નામદાર! ઓ નામદાર!” સીત્તેર વર્ષનો ડોસો ઉપલી અદાલતમાં અપીલ લડતો હતો: “મારા પુત્રને તમે ભલે ઠાર કરી નાંખ્યો. પરંતુ તમે એની ઈજ્જતને – મારી ઈજ્જતને – મારા કુળના ભૂતકાળની તેમજ ભાવિની પ્રતિષ્ઠાને ન સંહારી નાખો. મારી ઓલાદ સામે લોકો આંગળી ચિંધાડીને બોલશે કે આ કુટુંબનો એક જુવાન યુદ્ધભૂમિ ઉપર હિચકારાપણું કરવાને અપરાધે મૃત્યુદંડ પામ્યો હતો.” બુઢ્ઢો બાપ જ્યારે બોલતો હતો ત્યારે અદાલતની સામે નીચલી કોર્ટના પંદર વર્ષના જૂના ફેંસલાની પ્રત પડી હતી. એમાં લખ્યું હતું: લૅફ્ટનન્ટ ચાપેલાં: રેજીમેન્ટ કંપની નં. ૨૩ : જર્મન સેનાનો હુમલો થયો : પોતાના અઢીસો સિપાહીઓમાંથી ર૦ ઠાર થઈ ગયા. ડરપોક લૅફ્ટનન્ટે બાકીનાઓને શત્રુ-શરણે થવાને હુકમ આપ્યો. આ નાલાયકી બદલ એને ગોળીથી ઠાર કરવાનું ઠરાવવામાં આવે છે. “ઓ નામદાર!” બુઢ્ઢાએ જુની યાદ તાજી કરી; “મારો બેટો કાયર ન હોય, એને મોતની સજા કરી ત્યારની એની હાલત તો ધ્યાનમાં લ્યો! એ શત્રુના ઘાવથી ઘાયલ થયેલો હતો. એને તો જખ્મીની ઝોળીમાં લોહી ટપકતાં સૂતે સૂતે જ લશ્કરી મુકદમો ચલાવી તમારા કમાન્ડીંગ અફસરે ઉડાવી દીધો છે. એને કશું બોલવાય દીધો નહોતો.” “પરંતુ હું ક્યાં એનો જાન પાછો માગું છું? હું તો કરગરું છું એની ઈજ્જતને માટે–સિપાહી બચ્ચાને પ્રાણાધિક એવી ઈજ્જતને માટે! એકવાર બસ એટલું જ લખો, કે મારો પુત્ર હિચકારો નહોતો, પણ પોતાના ૨૩૦ જુવાનોની નિરર્થક કતલ અટકાવવા માટે તાબે થયો હતો.” વાત પણ એમ જ હતી. મહાયુદ્ધમાં દેશના જુવાનો બકરાંની માફક જબ્બે થતા હતા. ડોસાના પુત્રની ટુકડી સપડાઈ ગઈ હતી. દુશ્મનો એના છુંદા ઉડાવી નાખત. યુવાન અફસરે માનવતાથી પ્રેરાઈ પોતાની ટુકડીને શરણે થવા રજા આપી હતી. પણ માનવધર્મ કરતાં લશ્કરી કાયદો વધુ કીંમતી ગણાયો. ડોસાની દલીલો એળે ગઈ. લશ્કરી કાનુનના કલેજા ઉપરથી એનાં આાંસુનાં ટીપાં દડી પડ્યાં. એ જ્યારે બહાર નીકળ્યો ત્યારે ભિખારી હતો. એણે ત્રણ વાતો ગુમાવી : પુત્રનો જાન : પુત્રની ઇજ્જત : અને એ ઈજ્જત પાછી મેળવવા માટે ખરચેલું પોતાનાં વીસ વર્ષોનું બચાવેલું ધન.