વ્યાજનો વારસ/આજાર આભાશા


આજાર આભાશા

ખાટલે પડ્યા પડ્યા પણ આભાશાના જીવને જરાય શાંતિ નથી. નવી અને જૂની વચ્ચેના હરહંમેશના લોહીઉકાળા તો ચાલુ જ હતા, એમાં વળી પોતાની ઘસાતી જતી કાયાએ ચિંતાનો ઉમેરો કર્યો. પોતાની હયાતી દરમિયાન જ જે કુટુંબ – વેલ વેરવિખેર બની ગઈ છે, એની પોતાની હયાતી બાદ તો કોણ જાણે શીય દશા થશે એ સંતાપ આભાશાને સતાવી રહ્યો હતો.

મોટામાં મોટી ચિંતા તો પોતાની છૂટીછવાઈ મિલકતની વ્યવસ્થા કરવાની હતી. પેઢીનો કારભાર પોતાના હાથમાં આવ્યા પછી આભાશાએ પરચૂરણ ધીરધાર અને વ્યાજવટાવની પ્રવૃત્તિ બહુ વિકસાવી મૂકી હતી. અને એમાંય ચતરભજે તો એ ધીરધાર ઉજળિયાત વર્ગના આસામીઓ પૂરતી જ ન રહેવા દેતાં કાંટિયાં વરણમાં પણ વિસ્તારી હતી. પરિણામે, અલબત્ત, વ્યાજની આવક ઘણી વધી ગઈ. પણ એ વ્યાજની વસૂલાત પાછળની માથાકૂટ અને મહેનત તો અનેકગણી વધી ગઈ હતી. એ તો વળી ચતરભજ જેવો અકડલકડિયો મુનીમ હતો એટલે આભાશાને પેઢીની વ્યવસ્થામાં જરાય મહેનત ન પડતી; પણ હમણાં હમણાં તો એ વિશ્વાસુ મુનીમ પણ ફરી બેઠો હોય એવું આભાશા અનુભવી રહ્યા હતા. ચતરભજ કાંઈક ભેદનીતિ રચી રહ્યો છે એમ એના વલણ ઉપરથી આભાશા ખાટલે પડ્યા પડ્યા પણ પામી ગયા હતા.

જ્યારથી પેઢીએ પરચૂરણ ધીરધારો વધારી ત્યારથી વ્યાજ ​ તો ઠીક ૫ણ મુદ્દલની વસૂલાતમાંય પારાવાર મુશ્કેલીઓ ઊભી થવા માંડી હતી. સામટી ધીરધારમાંથી દર વર્ષે દસ–વીસ હજારની રકમની તો, વસૂલ ન થઈ શકવાને કારણે માંડવાળ કરી નાખવી પડતી. પણ પેઢીની વ્યાજની આવક એટલી હોબ્બેસ હતી કે આવી મામૂલી રકમની માંડવાળ એને જરાય જણાય એમ નહોતી. દીર્ઘદ્રષ્ટા ચતરભજે વાર્ષિક માંડવાળની રકમ અડસટ્ટીને જ વ્યાજના દર નક્કી કર્યા હતા. છતાં આજે જ્યારે બધું કામકાજ સંકેલવાનું ટાણું આવ્યું ત્યારે આભાશાને લાગ્યું કે આટલો બધો પથારો પાથર્યો ન હોત તો સારું હતું.

આ બધી ચિંતાઓથીય મોટી અને હૃદયને કોરી ખાનારી ચિંતા તો નજર સામે બેઠેલી બાળવિધવા સુલેખાની હતી. જોકે સુલેખાએ તો ઉચ્ચ સંસ્કારની સહાય વડે પોતાના વૈધવ્યજીવનને પણ ઉજાળ્યું હતું અને એક આદર્શ વિધવા તરીકે જીવી રહી હતી, છતાં એના ભવિષ્ય અંગે આભાશા અહર્નિશ ફિકર કર્યા કરતા હતાં. વિશેષ તો નંદનના આગમન પછી કુટુંબનું વાતાવરણ જે ઢંગે વણસી બેઠું હતું તે ઢંગ જોતાં ભવિષ્યમાં સુલેખા આ જૂનીનવી સાસુઓનાં બે પડ વચ્ચે પિસાઈ જાય એ આભાશાને ડર હતો.

દિવસે દિવસે સુલેખાને આ સંસાર પ્રત્યે એક જાતની વિરક્તિ ઊપજતી જતી હતી. આભાશાની આલીશાન ઇમારત છાંડીને એણે લાખિયારવાળી મઢૂલીમાં તો ઘણા સમયથી વાસ કર્યો હતો. પણ હમણાં હમણાં તો જીવનની જરૂરિયાતો પણ એણે ઘટાડવા માંડી હતી. રિખવના મૃત્યુ પછી રેશમી અને જરિયન પટકૂળ તેમ જ જરઝવેરાતો પહેરવાનું તો લૌકિક આચારે મર્યાદિત બનાવી મૂક્યું હતું, છતાં લોકરિવાજની મર્યાદામાં રહીને જે કાંઈ પહેરી શકાતું એ બધું પણ ભારે મોટી કિંમતનું હતું. હીરામોતીના અકેક દાગીનાની કિંમત હજારોને હિસાબે જ આંકી શકાય. પણ સુલેખાને જેમ જેમ વિરક્તિ થતી ગઈ તેમ તેમ તેણે એવાં આભૂષણોનો ​ પણ ત્યાગ કરવા માંડ્યો અને અત્યંત સાદાં વસ્ત્રો ધારણ કરવા માંડ્યાં. એ જોઈને નંદન અને અમરત આનંદી ઊઠ્યાં, પણ આભાશાના શોકગ્રસ્ત આત્માને તો વધારે શોક ઊપજ્યો.

રિખવની હયાતી દરમિયાન સુલેખાની તહેનાતમાં જે નોકરચાકર હતા એ સહુને આભાશાએ હજી ચાલુ રાખ્યા હતા. પણ લાખિયારના મકાનમાં રહેવા ગયા પછી સુલેખાએ એ નોકરોની સેવા સ્વીકારવાની પણ ના કહી. પોતાનું લગભગ બધું જ કામ એ હાથે કરવા લાગી હતી. આથી તો ગામલોકોમાં આભાશાનાં ઘરની હલકી વાતો થવા લાગી; રિખવની હયાતી દરમિયાન સુલેખાના આવાસમાંની શૃંગારનીતરતી ગીતપંક્તિઓ સંભળાતી એને બદલે હવે જીવનના ક્ષણભંગુર૫ણા અંગેનાં સંતભક્તોનાં પદો સંભળાતાં. ભરયુવાન વયમાં જ પુત્રવધૂને મોંએથી વૈરાગ્યવાણી સાંભળીને વયોવૃદ્ધ આભાશા ખિન્ન બની જતા.

સુલેખાએ પોતાનું ખાલી પડેલું જીવન ચિત્રકલાના વ્યાસંગથી ભરી દીધું. જ્યારે જ્યારે નવરી પડે ત્યારે એ ‘સુરૂપકુમાર’ના ચિત્ર ઉપર કામે લાગી પડતી અને એના કલ્પનાવિધાનની મસ્તીમાં પોતાનું વૈધવ્યદુ:ખ વિસારે પાડી દેતી. પતિ તરફથી પોતે પ્રથમ મિલને જ તરછોડાયેલી છે એ હકીકતની આજ દિવસ સુધી એણે કોઈને જાણ થવા દીધી નથી. જીવનના સઘળા જ કડવા ઘૂંટડા ગળે ઉતારીને પોતાની ચિત્રકલામાં તો એ અમૃત જ રેડી રહી હતી. વર્ષોની મહેનત પછી પણ ‘સુરૂપકુમાર’ના ચિત્રની મુખાકૃતિનો પૂરેપૂરો સ્પષ્ટ અને સંતોષકારક ઉઠાવ હજી નહોતો આવી શકતો. સુલેખાને એ અસંતોષ સાલતો હતો અને પોતાની કલાની અપૂર્ણતાનો વસવસો પણ રહેતો હતો. પણ એ મુખાકૃતિની સ્પષ્ટતા તો રિખવ પોતે જ જીવતોજાગતો હાજર થાય તો જ થઈ શકે અને એમ બનવું તો હવે અશક્ય છે, એ હકીકતનું ભાન થતાં સુલેખા ઊંડા ઊંડા નિસાસા મૂકતી હતી. આ બધા નિસાસાના ધ્વનિઓ ​ એકસામટા ભેગા થઈને જાણે કે આભાશાના કાનમાં સણકા બોલાવી જતા હોય એમ આભાશા પુત્રવધૂના વૈધવ્ય – જીવન બદલ સંતાપ અનુભવી રહેતા.

ખાટલે પડ્યા પડ્યા આભાશા પોતાની વણપૂરી આશાઓ અને આકાંક્ષાઓને યાદ કરીને આખો દિવસ જીવ બાળ્યા કરતા. ચાતુર્વિદ સંઘ કાઢીને ગિરનાર અને શત્રુંજયની યાત્રાએ જવાનો પોતે સંકલ્પ કરેલો એ અધૂરો ૨હી જવા બદલ તેઓ વિમાસણ અનુભવી રહેતા. રિખવ આજે જીવતો હોત તો પોતે જરૂર સંઘ કાઢીને ગિરનાર ચડ્યા હોત અને નેમિનાથની પ્રતિમાને વિમલસૂરીની સૂચના અનુસાર રિખવને જ હાથે હીરાનો હાર પહેરાવ્યો હોત. આજે તો બધી મનની ઉમેદો મનમાં જ રહી હતી, એથી આભાશાના મંદવાડનો વ્યાધિ જાણે કે અનેકગણો વધી જતો હતો.

માનવંતી કરતાં એની નાની બહેન નંદન ઘણી વધારે ચબરાક હતી. જે અમરતે માનવંતીને ‘હીરાઢઢી’ જેવા એક જ ઇલકાબે નવાજી હતી એ અમરતને નંદન માટે ‘શેતાન ને લુચ્ચી’ એવાં બેવડાં વિશેષણો વાપરવા પડ્યાં હતાં એ એક જ હકીકત નંદનની શક્તિઓની સાબિતી સૂચવતી હતી. કોઈની મેલી બુદ્ધિથી કેમ જાણે પોતે અગાઉથી ચેતી ગઈ હોય, કોઈના કાવતરાની કેમ જાણે એને ગંધ આવી ગઈ હોય એમ નંદન ઘડીભર પણ આભાશાને રેઢા ન મૂકતી.

આભાશાના હૃદયમાં ઊંડે ઊંડે એવી ઇચ્છા હતી કે માલમિલકતનો સઘળો વારસો સુલેખાને જ સોંપવો. અલબત્ત, માનવંતી અને નંદનને ભરણપોષણ માટે સારી ૨કમો મળે એ જરૂરી છે, છતાં રિખવની પત્ની તરીકે સુલેખા જ આ ઘરની ધણિયાણી બની શકે, એમ આભાશા માનતા હતા. પણ પોતાની એ માન્યતા નંદન કે માનવંતી સમક્ષ વ્યક્ત કરવાની એમનામાં હિંમત નહોતી. જો એ વ્યક્ત થાય તો નવી તેમ જ જૂની બન્ને જણીઓ ​ આભાશાનાં છાજિયાં લિયે એવી સ્થિતિ હતી.

આભાશા પાસે દેખીતી સ્થાવર — જંગમ મિલકત ઉપરાંત કેટલીક નહિ સ્થાવર કે નહિ જંગમ એવી દુનિયાની નજરે અણદીઠી પણ મબલખ મિલકત હતી. અને એની જાણ તો ઘરના ‘પહેલા ખેાળાના દીકરા’ કહેવાતા ચતરભજ સુધ્ધાંને નહોતી. ઘરના છૂપા ભંડકિયામાં હજી સુધી ચતરભજ પ્રવેશ પામ્યો નહોતો. એમાં સંઘરેલ સોનાચાંદીનાં ઠામવાસણ, લાટા, ઢાળકીઓ વગેરેનું પૂરેપૂરું જ્ઞાન માનવંતીને પણ નહોતુ. મેડી ઉપરના માઢની બેવડી ભીંતોના પોલાણમાં સોંસરવા સંચર હતા. એમાં પેઢી–જૂનું અસલી જરઝવેરાત સંતાડવામાં આવ્યું હતું. ખપેડાના આડસરના પીઢિયાઓમાંથી એક ડાગળી ખેંચતાં આખું પીઢિયું પોલું દેખાતું અને એના ભગદળની અંદર અણખૂટ ભંડાર ભર્યા હતા. અરાજક મુગલ અને મરાઠા સમયમાં ધાડ અને લૂંટફાટોથી બચવા માટે વડવાઓએ કરેલ આ સિફતતભરી યોજનાઓની એકલા આભાશાને જાણ હતી.

એમની મૂળ ઇચ્છા એવી હતી કે રિખવ પુખ્ત વયે પહોંચે પછી આ બધી છૂપી મિલકત એને સોંપી દેવી. પણ એ તો આ બધું રઝળાવીને ચાલ્યો ગયો તેથી મિલકતની સોંપણી માટે આભાશાની નજરમાં સુલેખા સિવાય બીજું કોઈ યોગ્ય લાગતું નહોતું. પણ માનવંતી, નંદન તેમ જ સુલેખા નિઃસંતાન હોવાથી હવે તો એ બધી મિલકત દુશ્મન પિત્રાઈ જીવણશા અને એનો પુત્ર નેમિદાસ જ લઈ જશે એ યાદ આવતાં આભાશા કંપી ઊઠતા.

વર્ષો પહેલાં વિમલસૂરીએ ઉચ્ચારેલાં વચનો ‘સુલેખા કોઈ ભવ્ય જીવ છે, કોઈ તપોભ્રષ્ટ યોગિની જેવો આત્મા છે’ આજે આભાશાને યાદ આવતાં હતાં. વિધવા બનેલ સુલેખાએ વિમલસૂરીની એ ઉક્તિને સાર્થક પુરવાર કરી બતાવી હતી. આવો પુણ્યશાળી આત્મા પોતાના આંગણાને પાવન કરી રહ્યો છે એ યાદ ​ આવતાં આભાશા ગર્વ અનુભવતા. પોતાની સઘળી મિલકત ઉપર સુલેખાનો જ અધિકાર છે એમ આભાશાના મનમાં ઠસી ગયું હતું.

એક દિવસ આભાશાએ વીસપુર કાગળ લખીને લશ્કરી શેઠને બોલાવ્યા. બીજા કોઈને ખબર ન પડે એવી રીતે વેવાઈની હાજરીમાં તેમણે પોતાની સઘળી મિલકતનું ‘વીલ’ કરવાનું વિચાર્યું. એમાં માનવંતી તથા નંદનને જિંદગીભરના ભરણપોષણ પૂરતી સારી રકમો અને અમરત તથા દલુને નામે થોડી બક્ષિસ કાઢીને બાકીની બધી મિલકતનું એવું ઠરાવવાનું હતું કે પોતાની પાછળ પોતાને પુત્ર હોય એ પુત્રને બધો વારસો મળે. પણ પુત્ર ન હોય કે પુત્ર નિ:સંતાન મરણ પામે તો પોતાના મરણ પામેલા પુત્ર રિખવની વિધવા સુલેખાને મળે એવી જોગવાઈ થવાની હતી. પણ સુલેખા નિ:સ્પૃહી જીવ છે અને એ તો પોતાની મઢૂલી છોડીને આ આલીશાન મકાનમાં રહેવા જ નથી માગતી, એમ જાણવા મળતાં આભાશા મૂંઝાઈ ગયા. સુલેખાએ તો પિતાજી દ્વારા એમ કહેવડાવ્યું કે મારે તો આ વ્યાજની આવકમાંથી રાતી પાઈ પણ ન ખપે.

સુલેખાની આ ત્યાગવૃત્તિએ આભાશાના વસિયતનામા માટે મુશ્કેલીઓ ઊભી કરી.

છેવટે, લશ્કરી શેઠ પોતે જ પુત્રીને સમજાવવા ચાલ્યા.

*