વ્યાજનો વારસ/જીવનની કલાધરી


જીવનની કલાધરી

સુઘડતા અને સદાઈથી શોભતો સુલેખાનો ઓરડો જોઈને લશ્કરી શેઠ પહેલાં તો ચોંકી ઊઠ્યા. વીસપુરના સ્ફટિક આરસ સમા આવાસોમાં ઊછરેલી પોતાની લાડકવાયી પુત્રીને અહીં ગાર–ગોરમાટીવાળા મકાનમાં રહેતી જોઈને પહેલાં તો પિતૃહૃદયને સ્વાભાવિક આઘાત થયો. પણ તરત લશ્કરી શેઠ જોઈ શક્યા કે આ સાદાઈમાં પણ ઠેકઠેકાણે સુલેખાની સુરુચિ તરી આવે છે. ગૌછાણના લીંપણવાળી ભીંત ઉપર પણ સુલેખાએ અહીંતહીં પોતાની પીંછીના લસરકા લગાવ્યા છે. ગેરુનાં એ ચિતરામણો આગળ રંગબેરંગી તખ્તાઓ અને છબીઓ પણ ઝાંખાં લાગે એમ હતાં. સુલેખાએ જીવનની કલા દ્વારા વાતાવરણને એવી તો ભવ્ય સાદાઈ અર્પી હતી કે લશ્કરી શેઠની છાતી ગજગજ ફૂલી ઊઠી અને પુત્રીના વૈધવ્યનો હૃદયને કોરી ખાતો ઘા પણ ઘડીભરી વિસારે પડ્યો. બોલ્યા :

‘દીકરા, તેં તો તારુ વૈધવ્યજીવન ઉજાળ્યું….’

‘બાપુજી, એ તો મારો ધર્મ…’

‘હિન્દુ સંસારમાં ધર્મ તો ગણવો જ પડે છે, પણ તેં તો એને માત્ર ધર્મ ન રહેવા દેતાં જીવનની કલા કરી બતાવી છે. વિમલસૂરીને વર્ષો પહેલાં તું ગોચરી વહોરાવતી ત્યારે ઘણી વખત તેઓ કહેતા કે, સુલેખા તો કલાધરી છે. એ વખતે હું એ બધું હસી કાઢતો. આજે સૂરીજીનાં એ વચનો સાચાં લાગે છે.…’ ​ લશ્કરી શેઠની નજર એક ખૂણા નજીક ઢાંકી રાખેલ ચિત્રફલક ઉપર ગઈ. છેક બાળપણમાં મેળવેલા ચિત્રકળાના સંસ્કાર સુલેખા હજીય જાળવી રહી છે એ જાણીને એમને ભારે આશ્ચર્ય અને સાથે કુતૂહલ પણ થયું. એ કુતૂહલથી પ્રેરાઈને એમણે ચિત્ર પરનું આવરણ ઊંચું કર્યું અને તેમને વિશેષ આશ્ચર્ય ઊપજ્યું. પૂછ્યું :

‘સુરેખા, આ ચિત્ર હજી પૂરું નથી કર્યું ?’

‘જી ના, બાપુજી ,અને હવે તે કદી પણ પૂરું નહિ થાય એમ લાગે છે.’

‘પણ બેટા, આ તો આપણે કેસરિયાજી ગયેલાં ત્યારનું માંડેલું ચિત્ર છે.’

એક ક્ષણ માટે સુલેખાની આંખો સમક્ષ કેસરિયાજી ઉપરનો રિખવ સાથેનો મિલન પ્રસંગ ખડો થઈ ગયો તરત એ આંખો મીંચી ગઈ તે પ્રસંગે રિખવ સાથે થયેલી રસની ચર્ચા અને મીમાંસા યાદ આવી ગયાં, એ આલિંગન અને ચુંબન યાદ આવી ગયાં, ચોગરદમ મત્ત બનીને ડોલતાં કેસૂડાંનાં ઝુંડ યાદ આવી ગયાં. પણ બીજી જ ક્ષણે એ ભૂત સ્મૃતિઓને ખંખેરી નાખી અને સ્વસ્થ થઈને બોલી :

‘બાપુજી, જે સંજોગોમાં આ ચિત્ર શરૂ કર્યું હતુ તે સંજોગો આજે મોજૂદ નથી.…’

લશ્કરી શેઠ ગળગળા થઈને બોલ્યા : ‘બેટા, તારાં નસીબ જ ફૂટેલાં નીકળ્યાં.… જાય છે, એની જગ્યા નથી પુરાતી.’

‘એની જગ્યા નહિ પુરાય ત્યાં સુધી આ ચિત્રના રંગો પણ નહિ પુરાય.’

‘દીકરા, એવી બધી આકરી ટેક ન લેવાય.’

‘ટેક નથી બાપુ ! આ તો હકીકત બોલી રહી છું. એ આજે તો નથી; તો એમના પ્રાણપ્રવાહ સમું એકાદ બાળક મૂકતા ​ ગયા હોત તો પણ હું એના મોંની રેખાઓ જોઈને આ ચિત્ર પૂરું કરી નાખત.’

‘એ બાળક નથી, એની જ તો આ બધી ઉપાધિ ઊભી થઈ છે ને !’ લશ્કરી શેઠે કહ્યું : ‘આભાશાએ એટલા માટે તો તને સમજાવવા મને અહીં મોકલ્યો છે.’

‘સસરાજી પણ માંદગીને બિછાનેથીય મારી ચિંતા કર્યા જ કરે છે ! મને હજી શું સમજાવવાનું બાકી છે ?’ સુલેખાએ પૂછ્યું.

‘બેટા, તું તો બધું જ જાણે જ છે. આભાશા બધી જ મિલકત તારા નામ પર કરી જવા માગે છે.’

‘પણ મારે એ મિલકતની જરૂર નથી; ઉપયોગ પણ નથી.’

‘એ તો તારા હૃદયની ઉદારતા છે, આત્માનો ગુણ છે. પણ તારે થોડી વ્યવહારદક્ષતા પણ કેળવવી જોઈએ.’

‘વ્યવહારદક્ષ બનીને મારે વ્યાજવટાવનો ધંધો નથી કરવો, બાપુજી !’ સુલેખાએ હસી પડતાં કહ્યું.

મજાક સાંભળીને લશ્કરી શેઠ પણ હસી પડ્યા. બોલ્યા : ‘વ્યાજવટાવ કરવા જવાનું તને કોણ કહે છે ? જોકે તું સ્ત્રી હોવા છતાં વેપાર કરે એમાં કાંઈ નવીનવાઈ જેવું મને ન લાગે. આભાશાની ચોથી પેઢીનાં દાદીમા હરકોર શેઠાણીએ તો તેમના ધણીના મૃત્યુ પછી આખી પેઢીનો કારભાર દસ વરસ સુધી ધમધોકાર ચલાવ્યો હતો. એના હાથની લખેલી હૂંડીઓ પણ હજી મોજુદ છે. દેશાવરભરમાં એ હૂંડીઓ ‘હરકોરની હૂંડી’ તરીકે ખ્યાત થઈ હતી. આ ખોરડે સ્ત્રીઓનો કારભાર કાંઈ નવીનવાઈનો નથી !’

છેલ્લું વાક્ય મર્મમાં કહીને લશ્કરી શેઠ હસી પડ્યા.

સુલેખા થોડી વાર મૂંગી રહી. પછી નિસાસાભર્યા સ્વરે બોલી : ​ ‘બાપુજી, એ જીવતા હોત તો હું ખરેખર એમના હાથમાંથી બધો કારભાર લઈને કુશળતાથી આખી પેઢી ચલાવત.…’

‘ગાંડી રે ગાંડી ! હું તો તારી મશ્કરી કરતો હતો.’

‘તમે ભલે મશ્કરીમાં કહો. હું તો ગંભીરભાવે કહું છું. એ જીવતા રહ્યા હોત તો પેઢીનો વહીવટ પરાણે એમના હાથમાંથી મારે જ લઈ લેવો પડત.’

‘એવું તે ક્યાંય બન્યું છે, દીકરી, કે પતિ જીવતાં જ પત્ની…’

‘શા માટે નથી બન્યું ? સલીમના હાથમાંથીય મ્હેર–ઊન–નિસાએ કારભાર લઈ જ લીધો હતો ને ? એ નૂરજહાંને કાં ભૂલી જાઓ ?’

‘એ તો જહાંગીર શહેનશાહની વાત થઈ !’ લશ્કરી શેઠ ફરી હસ્યા.

‘પણ તમારા જમાઈ તો એ શહેનશાહથીય વિશેષ હતા. એનાથીય અદકા રસિક. એને બનવું તો હતું રસયોગી, પણ યોગસાધના માટે જરૂરી નિગ્રહ જાળવી ન શકાય. અસિ–ધાર સરખી એ સાધનામાંથી ડગી જવાની, ચ્યુત થવાની કિંમત એમને પોતાની જિંદગી વડે ચૂકવવી પડી. જીવતા રહ્યા હોત તો મારે જરૂર નૂરજહાંની જવાબદારીને અદા કરવી પડત. કારણ કે, એ તો સલીમ જેવા જ હતા – સુરા અને સુંદરીમાં જ ચકચૂર રહેવાવાળા…’

‘બેટા, એ તો બધા કરમના ખેલ છે. કરમ નચાવે એ પ્રમાણે માણસે નાચવું પડે છે. હવે એ બધું યાદ કરીને એના આત્માને પણ શા માટે અશાંતિ કરે છે ? એ આજે હયાત નથી ત્યારે જ આભાશાને બધું તારા નામ ઉપર ચડાવવું પડે છે ને ? તું હવે સંમતિ આપે એટલે…’

‘મારી સંમતિ તમને નહિ મળે, બાપુજી ! મારી જીવનસાધના ​ આડે એવાં ક્ષુલ્લક પ્રલોભનોને કૃપા કરીને ન નાખશો. જીવનને જીતી જવાનું હવે લગભગ હાથવેંતમાં છે, ત્યારે મને કાંઠે આવી પહોંચેલીને ડુબાડશો મા.’

‘બેટા, પણ તારા આ હઠાગ્રહથી કુટુંબની લાખોની મિલકત ફનાફાતિયા થઈ જશે એનો તને કાંઈ ખ્યાલ છે ?’

‘ના બાપુજી ! મને કાંઈ ખ્યાલ નથી. શી વાત છે ?’ સુલેખાએ ભોળેભાવે જ પૂછ્યું.

‘કુટુંબના દુશ્મન વરુની જેમ ટાંપીને બેઠા છે. કુટુંબનાં જ માણસોની દાનત બગડી છે…’

‘ખરેખર ?’

‘હા, ચતરભજ અને અમરતે મળીને ત્રાગડો રચ્યો છે….’

‘શાનો ?’

‘બહુ ખરાબ ત્રાગડો ગોઠવ્યો છે. પણ જિન પ્રભુની ઇચ્છાથી એ કાવતરું નિષ્ફળ જ જશે.’

‘પણ શાનું કાવતરું છે એ તો કહો બાપુજી ?’

‘એ જાણવાની હવે જરૂર નથી રહી. તારી સંમિત મળ્યા પછી જે વીલ થશે એમાં એ કાવતરાખોરોના હાથ હેઠા પડશે.’

‘પણ કાવતરું શાનું છે એ તમે કહેતા નથી ! મને મારી નાખવાના છે એટલું જ ને ?’ સુલેખાએ હસતાં હસતાં પૂછ્યું.

‘તું તો સો વરસની થા દીકરા ! તેં ક્યાં કોઈનું કાંઈ બગાડ્યું છે તે, તારી સામે કાવતરું થાય ? તેં તો બધેય આંબા વાવ્યા છે, બાવળ એકેય નથી વાવ્યો.’

‘તો પછી કોને મારી નાખવાનું કાવતરું ગોઠવાયું છે…?’

‘આભાશાને.’ લશ્કરી શેઠે ઠંડે અવાજે કહ્યું.

સુલેખાને જાણે કે વજ્રઘાત લાગ્યો. બોલી : ‘શું વાત કરો છો ​ બાપુજી ! સસરાજી જેવા પ્રેમાળ માણમ સામે આવું ગોઠનાર કોણ…?’

‘ઘરનાં ને ઘરનાં જ માણસો છે. ને જીવણશાની શિખવણી.’

‘અરેરે ! ઘરનાં જ ઘાતકી…!’

‘હા.’

‘કોણ નામ તો કહો.’

‘અમરત અને ચતરભજ. મેં કહ્યું નહિ, કે બેય જણે ત્રાગડો રચ્યો છે ! તોલો એક અફીણ ઘોળીને તૈયાર રખાયું છે.…’

‘હું સાચું માનું જ નહિ !’ સુલેખાએ કહ્યું.

‘તું માને કે ન માને, પણ એ હકીકત છે.’

‘સસરાજીની જિંદગી એટલી સસ્તી ન હોય, બાપુજી !’

‘એ તો ખાડો ખોદે એ જ પડે. અમરતની બધી યોજના ઊંધી વળી જશે. આભાશાના ઓરડામાં દાખલ થવાની પણ હવે એને બંધી કરવામાં આવી છે.’

‘બાપુજી ! જરૂર પડશે તો હું ખડે પગે સસરાજીની સેવા કરીશ અને એમની જિંદગીની રક્ષા કરીશ. એક ચકલુંય બારણામાં ફરકી ન શકે એની તકેદારી રાખીશ.’

‘બેટા, એ તો બધું નંદન કરે જ છે. તારે તો હવે સસરાજીને રાજી રાખવા સારુ એક જ કામ કરવાનું છે. બધી મિલકતનો સ્વીકાર કરી લે.’ લશ્કરી શેઠ ફરી મૂળ મુદ્દા ઉપર આવ્યા.

અમરત અને ચતરભજના કાવતરાની વાત સાંભળીને સુલેખા ધ્રૂજી ઊઠી હતી. એણે વિચાર્યું : આ મિલકત ન–ધણિયાતી છે એ કારણે જ આ લોકોની દાનત બગડે છે અને જીવતા જીવોના જાન લેવાના ત્રાગડા રચાય છે. કોણે કહ્યું કે સસરાજીના મૃત્યુ પછી આભાશાનું ઘર નધણિયાતું બનવાનું છે ? આ ઘરના એક્કેએક પથ્થરમાં રિખવનો આત્મા વિલસી રહ્યો છે. હજી તો હું હયાત છું ત્યારથી જ આ લોકો મિલકતના ધણી થવા મથે છે તો હું ન ​ હોઉં તો તો કોણ જાણે શું કરે ! ના, ના, રિખવના વારસાને હું આમ ફનાફાતિયા નહિ થવા દઉ. કોઈ કાળે નહિ થવા દઉં. જરૂર પડશે તો માનવતાની રક્ષા કરવા માટે મારા અપરિગ્રહવ્રતનો ત્યાગ કરીને પણ દુષ્ટોના હાથ હેઠા પાડીશ.

‘બાપુજી !’ સુલેખા આવેશમાં આવીને બોલી : ‘મેં મારો નિર્ણય બદલ્યો છે. ભલે સસરાજી બધી મિલકત મારા નામ ઉપર ચડાવી દિયે. પણ એક શરત મૂકું છું હું એ મિલકત મન ફાવે તેમ વાપરીશ…’

‘બેટા જેવી તારી મરજી ! તને યોગ્ય લાગે એમ વાપરજે. પણ અત્યારે તો બેચાર માણસોની જિંદગીઓ બચાવવી એ તારા હાથમાં છે. તું તો શાણી અને સમજુ છે. અત્યારે તેં નિર્ણય કર્યો એ તારી ઊંડી સમજશક્તિનો સૂચક છે.’

‘પણ બાપુજી ! મારી લાંબા સમયની ઇચ્છા તો એમના સ્મારક તરીકે જસપરમાં અન્નક્ષેત્ર સ્થાપવાની છે. રોજ ઊઠીને આ સામે શેરીમાં ભીખ માગતાં ભિખારીઓ અને લૂલાં–લંગડાં અપંગોને જોઉં છું ને મને અન્નદેવની થઈ રહેલી અવહેલના સાલ્યા કરે છે. બાપુજી, આપણે અનેક ઉપાસના કરીએ છીએ પણ અન્નની ઉપાસના વિસરી ગયા છીએ. શાસ્ત્રી માધવાનંદજી હમણાં મારી પાસે ઉપનિષદો વાંચે છે એમાં અન્નને બ્રહ્મ તરીકે ગણાવ્યું છે : अन्न ब्रह्मति व्यजानात्…

‘બેટા, તારી યોજના ઘણી જ સુંદર છે. એવું એક આદર્શ અન્નક્ષેત્ર જ રિખવ શેઠનું સાચું સ્મારક બની શકે. એ વિચાર સૂઝવા બદલ તને ધન્યવાદ ઘટે છે. તારા હાથમાં વહીવટ આવે કે પહેલી જ તકે એ યોજના અમલમાં મૂકજે. બેટા, તેં તો ખરેખર બાળરંડાપો ઉજાળ્યો. વિમલસૂરીએ ખોટું નહોતું કહ્યું કે સુલેખા તો કલાધરી છે.’ લશ્કરી શેઠે ઊભા થતાં કહ્યું. ​ ‘કલાધરી હજી બની તો નથી, પણ બનવાનાં સપનાં સેવું છું. એ માટે તમારી આશિષ માગું છું. બાપુજી !’

‘તારા વૃદ્ધ સસરાની આજ્ઞાનું પાલન કર્યું છે એ બદ્દલ તેઓ જ તારાં સપનાં પાર પડે એવી આશિષ આપશે. ચાલો ત્યારે જાઉં ’…. લશ્કરી શેઠે ઓરડાની બહાર પગ મૂકતાં કહ્યું.

એ વખતે સુલેખા જોઈ શકી કે લશ્કરી શેઠની મોખરે કોઈ પડછાયો ઝડપથી હાફળોફાંફળો આગળ દોડી ગયો હતો.

શું એ કોઈ ચોર હતો ?

કે જાસૂસ ?

*