શબ્દલોકના યાત્રીઓ – ૧/ઉશનસ્
કવિ ઉશનસનું મૂળ નામ નટવરલાલ કુબેરલાલ પંડ્યા. એમનો જન્મ શ્રીગૌડ બ્રાહ્મણ જ્ઞાતિમાં ઈ.સ.૧૯૨૦ના સપ્ટેમ્બરની ૨૮મી તારીખે. એમનું વતન સાવલી, જિલ્લો વડોદરા પણ વ્યવસાય નિમિત્તે જીવનનો મોટો ભાગ દક્ષિણ ગુજરાતમાં વીત્યો. માધ્યમિક શિક્ષણ તેમણે ડભોઈની હાઈસ્કૂલમાં લીધું. ઉચ્ચ શિક્ષણ વડોદરામાં. એ વખતે વડોદરા યુનિ. ન હતી. વડોદરા કૉલેજમાંથી ૧૯૪૨માં મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ વિષય ગુજરાતી સાથે તેમણે મુંબઈ યુનિ.ની બી.એ.ની પરીક્ષા સેકન્ડ ક્લાસમાં પાસ કરી અને ૧૯૪૫માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એની પરીક્ષા એજ વર્ગમાં પસાર કરી. થોડાં વર્ષો તેમણે નવસારીની આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. હાલ તેઓ વલસાડની આર્ટ્સ કૉલેજના આચાર્ય તરીકે કાર્ય કરી રહ્યા છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાક્ષેત્રમાં ઉશનસનું સ્થાન પહેલી હરોળમાં છે. તેમની કવિતામાં તૃણ અને પીંપળો ઘટકો બનીને આવે છે. ૧૯૭૨માં તેમને ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો એ પ્રસંગે તેમણે કહેલું: “ઘર સાવલીમાં, સાવલીની સીમમાં તો શું, છેક શેરીમાં, ઘરમાં આવીને ઊગતા ઘાસને મેં જોયું છે, અને એણે જ્યારે ઘરની ભીંત ઉપર ડોકિયું કાઢેલું ત્યારે હું જરા ડરી છળી ઊઠ્યો છું. ઘરની તિરાડમાં ઘાસ જોઈને એક કંપ સાથે ઘર છોડી હું દક્ષિણગુજરાતમાં આવ્યો. અહીં વિશાળ ઘાસ પ્રદેશોમાં પ્રભુનું વિભુ સ્વરૂપ જોયું, તૃણની આંગળી પકડી હું વનવગડો ફરી આવ્યો, અરે, બ્રહ્માંડો સુધી લટાર મારી આવ્યો.” દક્ષિણ ગુજરાતની પ્રકૃતિની રુદ્રરમ્ય છટાઓ એમની કવિતામાં ઝિલાઈ છે. ઉશનસ્ ગઝલકાર નથી, મુશાયરા ગજાવનારા નથી, તેમ છતાં એ લોકપ્રિય કવિ છે. તે બહુસંખ્ય કાવ્ય કૃતિઓ આપનારા છે. ઘરઆંગણાની કે દેશવિદેશની ઘટના ઉપર પણ તે લખે અને અંજલિ-કાવ્યો પણ લખે. તેમણે મંગલાષ્ટક લખ્યાં છે કે નહિ તેની ખબર નથી; પણ લખી શકે ખરા. પછી ગ્રન્થસ્થ કરે કે કેમ એ જુદી વાત. ગુજરાતનાં લગભગ બધાં જ સામયિકોમાં તમે ઉશનસની રચનાઓ જોશો. નિરાશ કરવાનું તેમના સ્વભાવમાં નથી, પણ ક્યારેક સાચા કાવ્યરસજ્ઞોને તે નિરાશ કરી બેસે છે! છંદ તેમને આસાન છે, હસ્તાકમલવત્ છે. પાણીના રેલાની જેમ શબ્દો છંદમાં ગોઠવાતા આવે છે. સંસ્કૃત તત્સમ શબ્દોનો તેમને ભારે શોખ. કોઈ વાર આખી પંક્તિની પંક્તિ દીર્ઘ સમાસવાળી ઊતરી આવે છે. સંસ્કૃત અને તળપદા શબ્દોનું તે ક્યારેક બળવંતરાયશાઈ મિશ્રણ પણ કરે છે. ધોધમાર સર્જકતા એ ઉશનસની કવિતાનો ગુણ તેમ સંમાર્જનનો અભાવ એ એમની કવિતાની ગંભીર મર્યાદા. તેઓ કવિતા લખ્યા પછી બીજી વાર વાંચ્યા વગર જ તંત્રીને રવાના કરી દેતા હશે એવો વહેમ આવે. પણ ઉશનસ્ કવિ છે, સારા કવિ છે. ગુજરાતી કવિતા તેમના વડે ઊજળી છે. એકાદ-બે મર્યાદાઓ વગરની કોઈ કવિતા દીઠી છે? શ્રી ઉશનસના કાવ્યસંગ્રહ ‘અશ્વત્થ’ને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું. ‘અશ્વત્થ’માં કવિકર્મની સઘનતા અને સુગ્રથિતતા બંનેનો સુખદ અનુભવ થાય છે, પ્રકૃતિ, પ્રણય અને પ્રભુ એ ત્રણ ઉશનસની કવિતાના મુખ્ય વિષયો છે. આ ત્રણે વિશેની અનવદ્ય રચનાઓ ‘અશ્વત્થ’માં મળે છે. આપણી સંસ્કૃતિમાં વિશેષોનું, કવિનું દર્શન પુષ્પપરાગ પેઠે પમરી ઊઠતું આપણે જોઈએ છીએ. ‘અશ્વત્થ’માં એક રચના ‘કવિનું જાહેરનામું’ છે, એ જાણે કે કવિ ઉશનસના હૃદ્ગતને યથાતથ અભિવ્યક્ત કરે છે. એમાં તે કહે છે : “કવિ લેખે મારે હવે બીજું કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી, મારી કવિતાએ સંદેશા આપવાનું કામ ક્યારનુંય છોડી દીધું છે. હવે હું માત્ર સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ થઈ જવા માગું છું. આ રહસ્યમય પંચભૂતોની વચ્ચે ઊભા રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે તે નકામા ડહાપણનો જલ્પ કરી એળે નહીં જવા દઉં, મારે આ પંચભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે ઊભા રહેવું છે. મારે એક પંચભૂતના પૂતળા લેખે પંચભૂતો સાથે મુક્ત અને પ્રગટ લેવડદેવડ કરવી છે, ને મારા ચિત્તના કૅમેરામાંથી અનંત છવિઓ પૃથ્વી પર પ્રસારિત કરવી છે.” કાલિદાસકથિત મનુષ્યલોકના વિસ્મયને જુદી જુદી મનોમુદ્રામાં ઝડપવા મથનાર કવિ શ્રી ઉશનસ્ કવિતારસિક ગુજરાતની સૂક્ષ્મ સંપત્તિ છે. ૧૯૫૫માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન’ પ્રગટ થયો. બીજે વર્ષે તેમણે સંવાદ-કાવ્યોનો સંગ્રહ ‘નેપથ્યે’ આપ્યો, એમાં ઠેરઠેર ‘કવિતાના ત્રીજા સૂર’નાં દર્શન થયાં. એ પછી ‘આર્દ્રા, ‘મનોમુદ્રા’, ‘તૃણનો ગ્રહ’, ‘સ્પંદ અને છંદ’, ‘ભારત દર્શન’ અને છેલ્લે ‘રૂપના લય’ અને ‘વ્યાકુલ વૈષ્ણવ’ સંગ્રહો પ્રગટ થયા છે. ‘રૂપના લય’ની પ્રસ્તાવનામાં મેં લખેલું કે ઉશનસની કવિતામાં વન્ય રૂપો અને શિષ્ટ લયનો સંવાદ બળવત્તર બનતો દેખાય છે. ઉશનસની કવિતામાં વતન તરફનો પ્રેમ અને માતાની મંગલ સ્મૃતિ આહ્લાદક નીવડે છે. તેમનાં ‘બા’ વિષયક કાવ્યો હૃદયસ્પર્શી નીવડ્યાં છે, ‘રૂપના લય’માં એક્સ્ટસીઝનો નવો પ્રકાર તેમણે ખેડ્યો છે. ચિંતનના ભાર વિનાની આ અનાયાસ અભિવ્યક્તિ ગમી જાય એવી છે. ‘વ્યાકુલ વૈષ્ણવ’ની ગીતિમાલાને કવિ સુન્દરમે “ગુજરાતની ગીતાંજલિ” તરીકે ઓળખાવી છે. હમણાં તે અમેરિકા ગયેલા. એનાં કાવ્યોનો સંગ્રહ ટૂંક સમયમાં પ્રગટ થશે. પણ શ્રી ઉશનસ્ કવિ ઉપરાંત વિવેચક પણ છે. ‘રૂપ અને રસ’ તેમ જ ‘ઉપસર્ગ’માં તેમના વિવેચનલેખો સંગ્રહાયા છે. તટસ્થ મૂલ્યાંકન, તેજસ્વી સહૃદયતા, સાંગોપાંગ અભ્યાસ અને પ્રાસાદિક ગદ્ય શૈલી એની વિશેષતા છે. ‘ગુજરાતી છંદોરચનામાં નાવીન્ય’, ‘સરસ્વતીચંદ્ર મહાકાવ્યનો રાત્રિસર્ગ’, ‘રાષ્ટ્રરોગચિકિત્સક રૂપક પાંચાલી’ જેવા લેખો તરત અભ્યાસીઓના સ્મરણે ચઢશે. એકએક કવિતાના સંરચના–તપાસ મૂલક આસ્વાદો બહુ લખાતા નહિ ત્યારે ઉશનસે ‘યુવક’ માસિકમાં એ શરૂ કરેલા. ‘હે સ્વપ્ન સુંદર’ અને ‘અશબ્દ રાત્રિમાં’ના તેમના રસાસ્વાદો માર્મિક વિવેચનનાં સારાં ઉદાહરણો છે. ‘વળાવી બા આવી’ એ તેમના પોતાના કાવ્યનું વસ્તુલક્ષી દૃષ્ટિએ તેમણે કરાવેલું રસદર્શન પણ ખાસ ઉલ્લેખ માગી લે છે. તેમનો નવો વિવેચનસંગ્રહ ‘મૂલ્યાંકનો’ પ્રેસમાં છે. શ્રી ઉશનસ્ તરફ મીટ માંડવાનો ગુજરાતને હક છે. ક્યારેક તે સર્જકતાનો નૂતન આવિષ્કાર કરી બેસશે. આપણે રાહ જોઈએ.
૪-૬-૭૮