વેળા વેળાની છાંયડી/૪૩. ભગવાને મોકલ્યા !

૪૩. ભગવાને મોકલ્યા !

જે દિવસે રાજકોટથી મહેમાન આવવાના હતા તે દિવસે સવારથી જ ચંપાને એની સહીપણી શારદા પજવી રહી હતી: ‘પરભુલાલ શેઠના શું સમાચાર છે?’ સાંભળીને ચંપા શરમાઈ જતી હતી ને સામું સંભળાવતી હતી: ‘જા રે લુચ્ચી! મારા કરતાં તો તું હવે એને વધારે ઓળખતી થઈ છો!’

⁠શારદા વધારે પજવણી કરતી હતી: ‘જાણું છું, દિવસ ને રાત એની રાહ જોયા કરે છે તે... મારાથી કાંઈ અજાણ્યું છે?’

⁠‘તારાથી શું અજાણ્યું છે?’ ચંપા કબૂલત કરતી.

⁠ફરી શારદા પૂછતી: ‘પણ પરભુલાલ શેઠ આવશે ક્યારે હવે?’

⁠‘કેમ અલી, તું આટલી બધી ઉતાવળી થાય છે?’ ચંપા પૂછતી હતી, ‘પ૨ણવાનું મારે, ને ઉતાવળ તને કેમ?’

⁠‘બહેનબાને ઝટપટ પરણાવી નાખવાની મને ઉતાવળ છે,’ કહીને શારદા પૂછતી હતી, ‘ક્યાં ગયું, હું લાવેલી એ ૨મકડું?’

⁠‘આ રહ્યું!’

⁠‘હં... રોજ આની સામે છાની છાની જોયા કરે છે, એ હું નથી જાણતી?’ શારદાએ મીઠો ઠપકો આપ્યો, ‘આ સારસ ને આ સારસી... આ જુગલજોડી ઉપરથી તારી નજર ખસતી જ નથી, એ શું મારાથી અજાણ્યું છે?’

⁠‘તારાથી શું અજાણ્યું છે બેન? તારાથી મેં શું છાનું રાખ્યું છે?’

⁠‘તો ઠીક!’ ચંપાનો આવો એક૨ા૨ સાંભળીને શારદાનો અહમ્‌ભાવ સંતોષાતો હતો. ‘પણ આ બે પંખી ભેગાં થઈ જાય પછી આ બહેનપણીને ભૂલી તો નહીં જાય ને?’

⁠‘તને કેમ કરીને ભૂલીશ, બેન?’ ચંપા કહેતી હતી, તેં તો પરભુલાલ શેઠને કાને મારું વેણ પહોંચાડ્યું—’

⁠‘અલી, તું પણ એને પરભુલાલ શેઠ જ કહે છે કે શું?’

⁠‘બીજું શું કહું? ઘરમાં સહુ એને એ જ નામે ઓળખે છે એમાં મારાથી સાચું નામ કેમ કરીને લેવાય?’

⁠‘પણ અબઘડીએ એ આવી પહોંચશે. ને ઘરમાં સહુને એની સાચી ઓળખ થઈ જાશે, પછી શું કશું?’

⁠‘મનેય એ જ ચિંતા થયા કરે છે... પછી શું કરશું?’ ચંપાએ કહ્યું.

⁠‘તું ચિંતા કરવી રહેવા દે.’ શારદાએ હિંમત આપી, ‘હું બેઠી છું ને! એને અહીં આવવા તો દે! પછી એ તારા પરભુલાલ શેઠ છે, ને આ શારદા છે!’

⁠‘તારા પરભુલાલ શેઠ એટલે શું?’

⁠‘તારા એટલે તારા જ! બીજા કોઈના નહીં!’

⁠‘પણ તુંય હજી એને પરભુલાલ શેઠ કહીને જ ઓળખીશ?’

⁠‘ત્યારે બીજું શું કહું? સાચે નામે ઓળખવા જાઉં, ને ક્યાંક આડું વેતરાઈ બેસે તો?’

⁠‘તું તો ભારે પહોંચેલ નીકળી, બેન!’

⁠‘પહોંચ વિના આવાં પરાક્રમ થતાં હશે!’

⁠જસીની હાજરીમાં શારદા જાણે કે પોતે ૫૨ભુલાલ નામના કોઈ માણસને ઓળખતી જ ન હોય એવો વર્તાવ કરતી. તેથી, ઓછી અકલની જસી પૂરેપૂરી ભ્રમમાં પડી ગયેલી. ચંપા માટે શોધાયેલા કોઈક અજાણ્યા પરભુલાલ કરતાં પોતાનો વ૨ બાલુ તો ક્યાંય ચડિયાતો છે, એવી શેખી પણ એ કર્યા કરતી. આમેય એ વારંવાર પોતાના વરનાં વખાણ તો કરતી જ. એમાં વળી લગનનો દિવસ નજીક આવતાં તો એ બાલુની પ્રશસ્તિ કરતાં થાકતી જ નહીં. વિચક્ષણ શારદા પણ આ પ્રશસ્તિમાં સૂર પુરાવતી અને બેવકૂફ જસીને એવો ખ્યાલ આપતી કે તારો વર ચંપાના વર કરતાં તો ક્યાંય વધારે હોશિયાર છે. વધારે શ્રીમંત છે, વધારે સુશીલ છે.

⁠અને આખરે જ્યારે મનસુખલાલ સાથે બે મહેમાનો આવ્યા, ત્યારે પરભુલાલ શેઠને જોઈને ચંપાનાં માબાપ કરતાંય વધારે આશ્ચર્ય તો જસીએ જ અનુભવેલું. નરોત્તમને જોઈને જસીને તો રીતસર આઘાત જ લાગેલો. કપૂ૨શેઠ અને સંતોકબાએ આરંભિક આશ્ચર્ય પછી, કીલાએ ગોઠવેલા આ ‘કારસ્તાન’ને એક સ૨સ મશ્કરી તરીકે ઉમળકાભેર આવકારી લીધેલું, ત્યારે જસીને તો એના આઘાતની કેમેય કરીને કળ વળી શકેલી નહીં. કેમ કે, એ જાણતી હતી કે બાલુ કરતાં નરોત્તમ બધી જ બાબતમાં ચડિયાતો છે.

⁠અને જ્યારે એણે જોયું કે એક વેળા જેનું વાગ્દાન રદ્દ થયેલું એ હવે નવા લેબાસમાં આવેલા નરોત્તમ સાથે ફરીથી ચંપાનો વિવાહ કરવા માબાપ ઇંતેજાર છે, ત્યારે તો જસીની ઈર્ષ્યાની અવધ આવી રહી. મોટી બેનના નસીબમાંથી ખરી પડેલો આવો મજાનો વર ફરી પાછો મળશે એ જાણીને લગ્નોન્મુખ જસીનો આનંદોત્સાહ ઓસરી ગયો.

⁠પોતાની સાથે આવેલ પરભુલાલ શેઠ બીજો કોઈ નહીં પણ નરોત્તમ જ છે, એવી જાણ થતાં મનસુખભાઈ શ૨માઈ ગયા. એમણે નરોત્તમની માફી માગી, અને કીલાને પ્રેમાળ ઠપકો આપ્યો.

⁠‘કીલાભાઈ, તમે તો કમાલ ક૨ી! મને અટાણ લગી સાવ અંધારામાં જ રાખ્યો!’

⁠‘હું પોતે જ આજ સુધી અંધારામાં હતો, પછી તમને શી રીતે અજવાળું ક૨ી શકું?’

⁠‘હવે રાખો, રાખો! બહુ થઈ રોનક! ભલા માણસ, આવી આકરી ઠેકડી તે કરાતી હશે ?’

⁠‘આકરી મરી ગઈ છે, તે તમારી ઠેકડી કરું?’ કીલાએ કહ્યું.

⁠‘કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં,’ કહીને મનસુખલાલે ઉમેર્યું, ‘જે થયું છે, એ સારું થયું છે–’

⁠‘કુદરતે જે ધાર્યું હતું એ જ થયું છે…’ વચ્ચે કપૂરશેઠ બોલ્યા.

⁠‘કીલાભાઈ, તમે તો કમાલ કરી!’ ફરી ફરીને મનસુખલાલ એ ઉદ્‌ગાર કાઢી રહ્યા હતા.

⁠‘ભાઈ, અજાણ્યા ને આંધળા બેય બરાબર ગણાય. હું તો આ પરભુલાલથી અજાણ્યો હતો ને તમારાથી તો વળી સાવ અજાણ્યો હતો,’ કીલાએ કહ્યું, ‘એમાં આ આંધળે બહેરું કુટાઈ ગયું – ’

⁠‘ના, ના, આંધળે બહેરું તો કાંઈ નથી કુટાયું,’ કપૂ૨શેઠે કીલાના કથનમાં સુધારો કર્યો, ‘જેવો થાવો જોઈએ એવો જ જોગાનુજોગ થઈ ગયો છે – ’

⁠‘તમને ભગવાને જ અમારે આંગણે મોકલ્યા એમ કહો ને!’ સંતોકબાએ કહ્યું.

⁠‘ભગવાન ઉપર બહુ ભરોસો રાખવા જેવું નથી,’ કીલાએ મમરો મૂક્યો, ‘ભગવાન તો ઘણીય વાર સાચા માણસને ખોટે ઠેકાણે, ને ખોટા માણસને સાચે ઠેકાણે મોકલી દિયે છે.’

⁠‘હવે રાખો, રાખો, કીલાભાઈ!’ મનસુખલાલે કહ્યું, ‘તમે તો બહુ રોનક કરી અમારી. હવે હાંઉં કરો, ભલા થઈને!’

⁠મકનજી મુનીમે બાલુની જાન પાછી વળાવ્યા પછી એક ચોંકાવનારી વાત કરી. એણે જાહેર કર્યું કે દકુભાઈને ત્યાં ઓસરીમાંથી રૂપિયાની જે કોથળી ચોરવાનું આળ ઓતમચંદ ઉ૫૨ આવેલું, એ કોથળી કોઈએ ચોરી જ નહોતી. તેલના ખાણિયામાંથી એ કોથળી અકબંધ હાથ આવી, અને એ વાતની જાણ લાડકોરને થઈ, તેથી એ ભાઈને ઘે૨થી કાયમના અબોલા લઈને, લગનને આગલે દિવસે જ પાછી ચાલી ગયેલી... અને પછી, મુનીમે ભાઈબહેન વચ્ચે જામેલી ભયંક૨ જીભાજોડીનું વર્ણન ઝમકભરી શૈલીમાં કરી બતાવ્યું અને લાડકોરની વિદાય વેળાનાં દૃશ્યો તાદૃશ્ય કરી બતાવ્યાં ત્યારે તો સાંભળનારાંઓ અવાક થઈ ગયાં.

⁠‘કોથળી કોઈએ ચોરી જ નહોતી?’ થોડી વારે કપૂરશેઠે પૂછ્યું.

⁠‘ના, કોઈએ નહીં —’

⁠‘તો પછી ઓતમચંદ શેઠનું નામ એમાં આવ્યું’તું એ?’ હવે મનસુખભાઈએ પૂછ્યું.

⁠‘સાવ ખોટું. ઓતમચંદભાઈને તો તે દિવસે દકુભાઈએ અંદ૨ બોલાવવાને બદલે ઓસરીમાં જ બેસાડી રાખેલા એટલે એને અપમાન લાગેલું, ને મૂંગા મૂંગા બહાર નીકળી ગયેલા એટલે જ એના ઉપ૨ વહેમ આવેલો,’ મુનીમે કહ્યું, ‘ને વહેમમાં ને વહેમમાં દકુભાઈએ વાંસે પસાયતા દોડાવેલા ને બિચારા ઓતમચંદ શેઠને મારી મારીને લોથ કરી નાખેલા.’

⁠સાંભળીને કપૂ૨શેઠ અને મનસુખલાલ બંને જણા ઊંડા વિચારમાં પડી ગયા. જે મુદ્દા ઉપ૨ ઓતમચંદને ચોર ગણીને એની સાથેનો સંબંધ તોડી નાખેલો, એ મુદ્દો જ આખો અસત્ય સાબિત થતાં એમની વિમાસણ વધી પડી. દકુભાઈ તો વહેમના વમળમાં અટવાઈને અવિચારી કૃત્ય આચરી બેઠેલા, પણ ચોરીના આરોપના સાવ અધ્ધર સમાચાર ઉપર આધાર રાખીને આપણે જે પગલું લીધેલું એનું ભયંકર વિપરીત પરિણામ નીપજ્યું છે, એનું એમને હવે ભાન થયું. પોતે હાથે કરીને જ, ચંપાનું લગ્નજીવન વેડફી નાખ્યું છે એની પ્રતીતિ થઈ. તેથી જ બગડી બાજી સુધારી લેવા માટે એમણે નરોત્તમ જોડે જ ચંપાના પુનર્વિવાહનો પ્રસ્તાવ મૂક્યો.