વેળા વેળાની છાંયડી/૨૫. ઉષાની રંગોળી

૨૫. ઉષાની રંગોળી

રોંઢા ટાણું હતું.

⁠વાઘણિયાની વાંકીચૂંકી બજારમાં અત્યારે બિલકુલ ઘરાકી ન હોવાથી હાટડીદારો નવરા બેઠા ઝોકાં ખાતા હતા.

⁠આ ખૂણા તરફ મામૂલી હાટડી માંડીને બેઠેલો ઓતમચંદ પણ ઘરાકીને અભાવે નાનકડા તકિયાને અઢેલીને જરા આડો થઈને પડ્યો હતો.

⁠ધોળે દિવસે સોપો પડી ગયો હોય એવા સૂમસામ વાતાવરણમાં અમરગઢથી આવતા હલકારાએ વાઘણિયાના ઝાંપામાં પ્રવેશ કર્યો. દરવાજાની દોઢીમાં પસાયતો સાંગામાંચી જેવા ખાટલામાં પડ્યો પડ્યો ઘોરતો હતો. એને સરકારી કાગળનું બીંડલ સોંપવા હલકારાએ પોતાના હાથમાંની લાકડી ખખડાવીને જગાડ્યો.

⁠ઝાંપાની નજીકની એક-બે શેરીમાં બે-ત્રણ પત્તાં વહેંચીને એ સીધો બજાર તરફ વળ્યો.

⁠બે ગાડાં સામસામી દિશાએથી આવી ચડે તો એકને પાછા વળવું પડે એવી સાંકડી બજારમાં અહીંતહીં હરાયાં ઢોર સૂતાં હતાં. એમની પર ઠેક લેતો લેતો હલકારો આગળ વધ્યો ત્યાં તો તો એનો પગરવ સાંભળીને ઊંઘતાં કૂતરાં જાગી ઊઠ્યાં અને ટપાલખાતાના ખાખી ગણવેશધારીને હાઉ હાઉ અવાજ વડે આવકારી રહ્યાં.

⁠કૂતરાંના અવાજે, કાગાનીંદરમાં પડેલા વેપારીઓને જગાડી દીધા, એકાંતરે દિવસે રોંઢા ટાણે સંભળાતા ડાઘિયાં કૂતરાંના અવાજ પોસ્ટમૅનના આગમનનાં ડંકાનિશાન ગણાતાં.

⁠ગામલોકોની જેમ હલકારો પણ આ વાતાવરણથી ટેવાઈ ગયો હતો. વાઘણિયાનાં કૂતરાં આખા પંથકમાં પંકાતાં, તેથી આ ગામ ટપાલ વહેંચવા આવતી વેળા સાથે બડીકો લાવવાનું એ કદી ભૂલતો નહીં. લાંબી કામગીરીને પરિણામે એ એકેએક કૂતરાથી પરિચિત થઈ ગયો હતો. તેથી જ તો, અત્યારે એ એક હાથમાં ટપાલ ને બીજા હાથમાં બડીકો વીંઝતો વીંઝતો કોઈ સુભટની અદાથી આ નવરી બજારમાં આગળ વધતો હતો. સામેથી ભસતાં ૫રિચિત સ્વજનો જેવાં કૂતરાંઓને ‘હવે બેસ બેસ, બાંડિયા !’ ‘હવે હાઉં કર્ય, રાતડા !’ ‘મૂંગો મર્ય, મૂંગો, કાણિયા !’ એમ પ્રેમાળ સંબોધનો વડે ગોષ્ઠી કરતો કરતો એ કાગળ વહેંચતો જતો હતો.

⁠વાઘણિયાના વેપારીઓને એક વિચિત્ર આદત હતી. કોની કોની દુકાને કેટલી ટપાલ આવે છે એનું વધારે પડતા કુતૂહલથી તેઓ ધ્યાન રાખતા. અને એ માટે એમણે સરસ કીમિયો શોધી કાઢ્યો હતો. જે દુકાન પાસે હલકારો થોભે એ સ્થળે કૂતરાંના ભસવાનો ‘સ્થગિત’ અવાજ સંભળાયા કરતો અને એ ખાખી વેશધારી આગળ વધતો રહે એમ કૂતરાંના અવાજ પણ દૂર દૂર જતા રહે. કોઈક સ્થળે ટપાલી થોભે ત્યારે અવાજ સ્થગિત થઈ જાય. આ રીતે કોની દુકાનને ઉંબરે પોસ્ટમૅન થોભે છે અને કેટલો સમય થોભે છે એ પણ બીજા વેપારીઓ જાણી શકતા.

⁠પણ આજે વાઘણિયાના વેપારીઓને જરા નવો અનુભવ થયો. ઓતમચંદની પેઢીનું ‘ઉઠમણું’ થઈ ગયા પછી એને ત્યાં આવતી ટપાલનું પ્રમાણ બહુ ઘટી ગયું હતું. એક સમયે વાઘણિયામાં આવતા કાગળપત્તરનો અડધો કોથળો ઓતમચંદને ત્યાં જ ઠલવાતો. એ પ્રમાણ હવે આ પડતીના દિવસોમાં નહીંવત્‌ થઈ ગયું હલકારો આવે ત્યારે ઓતમચંદની દુકાન પાસે કૂતરાંએ ભાગ્યે જ ભસવું પડતું. પણ આજે સાવ અવળો જ ઘાટ થયો. બીજા કોઈની દુકાન પાસે નહીં ને ઓતમચંદની એ કંગાલ હાટડી નજીક કૂતરાં ભસ્યાં તેથી આજુબાજુના દુકાનદારોના કાન ચમક્યા.

⁠વેપારીઓને વધારે આશ્ચર્ય તો એ વાતનું થયું કે ઓતમચંદના આંગણામાં કૂતરાં ભસ્યાં એટલું જ નહીં, સારી વાર સુધી એ ભસવાનું ચાલુ રહ્યું.

⁠ગાદીતકિયે આરામથી પડેલાં અદોદરાં શરીરોને પરિશ્રમ આપીને દુકાનદારોએ બજારમાં ડોકિયું કર્યું તો ઓતમચંદની હાટડી પાસે હલકારો થોભ્યો હતો એટલું જ નહીં, એ તો કૂતરાં કરડવાની બીકે હાટડીની અંદર બેસી ગયો હતો; એક પતાકડા ઉપર કઈ કઈ જગ્યાએ સહીઓ કરવી એની સૂચનાઓ આપતો હતો ને ઓતમચંદ શાહીનાં ખડિયામાં બરુ બોળી બોળીને અક્ષરો પાડતો હતો.

⁠જોનારાઓની આંખો ચાર થઈ ગઈ.

⁠સહી થયા પછી સાક્ષીની જરૂર પડી. ઓતમચંદે સામી દુકાન તરફ જોઈને બૂમ પાડી: ‘ભૂધરભાઈ, જરાક આવજો ને, આમાં શાખ નાખવી પડશે.

⁠મનીઑર્ડરના એ ફારમ તરફ ક્યારના ફાટી આંખે તાકી રહેલા ભૂધરભાઇ જ્યારે શાખ નાખવા ગયા અને પોતાના નામનું મત્તું મારતાં મારતાં એમણે રકમનો આંકડો વાંચ્યો ત્યારે એમની આંખ વધારે ફાટી ગઇ. એમનાથી પુછાઈ ગયું: ‘કિયે ગામથી ?’

⁠‘રાજકોટથી’, ઓતમચંદે કહ્યું. ‘આપણો નાનો ભાઈ છે ને, નરોત્તમ, એણે મોકલ્યા છે—’

⁠બસ, પતી ગયું. ભૂધરભાઈને મોઢેથી આખા બજારમાં ને બજારમાંથી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ.

⁠‘ઓતમચંદને ઘેરે આજે લાપસીનાં આંધણ !’

⁠‘શું કામે પણ ?’

⁠‘મન્યાડર આવ્યું !’

⁠‘રાજકોટથી નરોત્તમે રૂપિયા મોકલ્યા !’

⁠વીજળીવેગે કાનસૂરિયાં ફેલાતાં રહ્યાં.

⁠સાંભળીને કેટલાક લોકો રાજી થયાં. કેટલાંક સાવ સ્થિતપ્રજ્ઞ રહ્યા પણ જેમની કલ્પનાશક્તિ વધારે પડતી સતેજ હતી એમણે આ સમાચાર સાંભળીને વધારે કુતૂહલ વ્યક્ત કર્યું:

⁠‘અલ્યા, પણ નરોત્તમે આટલા રૂપિયા કાઢ્યા ક્યાંથી ?’

⁠‘રાજકોટમાં રૂપિયાનાં ઝાડ ઊગે છે કે માણસ મનફાવે એ ખંખેરી લે ?’

⁠‘કે પછી એણે ઘરમાં જ ટંકશાળ પાડી છે ?’

⁠ઓતમચંદના હિતેચ્છુઓનાં હૃદયમાંથી ઊઠેલા આ પ્રશ્નો એવા તો ગંભીર હતા કે એમના ઉત્તર સહેલાઈથી મળી શકે એમ નહોતા. પરિણામે એ પ્રશ્નોના પૃચ્છકોએ પોતે જ ઉત્તરો પણ યોજવા પડ્યા.

⁠‘નરોત્તમે કોકનો હડફો ફાડ્યો લાગે છે !’

⁠‘કોકની દુકાનમાં ગણેશિયો ભરાવ્યો હશે.’

⁠‘રાજકોટ જેવા શહેરમાં આટલા રૂપિયા ક્યાં રેઢા પડ્યા છે ?’

⁠‘હમણાં કોક રાજકોટ ગ્યું’તું એણે તો વાવડ આપ્યા’તા કે નરોત્તમ તો ટેસન ઉપર કોકની રમકડાંની રેંકડી ફેરવે છે. આટલી રકમ ક્યાંથી પેદા કરી નાખે ?

⁠‘જરૂર ક્યાંક હાથફેરો કર્યો હશે–’

⁠‘ક્યાંક સાટાંદોઢાં કરીને કોકને સુવરાવી દીધો હશે.’

⁠અને પછી કલ્પનાનાં ઘોડાં આગળ વધ્યાં. અનુમાનો અને અટકળો સાથે સમર્થનો પણ શોધાયાં.

⁠‘આવાં સાટાંદોઢાં કરવાની એને ખોરડે કાંઈ નવી નવાઈ છે ? નરોત્તમ પણ અંતે તો ઓતમચંદનો જ સગો ભાઈ ને ! ઓતમચંદે આ ઈશ્વરિયામાં દકુભાઈની ઓસરીમાંથી રોકડ રૂપિયાની કોથળી બગલમાં મારિ’તી… મકનજી મુનીમ નજરે જોયેલી વાત કરતો’તો… નરોત્તમે પણ એક જ પાણીઆરાના ગોળાનું પાણી પીધું છે ને !… મોટા ભાઈ કરતાં નાનો ભાઈ પોણી સોળ ઊતરે નહીં—’

⁠ગામલોકોને અનુમાનોની અધ્યારી કરતાં મેલીને ઓતમચંદે જ જરા વહેલી વહેલી દુકાન વધાવી. ઉપરને બારસાખે અને નીચેને ઉંબરે એમ બબ્બે સાંકળ વાસીને ઉપર તાળાં દીધાં પછી આજીવિકાના સાધન સમ આ સ્થળને ત્રણ વાર મૂક વંદના કરીને એ ઘર ભણી વળતો હતો ત્યાં તો સામેથી ટીકી ટીકીને અવલોકી રહેલા ભૂધરભાઈએ ટકોર કરી:

⁠‘તાળાં સારી પેઠ ખેંચીને ખખડાવી લેજે, ઓતમચંદભાઈ !’

⁠વેપારીની આવી દાઢાવાણી જેવી જબાન સમજતાં ઓતમચંદને વાર ન લાગી. જવાબમાં એણે મૂંગુ, મધુર હાસ્ય વેર્યું, પછી જતાં એ સ્વગતોક્તિ જેવો ઉત્તર આપતો ગયો:

⁠‘હજાર તાળાંકૂંચીએ બાંધી રાખશું તોય જેના નસીબનું હશે એને જ પહોંચવાનું છે, દાણેદાણા ઉપર એનાં ખાનારાંનાં નામ લખ્યાં છે―’

⁠આટલું કહીને ઓતમચંદે અંગરખાની અંદરના કબજામાંના છૂપા ખિસ્સા પર હાથ દબાવીને ખાતરી કરી જ લીધી કે પોતે સાચવીને મુકેલું જોખમ સહીસલામત છે.

⁠ગામલોકો આ ‘મન્યાડર’ના સમાચાર સાંભળીને હેબતાઈ ગયાં’તાં ત્યારે ઓતમચંદ તો જાણે કે કશું જ બન્યું નથી એવી સ્વસ્થતા ધારણ્ કરીને ઘર સુધી પહોંચ્યો. રોજની આદત મુજબ એણે ઊંચે જોયું ઓસરીની કોર ઉપર થાંભલીને અઢેલીને લાડકોર ઊભી હતી. ઓતમચંદે આજે વધારે સભાનપણે પત્ની તરફ ધારી ધારીને જોયું, તો લાડકોરની મુખરેખાઓમાં ખાસ કોઈ પલટો દેખાયો નહીં, પણ એની હસું હસું થઈ રહેલ આંખો થોડી અછતી રહે એમ હતી ?’

⁠પ્રૌઢી ધારણ કર્યા પછી આ દંપતીએ મજાકમશ્કરી તો ક્યારનાં છોડી દીધાં હતાં, પણ આજે લાડકોરથી ન રહેવાયું. ઓસરીનાં પગથિયાં ચડી રહેલા ઓતમચંદને એણે હસતાં હસતાં કહ્યું: ‘ઉભા રહો, તમને કળશો કરું—’

⁠‘શું કામે ભલા ?’ ઓતમચંદે પૂછ્યું. ‘હું શું તોરણે ચડીને આવ્યો છું ?’

⁠‘પણ નરોત્તમભાઈનું મન્યાડર તો આવ્યું છે ને ?’

⁠‘તને કોણે કીધું ?’

⁠‘બટુકે.’

⁠‘બટુકને ક્યાંથી ખબર પડી ?’

⁠‘શેરીનાં છોકરાંવ પાસેથી—’

⁠‘અહોહો ! એટલી વારમાં તો શેરી લગી વાત પૂગી ગઈ ! ઓતમચંદે આશ્ચર્ય વ્યક્ત કર્યું, ‘આ ગામ ગજબનું છે… કાગડા જેવું. કોઈ વાત છાની જ ન રહે.’

⁠‘પછી તો ચાર-પાંચ પડોશણ આવી આવીને હરખ કરી ગઈ કે આજ તો લાપસીનું આંધણ મેલજો.’

⁠‘લાપસીનું આંધણ ?’ ઓતમચંદ જરા વિચારમાં પડી ગયો. પછી એકાએક આનંદભેર બોલી ઊઠ્યો: ‘થાવા દિયો !’

⁠‘શું પણ ?’

⁠‘લાપસી. બીજું શું ?’ ઓતમચંદે આદેશ આપ્યો: ‘મેલી દિયો આંધણ. ચાર-પાંચ પડોશણ કહી ગઈ, તો પછી પંચ બોલે એ પરમેશ્વર.’

⁠‘સાચે જ કિયો છો કે ઠેકડી કરો છો ?’

⁠‘આવી વાતમાં તે ઠેકડી કરાતી હશે ?’

⁠‘પણ મન્યાડર સાચોસાચ આવ્યું છે કે પછી ગામના ગપગોળા જ ?’

⁠‘આ ગામ એટલું બધું પરગજુ નથી કે કારણ વગર આપણી આબરૂ આટલી વધારી મેલે,’ કહીને ઓતમચંદે અંદરના કબજામાંથી કડકડતી નોટોનો થોકડો કાઢીને પત્નીને બતાવ્યો.

⁠‘અરે, અરે ! આમ ધોળે દીએ ઓસરીમાં જોખમ કાઢો મા. લાડકોરે સૂચના આપી. ‘પટારામાં સાચવીને મેલી દિયો—’

⁠‘લાવો કૂંચી’ ઓતમચંદે ઘરમાં જતાં જતાં કહ્યું.

⁠‘કૂંચીની જરૂર નથી !’ પત્નીએ કહ્યું. ‘પટારો ઉઘાડી જ રાખ્યો છે. તમને આઘેથી આવતા ભાળ્યા કે, તરત જ મેં સાચવણું ઉઘાડી નાંખ્યું’તુ…’

⁠‘ઓહોહો ! તમે તો બહુ અગમબુદ્ધિ વાપરી ને કાંઈ !’ પત્નીના સ્ત્રીસુલભ અત્યુત્સાહને હસી કાઢતાં ઓતમચંદે કહ્યું, ‘તમારી સાચવણને તો કોઈ નહીં પૂગે.’

⁠‘સાચવવું તો જોઈએ જ ને ! બિચારા નરોત્તમભાઈએ ક્યાંક નોકરી કરી કરીને, પરસેવો પાડી પાડીને આટલું ભેગું કર્યું હશે—’

⁠‘નોકરી કરે છે જ કોણ ?’

⁠‘તયે આટલું બધું ક્યાંથી કમાણા હશે ?’

⁠‘નરોત્તમ તો ભાગીદારીમાં રહ્યો… મંચેરશા પારસીની પેઢીમાં. આ કાગળ વાંચજો નિરાંતે. એટલે ખબર પડશે.’

⁠‘સાચે જ ? તો તો તમારા મોઢામાં સાકર—’

⁠‘એકલી સાકરથી સંતોષ નહીં થાય. લાપસી જોઈશે, લાપસી.’

⁠‘અબઘડીએ આંધણ ચડાવી દઉં, ને ઝપાટામાં પીરસી દઉં. પછી કાંઈ ?’

⁠‘પટારામાં સારી પટ ઊંડે જોખમ ગોઠવતાં ગોઠવતાં ઓતમચંદે પૂછ્યું: ‘બટુક કેમ દેખાતો નથી ?’

⁠‘એતો મન્યાડર આવ્યાના સમાચાર કહીને પાછો શેરીમાં હાલ્યો ગયો.’

⁠‘એને બોલાવીને કહી દિયો કે તારા સારુ નવી ને મોટી ઘોડાગાડી આવે છે—એક સથવારા ભેગી.’

⁠‘નરોત્તમભાઈ આ ઘોડાગાડીની વાત હજી ભૂલ્યા લાગતા નથી !’

⁠‘કેમ ભૂલે ? કાગળમાં તો હજી સાચી ઘોડાગાડી લેવાનું લખે છે. કહે છે કે અબ્દુલાશેઠ માની જાય તો આપણી જ મૂળ ગાડી પાછી લઈ લેજો.’

⁠‘સાચોસાચ ?’

⁠‘વાંચો ને આ કાગળ !’

⁠‘પહેલાં મને લાપસી રાંધી લેવા દિયો. પછી નિરાંતે કાગળ વાંચીશ.’

⁠‘અરે ! હું તો અમથો લાપસી લાપસી કરતો’તો, ને તમે તો સાચે જ રાંધવાની વાત કરો છો !’

⁠‘હવે તો રાંધીશ જ, તમારું વેણ રાખવા,’ કહીને લાડકોર રસોડા તરફ વળી.

⁠‘તો એટલી વારમાં હું આપાભાઈ કાઠીની ડેલીએ જરાક થાતો આવું.’

⁠‘કાઠીનું વળી શું કામ પડ્યું ?’

⁠‘એની ઘોડી કાલનો દી માગી જાવી પડશે—’

⁠‘કેમ ભલા ? ગામતરે જાવું છે ?’

⁠‘હવે તો એકાંતરે દિવસે ગામતરાં જ થવાનાં,’ ઓતમચંદે કહ્યું, ‘આ મોસમમાં આખા પંથકનો કપાસ આપણે ખડી લેવાનો છે.’

⁠‘આપણે ?’ સાંભળીને લાડકોરનો સાદ ફાટી ગયો.

⁠‘આપણે એટલે મંચેરશાની પેઢીને હિસાબે—નરોતમ વતી,’ ઓતમચંદે પત્નીને સાંત્વન આપ્યું.

⁠‘તમારો ભાઈ તો શહેરમાં કોક મોટે મોભારે બેઠો લાગે છે ! પંથકનો સંધોય કપાસ ખંડી લેવાની વાતું કરે છે.’

⁠‘મારો ભાઈ નહીં, તારો દેર, એમ કહે !’ ઓતમચંદે પત્નીને મર્મમાં કહ્યું, ‘અહીંથી ગયો તંયે તેં એને ઝાઝી આશિષ આપી’તીને, એ હવે ફળી.’

⁠હજી ભોળુડી લાડકોરને ગળે આ બધી વાત ઊતરતી નહોતી. પતિએ દેવાળું કાઢ્યા પછી પત્નીના માનસમાં જ સાહજિક લઘુતાગ્રંથિ ઘર કરી ગઈ હતી એ અત્યારે બાલિશ પ્રશ્નરૂપે વ્યક્ત થઈ.

⁠‘પણ મોટા દરબાર એનો વજેભાગ તમને જોખવા દેશે ખરા ?’

⁠‘આટલાં વરસ તો આપણે જ જોખતા હતા ને ?’

⁠‘આટલાં વરસની વાત નોખી હતી… …આપણી ઊંચી શાખ હતી. પણ હવે—’

⁠‘હવે આપણા કરતાંય ઊંચી શાખ મંચેરશા પારસીની છે. સરકારની ટંકશાળ કરતાંય મંચેરશાની હૂંડીના વધારે સિક્કા પડે છે. નામચીન વેપારી મારી ખાય, એના જેવું છે આ તો.’

⁠હજી લાડકોરને આ નવા નવા સાંપડેલા સૌભાગ્યમાં શ્રદ્ધા નહોતી બેસતી. એણે સહજ પ્રશ્ન પૂછ્યો:

⁠‘પણ બીજા મોટા મોટા વેપારી આડે નહીં આવે ?’

⁠‘બીજા બધાય કરતાં આપણે ટકો ભાવ વધારે આપીશું. દામ કરે કામ ને લૂંડી ભરે સલામ. એ તો દુનિયાનો વેવાર છે.’

⁠પતિને મોઢેથી એકેક ઉત્તર સાંભળતી હતી ને લાડકોર હરખાતી જતી હતી. જીવન-નાટકમાં દરિદ્રતાનું લાંબું દૃશ્ય ભજવાયા પછી જીવન પરોઢ ઉપર જે જવનિકા ઊઘડેલી એમાં એને સહેલાઈથી વિશ્વાસ નહોતો બેસતો. તેથી તો એણે ફરી વાર બાલિશ પ્રશ્ન પૂછ્યો:

⁠‘આ બધું સાચોસાચ થાશે ?’

⁠‘અરે. તું જોજે તો ખરી. આ ઓતમચંદના સપાટા ? એક મોસમ સરખી ઊતરશે તો બેડો પાર છે !’

⁠‘તો તો તમારા મોઢામાં સાકર !’

⁠‘સાકર નહીં, લાપસી જોઈએ !’ જતાં જતાં ઓતમચંદે લાડપૂર્વક કહ્યું અને પત્ની તરફ મુગ્ધભાવે તાકી રહ્યો.

⁠લાડકોરે એ ભાવ બરાબર ઝીલ્યો અને ઘણે વરસે આ પ્રૌઢ દંપતીના જીવનમાં ક્ષણભર નવપ્રેમીઓના જેવું તારામૈત્રક રચાઈ ગયું.

⁠આપાભાઈ કાઠી સાથે ઘોડીનું નક્કી કરીને મોડેથી ઓતમચંદ જમવા બેઠો. ભેગો બટુકને પણ બેસાડ્યો. હરખડી લાડકોરે હોંશે હોંશે લાપસી પીરસવા માંડી, પણ ઓતમચંદે કહ્યું:

⁠‘લાપસી નહીં, પહેલાં રોટલો લાવો—’

⁠‘રોટલો ? રોટલો આજ ઘડ્યો છે જ ક્યાં ?’

⁠‘સવારનો ટાઢો-સૂકો હશે તોય ચાલશે. રોટલો પહેલાં, પછી લાપસી.’

⁠‘રોટલા તો બારેય મહિના ખાવાના જ છે ને !’ લાડકોરે કહ્યું, ‘આજે તો લાપસી જમો !’

⁠‘રોટલા બારેય મહિના નહીં જિંદગી આખી ખાવાના છે. એટલે જ પહેલાં રોટલો ને પછી મિષ્ટાન્ન,’ કહીને ઓતમચંદ ખુલાસો કર્યો: ‘મિષ્ટાન્ન તો આજે છે ને કાલે નથી. એટલે જ માણસ ભગવાન પાસેથી લાપસી-લાડવા નથી માગતા પણ સૂકોપાકો રોટલો જ માગે છે, સમજ્યાને ? બિરંજ કે બાસુંદી નહીં પણ શેર બાજરી જ માગે છે. ને જિંદગીમાં શેર બાજરી જડતી રિયે એના જેવું સુખ બીજું કયું ?’

⁠પતિના આગ્રહને વશ થઈને લાડકોરે સાચે જ સવારના ઘડેલ રોટલાની ફડસ પીરસવી પડી. અને પછી જ ઓતમચંદે લાપસીમાં ઘી ચોળ્યું.

⁠પછી જમતાં જમતાં એણે મિષ્ટાન્ન વિશે વધારે ફિલસૂફી ડહોળી:

⁠‘સુખ આવે ત્યારે માણસે હરખાઈ ન જાવું ને દુઃખ પડે ગભરાઇ ન જાવું. મિષ્ટાન્ન-પકવાન તો સુખ કરતાં દુઃખમાં વધારે મીઠાં લાગે !’

⁠‘દુઃખમાં વધારે મીઠાં લાગે ?

⁠‘હા. આ તમે હોંશે હોંશે લાપસી રાંધી છે ને છે ને સારી પટ પણ નાખ્યું છે એટલે મીઠી જ લાગે છે, પણ નાનપણમાં એકવાર દુઃખના દહાડામાં મેં મારે હાથે લાપસી રાંધીને ખાધી’તી એ વધારે મીઠી લાગી હતી.’

⁠‘હાથે રાંધેલી વધારે મીઠી લાગી એમ ?’ પોતાની પાકશાસ્ત્રકલાની કિંમત ઓછી અંકાતી લાગતાં લાડકોરનું સ્વમાન ઘવાયું.

⁠ઓતમચંદે ખુલાસો કર્યો:

⁠‘તમેં હાથે રાંધેલી એટલે જ મીઠી લાગી, એમ નહીં. જીભમાં સવાદ જ વધી ગયો હતો—બહુ દુઃખ પડવાને લીધે. એ વખતે મારા બાપુ જીવતા’તા. મા મને ને નરોત્તમને નાનકડા મેલીને ગામતરું કરી ગ્યાં’તાં એટલે હું બાપુ ભેગો દુકાનેય બેસું, ને ઘરે આવીને રોટલાય ઘડું. એ જમાનામાં હજી કપાસનાં વાવેતર બહ વધેલાં નહીં, એટલે આપણે ઘીનો મોટો વેપાર કરતા. એમાં એક વાર બન્યું એવું કે રાતના કોઈ હરામખોરે વખારમાં ખાતર પાડ્યું ને ઘીનાં છલોછલ ભરેલાં વીસ પાળિયાં ઉપાડી ગયો. સવારમાં આ ચોરી થયાની ખબર પડી એટલે બાપુ તો બિચારા હેબતાઈ ગયા. હું તો હજી બહુ સમજણો નહિં, એટલે ધ્રુસકે ધ્રુસકે રોવા જ મંડ્યો. બાપુએ માંડ કરીને મને છાનો રાખ્યો. વખારમાંથી બધાં પાળિયાં ચોરાઈ ગયાં હતાં પણ દુકાનમાં એક છૂટક વેચાણનું પાળિયું પડ્યું રહ્યું હતું. એ બાપુએ મારા હાથમાં મેલીને કીધું કે ઝટ ઘેર જઈને લાપસીનું આંધણ મેલી દે ! મેં કીધું કે આજે તો આપણે સાવ લૂંટાઈ ગયા, ને માથેથી લાપસીનું આંધણ ? એટલે બાપુ બોલ્યા: ‘ઓલ્યો ચોર વીસ પાળિયાં ઉપાડી ગયો છે એટલે ખાંડી જેટલું ઘી ખાશે તો આપણે શેર-અચ્છેર તો આપણા પેટમાં નાખીએ ! તે દી અમે વાઢીધારે ઘી રેડીને જે લાપસી ખાધી છે એનો સ્વાદ તો હજી લગણ દાઢ્યમાં રહી ગયો છે. એ પછી તો હજાર વાર લાપસી જમ્યા હોઈશું પણ તે દીના જેવી મીઠાશ ક્યાંય માણી નથી.’

⁠આટલું કહીને ઓતમચંદ નાના બાળક જેવું નિર્દોષ હાસ્ય વેરી રહ્યો.

⁠બટુકને તો લાપસીમાં કે રોટલામાં, કે એ બંને પાછળની ફિલસૂફીમાં, કશામાં રસ નહોતો. એને તો કાકા તરફથી આવનાર નવી ઘોડાગાડીએ ગાંડોતૂર કરી મૂક્યો હતો. હવે આવનારી નવી ગાડી કેવી હશે એનો ઘોડો કેવો હશે, એની સતત પૂછગાછ આડે એ પેટ ભરી જમી પણ ન શક્યો.

⁠રાતે આ દુખિયાં દંપતી નિરાંતે વાતોએ વળગ્યાં.

⁠ઓતમચંદને આવી સુખદુઃખની ત્રણચાર રાતો યાદ આવી ગઈ. જે દિવસે પોતે દેવાળિયો જાહેર થયેલો એ રાત… જે દિવસે નરોત્તમે શહેરમાં જવાનો હઠાગ્રહ કરેલો એ રાત… જે દિવસે બટુક્ ખાધા વિના ભૂખ્યો ઊંઘી ગયેલો અને લાડકોરે પતિને ઈશ્વરિયે જવાનું સૂચન કરેલું એ રાત… અને જે દિવસે પોતે મોતના મોઢામાંથી ઉગરી જઇને ઇશ્વરિયેથી ખાલી હાથે પાછો કરેલો અને લાડકોર સમક્ષ પોતાના અનુભવોની અસત્ય કથા કહી સંભળાવેલી એ યાદગાર રાત… આ બધી વાતોએ ઓતમચંદે અજંપો અનુભવેલો. આ પ્રસંગોએ એનું ચિત્ત સંતપ્ત હતું, ત્યારે આજે એ પ્રફુલ્લચિત્ત હતો. અજંપા ઉદ્વેગમાંથી જન્મેલા, આજનો અજંપો પરિતોષજન્ય હતો. તેથી જ, આ ઉજાગરો અશાંતિકર નહીં પણ મીઠો લાગતો હતો.

⁠લાડકોરે ફાનસને અજવાળે નરોત્તમનો લાંબો પત્ર ફરી ફરીને બેત્રણ વાર વાંચ્યો છતાંય એને સંતોષ ન થયો. દરેક વાચન વેળાયે એમાંથી વધારે ને વધારે અર્થઘટાવ કરતી જતી હતી. નરોત્તમના નવપ્રસ્થાનમાં રહેલી અપાર શક્યતાઓ ઓતમચંદ સમજાવતો જતો હતો અને લાડકોર વધારે ને વધારે ઉછરંગ અનુભવતી જતી હતી.

⁠શેખચલ્લીની જેમ નહીં પણ સંપૂર્ણ સ્વસ્થ ચિત્તે આ દંપતીએ નવજીવનનાં સુખદ સ્વપ્નોને જાણે કે સાકાર થતાં જોયાં અને એ સ્વપ્નોની માધુરીમાં લાંબી રાત કેમ કરીને વીતી ગઈ એનો ખ્યાલ ન રહ્યો.

⁠પ્રાગડ પહેલાં ઓતમચંદ ઊભો થયો અને પ્રાતઃકર્મોથી પરવારીને આપાભાઈ કાઠીની ડેલીએ ગયો. આગલી સાંજે થયેલી ગોઠવણ મુજબ એ ઘોડી પલાણીને પંથકનાં ગામડાં ખૂંદવા નીકળી પડ્યો ત્યારે આકાશમાં ઉષાની રંગોળી રેલાવા લાગી હતી.