વેળા વેળાની છાંયડી/૪૫. ગ્રહશાંતિ

૪૫. ગ્રહશાંતિ

પાદરમાંથી જ બાલુની જાનને પાછી વળાવી દીધા પછી કપૂરશેઠ સમક્ષ અત્યંત કપરો પ્રશ્ન ઊભો થયો: હવે શું કરવું ?

⁠‘લીધેલાં લગન ખડી ગયાં !’

⁠‘બાંધેલો માંડવો વીંખવો પડશે !’

⁠‘અપશુકન ! અપશુકન !’

⁠ડોસી શાસ્ત્રની દમદાટીઓથી કપૂરશેઠ ડરી ગયા.

⁠‘ગ્રહશાંતિ કર્યા પછી કોઈનાં લગ્ન જ ન થાય તો ઘરમાં અશાંતિ થઈ જાય.’

⁠દાપાં-દક્ષિણા સિવાય બીજા કશામાં રસ નહીં ધરાવનાર ગોર મહારાજ તો અનેક જાતની કપોલકલ્પિત ડરામણીઓ દેખાડવા લાગ્યા.

⁠‘આ તો પાતક કહેવાય ! મહાપાતક !’

⁠કપૂરશેઠે કહ્યું: ‘એ તમા૨ા મહાપાતક કરતાંય એક વધારે મોટા પાતકમાંથી ઊગરી ગયો છું, એટલો ભગવાનનો પાડ માનીએ ! મારી જસીની જિંદગી ધૂળધાણી થાતી રહી ગઈ, એટલા આપણે નસીબદાર, એમ સમજો ને !’

⁠પણ દાપા-દક્ષિણા ગુમાવી બેઠેલા ગોર મહારાજ એમ સહેલાઈથી શાના સમજી જાય ? એમણે તો થોકબંધ શાસ્ત્રવચનો ટાંકવા માંડ્યાં. આ ઘર ઉ૫ર અનેક આપત્તિઓ આવી પડશે, એવી આગાહી કરી, છતાં કપૂરશેઠ ગભરાયા નહીં.

⁠પણ જ્યારે ભુદેવે ધમકી આપી કે લગ્નમાં આવી પડેલા વિઘ્નને પરિણામે તમારા ઉપ૨ નવેનવ ગ્રહ કોપી ઊઠશે, ત્યારે કપૂરશેઠે સંભળાવી દીધું:

⁠‘નવેનવ ગ્રહ ભલે કોપતા, પણ દસમા ગ્રહને મારે આંગણે આવતો અટકાવ્યો છે, એની મને નિરાંત છે–’

⁠‘દસમો ગ્રહ?’ ગોર મહારાજ ચોંકી ઊઠ્યા, ‘જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહથી વધારે એક પણ ગ્રહ હોઈ જ કેમ શકે?’

⁠જ્યોતિષશાસ્ત્રમાં ભલે ન હોય, અમારો સંસા૨શાસ્ત્રમાં તમારા નવેય ગ્રહને આંટી જાય એવો આકરો દસમો ગ્રહ હોય છે... એને અમે જમાઈ કહીને ઓળખીએ છીએ–’

⁠‘શાંત પાપં... શાંત પાપં...! આ શું બોલો છો, શેઠ’ ગોર મહારાજ ધ્રૂજી ઊઠ્યા, ‘જામાતા જેવા જામાતાને તમે દસમો ગ્રહ ગણો છો?’

⁠‘હા, ને એ ગ્રહ તો વળી એવો હઠીલો કે બાકીના નવ ગ્રહની શાંતિ થાય, પણ દસમો તો કાયમ અશાંતિ જ ઊભી કર્યા કરે. એ તો સસરાને માથે જિંદગી આખી જડબેસલાક લોઢાને પાયે પનોતી જેવો... ને એ પનોતીય પાછી સાડાસાતી નહીં પણ યાવચ્ચંદ્રદિવાકરૌ જેવી –’ કહીને કપૂરશેઠે ફરી સંતોષ વ્યક્ત કર્યો, ‘એ દસમા ગ્રહની વક્રદૃષ્ટિને મેં પાદરમાંથી જ પાછી વળાવી દીધી એની મને નિરાંત છે. હવે તમારા બાકીના નવેનવ ગ્રહને જે કરવું હોય એ ભલે કરી લિયે–’

⁠ગોરને લાગ્યું કે કપૂરશેઠ પાસે તો હવે પોતાનું કશું ઊપજી શકે એમ નથી, તેથી એણે સંતોકબાનું શરણું લીધું. અનેકાનેક દેવો, રાંદલ મા કોપાયમાન થશે, કુટુંબ ઉ૫૨ અણધાર્યા વિઘ્નો આવી પડશે, એવી એવી ડરામણીઓ દેખાડી...

⁠‘ઘરમાં રાંદલ મા થાપ્યાં છે, અને વરઘોડિયાં પગે લાગી રહે પછી જ થાનકનું ઉથાપન કરી શકાય. હવે વરઘોડિયાં વિના જ એનું ઉથાપન કરીએ તો રાંદલ મા રૂઠ્યાં વિના રહે ખરાં?’

⁠સાંભળીને સંતોકબા થથરી ઊઠ્યાં: ‘રાંદલ મા રૂઠશે!’

⁠એમણે પતિ સમક્ષ ધા નાખી: ‘રાંદલ મા રૂઠશે!’

⁠ગો૨દેવતાની ધમકીઓને જરાસરખીય દાદ ન દેના૨ કપૂ૨શેઠ પત્નીની ફરિયાદ સાંભળીને મૂંઝાઈ ગયા.

⁠‘આ તમે કેવું અવિચારી કામ કરી બેઠા! કપાળમાં કંકુઆળા વરને માંડવેથી વળાવ્યો! પીઠી ચોળેલાને પાદરમાંથી પાછો કાઢ્યો!'

⁠પત્નીની રોકકળ વધી અને પતિની અકળામણ વધી.

⁠‘પણ વરરાજાનાં પરાક્રમ જ એવાં હતાં કે એને પાછા વળાવ્યા વિના બીજો છૂટકો જ નહોતો—’

⁠‘અરે, પણ રાંદલ મા રૂઠશે તો આપણું ધનોતપનોત નીકળી જાશે!’

⁠‘કાલે નીકળતું હોય તો હવે આજે જ નીકળવા દો!' કંટાળીને કપૂરશેઠે સંભળાવી દીધું.

⁠‘હાય રે હાય! આ તમે શું બોલી ગયા?’ પત્નીએ રોકકળ શરૂ કરી, ‘હવે આ માંડવાનો માણેકથંભ કેમ કરીને ઉખેડશું?’

⁠‘ખોદી કાઢીને... બીજી કઈ રીતે વળી?’

⁠‘હાય રે હાય! તો તો આપણું ઘર જ આખું ખેદાનમેદાન થઈ જાય ને! ખોડેલા માંડવા નીચે લગનવિધિ કર્યા વિના તે થાંભલા પાછા કઢાતા હશે ક્યાંય ?’

⁠‘પણ જેની લગનિધિ કરવાની હતી, એ લાડકડો તો એનાં લખણને કારણે હાલ્યો ગયો પાછો!’ કપૂ૨શેઠે ઉગ્ર અવાજે સંભળાવ્યું, ‘હવે તો આપણી પોતાની લગનવિવિધ ફરીથી કરીએ તો છે!’

⁠‘હાય હાય! આવું બોલતાં શરમાતા નથી?’ કહીને સંતોકબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.

⁠‘શાંત થાવ! શાંત થાવ! આજના શુભ પ્રસંગે આવા સંતાપ ન શોભે, બા!’ ગોર મહારાજ વચ્ચે પડ્યા: ‘શાસ્ત્રમાં કહ્યું છે: ચિત્તશાંતિ વડે સર્વ શુભકામનાઓ સફળ થાય છે!’

⁠‘પાટમાં પડે તમારાં સાસ્તર! મારે ઘેર વિવાહમાં વિઘન આવી પડ્યું એનું તો કાંઈ કરતા નથી!’

⁠‘શાસ્ત્રમાં કહ્યું છે, સ્વસ્થ ચિત્તે વિચા૨ ક૨વાથી વિઘ્નો પણ દૂર થઈ શકે છે, બા! ગભરાશો નહીં!’

⁠‘તમારે ભામણભાઈને શું? તમારે તો ગમે તેમ કરીને તમારું તરભાણું ભરવાનું —’

⁠‘ગમે તેમ કરીને નહીં, બા, વરકન્યાને પરણાવીને જ તરભાણું ભરી શકાય, અન્યથા નહીં.’

⁠‘ગોર!’ હવે કપૂરશેઠે ક્રોધભર્યો પડકાર કર્યો, તમારું તરભાણું તો ટળ્યું... હવે તમે પોતે ટળશો અહીંથી?’

⁠‘બ્રહ્મપુત્રને જાકારો? યજમાનને શ્રીમુખેથી ગોરદેવતાનું અપમાન?’

⁠‘શાંતં પાપં... શાંત પાપં...’ ગોર બોલ્યા, ‘જાકારો આપશો તોય નહીં જઈ શકે. શાસ્રવચનથી વિરુદ્ધ વર્તન શી રીતે કરી શકું?’

⁠‘માર ઝાડુ તારાં શાસ્ત્રવચનને. અહીંથી અમારાં લોહી પીતો ટળીશ હવે?’

⁠‘કટુવચન ન ઉચ્ચારો, શેઠ! શાસ્ત્રમાં કહ્યું છે, ક્રોધ એ સર્વ આપત્તિઓનું મૂળ છે!’ ઠંડે કલેજે ગોરદેવતા બોલ્યા. ‘આ શુભ હસ્તે મેં રાંદલ માની થાપના કરી છે... હવે આ જ શુભ હસ્તે એની ઉથાપના કર્યા વિના જાઉં તો મારા ઉ૫૨ જ દૈવી વિઘ્ન આવી પડે.’

⁠‘તો ઉથાપના કરીને જા. પણ અહીંથી રસ્તો માપ ઝટ!’ કપૂરશેઠે હુકમ કર્યો.

⁠‘જ્યાં સુધી માતાજી સમક્ષ વરઘોડિયાં વંદન ન કરે, ત્યાં સુધી થાનકની ઉથાપના ન થઈ શકે. શાસ્રવચનથી વિરુદ્ધ વાત...’

⁠‘પણ વરઘોડિયાં કાઢવાં ક્યાંથી હવે?’ કપૂરશેઠે કહ્યું, ‘હવે તો તમે ને તમારાં ગોરાણી વરઘોડિયાં થાવ તો છે!’

⁠‘એટલે બધે દૂર જવાની જરાય જરૂ૨ નથી, શેઠ!’

⁠‘દૂર ન જઈએ તો નજીકમાં કોણ છે?—’

⁠‘છે... છે!’

⁠‘કોણ પણ?’

⁠‘વરઘોડિયાં જ. બીજું કોણ?’

⁠‘ક્યાં છે?’ કપૂરશેઠે કુતૂહલથી પૂછ્યું.

⁠‘નજર સામે જ છે…’

⁠‘નજર સામે?’

⁠‘હા, મને તો દીવા જેવાં દેખાય છે–વર ને કન્યા બેય—’

⁠‘કોણ, પણ?’

⁠‘ચંપાબેન... ને... ને ઓલ્યા આવ્યા છે, એ પરભુલાલ શેઠ–’

⁠‘અલ્યા, એનું સાચું નામ નરોત્તમ છે, ૫રભુલાલ શેઠ નહીં –’

⁠‘શાસ્ત્રોને નામ સાથે સંબંધ નથી, કામ સાથે જ સંબંધ છે,’ ગોરે પોતાના ઘરનો શાસ્ત્રાર્થ ઘટાવ્યો. ‘કન્યાને તો કૌમાર્યગ્રહ ઉતા૨વા માટે ઝાડના થડ સાથે ફેરા ફેરવી શકાય... અરે, કોઈ મનુષ્યજાતિમાંથી વર ન મળે તો છેવટે ફૂલના દડાને પણ શાસ્ત્રોએ તો વર તરીકે માન્ય કરેલ છે, તો આપણી પાસે તો નરો માંહે ઉત્તમ કહેવાય એવા નરોત્તમભાઈ છે, પછી શી ફિકર છે?’

⁠‘હા... ...!’

⁠‘હા... ...!’

⁠કપૂરશેઠને અને સંતોકબાને બંનેને ગોરનું આ સૂચન ટપક ક૨તુંક ને ગળે ઊતરી ગયું.

⁠યજમાનને પોતાની યોજના જચી છે, એમ સમજાતાં જ ગોરે આંગળી અને અંગૂઠા વડે ચપટી વગાડીને કહ્યું: ‘શાસ્ત્રવચન શુભસ્ય શીઘ્રમ્—’

⁠‘પણ આટલી બધી ઉતાવળથી કામ પાર પડી શકે ખરું?’

⁠‘કહેવાય છે કે મુલતવી રાખવાનાં માઠાં ફળ—’

⁠‘પણ આ તો ઘડિયાં લગન જેવું થઈ જાશે—’

⁠‘થવા દો, શેઠ! કહેવાય છે, સારાં કામ આડે સો વિઘ્ન! શાસ્ત્રવચન છે, કે—’

⁠‘હવે તું તારાં શાસ્ત્રવચનની વાત બંધ ક૨, તો અમે કંઈક વિચાર કરી શકીએ—’

⁠‘અવશ્ય વિચારો! પૂર્ણપણે વિચારો! શાસ્ત્રવચન છે કે વિચારશીલ મનુષ્ય જ–’

⁠‘હવે ઘડીક મૂંગો રહીશ?’

⁠‘જેવી યજમાનની ઇચ્છા!’

⁠ગોર ખરેખર મૂંગો થઈ ગયો પછી કપૂરશેઠે કીલા સમક્ષ પોતાની નાજુક મુશ્કેલી વર્ણવી, અને એના નિવારણ માટે નિખાલસપણે, ચંપા જોડે નરોત્તમનાં લગન કરી નાખવાનો પ્રસ્તાવ મૂક્યો.

⁠‘આ લગનબગન જેવી વાતમાં આ કીલો કાંઈ ન જાણે, ભાઈસા’બ!’ કહીને એણે સૂચવ્યું, ‘નરોત્તમના ભાઈને વાત કરો.’

⁠‘ઓતમચંદ શેઠ તો ઠેઠ વાઘણિયે બેઠા, ને અહીં અમારો ગો૨–’

⁠‘ઓતમચંદભાઈ તો અહીં તમારા ગામમાં જ છે—’

⁠‘ક્યાં? ક્યાં છે?’

⁠‘એભલ આહીરને ઘે૨–’

⁠કીલા પાસેથી આટલી બાતમી મેળવીને તુરત કપૂરશેઠ એભલ આહી૨ના વાડા તરફ ઊપડ્યા.