વેરાનમાં/સાહિત્યકારની સ્ત્રી


સાહિત્યકારની સ્ત્રી


સાઠ હજાર સુવર્ણસિક્કા લાદેલ સાંઢીઆ જે વેળાએ તુસ શહેરને એક દરવાજે દાખલ થતા હતા, તે જ વેળાએ આ ભવ્ય રાજ-સોગાદને અધિકારી પુરષ જનાજે તે સૂતો સૂતો પોતાની આરામગાહ તરફ ચાલ્યો જતો હતો. સને ૧૦૨૦ નું એ વર્ષ હતું.

*

‘શાહનામા’ નામના મહાકાવ્યમાં પ્રાચીન ઈરાનનું ગૌરવ ગાનાર કવિ ફીરદૌસીની એ મૈયત હતી, અને કવિ તરફ પોતે કરેલા અઘટિત આચરણની ક્ષમાયાચના સાથે સાઠ હજાર દીનારની ભેટ મોકલનાર હતો ઈરાનને પાદશાહ મહમ્મુદ ગઝનવી.

*

ગયે મહિને ઈરાનના એ શિરોમણિ રાષ્ટ્ર-કવિની વર્તમાન ઈરાન-નરેશ રીઝાશા પહેલવીએ સહસ્રાબ્દી ઉજવી. એ ઉત્સવમાં દુનિયાના અનેક રાષ્ટ્રોએ ભાગ લીધો. ઈરાનનો એ રાજોત્સવ હતો તેમ રાષ્ટ્રોત્સવ હતો, કંગાલો પોતપોતાની જયંતિઓના જલસા યોજાવી પ્રજાનું માનગૌરવ હણી રહેલ છે, ત્યારે આવા એકાદ ‘સ્વર્ગીય'ની સ્મૃતિને એક હજાર વર્ષો પછી સજીવન કરનાર ઈરાન-શાહ પોતાની પ્રજાને જગતની સપાટીથી ચાર તસુ ઉંચે ચઢાવે છે.

*

ફીરદૌસી એટલે જ ‘સ્વર્ગીય.’ એ એનું તખલ્લુસ હતું. એનું અસલ નામ તો અબુલ કાસીમ અલ મનસુર અલ ફીરદૌસી. ઈ. સ. ૯૩૫ માં જન્મ્યો. છ વર્ષની વયથી એનું ભણતર મંડાયું. બાલ્યાવસ્થામાં જ પર્શિઅન કાવ્યની શૈલી પર એણે કાબુ મેળવ્યો. કવિ અ-સાદીની એની ઉપર અત્યંત કૃપા ઉતરી. એના દિલમાં કવિતાના તેમજ વતનની પુરાતન સંસ્કૃતિ તરફ મમતાના સંસ્કાર રોપનાર કવિ અ-સાદી.

*

પુરાતન ઈરાનનો આત્મા ફીરદૌસીને જાણે કે હાક મારતો હતો. ઈરાનની અસલી જાહોજલાલી ગાવા ઉપરાંત ઈરાને અનેક સૈકાઓની કાળ–યાત્રા કઈ કઈ તરેહથી કરી હતી તેના સાચા સંકલિત તેમ જ વિશુદ્ધ શબ્દચિત્રને કવિતામાં દોરવાનો એને મહાભિલાષ હતો. ને એ તમામ તવારીખના વેરણછેરણ અવશેષો ઈરાનના જુદા જુદા ગામોની અંદર કોણ જાણે ક્યાં પડેલાં હતાં. સ્થળેસ્થળના રઝળપાટ: ક્યાંઈકથી એકાદ ટુકડાની પ્રાપ્તિ તો બીજો ટુકડો શોધવા માટે બીજા પચાસ ઠેકાણે કરવું પડેલું પરિભ્રમણ : છુટાછવાયા અંકોડાની મેળવણી કર્યા પછી પાછું એને અનેક દૃષ્ટિએ ચકાસી જોવાનું કામ : એમ કરતાં કરતાં વતનના એક પછી એક શાહની તવારીખ ફીરદૌસીએ હાથ કરી ને તે લુખી, સુકી નિષ્પ્રાણ બનેલી હકીકતોમાં પોતે કવિતાની સંજીવની છાંટી. ભૂતકાળના એવા હાડપીંજરમાંથી ખડો થયેલો વિરાટ એટલે મહાકાવ્ય શાહનામા : જેણે ઈરાનના કબ્રસ્તાનમાંથી રૂસ્તમ, સોહેરાબ, બહેરામ, ને ઈસ્ફન્દીઆર જેવા પુરુષસિંહોને સૂતા જગાડ્યા.

*

હાય ક્યાંક મરી જઈશ; મારું જીવનકાર્ય અધૂરું રહી જશે: એવા ફફડાટનાં ત્રીસ વર્ષો ફીરદૌસીએ ‘શાહનામા'ની રચનામાં વિતાવ્યાં. નાણાંની જરૂર હતી. કોઈ કહે છે કે પોતાની એકની એક પુત્રીને દાયજો કરવાનું દ્રવ્ય કવિને જોઈતું હતું: કોઈ કહે છે કે પોતાની જન્મભોમ નજીક કવિને એક સરાઈ ને એક સેતુ બંધાવવાં હતાં. ૭૧ વર્ષને બુઢ્ઢાપો ભોગવતો કવિ ચાલ્યો : ‘શાહનામા'ને લઈ ગજનીને માર્ગે – મહમ્મદ ગજનીનો રાજ્યાશ્રય મેળવવા : સુલતાનને ‘શાહનામા’ અર્પણ કરવા.

*

દરબારમાં જઈ કવિએ પોતાની સ્વર્ગીય કવિતાનો દુર્વ્યય કર્યો. એક મહમ્મુદનાં જ નહિ પણ સુલતાનના એક માનીતા ગુલામ સચીવનાં પણ બેફાટ વખાણ આદર્યા. સુલતાને કૃપા-કટાક્ષ કર્યો.

*

પણ ફીરદૌસને માથે રાજકૃપા અવતારનાર ગુલામ સચીવ અબુલ અબ્બાસ ફજલ તો એક દિવસની સંધ્યાએ સુલતાનની ખફગીનો ભોગ બની બૂરે હાલે કતલ થયો. મુએલા આશ્રયદાતાના દુશ્મનોએ કવિને ય રાજઅવગણનાનો ભોગ બનાવી મૂક્યો. સુલતાને એને રૂખસદ આપવા માટે ફક્ત વીશ હજાર દિરહમ (રૂપિયા) મોકલી આપ્યા.

*

રાજ-ભેટ આવી તે વેળા કવિ એક જાહેર હમામખાનામાં ગુશલ કરતો હતો. આ રકમમાં છુપાયેલું અપમાન કવિને ભાલા સમ ભોંકાયું. એ અપમાનને એણે ત્યાં ને ત્યાં બદલો લીઘો. પ્રથમ તો પોતે ‘ફુક્ક' નામની સુરાકટોરી ગટગટાવી. ને પછી એણે એ ફુક્ક વેચનારની તેમજ ગુશલખાનાના ચાકરોની વચ્ચે વીશે હજારની ખેરાત કરી દીધી. પછી રાજરોષથી સલામત બનવા એણે ચાલતી પકડી. સુલતાને એને પકડવા ઘોડેસ્વારો દોડાવ્યા, પકડાય તો ભૂંડે હાલે મોત પામે. છ મહિના સુધી કવિ હેરાતમાં છુપાઈ રહ્યો.

*

“છે કોઈ આ શાહનામાની ર્પણ-પત્રિકા સ્વીકારનારો ભડવીર?” એ હાક દેતો કવિ સુલતાનના અનેક માંડલિકો કને જઈ ઊભો રહ્યો. પરંતુ આ અમરતા સ્વીકારવાની છાતી કોઈની ન ચાલી. ખીજ્યો કવિ કેવો ભૂંડો બને છે! ‘સ્વર્ગના વાસી'એ પણ સુલતાન પર હલકટ વેર વાળવા સારુ હવે એની નિન્દાનાં કાવ્યો રચવા માંડ્યાં. આવા નિન્દાકાવ્યને ‘ઉભત' કહે છે. એ ‘ઉભત’ની એક સો ટૂકો હતી. “મહાકવિ! તમને આ કુવિદ્યા ન શોભે. જગત થુ થુ કરશે!” એવું કહીને કવિના એક આશ્રયદાતા માંડલિકે એ કુલ એક સો ટૂકોના એક લાખ રૂપેલા ચુકાવી ખરીદી લીધી ને તેનો નાશ કર્યો.

*

હિન્દુસ્તાન પરની એક ચઢાઈમાંથી સુલતાન ગજની તરફ પાછો વળે છે : રસ્તામાં એક ફિતૂરી ખંડિયા રાજાનો કિલ્લો આવે છે, સુલતાને ત્યાં પડાવ નંખાવ્યો છે: ને ગઢપતિને પોતાની સમક્ષ હાજર થવા ફરમાએશ મોકલી છે : બીજો દિવસ થાય છે : ગઢપતિ આવ્યો નથી; સુલતાન વજીરને પૂછે છે : નહિ હાજર થાય તો શું કરશું? “શું કરવું?” વજીરે એક વીરોત્તેજક બેત સંભળાવી જેનો અર્થ આમ થાય છે. “એનો જવાબ જો મારી ખ્વાહેશની બરખિલાફ આવશે તો પછી હું છું, આ મારી ફરશી છે, ને જંગનું મયદાન છે…” સાંભળીને સુલતાનને રોમાંચ થયો. પૂછ્યું : “આ બેત કોની રચેલી! શામાંથી બોલો છો?” “જહાંપનાહ, શાહનામામાંથી : ફીરદૌસીની રચેલી.”

*

સુલતાનના દિલપર ઊંડી અસર પડી. એણે કવિ પ્રત્યેના દુર્વર્તાવને પશ્ચાત્તાપ ગુજાર્યો. ને પછી જ્યારે સુલતાનની એ ક્ષમાપનાનો સંદેશો તેમજ સાઠ હજાર સોનૈયાની સોગાદ કવિના વતનને એક દરવાજે દાખલતી થતી તી, ત્યારે બીજે દરવાજેથી કવિને જનાજો કબ્રસ્તાન તરફ ચાલ્યો જતો હતો. એ સાઠ હજાર સોનૈયા ન કવિને પહોંચ્યા કે ન કવિની પુત્રીએ એનો સ્વીકાર કરવા જેટલી તુચ્છતા બતાવી. આખરે સુલતાને એ દ્રવ્ય કવિના જીવનની એક આખરી આકાંક્ષાને પૂરી કરવામાં ખરચ્યું. કવિની જન્મભોમની સીમમાં એક સરાઈ અને એક સેતુબંધ બંધાવ્યાં.